For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં શિયાળો કાતિલ છે, ઉનાળો આકરો હશે!

Updated: Jan 22nd, 2023


- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

- દેશમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનો રેકોર્ડ તૂટયો. કોલ્ડવેવ ઉપરાંત આ મહિને વરસાદ પણ થયો. વાતાવરણની બે પેટર્ન ભેગી થઈ હોવાથી આપણે આ કાતિલ ઠંડી સહન કરવી પડી છે

દેશમાં શિયાળો આ વર્ષે મોડો કેમ શરૂ થયો?

આ વર્ષે શિયાળો આટલો આકરો કેમ છે?

હાડ ગાળતી ઠંડી વચ્ચે આ બંને સવાલો પૂછાઈ રહ્યાં છે. સામાન્ય રીતે દેશમાં દિવાળીના તહેવારો દરમિયાન ઠંડીનો ચમકારો શરૂ થાય છે. નવેમ્બરના અંતે ઠંડી જામતી જાય છે અને ડિસેમ્બર-જાન્યુઆરીમાં પિક પર પહોંચે છે. એક સમયે કહેવાતું, હોળીનું તાપણું કર્યા પછી ઠંડી ગાયબ થાય. દિવાળીથી ઠંડી શરૂ થતી, હોળીથી ગરમી શરૂ થતી અને અષાઢી બીજે વરસાદના અમી છાંટણાં થતાં. હવે ગરમી હોળી આવવાની રાહ જોતી નથી, એ પહેલાં જ ત્રાટકી જાય છે. ઠંડી ફેબુ્રઆરીમાં ગુમ થાય છે અને માર્ચ બેસતા જ ઉનાળો શરૂ થઈ જાય છે.

વર્ષો સુધી ભારતમાં મોસમની આ સાઈકલ હતી. છેલ્લાં એક દશકાથી ધીમા પગલે ઋતુચક્રમાં પરિવર્તન આવતું હતું. ક્યારેક વરસાદ વહેલો આવી જતો, ક્યારેક ઠંડી મોડે સુધી રહેતી. પરંતુ બે વર્ષમાં અચાનક સ્થિતિ સાવ બદલાઈ ગઈ. ઉનાળો ખૂબ લાંબો ચાલે છે. શિયાળાની ઋતુ ટૂંકી થઈ છે. ચોમાસું પણ માંડ અઢી મહિના ટકે છે. આ વર્ષે તો શિયાળો છેક ડિસેમ્બરના અંત સુધી ફીલ થતો ન હતો. ઠંડી ખોવાઈ છે - એવા મીમ્સ ફરતા થઈ ગયેલા ને ત્યાં જ જાન્યુઆરીમાં અચાનક શિયાળો એક સામટો આવીને ઠંડીનો હાહાકાર મચાવવા લાગ્યો. એક તો ઠંડી મોડી શરૂ થઈ અને એમાં સીધી ચોથા ગિયરની સ્પીડ પકડી લીધી.

શિયાળાની આ પેટર્ને લોકોમાં આશ્વર્ય જગાવ્યું. હવામાનશાસ્ત્રીઓ માટે ઋતુચક્રનું આ પરિવર્તન સંશોધનનો વિષય બન્યો. સામાન્ય લોકોથી લઈને નિષ્ણાતોમાં એક સવાલ ઘૂમરાતો રહ્યોઃ આ વર્ષે શિયાળો મોડો કેમ આવ્યો?

લાનીના. આ સમુદ્રી અને વાતાવરણની ઘટના ઠંડી માટે જવાબદાર છે - એ હવે ઘણું જાણીતું છે. આ એક ક્લાઈમેટ પેટર્ન છે. લા નીના સ્પેનિશ શબ્દ છે, જેનો અર્થ થાય છે - એક છોકરી. એનો વિરોધી શબ્દ છે, અલ નીનો. એ પણ સ્પેનિશ શબ્દ છે. એક છોકરો - એવો એનો અર્થ થાય છે. એ ગરમીની પેટર્નને પ્રભાવિત કરે છે. સરળ ભાષામાં કહીએ તો છોકરી ઠંડીની પેટર્ન માટે અને છોકરો ગરમીની પેટર્ન માટે જવાબદાર છે. આ બંને ઘટના ૯થી ૧૨ મહિના ચાલે છે. આ જટિલ પ્રક્રિયા વાતાવરણને સીધી અસર કરે છે. એ પ્રક્રિયા જેટલી તીવ્ર હોય એટલી જ તીવ્ર ઠંડી કે ગરમી પડે છે.

દુનિયાભરની વેધર એજન્સીઓની નજર આ બંને પ્રક્રિયા પર હોય છે. ભારતમાં ઓછા વધુ વરસાદથી લઈને અમેરિકામાં ત્રાટકતા તોફાનો સુધી આ બંને પ્રક્રિયા અસર કરે છે. એક જ પ્રક્રિયા અલગ અલગ દેશમાં જુદી જુદી અસર કરે છે. જેમ કે, ઘણી વખત અલ નીનોથી અમેરિકામાં ભારે વરસાદ આવે છે, એનાથી જ ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ જેવા દેશોમાં દૂકાળ પડે છે. લા નીનાની અસરથી સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઘટી જાય છે, પરિણામે કાંઠા વિસ્તારોમાં ઠંડો વાયરો ફૂંકાય છે. આપણે જે હાડ ગાળતી ઠંડીનો અનુભવ ઘરમાં બેસીને કરીએ છીએ એ જોજનો દૂર સમુદ્રમાં બનેલી આ ઘટનાનું પરિણામ છે.

જુદા-જુદા સમયે જો પેટર્ન આવે તો એની અસર બદલાઈ જાય છે. આ વખતે એવું જ થયું. ૨૦૧૮થી ૨૦૨૦ સુધી લા નીનાની અસર નહોતી. ૨૦૨૧માં ફરીથી એની અસર શરૂ થઈ અને ૨૦૨૩ સુધી એનો પ્રવાહ ચાલશે. ૨૦૨૨ના સપ્ટેમ્બરમાં આ પેટર્નની અસર હેઠળ ઉત્તર ભારતમાં અચાનક ચોમાસા દરમિયાન ગરમી પડવા લાગી હતી. દેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું ગાયબ થઈ ગયું હતું. એકાએક ઉનાળા જેવો માહોલ બની ગયો હતો. વચ્ચે વરસાદે વિરામ લીધો અને પછી લા નીનાના કારણે થોડા દિવસ વરસાદ પડયો, ઈન ફેક્ટ એક સપ્તાહ ચોમાસું વધ્યું. એક તો પહેલેથી જ ક્લાઈમેટ ચેન્જનો કકળાટ છે, એમાં લા નીનાથી ઓક્ટોબર મહિનો ગરમ બની રહ્યો. વેધર એજન્સીઓના કહેવા પ્રમાણે ડિસેમ્બર-૨૦૨૨થી ફેબુ્રઆરી-૨૦૨૩ દરમિયાન લા નીના અસર વધી હોવાથી વાતાવરણમાં પરિવર્તન થયું છે. જે શિયાળો ડિસેમ્બરમાં આવી જતો હતો એને લા નીનાએ રોકી રાખ્યો અને પછી અચાનક જાન્યુઆરીમાં એની માત્રામાં વધારો થતાં આખો શિયાળો એક સામટો ઠાલવી દીધો. પરિણામ? ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડી.

જો ઓક્ટોબરમાં અચાનક લા નીનાએ અસર બતાવીને ચોમાસાના દિવસો વધાર્યા ન હોત તો અકાળે ગરમીનો અનુભવ થયો ન હોત. જો એ વખતે નિયમિત ઋુતુચક્ર ચાલ્યું હોત તો અત્યારે જે હાડ ગાળતો શિયાળો ત્રાટક્યો છે એ ડિસેમ્બરમાં તૂટી પડયો હોત અને જાન્યુઆરી માસના અંતે શિયાળો ઉચાળા ભરવાની તૈયારી કરતો હોત.

વેલ, આ વર્ષે એક વાત નક્કી હતી - હાડ ગાળતી ઠંડી. કેમ?

આ વર્ષે કાતિલ ઠંડી આપણાં કપાળે લખાયેલી હતી, એટલું નક્કી હતું. શિયાળો આટલો આકરો કેમ છે? એનો એક જવાબ લા નીના છે. લા નીનોના કારણે પ્રશાંત મહાસાગરની જળસપાટી મહિનાઓ પહેલાં ઠંડીગાર થઈ ગઈ હતી. એને સ્પર્શીને આવતો વાયરો ઓસ્ટ્રેલિયાના રસ્તે હિન્દ મહાસાગરનો પ્રવાસ કરે છે. આપણે વારંવાર વાંચીએ-સાંભળીએ છીએ કે ઠંડો પવન ફૂંકાયો, આપણે એવીય ચર્ચા કરીએ છીએ- 'ઘરમાં ઠંડી ઓછી લાગે છે, બહાર બહુ ઠંડો પવન છે.' આપણાં સુધી પહોંચતો એ પવન લા નીના નામની ઠંડીગાર છોકરીને સ્પર્શીને આવે છે, પરિણામે આપણા શરીરને એ પવન અડે ત્યારે આપણેય ઠંડાગાર થઈ જઈએ છીએ!

બીજો જવાબ છે- આર્ક્ટિક ઓસિલેશન. ઓસિલેશન એટલે કંપન. આર્ક્ટિક ઓસિલેશન એટલે આર્ક્ટિકમાં થતું કંપન એવું સરળ ભાષાંતર થાય, પણ એ પ્રક્રિયા એટલી સરળ નથી. લા નીના, અલ નીનોની જેમ આ પણ જટિલ ક્લાઈમેટ પેટર્ન છે. આર્ક્ટિકમાં થતી આ પ્રક્રિયાની સૌથી પહેલી અસર એટલાન્ટિક મહાસાગરમાં થાય છે. એટલાન્ટિકનો ઠંડો વાયરો દક્ષિણ-પૂર્વ તરફ ફંટાઈને હિન્દ મહાસાગરમાં આવી ચડે છે અને ત્યાંથી કાતિલ ઠંડીના મોજાં રૂપે ભારત આખામાં ફરી વળ્યો છે. આર્ક્ટિક ઓસિલેશનની અસર ભારતની ઠંડી પર થતી હોવાનું આ તારણ બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીના સંશોધકોનું છે.

આ યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે દુનિયાના ઘણાં દેશોમાં આ પેટર્નની અસર થાય છે. ક્યારેક અસહ્ય ઠંડી, ક્યારેક આકરી ગરમી, ક્યારેક ધોધમાર વરસાદના સ્વરૂપે આ પેટર્ન તેની હાજરી દેખાડે છે. ક્લાઈમેટ ચેન્જની વરવી અસરો થવા માંડી છે એટલે આમેય વાતાવરણ બદલાવા લાગ્યું છે. ઋતુચક્રમાં મોટા પરિવર્તનો જોવા મળી રહ્યાં છે. જાન્યુઆરી માસમાં ઉત્તર ભારતમાં ઠંડીના બધા જ રેકોર્ડ તૂટયા એ પાછળ ક્લાઈમેટની આ બંને પેટર્ન જવાબદાર છે. તે ઉપરાંત ક્લાઈમેટ ચેન્જની અસરો તો ખરી જ. ભારતમાં આ વર્ષે જાન્યુઆરી મહિનો પાંચ દશકામાં ચોથો સૌથી ઠંડો જાન્યુઆરી રહ્યો અને છેલ્લાં ૩૦ વર્ષના બધા જ રેકોર્ડ તૂટી ગયા. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો શૂન્ય નજીક પહોંચ્યો એ પણ નવો રેકોર્ડ બન્યો. મેદાની પ્રદેશોમાં એવો વાયરો ફૂંકાયો કે તાપણાં ય આ વર્ષે બેઅસર બની ગયા.

આ વર્ષે એક્સટ્રીમ વેધરની આ વાત અહીં પૂરી નહીં થાય. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે લા નીનાની જેમ હવે અલ નીનોની પણ અસર થશે. પરિણામે ૨૦૨૩નું વર્ષ ગરમીના જૂના રેકોર્ડ તોડે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. કાતિલ શિયાળો પૂરો કરો, આકરો ઉનાળો આપણી રાહ જોઈ રહ્યો છે!


Gujarat