Get The App

મેર કત્લ પે આપ ભી ચૂપ હૈ, અગલા નંબર આપકા હૈ

Updated: Jan 21st, 2023

GS TEAM

Google News
Google News
મેર કત્લ પે આપ ભી ચૂપ હૈ, અગલા નંબર આપકા હૈ 1 - image


- અંતરનેટની કવિતા - અનિલ ચાવડા

લોગઇન

નાઝીઓ જ્યારે સામ્યવાદીઓને પકડવા માટે આવ્યા,

ત્યારે હું ચૂપ રહ્યો;

હું સામ્યવાદી નહોતો.

એ લોકો જ્યારે સમાજવાદીઓને પકડવા માટે આવ્યા,

ત્યારે હું ચૂપ રહ્યો;

હું સમાજવાદી નહોતો.

એ લોકો જ્યારે કામદાર યુનિયનવાળાઓને પકડવા માટે આવ્યા,

ત્યારે હું ચૂપ રહ્યો;

હું કામદાર યુનિયનવાળો નહોતો.

એ લોકો જ્યારે યહુદીઓને પકડવા માટે આવ્યા,

ત્યારે હું ચૂપ રહ્યો;

હું યહુદી નહોતો.

એ લોકો જ્યારે મને પકડવા માટે આવ્યા,

ત્યારે બોલવા માટે કોઈ બચ્યું જ નહોતું.

- માર્ટિન નાઈમુલર (અનુ. ધવલ શાહ)

ઉપરોક્ત કવિતા વાંચતાની સાથે ઉર્દૂના પ્રસિદ્ધ શાયર નવાઝ દેવબંદીનો આ શેર યાદ આવ્યા વિના ન રર્હેૉ

उस के कत्ल पे मैं भी चुप था अब मेरा नम्बर आया मेरे कत्ल पे आप भी चुप है

अगला नम्बर आपका हैं 

રસ્તામાં આવતો પથ્થર પણ જ્યાં સુધી આપણને ન વાગે ત્યાં સુધી આપણે હટાવતા નથી. ઘણા તો ઠેસ ખાઈનેય આગળ નીકળી જશે, પણ પથ્થર નહીં હટાવે. માર્ગમાં કોઈને લૂંટવામાં આવતો હોય તો એ ક્યાં આપણો ભાઈ કે કોઈ સગો છે, એમ વિચારીને આપણે ચાલતી પકડીએ છીએ. વળી એવી પણ માનસિકતા હોય કે આ બધા ડખામાં આપણે શું કામ પડવું? બીજાં હજાર કામ પડયાં છે. કોઈને અકસ્માત થયો હોય તોય ગાડી રમરમાવી મેલતા હોઈએ છીએ. હોસ્પિટલની દોડાદોડી કે પોલિસ સ્ટેશને જવાની માથાકૂટોમાં કોણ પડે? આ જ માનસિકતા સાથે જિંદગી વીતી જાય છે. સત્તાની ખુરશી પ્રજાની આવી જ માનસિકતાને લીધે જ ટકેલી હોય છે. જે દિવસે દરેક માણસ એવું વિચારતો થઈ જાય કે આ બાજુવાળા પર આવેલી મુશ્કેલી મારી પર પણ આવી શકે છે, તે દિવસથી રાજસત્તાની ખુરશીના પાયા ડગમગવા લાગશે. પણ એવું થવાનું નથી.

માર્ટિન નાઇમુલર એક પાદરી હતા. જ્યારે હિટલરનો આખા વિશ્વમાં જયજયકાર થઈ રહ્યો હતો, ત્યારે તેમણે તેનો વિરોધ કરેલો. અત્યારે હિટલર મહાહત્યારો ગણાય છે, પણ એ વખતે તેની એટલી બધી બોલબાલા હતી કે જર્મનીમાં તો હિટલર કહે તે જ સાચું ગણાતું. તે બોલે તે પથ્થર પરની લકીર માનવામાં આવતી. લોકોને પણ એમ જ લાગતું કે હિટલર જેવો જર્મનીનો હિતેચ્છુ બીજો કોઈ હતો નહીં, છે નહીં ને થશે નહીં. તે જે કરે છે તે અમારા ભલા માટે કરે છે. આખું જર્મની હિટલરની આંખે જોતું હતું. સમય જતાં કોન્સન્ટ્રેશન કેમ્પ, ગેસચેમ્બર અને બધી હત્યાઓ બહાર આવી. સત્ય ક્યાં સુધી દબાયેલું રહે? હિટલરો દરેક સમયે હોય છે. અને કરૂણતા એ છે કે એ જ્યારે હોય છે, ત્યારે લાગતા નથી. એ વખતે તો આપણને એમની સિવાય દુનિયાની બધી વાતો ફોકટ લાગતી હોય છે. એમની આંખે આપણને બધું જોવાની ટેવ પડી ગઈ હોય છે.

સત્તાની ખુરશી મોટે ભાગે 'મારે શું?'ની વૃત્તિ પર ટકેલી હોય છે. હિટલર જેવા ઘણા સત્તાધારીઓ ચાલાકીપૂર્વક અત્યાચારો કરતા હોય છે, એની ઘણાને જાણ પણ હોય છે. પણ જે જાણતા હોય તે મારે શું? મને ક્યાં કંઈ વાંધો છે એમ માનીને ચાલવા દે છે. આગળ જતા આ વાંધો એના માથામાં પથરા જેમ વાગે છે. એ પથરો પણ એવે વખતે વાગે છે કે એમ્બ્યુલન્સ પણ ત્યાં સમયસર ન પહોંચી શકે. અમુક માણસો 'સૌનું થશે એ વહુનું થશે'ની વૃત્તિવાળા પણ હોય છે. આપણને એકલાને થોડી તકલીફ છે. આખા ગામને છે. અને આખા ગામને એટલા માટે તકલીફ રહે છે કેમ કે આખા ગામનો દરેક જણ એમ જ વિચારતો હોય છે કે આપણને એકલાને ક્યાં મુશ્કેલી છે! મોંઘવારીની વાત આવે તો કહે, હશે આપણને એકલાને મોંઘવારી ક્યાં નડે છે. બેકારીની ચર્ચા થાય તો તરત કહે મારો ભાઈ કે છોકરો એકલો બેકાર થોડો છે? આખો દેશ રઝળે છે! ભણતરની વાત આવે તોય કહે આપણે ત્યાં જ એજ્યુકેશનની તકલીફ છે એવું નથી. લાઇટ, પાણી, રસ્તા કે વાહનવ્યવહારની સુવિધામાં પણ આ જ માનસિકતા ચાલ્યા કરે છે.

લોગઆઉટ

अगर खिलाफ हैम होने दो, जान थोडी है

ये सब धुआँ है कोई आसमान थोडी है

लगेगी आग तो आएँगे घर कई जद में

यहां पे सिर्फ हमारा मकान थोडी है

- રાહત ઇન્દોરી


Tags :