Get The App

હોસ્પિટલના ઓરડામાં બાપુ બોલી ઉઠયાં કે 'આવો, બોરસદના રાજા, આવો'

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
હોસ્પિટલના ઓરડામાં બાપુ બોલી ઉઠયાં કે 'આવો, બોરસદના રાજા, આવો' 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- વલ્લભભાઈએ પણ બોરસદ સત્યાગ્રહના વિજયોત્સવની ઉજવણી વખતે પોતાના 12-1-1924ના ભાષણમાં કહ્યું હતું કે 'આપણી લડત આસુરી નથી...'

વ લ્લભભાઈએ બોરસદમાં વકીલાત કરી હતી ઈ.સ.૧૯૦૨થી ૧૯૧૦ના આઠ વર્ષ દરમ્યાન. વલ્લભભાઈએ બોરસદ સત્યાગ્રહનું સુકાન સંભાળ્યું હતું. ઈ.સ.૧૯૨૩ના ડીસેમ્બર-જાન્યુઆરીના આઠ અઠવાડિયામાં, વલ્લભભાઈએ બોરસદમાં પ્લેગની મહામારીને નિવારવાનું સેવાકાર્ય કર્યું હતું. ઈ.સ.૧૯૩૫ના માર્ચ મહીનાથી પૂરા ૮૦ દિવસ. આવા ઐતિહાસિક બનાવોએ વલ્લભભાઈ અને બોરસદ વચ્ચેનો અતૂટ સંબંધ, આજીવન બાંધી રાખ્યો હતો.

પરંતુ જાહેર જીવનના પૂર્વાશ્રમે વલ્લભભાઈએ બોરસદની વકીલાત દરમ્યાન જે કાંઈ માન-પાન અને સંબંધોની પૂંજી એકઠી કરી હતી, એ મિલકત ઉપર જ તેઓ પાછળના વર્ષોમાં સત્યાગ્રહ અને પ્લેગ નિવારણના પડકારને પાર પાડી શક્યા હતા. બોરસદ લડતનો અંત આમ આટલો જલ્દી આવી જશે એવુ તો કોઈએ ધાર્યું નહોતું. વળી આ એવી લડત(સત્યાગ્રહ) હતી, જેમાં પ્રજાની પૂરેપૂરી જીત થઈ હતી. ગાંધીજીએ પણ ૧૯૨૪ની ૬ઠ્ઠી એપ્રિલે 'નવજીવન'માં લખેલું કે 'બોરસદ સત્યાગ્રહ ખેડાના સત્યાગ્રહ (૧૯૧૮)થી ઘણે અંશે ચડી જાય છે. ખેડાની જીત કેવળ માનની જીત હતી.... બોરસદમાં સત્યાગ્રહનો જ પૂર્ણ  વિજય થયો. તેમાં માન અને અર્થ, બંને સચવાયાં અને જીત મળવામાં બીજા કોઈ યોગ્ય કે અયોગ્ય સાધનનું મેળવણું થયું નહીં.'

વલ્લભભાઈએ પણ બોરસદ સત્યાગ્રહના વિજયોત્સવની ઉજવણી વખતે પોતાના ૧૨-૧-૧૯૨૪ના ભાષણમાં કહ્યું હતું કે 'આપણી લડત આસુરી નથી. એટલે દુશ્મને જ્યારે હથિયાર હેઠાં મૂક્યાં, ત્યારે તમારે તેની સાથે મહોબત કરવી અને પોલીસને પણ તમારી ઉજવણીમાં ભાગ લેવાને બોલાવવા. તમારા કોઈ કાર્યથી તેને ચીડ થતી હોય કે ત્રાસ ઉપજતો હોય તો તમારે તેવુ કાર્ય છોડવું..... તલાટી, મુખી, રાવણિયા, પોલીસ વગેરે જોડે મહોબત કરો, અને તેમનો વિરોધ છોડો. તેમણે કરેલી જપ્તીઓ ભૂલી જાઓ.... તેમના તરફ ઉદારતા સિવાય બીજું કશું જ ન હોઈ શકે.'

વલ્લભભાઈના સુકાનીપણામાં બોરસદ સત્યાગ્રહ જે ઝડપથી સમેટાયો, તેટલી જ ચિવટથી શરૂ પણ થયો હતો. બોરસદવાસીઓએ દિલ્લીથી અમદાવાદ આવેલા વલ્લભભાઈને મળીને જ્યારે પંથકના હૈડિયાવેરાની હાડમારી કહી સંભળાવી, ત્યારે વલ્લભભાઈએ સૌ પહેલાં તો એ રજૂઆતની ખાતરી કરવા જાતતપાસની સમિતિઓ રચી. એ સમિતિએ ભારે જહેમત ઉઠાવી, ગામે-ગામે ફરી, ઝીણી ઝીણી વિગતોની ચોક્સાઈ કરી, અહેવાલ તૈયાર કર્યો હતો. એમાં અગ્રણી હતા ખેડા સત્યાગ્રહના ઉત્સાહી કાર્યકરો પૈકીના મોહનલાલ કામેશ્વર પંડયા (કઠલાલ) અને રવિશંકર વ્યાસ (મહારાજ).

એ અહેવાલ જ્યારે વલ્લભભાઈને વાંચી સંભળાવ્યો, ત્યારે તેમણે બરિસ્ટરની અદાથી હકીકતોની સચ્ચાઈ વિશે સવાલોની ઝાડી વરસાવી, જેમાં એવી જ ગંધ આવે કે વલ્લભભાઈ અહેવાલની કામગીરીને શંકાથી જોઈ રહ્યાં છે. તેથી રવિશંકર મહારાજને ઘણું માઠું યે લાગેલું અને તેમણે મનમાં ગાંઠ પણ વાળેલી કે આવા કડક અને શંકાશીલ સ્વભાવના આગેવાન જોડે કામ જ કરવું નહીં. જો કે થોડા જ સમયમાં તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, અને વલ્લભભાઈની દ્રષ્ટિ,નિસબત અને વ્યવસ્થાપનનો અનુભવ રવિશંકર મહારાજે કરી લીધો, ત્યારથી તેઓ વલ્લભભાઈના નિષ્ઠાવાન સાથી પણ બની ગયાં. પરંતુ આ રીતે બોરસદની લડતની શરૂઆતે સાથીઓના કામનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને અંતે પ્રજા વિજયના ઉન્માદ તરફ વળે નહીં, તેનું ધ્યાન રાખવું, આ બે છેડા ઉપર વલ્લભભાઈ ગાંધીજીના સાચા સૈનિક તરીકે અડીખમ રહ્યાં હતા.

બોરસદ સત્યાગ્રહની પૂર્ણાહુતિ સભા પૂરી થયા બાદ પણ વલ્લભભાઈ ત્રણ-ચાર દિવસ સુધી બોરસદમાં રોકાયા હતા. તાલુકાના અનેક ગામડાઓમાં ફર્યા હતા. ગામેગામ લોકોને રૂબરૂ મળીને ગાંધીજીનો સંદેશ સમજાવતા હતા. પરિણામે બોરસદ તાલુકાની પ્રજામાં અપૂર્વ જાગૃતિ ઉભી થઈ. ગાંધીજી ચિંધ્યા રચનાત્મક કાર્યોના વહેણે વેગ પકડયો. બત્રીસ જેટલાં ચુનંદા કાર્યકરોએ એક વરસ માટે બોરસદ પંથકમાં રોકાઈ જઈને ચોરી, લૂંટફાટ અને વ્યસનોમાં ખદબદતી પ્રજાને સત્વશીલ માર્ગે વાળવા માટે ઠેર-ઠેર થાણાંઓ સ્થાપ્યાં. સરદારે લોકકેળવણી માટે કહ્યું કે 'મહાત્માજીની ચળવળમાં આ ખાદીવાળા નવા બહારવટિયા નીકળ્યાં છે. ગરીબ પ્રજા ઉપર જ્યાં જ્યાં સરકારનો જુલમ થતો હશે ત્યાં ત્યાં આ બહારવટિયાઓ પહોંચશે.... આપણને સ્વરાજ મળ્યું હશે ત્યારે આવી પદ્ધતિએ (ચોરી-લૂંટફાટવાળાને પાલવીને) આપણને રાજ્ય ચલાવવું પાલવશે નહીં. આપણે લૂંટારાઓને સુધારી લેવા પડશે.'

આ વલ્લભવચનનો સીધો પડઘો એ પડયો કે પંથકના અનેક ગામોમાં થાણાંઓ, છાવણીઓ સ્થપાઈ, અને તેના દ્વારા સ્વરાજ માટે આવનારી મોટી લડતનો જનમત તૈયાર થયો, ઘડાયો અને મેદાને ઉતર્યો.

જોગાનુજોગે જે દિવસે બોરસદમાં વિજયોત્સવ ઉજવાતો હતો તે જ દિવસે, ૧૨મી જાન્યુઆરી,૧૯૨૪એ, ગાંધીજી ઉપર પૂનાની સાસુન હોસ્પિટલમાં નાનકડી સર્જરી કરવામાં આવી હતી. આ એક અણધાર્યો સુયોગ હતો, બોરસદ પંથકની પ્રજામાંથી અને ગાંધીજીના શરીરમાંથી રોગને હટાવવાની સર્જરીનો. ૧૮મી જાન્યુઆરીએ સાંજે ચાર વાગે વલ્લભભાઈ મહાદેવભાઈ દેસાઈની સાથે બાપુને મળવા પુનાની હોસ્પિટલે પહોંચ્યા, ત્યારે આખા ઓરડાને ભરી દેતા અવાજે બાપુનો રણકો રણક્યો કે...'આવો, બોરસદના રાજા, આવો.... તમે તો બોરસદને શોભાવ્યું..... આવી જીત હિંદુસ્તાનમાં આપણને એકેય મળી નથી.'

બાપુના આ શબ્દોએ સત્યાગ્રહી વલ્લભભાઈની રગેરગમાં પ્રાણ ફૂંક્યા. જેનું બીજું એક ઐતિહાસિક પરિણામ એ આવ્યું કે વલ્લભભાઈને ભવિષ્યમાં 'સરદાર'નું બિરૂદ અપાવનાર બારડોલી સત્યાગ્રહના એંધાણા અહીંથી જ મળવા માંડયા.