- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'સંસારરૂપી વૃક્ષના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ આ જગતમાં નથી કરી શકાતો, કારણ કે તેનો ન તો કોઈ આરંભ છે, ન અંત!'
કું ડલિની-વિજ્ઞાન એક અતિપ્રાચીન વિદ્યા છે, જે સુયોગ્ય તથા સુપાત્ર સાધકોને ગુરુ દ્વારા કઠોર અનુશાસન સાથે મૌખિક અથવા કર્ણોપકર્ણ પરંપરા થકી ગુપ્ત રીતે પ્રદાન કરવામાં આવતી. આ વિજ્ઞાન આજની તારીખે પણ અકબંધ છે. સાધક એવો હોવો જોઈએ, જે પૂર્ણ સમર્પણ અને મક્કમતા સાથે આ પથ પર ચાલી શકે.
પોતાના અંગ્રેજી પુસ્તક 'કુંડલિની : એન અનટૉલ્ડ સ્ટોરી'માં ઓમ સ્વામી જણાવે છે કે, ચક્ર બ્રેસલેટ, પેન્ડેન્ટ, અગરબતી/ધૂપ, ચટ્ટાઈ, આસન, વસ્ત્ર, દીવાલો પર લગાવાતી તસ્વીરો અથવા ભીંતચિત્રો, ચક્ર મ્યુઝિક, ચક્ર પ્રોગ્રામ્સ/વર્કશૉપ અને આવી અનેક સામગ્રી-સંસાધનોનો કુંડલિની ચક્રોની વાસ્તવિક સાધના સાથે કોઈ જ સંબંધ નથી. જે કોઈપણ વ્યક્તિ આપના અંગો અથવા મસ્તક (અથવા ક્યાંય પણ) પર સ્પર્શ કરીને આપની કુંડલિની ઊર્જા જાગૃત કરી આપવાનો દાવો કરતી હોય, એ ખોટું બોલી રહી છે... પછી ભલે એ માણસ દેખાવ અથવા વાણી થકી ગમે એટલો વાસ્તવિક અને જાદુઈ કેમ ન જણાતો હોય!
એવા લોકો પણ છે, જે આપના ચક્રોને જોઈ શકવાનો અથવા વાંચવાનો દાવો કરતા ફરે છે... તેઓ પણ આપને મૂર્ખ બનાવવા સિવાય બીજું કશું નથી કરી રહ્યા! એનો અલૌકિક શક્તિ સાથે કોઈ સંબંધ નથી. જ્યારે કુંડલિનીના સાત ચક્રોની વાત આવે, ત્યારે એને જોવા અથવા વાંચવાની ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. આપના ચક્રો કોઈ પુસ્તકના પાનાં નથી, જેને રસ્તે ચાલનારો માણસ પણ વાંચી જાય! લોકો ચક્રો ખોલવા અને બંધ કરવાની વાતો તો એવી રીતે કરતા હોય છે જાણે એ બિસ્કિટની બરણીનું ઢાંકણ હોય; જેને ખોલવું અને બંધ કરવું સરળ હોય! કરોડરજ્જુમાં ઉપરની તરફ સર્પાકાર આગળ વધતા સ્પંદનોનો પણ કુંડલિની જાગૃત થવા સાથે કોઈ નાતો નથી. જો આ પ્રકારની અનુભૂતિ વારંવાર થતી હોય, તો કોઈક સારા ન્યુરૉલોજિસ્ટ પાસે તપાસ કરાવવી જોઈએ.
સાતે-સાત ચક્રની ચોક્કસ પાંખડીઓ, એના રંગ, ચક્રોમાં નિવાસ કરતાં વિભિન્ન ઈષ્ટદેવ, એમની સંગિની-શક્તિઓ, જુદા જુદા આકાર... આ વિશે આપે ઘણું ખરું સાંભળ્યું હશે. આ બધી બિનજરૂરી જટિલ વાતો છે. ચક્રની વાસ્તવિક સમજ તો સંપૂર્ણત: અલગ જ ઘટના છે.
न रुपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च संप्रतिष्ढा ।
अश्वत्थमेनं सुविऱुढ-मूलमसङग-शस्त्रेण दढेन छित्वा ।।
ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन्गता न निवर्तन्ति भूयः।
तमेव चाधं पुऱुषं प्रपधे यतः प्रवृत्तिः प्रसृता पुराणी ।।
(શ્રીમદ્ ભગવદ્ ગીતા, ૧૫.૩ અને ૧૫.૪)
ભાવાનુવાદ : ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, 'સંસારરૂપી વૃક્ષના વાસ્તવિક સ્વરૂપનો અનુભવ આ જગતમાં નથી કરી શકાતો, કારણ કે તેનો ન તો કોઈ આરંભ છે, ન અંત! અને નથી તેનો કોઈ આધાર. અત્યંત જડતા અથવા મજબૂતી સાથે રોપાયેલા આ વૃક્ષને વૈરાગ્યરૂપી હથિયાર વડે જ કાપી શકવું સંભવ છે. વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે તેને કાપી નાખ્યા પછી મનુષ્યએ એના પરમલક્ષ્ય અર્થાત્ પરમસત્યના માર્ગની શોધખોળ શરૂ કરવી જોઈએ. એ માર્ગ પર પહોંચી ગયેલો પથિક પછી આ સંસારમાં પરત નથી ફરતો. ભવસાગર પાર કર્યા પછી પરમધામના કિનારે પહોંચી ગયેલો સાધક મુક્ત થઈ જાય છે અને તે ઈશ્વરના વિરાટ સ્વરૂપમાં હંમેશા હંમેશા માટે વિલીન થઈ જાય છે.
બસ, આ જ કુંડલિનીનું સંપૂર્ણ સત્ય અને વાસ્તવિકતા છે. આપે અત્યારસુધીમાં જે કંઈપણ જોયું, વાંચ્યું અથવા સાંભળ્યું હશે, એ સત્ય નથી... એટલીસ્ટ, પૂર્ણ સત્ય તો નથી જ! જે ક્ષણે આપ ચક્રોનું વિભેદન અથવા જાગરણનો અનુભવ કરશો, તે ક્ષણે આપ પરમાનંદની એ અવસ્થામાં પહોંચી જશો, જ્યાંથી કોઈ પરત ફરી શકતું નથી. અ પૉઇન્ટ ઑફ નો રિટર્ન!


