Get The App

સંવેદનાનું સ્ટેસ્થોસ્કોપ અટકી ગયું છે .

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
સંવેદનાનું સ્ટેસ્થોસ્કોપ અટકી ગયું છે                          . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'માસી એ વાતનો તો લોચો છે. સચીને કોફી ભાવે છે અને મને ચા. મારે ઘણી વખત પરાણે કોફી પીવી પડે છે પણ એ ચા નથી પીતી. તમારી જોડે એટલે જ તો થર્મોસ ભરાવી જાઉં છું કે મારે પરાણે ન પીવી પડે.'

'નિ લના નામનું એક પાર્સલ આવ્યું છે. સચી તું જોઈ લેજે આ પાર્સલ કોનું છે? મને નથી લાગતું કે આપણા ડિપાર્ટમેન્ટનું હોય. કદાચ બીજો કોઈનું હશે પણ બાકીનાને પૂછી લેજે.' - ડો. શુંભાંકર મિશ્રાએ વોર્ડની બહાર નીકળતા કહ્યું. 

'સ્યોર સર. હું બાકીના ડોક્ટર્સ રાઉન્ડમાંથી આવી જાય એટલે પુછી લઈશ.' - સચીએ જવાબ આપ્યો પણ તે પહેલાં તો ડો. મિશ્રા બહાર નીકળી ગયા હતા. સચીએ કાનમાં હેડફોન્સ ભરાવ્યા અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ ત્યાં એક વ્યક્તિ અંદર આવી.

'એક્સક્યુઝમી સિસ્ટર, અહીંયા કોઈ પાર્સલ આવ્યું છે. નિલ મહેતાના નામે?' -  નિલે રૂમમાં આવતાની સાથે કહ્યું.

હેડફોન્સ ભરાવ્યા હોવાથી સચીને તેની વાત સંભળાઈ નહીં પણ તેણે નિલ સામે જોયું અને જોતી જ રહી.

નિલ તેની નજીક ગયો અને એક કાનમાંથી હેડફોન કાઢયા અને બોલ્યો, 'એક્સક્યુઝમી સિસ્ટર... અહીંયા કોઈ પાર્સલ આવ્યું છે. નિલ મહેતાના નામે?'

'ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ ડોક્ટર સચી. આઈ એમ નોટ એ નર્સિંગ સ્ટાફ. નિલ મહેતાનું પાર્સલ સામે પડયું છે.' -સચીએ જવાબ આપ્યો.

નિલ પાર્સલ લઈને ચાલવા લાગ્યો. નિલ પોતાની કેબિનમાં આવીને પાર્સલ ખોલીને વસ્તુ ચેક કરતો હતો. તેણે પાર્સલ સાઈડમાં મૂક્યું અને સચી વિશે વિચારવા લાગ્યો. સચી. જે નામ, જે વ્યક્તિ, જે લાગણી તેના સર્વસ્વ સાથે જોડાયેલી હતી. તે હસી પડયો.

સચી સાથે તેની મુલાકાત આવી રીતે જ થઈ હતી. તે વખતે સચી ઈન્ટર્ન તરીકે આવી હતી અને શિવાંગ તેને સિસ્ટર સમજ્યો હતો અને તે અકળાઈ ગઈ હતી. ત્યારબાદ ખુલાસો થયો, માફી મંગાઈ અને પછી ધીમે ધીમે ઓળખાણ અને દોસ્તી થઈ ગયા. 

સચી અને નિલાંગ વચ્ચે ધીમે ધીમે ઓળખાણ વધી અને ખ્યાલ આવ્યો કે, બંને એમડી મેડિસિન જ કરે છે. નિલાંગ તેના કરતા એક વર્ષ સિનિયર છે. બંને વારંવાર હોસ્પિટલના ફ્લોર ઉપર, સિનિયર ડોક્ટર્સની કેબિનમાં અને ઓપીડીમાં ભેગા થતા હતા. તેમની ઓળખ હવે ગાઢ મિત્રતામાં પરિણમી હતી. 

નિલાંગ અમદાવાદમાં જ રહેતો હતો અને સચી સુરતથી સ્પેશિયલ એમડી મેડિસિન કરવા અમદાવાદ આવી હતી. તેને અહીંયા એડમિશન મળી ગયું તે તેનું નસીબ હતું. નિલાંગના પરિવારમાં ખાસ કોઈ નહોતું. તેણે એમડી શરૂ કર્યું ત્યારે જ તેના માતા-પિતાનું અવસાન થયું હતું તે પોતાના નાના સાથે રહેતો હતો. 

સચીનું પણ કંઈક એવું જ હતું. તે ચાર વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં તેના માતા-પિતાનું અવસાન થયું હતું. તે મામાના ઘરે રહીને જ ઉછરી હતી. તેના મામાએ ક્યારેય માતા-પિતાની ખોટ સાલવા દીધી નહોતી.સરખી સ્થિતિમાં રહેનારા બંને ડોક્ટર વચ્ચેની ઓળખ, મિત્રતા અને રોજિંદી કામગીરી ધીમેધીમે પ્રેમ તરફ આગળ વધવા લાગી હતી. 

'યાર સચી આજે ખરેખર થાક લાગ્યો છે. આશુ સર મને ઓપીડી સોંપીને જતા રહ્યા છે. ત્રણ દિવસમાં તો મારી હાલત ખરાબ થઈ ગઈ છે. મને લાગે છે કે, આજે રાત્રે આપણે ક્યાંક સરસ ડિનર કરવા જવું જોઈએ. ત્યારબાદ લોંગ ડ્રાઈવ ઉપર પણ જઈ આવીએ. ભલે થોડું મોડું થાય પણ રિલેક્સ થવું છે.' - બપોરે કેન્ટીનમાં ચા પીતા પીતા નિલે સચીને હાથ પકડતા કહ્યું.

'સારું. તું ઘરે જા અને હું ડયૂટી પૂરી કરીને તને નવ વાગ્યે કોલ કરું છું. મને અહીંયાથી જ પિક કરી લેજે.' - સચીએ કહ્યું અને નિલ સ્મિત કરીને વોર્ડમાંથી નીકળી ગયો.

સાંજે નક્કી કર્યા પ્રમાણે બંને સરસ ડિનર કરીને લોંગ ડ્રાઈવ ઉપર જઈ આવ્યા. લગભગ રાત્રે બે વાગ્યે ઘરે પહોંચ્યા. નિલને તો પાછું સવારે નવ વાગ્યે ઓપીડી પહોંચી જવાનું હતું. સવારે માસીએ ડોરબેલ માર્યો ત્યારે પરાણે આંખ ખુલી.

'રીટા માસી આજે મારું લન્ચ ના બનાવતા બહુ મોડું થયું છે. ફટાફટ પૌઆ બનાવી દો એટલે નહાઈ, ખાઈને હું ભાગી જાઉં. મને થર્મોસમાં ચા ભરી આપજો. તમારા જેવી ચા ક્યાંય મળતી નથી. તમે અને નાના ડિનર પણ કરી લેજો. રાત્રે કદાચ હું મોડો આવીશ અથવા ત્યાં પીજીમાં જ રોકાઈશ. હું સાંજે ફોન કરીશ.' - નિલે બાથરૂમમાં જતા કહ્યું અને રીટા માસી હસી પડયા. થોડીવારમાં નિલ બહાર આવ્યો અને નાસ્તો કરવા લાગ્યો. 

'સચી ને ચા બનાવતા નથી આવડતી? સાંજે બહાર જવાના છો કે, ખરેખર પીજીમાં રોકાવાનું છે?' - માસીએ મજાક કરી.

'માસી એ વાતનો તો લોચો છે. સચીને કોફી ભાવે છે અને મને ચા. મારે ઘણી વખત પરાણે કોફી પીવી પડે છે પણ એ ચા નથી પીતી. તમારી જોડે એટલે જ તો થર્મોસ ભરાવી જાઉં છું કે મારે પરાણે ન પીવી પડે.' - શિવાંગે કહ્યું અને માસી હસી પડયા.

'બેટા થોડું ઉંઘવાનું રાખ. આ આંખો ફુલી ગઈ છે, ઉજાગરા કરીને. આવી રીતે ઉજાગરા કરવા એના કરતા સચીને ઘરે લઈ આવને. બંને પરણી જાઓ એટલે ચિંતા નહીં.' - માસી બોલ્યા અને નિલાંગ શરમાઈ ગયો.

'તમે અને નાના જઈને એના ઘરે મળી આવો. તમને સચી ગમે છે, મને સચી ગમે છે પણ તેના પરિવારને હું ગમું છું કે નહીં તેની ખબર નથી.' - નિલાંગે જવાબ આપ્યો.

'સારું. તું સચીને વાત કરીને અમને કહેજે. અમે નક્કી કરી આવીશું.' -માસીએ કહ્યું અને નિલ હરખાઈને ઘરની બહાર 

નીકળી ગયો.

હોસ્પિટલ જઈને તેને સચીને વાત કરી અને સચી આવા અણઘડ અને અણધાર્યા પ્રપોઝથી શરમાઈ ગઈ. તેમ છતાં તેણે પોતાના મામાનો નંબર આપ્યો. સદનસીબે બંનેનું ગોઠવાઈ પણ ગયું. બંને પરિવારોએ એકબીજાની પસંદગી ઉપર મહોર મારી દીધી. નવરાત્રીમાં બંનેની સગાઈ થઈ ગઈ.

બંને જણા પોતાની જિંદગીની ખુશ હતા ત્યાં એક મોટું પરિવર્તન આવ્યું. તે સમયે સિવિલના કાર્યકારી અધ્યક્ષ ડો. આશુતોષને શહેરની નવી હોસ્પિટલ સેટઅપ કરવા માટે શિફ્ટ કરવામાં આવ્યા. તેમની સાથે કેટલોક સ્ટાફ પણ ખસેડવામાં આવ્યો. આ સ્ટાફમાં નિલાંગનો સમાવેશ થતો હતો. નિલાંગ અને સચી હવે છુટા પડી ગયા. 

બંને પોતાનું જીવન સેટ કરતા હતા ત્યાં જ વૈશ્વિક મહામારી આવી. સમગ્ર વિશ્વ કોરોનાની ચપેટમાં આવ્યું. ડોક્ટરોની ડયુટી વધી ગઈ. તેમના કામના કલાક વધી ગયા. ખાવા-પીવાનું કોઈ ઠેકાણું નહીં. છતાં તમામ ડોક્ટર્સ સાવચેતી રાખીને કામ કરતા હતા. યોગ્ય પગલાં લેતા, દવાઓ લેતા, માસ્ક, પીપીઈ કીટ, અને સુરક્ષાના બધા જ સામાન સાથે કામ કરતા હતા. 

એક રાત્રે નિલાંગ કોરોના વોર્ડમાં ચક્કર મારતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો. ડોક્ટર કેબિનમાંથી વોર્ડબોય તેને બોલાવવા આવ્યો. તે ત્યાં ગયો તો શિવાંગનો ફોન હતો. 

'નિલિયા... સચી ટેસ્ટેડ પોઝિટિવ. યુ મસ્ટ બી હીયર.' - શિવાંગે કહ્યું અને નિલાંગના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ તણાઈ આવી. બીજા દિવસે ડો. આશુતોષને કહીને તે જૂની હોસ્પિટલ પહોંચી ગયો. 

સચીને કોરોના વોર્ડમાં રાખવામાં આવી હતી. તેની બાકીના લોકોની જેમ જ ટ્રીટમેન્ટ ચાલતી હતી. તે સમયે કઈ ટ્રીટમેન્ટ અને કઈ દવા આપવી તેની મોટાભાગે સમજ નહોતી. ફ્લૂની સામાન્ય દવાઓ અને મલ્ટિવિટામિનના ઈન્જેક્શન અથવા ડ્રિપ ચડાવવામાં આવતા. 

'ચિંતા ના કરીશ. હું ઝડપથી સાજી થઈ જઈશ. મને લાગે છે કે, અશક્તિના કારણે કદાચ સપડાઈ ગઈ.' - સચીએ ધીમે ધીમે કહ્યું અને નિલાંગ વધારે અકળાયો.

એક સાંજે અચાનક સચીને શ્વાસ ચડયો. તેને તાત્કાલિક આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવી. તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ ઉપર ખસેડવી પડી. 

ગણતરીના કલાકોમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર અને સચી જતી રહી. નિલને કાયમને માટે એકલો મુકીને જતી રહી. 

આ વાતને આજે સાત વર્ષ થઈ ગયા. કોરોનાના કારણે નિલાંગને સચી પાસે જવા મળ્યું નહોતું. નિલાંગ હજી પણ સચીના અભાવને જીરવી રહ્યો છે અને રાત જાગી રહ્યો હતો.

આજે ફરી એક વખત સચી નામે તેની સંવેદનાને ઝંકૃત કરી હતી. કદાચ તેના જ કારણે તેના ચહેરા ઉપર સ્મિત આવ્યું હતું. 

'નિલિયા પેલી ઈન્ટર્નને જોઈને તું હસ્યો હતો. અત્યારે પણ હસી રહ્યો છે. મને નવાઈ લાગે છે.' - શિવાંગે કેબિનમાં આવતા આવતા નિલાંગની ફિરકી લીધી.

'એ છોકરીએ મને કહ્યું કે, હું ડોક્ટર સચી છું. હું નર્સિંગ સ્ટાફમાં નથી. તેનું નામ સચી છે. મને એટલે હસવું આવી ગયું.' - નિલાંગે કહ્યું.

'આપણી સચીને તું આવી રીતે જ મળ્યો હતો ને. લાગે છે ઈશ્વરે તારા માટે ફરી કોઈ યોજના બનાવી છે.' - શિવાંગે ઉત્સાહ સાથે કહ્યું.

'ના દોસ્ત. ઈશ્વરની યોજના હું સમજી ગયો છું. મારી સંવેદનાનું સ્ટેસ્થોસ્કોપ પણ બગડી ગયું છે. તેમાં હવે લાગણીઓના ધબકારા સંભળાતા નથી. કોરોનાએ મારા ગુલાબી સંબંધોના શ્વાસ રૃંધી કાઢયા હતા. મારે હવે ફરીથી ઈશ્વરની યોજનામાં ફસાવું નથી.' -નિલાંગે કહ્યું અને ફરી એક સ્મિત કરીને ત્યાંથી નિકળી ગયો.