- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ઓલિમ્પિક ચેમ્પિયન પ્રમોદે છ વખત સિંગલ્સની સાથે નવ વખત ટાઈટલ જીતવાની સાથે પેરા બેડમિંટનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઓવરઓલ ૧૬ ચંદ્રકો જીતવાની સિદ્ધિ મેળવી છે
ભા ગ્યને પડકારવાની જેમાં હામ છે, તેના માટે ક્યાં અશક્ય કોઈ કામ છે - કવિ અગનના આ શબ્દો પરિસ્થિતિ સામે બાથ ભીડવાના જુસ્સા થકી શું હાંસલ ન કરી શકાય તેની મહત્તાને રજુ કરે છે. પરિસ્થિતિને જ પોતાનું ભાગ્ય ગણીને ઉદ્યમને વિસારે પાડી દેનારની વિકાસ યાત્રા અટકી જાય છે. જ્યારે પોતાની પરિસ્થિતિનો સ્વીકાર કરીને તેમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવાની ધગશ અને પોતાના નિર્ધારિત લક્ષ્યને ગમે તે ભોગે હાંસલ કરવાનો નિર્ધાર જ આપોઆપ શિખર સુધીની સફરની કેડીને કંડારી દે છે. કારણ કે જે મુસાફરની નજર શિખર પર ટકેલી હોય છે, તેને પગમાં વાગતા કાંટા-કંકર અટકાવી શકતા નથી.
કોઈને કોઈ કારણોસર આધીન દિવ્યતાને પામનારા ભારતના પેરા એથ્લીટ્સે છેલ્લા એક દશકમાં વિવિધ પેરા રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રકોનો ઢગલો ખડદી દીધો છે. હાલના સમયમાં પરિસ્થિતિ એવી થઈ છે કે, ભારતીય રમતજગતમાં વૈશ્વિક સ્તરે સર્વાંગ ખેલાડીઓ એટલે કોઈ પ્રકારની શારીરિક કે માનસિક ખામી ન હોય તેવા સામાન્ય ખેલાડીઓના ચંદ્રકો કરતાં દિવ્યાંગોના રમતોત્સવમાં ભારતને મળતા ચંદ્રકોનો ઝગમગાટ વધુ કાંતિમય બનીને ઉભરી રહ્યો છે. જે ભારતીય પેરા ખેલાડીઓના મજબુત ઈરાદા અને દુનિયાને કંઈક કરી બતાવવાના જઝ્બાને પ્રદર્શિત કરે છે. તેમાં ય તાજેતરમાં ભારતના પેરા બેડમિંટન એથ્લીટ પ્રમોદ ભગતે બહેરિનમાં મેળવેલી અદ્વિતિય સિદ્ધિએ તેને રમતના ઈતિહાસના મહાન ખેેલાડીઓમાં સ્થાન અપાવ્યું છે.
૩૭ વર્ષના પ્રમોદ ભગતે દિવ્યાંગતાની મર્યાદાઓને તો ઓગંળી જ લીધી છે, તેની સાથે સાથે ૧૮ મહિનાના પ્રતિબંધ છતાં બેવડાં વર્લ્ડ ટાઈટલની સાથે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. પ્રમોદે સાબિત કર્યું કે, પ્રતિબંધ હોવા છતાં જે વ્યક્તિ પ્રયાસો કરવાનું છોડતો નથી, તેને આગળ વધતા કોઈ પણ અટકાવી શકતું નથી. આધુનિક રમતજગતમાં ડોપિંગનું દુષણ ઘર કરી ગયું છે અને ખેલાડી કોઈ પ્રતિબંધિત દવા લઈને તેની અસર હેઠળ સારો દેખાવ કરતાં જીતી જતો નથી ને તેનું ધ્યાન રાખવા માટે વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી કાર્યરત છે અને તેના નિયમ અનુસાર દરેક ખેલાડીએ ૧૨ મહિનામાં ત્રણ વખત એક ફોર્મ ભરવું પડે છે, જેમાં આગામી ચાર મહિનામાં તેઓ ક્યાં હશે તેની જાણકારી આપવાની હોય છે.
પ્રમોદ જેવા અનુભવી પેરા ખેલાડીએ ૨૦૨૪માં તેનું ફોર્મ ભરી દીધુ પણ કોઈ તકનિકી ખામી સર્જાતા આ ફોર્મ અપલોડ ન થયું અને આખરે ડોપિંગના નિયમના ભંગ બદલ તેને દોષિત ઠેરવીને તેના પર દોઢ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ કારણે પ્રમોદ ટોકિયોમાં જીતેલો તેનો ઓલિમ્પિકનો સુવર્ણચંદ્રક પેરિસમાં જાળવવા માટે ઉતરી શક્યો નહતો. જોકે પ્રતિબંધ પૂર્ણ કરીને તેણે જબરજસ્ત પુનરાગમન કરતાં બહેેરિનના માનામા ખાતે યોજાયેલી વર્લ્ડ પેરા બેેડમિંટન ચેમ્પિયનશિપમાં તેની એસએલ-૩ કેટેગરીમાં વ્યક્તિગત સ્પર્ધા અને પુરુષ ડબલ્સમાં સુવર્ણ ચંદ્રક જીતી બતાવ્યો. આ સાથે તેણે તેની પ્રતિભા અંગે સર્જાયેલા તમામ પ્રશ્નોનો જવાબ પણ આપી દીધો છે.
બિહારના પ્રખ્યાત વૈશાલી જિલ્લામાં આવેલા હાજીપુરમાં જન્મેલા પ્રમોદે આ સાથે કારકિર્દીનું છઠ્ઠુ સિંગલ્સ વર્લ્ડ ટાઈટલ પોતાના નામે કર્યું હતુ. આ સાથે બેડમિંટનના ઈતિહાસમાં સર્વાંગો કે દિવ્યાંગોમાં કોઈ પણ ખેલાડી પાંચથી વધુ વખત વર્લ્ડ ટાઈટલ જીતી શક્યો નથી. જ્યારે દિવ્યાંગોમાં પ્રમોદે છઠ્ઠું વર્લ્ડ ટાઈટલ જીતીને નવો ઈતિહાસ આલેખી દીધો છે.
સામાન્ય ખેલાડીઓ એટલે કે કોઈ પ્રકારની દિવ્યાંગતા ન ધરાવતા ખેલાડીઓમાં બેડમિંટનના સૌથી વધુ સિંગલ્સ ટાઈટલ જીતવાનો રેક્ર ડ ચીનના દિગ્ગજ ખેલાડી લીન ડાનના નામે છે. જે પાંચ વખત આવી સિદ્ધિ મેળવી ચૂક્યો છે. પ્રમોદનો આદર્શ પણ ડાન જ છે. ભારતીય ખેલાડી આ સાથે સળંગ ચોથી વખત પેરા બેડમિંટનની એસએલ-૩ કેટેગરીમાં વિજેતા બન્યો હતો અને બેડમિંટનમાં ભારતીય બાદશાહતના સિલસિલાને તેણે આગળ ધપાવવામા નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
છેલ્લા સવા દશક કરતાં વધુ સમયથી આંતરરાષ્ટ્રીય પેરા બેડમિંટનમાં આગવો પ્રભાવ પાડનારા પ્રમોદ ભગતને દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર ખેલ રત્ન તેમજ અર્જુન એવોર્ડ અને પદ્મશ્રી પણ મળી ચૂક્યા છે. બિહારમાં વસતા રેલવે કર્મચારી રામા ભગતના છ સંતાનોના પરિવારમાં જન્મેલા પ્રમોદને બાળપણમાં જ પોલીયોની અસર થઈ ગઈ. પાંચ વર્ષની ઉંમરે જ પોલીયોએ પ્રમોદના ડાબા પગને શિકાર બનાવ્યો. આ પછી પણ તેનો જિંદગી તરફનો દ્રષ્ટીકોણ જરા પણ ન બદલાયો. તેે ભાઈ-બહેનોની સાથે રમતો. આ દરમિયાન તેના પિતાની બદલી ઓરિસ્સામાં થઈ, જ્યાં તેની બેડમિંટનની પ્રતિભાને નિખાર મળ્યો.
પગની પરેશાની છતાં પ્રમોદ બેડમિંટન રમતો અને ઘણી વખત તેના સમવયસ્ક સામાન્ય બાળકોની સામે પણ જીત મેળવતો. રામા ભગતની આર્થિક હાલત સદ્ધર નહતી. આ કારણે તેઓ પ્રમોદને બેડમિંટન પણ ખરીદી આપી શકે તેમ ન હતો. રામા ભગતની બહેન કિશુની દેવી અને તેમ ના પતિ કૈલાશ ભગતને કોઈ સંતોન નહતુ. તેમણે નાનકડા પ્રમોદને ખોળે બેસાડયો અને તેની કારકિર્દીની અને જિંદગીની તમામ જવાબદારીઓ ઉપાડી દીધી. આ પછી પ્રમોદની કારકિર્દીએ રફતાર પકડી. કિશોરાવસ્થામાં એક સ્થાનિક ટુર્નામેન્ટમાં પોલીયોની અસર છતાં પ્રમોદે જબરજસ્ત દેખાવ કરતાં હરિફ ખેલાડીને હંફાવી દીધો. તેના આ પ્રદર્શનની પ્રેક્ષકોએ ખુબ જ સરાહના કરી અને તેના થકી પ્રમોદે બેડમિંટનમાં કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું.
સ્થાનિક સ્તરની ટુર્નામેન્ટ્સ બાદ તેણે રાષ્ટ્રીય પેરા બેડમિંટન ચેમ્પિયનશિપમાં આગવો પ્રભાવ પાડયો અને ભારતીય ટીમમાં સ્થાન મેળવવામાં સફળતા મેળવી લીધી. માત્ર ૧૯ વર્ષની વયે તેણે બેંગકોકમાં યોજાયેલી વર્લ્ડ પેરા બેડમિંટન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને મેન્સ સિંગલ્સ અને ડબલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળતા મેળવી. આ સાથે જ પેરા બેેડમિંટનમાં ભારતીય સિતારાનો ઉદય થયો. જેણે છેલ્લા ૧૯ વર્ષમાં વર્લ્ડ પેરા બેડમિંટન ચેમ્પિયનશિપમાં તેની એસએલ-૩ કેટેગરીમાં છ સિંગલ્સના વર્લ્ડ ટાઈટલ જીતવા સાથે કુલ મળીને ૯ સુવર્ણચંદ્રકો હાંસલ કરી લીધા છે. આ ઉપરાંત તેના નામે બે રજત અને પાંચ કાંસ્ય ચંદ્રક પણ અંકિત છે.
ભારતના નામને પ્રમોદે વર્લ્ડ એબિલિટી ગેમ્સ, એશિયન પેરા ગેમ્સ અને એશિયન પેરા ચેમ્પિયનશિપમાં પણ સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો જીતીને રોશન કર્યું છે. આ ઉપરાંત વર્લ્ડ પેરા બેડમિંટન ચેમ્પિયનશિપ દ્વારા જુદા-જુદા દેશોમાં યોજાતી ટુર્નામેન્ટમાં તેણે કુલ મળીને ૨૭ ફાઈનલમાં પ્રવેશ મેળવતા ૧૫ ટાઈટલ પોતાના નામે કર્યા છે.જ્યારે ૧૨ વખત તે રનરઅપ રહ્યો હતો.
જોકે આ દરમિયાન જ ડોપિંગની વિગતો આપવામાં સર્જાયેલા તકનિકી છબરડાએ તેની પાસેથી પેરિસ પેરાલિમ્પિકમાં તેની પાસેથી સુવર્ણ જીતવાની તક આંચકી લીધી.અલબત્ત, પ્રમોદ હિમંત ન હાર્યો અને તેેણે વર્લ્ડ ચેમ્પિયનશિપ ફરી કબજે કરીને પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ દુનિયાને આપી દીધું છે. કારકિર્દીને પુન: ધબકતી કરી રહેલા પ્રમોદ કબુલે છે કે, મને જાણે પહેલીવાર કારકિર્દીની શરુઆત કરી રહ્યો હોંઉ તેવું લાગી રહ્યું છે. જોકે મારો નિર્ધાર દ્રઢ છે. વળી, પ્રતિબંધ દરમિયાન પણ મેં ફિટનેસ જાળવવા માટે સખત મહેનત કરી છે. જેનું ફળ મને મળી રહ્યું છે. હવે તેણે એશિયન પેરા ગેમ્સની સાથે સાથે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિક તરફ મીટ માંડી છે. જ્યાં તે આગવો ઈતિહાસ રચી શકે છે.


