Get The App

ચોખોનેના દેવતાઈ ફૂલો .

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ચોખોનેના દેવતાઈ ફૂલો                           . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- ચોખોનેએ ખેડૂતોને ફૂલોની સંભાળ કેવી રીતે લેવાની તેની તાલીમ આપી. કૃષિક્ષેત્રે મહિલાઓની ભાગીદારી ઘણી હોય છે, તેથી તેમણે મહિલાઓને ફૂલોની ખેતી કરવા પ્રેરિત કરી

મ ણિપુરના માઓ ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલી ચોખોને ક્રિચેના નાની-મોટી ઢોળાવવાળી પહાડીઓ પાર કરીને સ્કૂલે જતી. સ્કૂલેથી પાછા ફરતા ખેતરમાં જતી અને બાસ્કેટમાં ફળ અને શાકભાજી લાવતી, પરંતુ એને ખરો આનંદ તો ખીલેલાં ફૂલો જોવામાં આવતો. નાનપણથી જ ફૂલોનો શોખ ધરાવતી ચોખોનેએ ગૌહત્તીની ડાઉનટાઉન યુનિવર્સિટીમાંથી બાયોટૅક્નૉલૉજીની ડિગ્રી મેળવી અને બૅંગાલુરુની ફાર્માસ્યુટીકલ કંપનીમાં ઇન્ટર્નશિપ કરી. તેણે માતા-પિતાને કહ્યું કે તેને ફૂલો સાથે કામ કરવું છે, ત્યારે તેમને પુત્રીની વાત પસંદ પડી નહીં. પાડોશીઓ પૂછતાં કે શહેરમાં નોકરી કરવા ક્યારે જવાની છે, પરંતુ તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી.

કોવિડ મહામારીમાં સમય મળતાં તેને નાનપણથી ફૂલોની ખેતી કરવાની તીવ્ર ઇચ્છા હતી, તે સાકાર કરવાનો સમય મળ્યો. ઘરની નજીક ફૂલો ઊગાડવાનું શરૂ કર્યુંં અને તેને થોડા ઑર્ડર મળ્યા. ફૂલોની માંગ વધતા ફૂલો વેચનારા સાથે સંપર્ક વધ્યો અને તેમાંથી તેને વિચાર આવ્યો કે શા માટે ફૂલોનો વ્યવસાય ન કરવો? તેણે વિચાર્યું કે માઓના નાના ખેડૂતોને મર્યાદિત બજાર મળવાથી વળતર ઓછું મળે છે. તેમને શહેરના બજાર સાથે જોડીને તેમની આવકમાં વધારો કરી શકાય. ચોખોને ક્રિચેનાએ ૨૦૨૧માં ડાયન્થે પ્રા. લિ.ની શરૂઆત કરી અને કૃષિક્ષેત્રે પરિવર્તન લાવવાનું નક્કી કર્યું. 'ડાયન્થે' એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ છે દેવતાઓના ફૂલ. શરૂઆતમાં ફૂલોના પચાસ છોડ જેમને ફૂલો ઉગાડવામાં રસ હતો તેવા ખેડૂતોને આપ્યા અને તેઓ વ્યાજબી ભાવે ફૂલો ખરીદશે તેવી બાયબેક નીતિ અપનાવી. શરૂઆતમાં તેમને થોડો હિચકિચાટ થયો, કારણ કે ફૂલોની ખેતીમાં તેમને અનિશ્ચિતતા લાગતી હતી, પરંતુ એક વાર ફૂલોની ખેતી શરૂ કરી પછી તેમને સમજાયું કે શાકભાજી કરતાં ફૂલોની ખેતીમાં ત્રણથી ચાર ગણા પૈસા મળે છે.

ચોખોનેએ ખેડૂતોને ફૂલોની સંભાળ કેવી રીતે લેવાની તેની તાલીમ આપી. કૃષિક્ષેત્રે મહિલાઓની ભાગીદારી ઘણી હોય છે, તેથી તેમણે મહિલાઓને ફૂલોની ખેતી કરવા પ્રેરિત કરી. મોટી ઉંમરનું એક દંપતી વર્ષોથી ફૂલોની ખેતી કરતું, પરંતુ તેમને વેચાણ માટે યોગ્ય માર્ગદર્શન મળતું નહોતું. ચોખોનેએ તેમને વેચાણની પદ્ધતિ શીખવી. ફૂલોને કેવી રીતે રાખવા અને સજાવવા કે જેથી ખરીદનાર આકર્ષાય. ચોખોનેએ ફૂલોનો વ્યવસાય શરૂ તો કર્યો, પરંતુ તેમાંય અનેક મુશ્કેલીઓ આવી. જેમકે એના બજાર માટે સંપર્ક કરવો,  સમયસર વેચાણ ન થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં વિલંબ થઈ જાય તો ફૂલો કરમાવા કે સડવા લાગે. પાણીની તંગી ઉપરાંત ઢોળાવવાળી જમીન હોવાથી શાકભાજી અને ફળો ઊગાડવાનું પ્રમાણમાં સહેલું હતું.

જેમ જેમ ચોખોનેને આ ક્ષેત્રનો અનુભવ થતો ગયો તેમ તેમ તેણે અન્ય ઉત્પાદનો પણ વધાર્યા. સૂકા ફૂલો, મીણબત્તીઓ, એપોક્સી આર્ટ, ફોટો ફ્રેમ તેમજ ભેટમાં આપી શકાય તેવી સામગ્રીનું ઉત્પાદન કરવા લાગી. સૂકા ફ્લાવરમાં તેને સમયસર ડિલીવરી પહોંચે કે નહીં તેની ચિંતા રહેતી નથી. સ્ટેટિસ કે લિમોનિયમ તેનાં પ્રિય ફૂલો છે, કારણ કે તે અનેક રંગોમાં થાય છે તેમજ તેને સૂકવવામાં આવે તો પણ એક વર્ષ સુધી તેનો રંગ સારો રહે છે. જ્યારે બન્ની ટેલ ખૂબ ઝડપથી ઊગે છે અને સૂકા થયા પછી કોઈપણ રંગથી રંગી શકો છો. સામે પક્ષે બેબીઝ બ્રેથ કે જીપ્સોફિલા ઊગાડવામાં તમારા ધીરજની કસોટી થાય છે. ડેકોરેશન અને બુકેમાં તેનો ઉપયોગ થાય છે અને તેની માગ પણ વધુ હોય છે. વ્હાઈટ કાર્નેશન તેને ગમે છે, પરંતુ તે સરખા સૂકાતા નથી. તેઓ હસતાં હસતાં કહે છે કે કેટલાક ફૂલો એટલા હઠીલા હોય છે કે ગમે તેટલો પ્રયત્ન કરો, તો પણ તમને સહકાર આપતા નથી.

ચોખોને ક્રિચેનાના ડિયાન્થે પ્રા. લિ.ને કારણે તે ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના - રફતાર અંતર્ગત ચોખોનેને ત્રણ લાખ રૂપિયા મળ્યા છે, જે ખેતીના બુનિયાદી ઢાંચાને સહાય કરવા માટે આપવામાં આવે છે. ૨૦૨૨માં નવી દિલ્હીમાં એગ્રી કોન્કલેવ અને કિસાન સંમેલનમાં તેનાં ઉત્પાદનો પસંદગી પામ્યા હતાં. ફૂલોની ખેતી કરતાં સ્થાનિક ખેડૂતો માટે અનેક નવી દિશા ખોલી આપી. તે 'વોકલ ફૉર લોકલ' પહેલ અંતર્ગત કામ કરે છે. ખેડૂતોની આવકમાં વધારો થયો એટલું જ નહીં, પણ બહારથી આવતાં ફૂલો પરની નિર્ભરતા ઓછી થઈ રહી છે. ખરાબ થતાં ફૂલોમાંથી વ્યવસાય ઊભો કર્યો અને મણિપુરની બસોથી વધુ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવી. તેમનાં ફૂલોનો અને અન્ય ઉત્પાદનોનો વ્યવસાય ભારતના અઢાર રાજ્યોમાં ફેલાયો છે. આ કામ માટે તેમને 'ક્લાઈમેટ ઈનોવેશન ઍવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. આજે તેમનું સરેરાશ ટર્ન ઓવર વાર્ષિક બાર લાખ રૂપિયાનું છે. 'ફ્લાવર લેડી ઑફ મણિપુર' તરીકે ઓળખાતા ૩૨ વર્ષના ચોખોને ક્રિચેનાની ઇચ્છા વધુ ફંડ મેળવીને ટૅક્નૉલૉજી દ્વારા ફૂલોેને સૂકવવાની પ્રક્રિયા વધુ સારી બનાવીને વધુ સારી ગુણવત્તાવાળા ઉત્પાદનો આપવાની છે.

જિજો દાસની વિશાળ દુનિયા

જિજો દાસ મોટર સ્પોર્ટ્સ ફોટોગ્રાફર છે. ભારતની રેસિંગ માટે તાલીમ આપતી ઑફ રોડ કંપની બિગરોક ડર્ટપાર્કમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે

શા રીરિક મર્યાદાઓને ઓળંગીને પણ વ્યક્તિ કેવું સરસ જીવન જીવી શકે તેનું જીવંત ઉદાહરણ છે જિજો દાસ. ડાઉન સિન્ડ્રોમ જિનેટિક ડિસઑર્ડર છે. શરીરના ૪૬ રંગસૂત્રો પૈકી ડાઉન સિન્ડ્રોમમાં ૨૧મા રંગસૂત્રની ત્રણ નકલ હોય છે, તેથી તેને 'ટ્રાયસોમી ૨૧' પણ કહેવાય છે. આમાં બાળકનો શારીરિક અને માનસિક વિકાસ ધીમો થાય છે. અભ્યાસમાં અને ક્યારેક બોલવામાં મુશ્કેલી પડે છે, પરંતુ યોગ્ય કાળજી અને પ્રેમથી આવાં બાળકો સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવી શકે છે. જિજો દાસના જન્મ સમયે જ તેના માતા મૌસમી દાસને ડૉક્ટરે જણાવ્યું હતું કે જિજોને ડાઉન સિન્ડ્રોમ છે, પરંતુ તેમણે પોતાના પુત્રને એટલા પ્રેમ અને હૂંફ આપ્યા કે આજે જિજો કહે છે કે તેની પાસે વધારાના રંગસૂત્ર હોવાથી તેની પાસે સ્પેશ્યલ સુપરપાવર છે.

૨૮ વર્ષના જિજોના આજના જીવનની સફળતા એ સમગ્ર પરિવારના ખંત, અડગતા અને સતત પ્રેમની યાત્રા છે, જિજોની માતા અને ભાઈ અનિકેત ડૉક્ટરની સલાહ પ્રમાણે પોતાના જીવનમાં ફેરફાર કરતા રહ્યા. જિજોની જરૂરિયાત પ્રમાણે જીવન  ગોઠવાતું હતું. જિજો મોટો થતાં તેની અંદર રહેલી શક્તિઓને ઓળખીને તે રીતે તેનો ઉછેર કર્યો. આવાં બાળકો જલદી બોલી શકતા ન હોવાથી તેમના માટે કલા એ અભિવ્યક્તિનું પ્રબળ માધ્યમ હોય છે. તેની નિરીક્ષણશક્તિ ઘણી તેજ હોવાથી સહુ સાથે ફિલ્મ જોવા બેસતા અને તેના દ્વારા તે તેની લાગણીઓની અભિવ્યક્તિ કરતો. અનિકેત સ્કેચ દોરતો હોય તો તરત જ તેની નકલ કરવા બેસી જતો. ડિઝની અને પિક્સર ફિલ્મ જોઈને તે ચિત્રો દ્વારા લાગણીની અભિવ્યક્તિ કરતો.

તેર વર્ષની ઉંમરે ૨૦૧૧માં તેને ડિજિટલ કેમેરા આપવામાં આવ્યો, જેથી તે ફોટોગ્રાફી કરી શકે, પરંતુ તેને સામાન્ય વ્યક્તિને જે રીતે શીખવવામાં આવે છે, તે રીતે નહીં, પરંતુ ધીરજ અને સમજણથી શીખવવું પડે છે. અનિકેતના સતત સહકાર અને પ્રોત્સાહનથી ધીમે ધીમે ફોટોગ્રાફી શીખ્યો. અનિકેત આજે એ સમયને યાદ કરતા કહે છે કે, 'તેને માટે હું તેના ભાઈ કરતાં વિશેષ તો તેને માટે ડિઝાઇન સ્કૂલ, આર્ટ સ્કૂલ મેનેજર અને વ્યક્તિગત રીતે શીખવનાર ટ્રેનર હતો. પૈસા કરતાં સમય અને તાલીમ જ સાચું મૂડીરોકાણ છે.' પરિવારની સાથે સાથે બાલ્ડવિન ઓપર્ચ્યુનિટી સ્કૂલ, નોબલ મિશન અને સ્પેસ્ટિક્સ સોસાયટી આફ કર્ણાટકનો જિજોના ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહેલો છે. જિજોમાં રહેલી ક્ષમતાઓને પિછાણીને તેના શિક્ષક સંતોષ પદ્મનાભન એને સતત પ્રોત્સાહિત કરતા. ૨૦૧૬માં અઢાર વર્ષની ઉંમરે જિજોએ સ્વતંત્ર રીતે એકલા સમર કેમ્પમાં ભાગ લીધો અને તે પછીના વર્ષે ૨૦૧૬માં સ્પેસ્ટિક્સ સોસાયટી ઑફ કર્ણાટક વિન્ટર કાર્નિવલમાં તેણે પોતાનું આર્ટવર્ક મૂક્યું અને તે બધા વેચાઈ ગયા.

જિજોનો મોટો ભાઈ અનિકેત મોટર સ્પોર્ટ્સ ગ્રાફિક્સ અને મોટર સાયકલ ડિઝાઇનર છે. જિજોને બે વર્ષની સખત તાલીમ અને કામ કર્યા પછી તેને અન્ય ડિઝાઇનરની જેમ કામ કરતા જોઈને સહુને આશ્ચર્ય થાય છે. યુ.કે.માં આવેલી ડાઉન સિન્ડ્રોમ ઇન્ટરનેશનલ દ્વારા દર વર્ષ ૨૧મી માર્ચે ડાઉન સિન્ડ્રોમ ડે ઉજવવામાં આવે છે. આમાં વિશ્વના લોકો જુદા જુદા રંગના મેળ ન ખાતા હોય તેવા મોજાં પહેરીને આ દિવસની ઉજવણી કરવા ભેગા થાય છે અને ડાઉન સિન્ડ્રોમ અંગે સમાજમાં જાગૃતિ ફેલાય તેવો તેનો હેતુ હોય છે. આ સંસ્થા દ્વારા લોટ્સ ઑફ સોક્સ ડિઝાઇન નામની સ્પર્ધા યોજવામાં આવે છે. ૨૦૨૦ની આ સ્પર્ધામાં જિજોના મોજાંની ડિઝાઇનને પસંદ કરવામાં આવી અને તે આ ઇન્ટરનેશનલ ડિઝાઇન મેળવનાર પ્રથમ ભારતીય બન્યો.

જિજો દાસ મોટર સ્પોર્ટ્સ ફોટોગ્રાફર છે. ભારતની રેસિંગ માટે તાલીમ આપતી ઑફ રોડ કંપની બિગરોક ડર્ટપાર્કમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. આ સમયે અલ્ટ્રાવાયોલેટ કંપનીના સી.ઈ.ઓ. નારાયણ સુબ્રમણ્યમે તેમની એફ૭૭મેક૨મોટરસાયકલ બજારમાં મૂકી તેના ફોટોગ્રાફનું કામ જિજોને સોંપ્યું હતું. અલ્ટ્રાવૉયલેટ કંપની શૈક્ષણિક લાયકાત સિવાય વ્યક્તિમાં રહેલી ક્ષમતાને જોઈને તેમને કામ આપે છે. આવી વ્યક્તિઓ તેમની સાથે કામ કરે તેમાં ગૌરવ અનુભવે છે. ૨૦૨૩માં વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડેની થીમ હતી 'વિથ અસ નોટ ફોર અસ' તે સમયે અલ્ટ્રાવૉયલેટ ઓટોમેટિવે જિજોની વીડિયો દર્શાવી હતી. જિજોને પક્ષી, વન્ય પ્રાણીઓ અને આકાશના ફોટા પાડવા ખૂબ ગમે છે. લાઇટ અન્ડ શેડો એ તેની ફોટોગ્રાફી સ્ટાઇલ છે. તે ફોટોગ્રાફર, પેઇન્ટર, આર્ટીસ્ટ અને ઈલસ્ટ્રેટર ઉપરાંત ખૂબ સારું ડ્રમ વગાડે છે અને ચહેરા પર સ્મિત સાથે અત્યંત આત્મવિશ્વાસથી કહે છે કે 'હું રોકસ્ટાર છું'. તે સોશિયલ મીડિયા પર આર્ટ ઑફ માય ઓપ્ટીમસથી જાણીતો છે. અન્યને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તે માટે તેણે પોઝીટીવ સ્ટોરીની એક લાયબ્રેરી બનાવી છે. જિજોની ઇચ્છા દરેકને ખુશ કરવાની છે. અનેક વિષયોમાં રસ ધરાવનાર જિજો બર્નઆઉટ પેરેડાઇઝ વીડિયો ગેમ રમે છે અને એનિમેટેડ ફિલ્મ જુએ છે. ભવિષ્યમાં ડિઝની અને પિક્સરમાં કામ કરવું તે તેનું સ્વપ્ન છે.