Get The App

તમારી પાસે દિવસના 24 કલાક છે ખરા?

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
તમારી પાસે દિવસના 24 કલાક છે ખરા? 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- વ્યક્તિએ એના જીવનના આરંભે જે વિચાર કરવો જોઈએ, તે વિચાર જીવનનો અંત સાવ નજીક હોય ત્યારે કરે છે. પોતાના સંસારચક્રમાં એ સતત ઘૂમતો રહે છે, જરૂરી અને બિનજરૂરી કાર્યો કરતો રહે છે...

મા નવીના ચંચળ અને ચિત્ર-વિચિત્ર મનની પણ કેટલીક મજા હોય છે ! કેટલાંક લોકો એમ કહેતા હોય છે કે, 'મારી પાસે આ કામ કરવા માટે પૂરા ચોવીસ કલાક છે', પણ હકીકત એ છે કે આપણી પાસે કામ કરવા માટે ચોવીસ કલાક હોતા નથી. એનું કારણ એ કે સામાન્ય રીતે વ્યક્તિની સવારની દિનચર્યા, સવાર, બપોર અને સાંજનું ભોજન, તૈયાર થવું, કૌટુંબિક કામકાજ - આ બધામાં એનો ઘણો સમય વીતતો હોય છે. આથી હકીકતમાં તો એની પાસે પોતાને કામને માટે આઠથી દસ કલાક હોય છે. 

એટલે બને છે એવું કે દસ કલાકમાં એ ચોવીસ કલાકનું કામ કરવા ચાહે છે અને તેથી એના જીવનમાં સદૈવ કામનો 'સ્ટ્રેસ' રહે છે, મનમાં સતત અજંપો કનડતો રહે છે. ઘણીવાર એ અજંપો ઘણી વાર નિસાસા કે હતાશામાં પ્રગટ થાય છે અથવા તો આસપાસની વ્યક્તિઓ પર અણધાર્યા ગુસ્સામાં અભિવ્યક્ત થાય છે. આથી કોઈ પણ કામ લેતા સૌથી પહેલી વાત એ છે કે આપણા નિશ્ચિત દૈનિક કાર્યોમાં જે સમય જાય છે, તેની ગણતરી કરી લેવી જોઈએ. જેથી એ કામને માટે કેટલો સમય ફાળવી શકીશું, એનો આપણને અંદાજ આવી જશે. 

ક્યારેક વધુ પડતા કામનાં બોજાને કારણે વ્યક્તિ એની ઊંઘ પર કાપ મૂકીને પોતાના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો કરે છે. આઠ કલાકની ઊંઘની આવશ્યકતા આપણે સહુ કોઈ જાણીએ છીએ. આ આઠ કલાકની ઊંઘમાં કેટલાક ઇન્ટરવલ પણ પડતા હોય છે અને ઓછી ઊંઘ લેવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર થતી હોય છે. સમય જતાં કોઈ ગંભીર રોગ પણ દેખા દેતો હોય છે. ઓછી ઊંઘને માટે ધ્યાન-સાધના તમારી મદદે આવી શકે અને કોઈક ધ્યાનીને પૂછશો તો એ કહેશે કે અમે ઘણી ઓછી ઊંઘ લઈએ છીએ, પરંતુ બધાને માટે આ સર્વમાન્ય સત્ય હોતું નથી. 

આ સંદર્ભમાં વિશ્વનાં ૪૨ દેશોનાં ૧૬૦૦૦ કેન્દ્રોમાં જીવનમાં શાંતિ, આનંદ અને રૂહાની પુર્ણતા પ્રાપ્ત કરવા માટે રાજિન્દર સિંહજીના વિચારો જાણવા યોગ્ય છે. તેઓએ આ સંદર્ભમાં એમ કહ્યું કે, 'તપાસ કરીને એ શોધવામાં આવ્યું છે કે આપણે જિંદગીની વિવિધ પ્રવૃત્તિઓમાં કેટ-કેટલો સમય વ્યતીત કરીએ છીએ. આ પરિણામો આશ્ચર્યજનક છે. માની લો કે આપણું કુલ આયુષ્ય સિત્તેર વર્ષનું છે. જો આપણે રોજે આઠ કલાક ઊંઘવામાં વીતાવી દઈએ છીએ તો તેનો અર્થ છે કે જીવનના ત્રેવીસ વર્ષ આપણે સૂતા રહ્યા. નિદ્રાની મોજ માણી કે શરીરની આવશ્યકતાને પૂર્ણ કરી. લગભગ વીસ વર્ષની ઉંમરથી પાંસઠ વર્ષની ઉંમર એટલે કે પિસ્તાળીસ વર્ષ સુધી, તો પંદર વર્ષ આપણે નોકરી-વ્યવસાયમાં વીતાવી દઈએ છીએ. જો દિવસના બે કલાક આપણે રસોઈ બનાવવા અને ભોજનમાં વીતાવીએ છીએ તો છ વર્ષ આપણે તેના ઉમેરી લઈએ. જો (રોજ) એક કલાક આપણે કપડાં બદલવા, કપડાં ગોઠવવા અને સામાન ખરીદવામાં લગાવીએ, તો લગભગ પાંચ વર્ષ તેમાં નીકળી ગયા. શક્ય છે કે આપણે જીવનનું એક વર્ષ ટેલિફોન પર વાત કરવામાં જાય. આજે મોબાઈલ આવતાં તો માણસના દિવસના છ કલાક એમાં જતા હોય છે. ત્રણ વર્ષ લોકોની રાહ જોવામાં અથવા લાઇનમાં ઊભા રહેવામાં, છ વર્ષ પોતાનું વાહન ચલાવવામાં, છ વર્ષ મનોરંજનમાં અને બે વર્ષ બીજાં કામોમાં લગાવી દઈએ તો હવે આપણી પાસે ત્રણ વર્ષ બચે છે. જે લોકો કલાકમાં બે કલાક કોઈ ધર્મસ્થળ પર વીતાવે છે, તો બે કરતાં પણ ઓછા વર્ષ બચે છે. એટલે આપણો બધો સમય અન્ય કામોમાં નીકળી જાય છે અને માત્ર બે વર્ષ ગંભીર ચિંતન માટે આપણી પાસે હોય છે. 

ગુરુ ગ્રંથ સાહેબમાં કહેવામાં આવ્યું છે : 'દિવસોને અઠવાડિયામાં, અઠવાડિયાઓને મહિનામાં, મહિનાઓને વર્ષો અને વર્ષોને દાયકાઓમાં બદલાતા વાર નથી લાગતી. જ્યારે આપણને હોશ આવે છે, તે પહેલાં જ આપણું મોટાભાગનું જીવન પસાર થઈ જાય છે. સમય ક્યાં ઊડી જાય છે ? આ શા માટે હતું ? શું આપણે પોતાના જીવનનો સદુપયોગ કર્યો ? આવા ઘણા બધા પ્રશ્ન આપણા જીવનમાં ઉદ્દભવે છે. 

હકીકતમાં તો વ્યક્તિએ એના જીવનના આરંભે જે વિચાર કરવો જોઈએ, તે વિચાર જીવનનો અંત સાવ નજીક હોય ત્યારે કરે છે. પોતાના સંસારચક્રમાં એ સતત ઘૂમતો રહે છે, વ્યવહારો નિભાવતો રહે છે, જરૂરી અને બિનજરૂરી કાર્યો કરતો રહે છે, મનોરંજનમાં સમય ગાળતો રહે છે અને આ બધું કરે છે, ત્યારે એની સઘળી ક્રિયાઓ બાહ્ય રૂપે ચાલતી હોય છે. એના મનનો જગત સાથે સતત સંપર્ક હોય છે. 

સવારે ઊઠે અને રાત્રે સૂએ ત્યાં સુધી એની દિનચર્યાના ચગડોળમાં એને ઘૂમવું પડે છે. આવે સમયે એ પોતાના સઘળાં શ્વાસ બાહ્ય પ્રવૃત્તિઓમાં ગાળતો હોય છે, પણ સૌથી મોટી વાત એ છે કે એકાંત કે આધ્યાત્મિકતા માટે એની પાસે એક કલાક તો શું, પણ એક મિનિટ પણ હોતી નથી. એ એકાંતમાં બેસી શકતો નથી અથવા અધ્યાત્મ પ્રતિ ગતિ કરી શકતો નથી, એમ તમે કહો, ત્યારે એ કહેશે કે આ જીવનની જંજાળ જ એટલી બધી છે કે સહેજે એકાંત મળતું નથી અને આધ્યાત્મિક વિચાર આવતો નથી. 

બીજી બાજુ જીવનની જવાબદારીઓથી ગભરાઈને, અકળાઈને અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિ જોઈને કોઈ આશ્રમમાં બેસી જવામાં ભાગેડુ વૃત્તિનો અનુભવ થાય છે. આમ દલીલો કરનારા પાસે પ્રવૃત્તિઓ હોય છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે આવી પ્રવૃત્તિ કરવાની સાથોસાથ વ્યક્તિ અધ્યાત્મ માર્ગે ગતિ કરી શકે છે. સંત કબીર વણકર હતા અને પોતાનું કામ ક૨વાની સાથોસાથ અધ્યાત્મનો અર્થ અને મર્મ પામ્યા હતા. 

આપણા બધા જ સંતોને જુઓ તો તેઓ આજના અર્થમાં સહેજે 'બીઝી' નહોતા, છતાં જીવનના મર્મને પામ્યા હતા. તમે ક્યાંય અને ક્યારેય રામ, બુદ્ધ, મહાવીર કે ઈસુખ્રિસ્તને 'બીઝી' જોયા છે ખરા ? પોતે અત્યંત વ્યસ્ત છે માટે આ કામ નહીં કરે શકે એવું કોઈ સંત કે યોગીના મુખેથી સાંભળ્યું છે ખરું ? હકીકતમાં બાહ્ય જીવનની વ્યસ્તતા એ આપણે આપણા માથે ઓઢી લીધેલું આવરણ છે. 

આપણા ગ્રંથોએ તો કહ્યું છે : 'ક્ષણ'માં જીવો, પળનો પણ પ્રમાદ કરો નહીં, પણ આપણે એ 'ક્ષણ' કઈ રીતે ગાળીએ છીએ તેનો વિચાર કરવો જોઈએ. આપણા જીવનનો એ સમય વ્યર્થ વાતોમાં પસાર કરીએ છીએ અથવા તો નિંદા, કુથલી અને ચાડીચુગલીમાં પસાર કરીએ છીએ. આપણો કેટલો બધો સમય ભવિષ્યની ચિંતામાં ખર્ચી નાખીએ છીએ. 

એક અર્થમાં કહીએ તો આપણું મન ભયગ્રસ્ત હોય છે અને સતત જુદાં જુદાં ભય ચિત્તમાં એકાએક ઊઠતા હોય છે. આવા ભયનું નિવારણ કરવાને બદલે વ્યક્તિ એના ભયમાં વૃદ્ધિ કરતી જાય છે અને એ વૃદ્ધિને પરિણામે એનું જીવન વિક્ષુબ્ધ બની જાય છે. જીવનનાં આ રૂપને હું કે તમે તરછોડી શકીએ નહીં. આ વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી છે. કોઈ સંત, યોગી કે સાધક પોતાના સંસાર-વ્યવહારનાં સઘળા સંબંધો સાથે છેડો ફાડીને નીકળી પડે, પરંતુ અન્ય વ્યક્તિઓ માટે એ શક્ય નથી. તો શું કરવું જોઈએ ? 

આપણે જ્ઞાનની શોધમાં ભગવાન બુદ્ધ જેમ નીકળ્યા હતા, તેમ નીકળી શકીએ નહીં કે ન તો ભગવાન મહાવીરની માફક એકાકી થઈને સાડા બાર વર્ષ સુધી ભયાવહ જંગલોમાં ધ્યાનસ્થ રહી શકીએ. આથી હકીકત એ છે કે આપણે ચોપાસના જીવન-વ્યવહારમાંથી જ થોડો સમય ચોરી લેવો પડશે અને એ સમય ચોરવાને માટે કેટલીક ચાવીઓ હું તમને આપવા માગું છું. એ ચાવીઓ દ્વારા આપણે જીવનમાં આવશ્યક એવા સાંસારિક કાર્યો કરતા રહીએ, ઊંઘ, વ્યવસાય અને પરિવાર માટે સમય આપતા રહીએ અને તેમ છતાં આપણા જીવનમાં એક અગિયારમી દિશા ખોલી શકીએ. દસ દિશાઓ તો પ્રત્યેક સંસારી જાણે છે, અહીં અગિયારમી દિશાની વાત કરવી છે. જે વિશે હવે પછી જોઈશું.