- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
મીટ્ટી કા જિસ્મ લેકે ચલે હો તો સોચ લો
ઈસ રસ્તે મેં એક સમંદર ભી આયેગા
- સલીમ શાહીદ
આ પણી જાત માટીની છે અને જીવન મહાસાગર છે. વિકલ્પ એટલો જ છે; વ્યકિત બની અને બચી જવું છે કે સમષ્ટિમાં ઓસરી અને ઓગળી જવું છે? આખરે પ્રેમ કેન્દ્ર નથી પણ નિરંતર વિસ્તરતું વર્તુળ છે તેમાં ક્રમશ: બધું જ શરણાગતી લે છે-સમાઈ જાય છે. આપણે અહીં એકાદ વ્યક્તિમાં સમાવા કે ફસાવા નથી આવ્યા પણ સમગ્રમાં ખોવાઈ જવા આવ્યા છીએ.
સોક્રેટીસ એટલે પશ્વિમના પ્રારંભના તત્વચિંતકોમાંના એક! તેઓ કહેતા કે 'હું જાણું છું કે હું કશું જાણતો નથી. તેથી હું કોઈને કશું શીખવી શકું તેમ નથી. પણ હા, તેમને વિચારતા કરી શકું.' તેઓ માનતા હતા કે પારખ્યા વિનાનું જીવન જીવવા યોગ્ય નથી. તેમની નાની મોટી કસોટીઓ માણસનું દર્શન અને ભૂમિકા ઊંડાઈથી ચકાસી લેતી. જ્યારે તેમની પાસે કોઈ શિષ્ય બનવા આવતું ત્યારે તેને લઈને તેઓ તળાવે જતા. પેલાને પૂછતાં 'બોલ, તને તળાવમાં શું દેખાય છે?' તો પેલો કહે 'મને મારું પ્રતિબિંબ દેખાય છે!' તો સોક્રેટીસ તેને નાપાસ કરતા અને કહેતા, 'માછલી દેખાતી હોય તો આવી જા'.
ખરેખર તો માત્ર માછલી નહી પણ તળાવ, વૃક્ષો, પંખીઓ, આકાશ, પૃથ્વી બધું જ દેખાવું જોઈએ. જીવન-પ્રેમ એક્સક્લ્યુઝીવ નથી પણ ઇનક્લ્યુઝીવ છે. કમનસીબે, આપણી ઓળખની તરસ અને નામ - વિશેષણોની ભૂખ ઓછી થતી નથી. આપણી જાતનો સંદર્ભ ક્યારેય આછરતો જ નથી. હું નો હું સતત બચે છે-ટકે છે, વધે છે-વિસ્તરે છે. પેલી હું-મને-મારું નામની એક અફલાતૂન ભવાઈ ચાલ્યા કરે છે. તેમાં કથાકાર અને કથા, પાત્ર અને મંચ અને હા, પ્રેક્ષક પણ હું નો હું જ. આર્ટ ઓફ બીઈંગ નોન સારી કલા છે પણ આર્ટ ઓફ બીઈંગ અન-નોન પણ અદ્દભૂત કલા છે. ક્યારેક અનામ, અકામ, અનિકેત બની વિહરી લેવાનું હોય છે. અંકિ જૈન તેને, 'લીવીંગ ઇન ધ બ્રેકેટસ' કહે છે.
આપણી ઉપર સતત સ્પોટલાઈટ કે ફોક્સ આપણને સહજ રહેવા દેતાં નથી. ક્યારેક આપણો અંગત પાવક અવકાશ રચવા આપણે કૌંસમાં કે હાંસિયામાં ચાલ્યા જવાનું હોય છે. તો ક્યારેક આપણી બ્લ્યુપ્રિન્ટ, નક્શા અને સ્ક્રીપ્ટની બહાર નીકળીને વિશ્રામ લેવાનો હોય છે. આપણી વ્યાખ્યાઓમાંથી ક્યારેક બહાર નીકળીને એકાદ નિરૂદેશ જાતરા કરવાની હોય છે. એક એવી રખડપટ્ટી જેમાં કોઈ હેડલાઇન્સ, બ્રેકિંગ ન્યુઝ, માઈલસ્ટોન, ટારગેટ ન હોય. સતત આશય કે હેતુઓ સાથે જીવવાને લીધે આનંદ ચાલ્યો જાય છે. કાયમ સ્ટેજ પર રહેવાથી આપણે ક્રમશ: વ્યકિત કે વિચાર મટીને વસ્તુ બની જતા હોઈએ છીએ. ક્યારેક ચેઇઝ-મોડમાંથી બહાર નીકળી જવાનું હોય છે. બસ, વિશ્રામ લેવાનો હોય છે. ક્યારેક આનંદ સરેરાશ કે સામાન્ય પ્રત્યેના અહોભાવમાં પણ હોય છે. સહજ ઉપસ્થિતિના સૌન્દર્યના ઉજાસમાં નિરાંતે બેસવામાં પણ હોય છે. જ્ઞાનનાં ખોજી માટે સત્ય પર્યાપ્ત છે પણ હૃદયથી જીવનાર જીવન-પ્રેમીને સૌન્દર્ય પણ જોઈશે. અને સામાન્યમાં અસામાન્યને પામી જવામાં આ સહજ સૌન્દર્ય છે. લેટ્સ ટેક અ વીકલી હોલીડે ફ્રોમ ધ સેલ્ફ!


