- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- હકીકત તો એ હતી કે યુરોપિયન અને પારસી ટીમની સામે ગોલંદાજ બાલુએ જે કાબેલિયત બતાવી હતી, એને કારણે હિંદુ ટીમે એનો સમાવેશ કર્યો હતો
ભા રતીય ક્રિકેટનું એ ગૌરવ છે કે એક સમયે જાતિને આધારે ક્રિકેટ ટીમનું ગઠન થતું હતું અને આજે ટેસ્ટ હોય કે ટી-ટ્વેન્ટી હોય અથવા અંડર નાઈન્ટીન હોય કે રણજી ટ્રોફી હોય, કોલેજ કે સ્કૂલ ક્રિકેટ હોય, પણ ખેલાડી કઈ જાતિનો છે કે કયા વર્ણનો છે, એવા ભેદભાવનો કોઈ વિચાર સુધ્ધાં કરતું નથી. હજી આપણો દેશ જાતિવાદની ઊંડી ગર્તામાંથી બહાર નીકળ્યો નથી, પરંતુ ભારતીય ક્રિકેટે દેશની એકતાની મિસાલ પૂરી પાડી છે.
મજાની વાત એ છે કે ભારતમાં ક્રિકેટનો પ્રારંભ મુંબઈમાં બ્રિટિશ લશ્કરી અધિકારીઓએ કર્યો અને ત્યારબાદ પારસી ખેલાડીઓનો દબદબો શરૂ થયો. ૧૮૭૦માં પારસીઓએ બ્રિટિશ યુરોપિયન સામ્રાજ્યની આ આગવી ૨મતમાં પ્રવેશ કર્યો અને યુરોપિયનની ટીમ સામે એ સમયે મેચ ખેલીને અને ત્યારબાદ પારસી ટીમે બ્રિટનનો પ્રવાસ કરીને ક્રિકેટના માધ્યમથી શાસક બ્રિટિશરો અને શાસિત ભારતીય પ્રજા વચ્ચે એક સેતુ રચ્યો. ભારતની અન્ય જાતિઓમાંથી હિંદુ ટીમે પારસી ટીમનો મક્કમ મુકાબલો કર્યો અને વીસમી સદીના પહેલા દાયકાની એ પહેલી હિંદુ ટીમમાં બાલુ અને શિવરામ નામના બે પલવનકર ભાઈઓનો સમાવેશ કરીને જાતિભેદને નાબૂદ કર્યો.
આ બાલુ અને શિવરામ પલવનકર દલિત હતા અને એમણે પહેલાં પૂણેમાં અને પછી એ સમયના આધુનિક મુંબઈમાં પોતાની કાબેલિયત બતાવી. પારસી ટીમ પછી મુસ્લિમ ટીમ પણ સ્પર્ધામાં આવી, પછી પારસી, હિંદુ અને મુસ્લિમ ઉપરાંત અન્ય જાતિઓનાં ખેલાડીઓની રેસ્ટ ટીમ પણ ભાગ લેવા માંડી. ૧૯૦૬માં પહેલી વાર યુરોપિયનો અને હિંદુ ટીમ વચ્ચે ટેન્ટ અને સમિયાણા બાંધીને મુંબઈ જિમખાનામાં ઉત્તર-દક્ષિણ અને પશ્ચિમમાં બાઉન્ડ્રીઓ દોરીને મેચ ખેલવામાં આવી. પ્રેક્ષકોથી ખીચોખીચ આ ટેન્ટ ભરાઈ ગયા હતા અને પહેલી વાર હિંદુ ટીમે યુરોપિયન ટીમ પર પ્રભાવ પાડયો.
આ સમયે મહત્ત્વનાં બીજા દાવમાં બાલુ પલવનકરની નિર્ણાયક ભૂમિકા રહી અને એના નાનાં ભાઈ શિવરામે પણ મજબૂત મનોબળ દાખવીને કપરે સમયે આબાદ બેટિંગ બતાવી. એ સમયે સૌથી આશ્ચર્યકારક બાબત એ હતી કે દલિત સમાજનાં આ બે ખેલાડીઓ હિંદુ ટીમ તરફથી ૨મતા હતા. એ જમાનામાં અસ્પૃશ્યતા પ્રવર્તતી હતી, ત્યારે 'ઇન્ડિયન સોશિયલ રિફોર્મ' નામના સામયિકે નોંધ્યું કે આને કા૨ણે હજારો હિંદુઓનાં મનમાં સહિષ્ણુતા અને વ્યાપકતાની ભાવના જાગી અને અન્ય ક્ષેત્રો પર પણ અસ્પૃશ્યતાની રૂઢિ પર આઘાત થયો. આ સાહજિકપણે થયેલા સામાજિક પરિવર્તનને સમાજનાં જાગૃત વર્ષે વધાવી લીધું.
હકીકત તો એ હતી કે યુરોપિયન અને પારસી ટીમની સામે ગોલંદાજ બાલુએ જે કાબેલિયત બતાવી હતી, એને કારણે હિંદુ ટીમે એનો સમાવેશ કર્યો હતો. ભારતીય ક્રિકેટમાં અને એથીયે વિશેષ ભારતીય માનસમાં અસ્પૃશ્યતા અંગેની માન્યતાને દૂર કરનારા ક્રિકેટ બાલુ વિશે આજે ભાગ્યે જ કોઈ જાણે છે.
એ સમયનાં અખબારોની નોંધ મુજબ ૧૮૭૫ની ચોથી જુલાઈએ બાલુ બાબાજી પલવનકરનો મહારાષ્ટ્રના ધારવાડમાં જન્મ થયો હતો. પ્રારંભમાં એને ઘણું સહન કરવું પડયું, પગરખાં બનાવવાં એ એ કોમનો વ્યવસાય હતો અને એ સહુની હાલત પણ સાવ દરિદ્ર હતી. એમાં પણ વિશેષ તો ગામડાંઓમાં એમની સ્થિતિ ઘણી દયનીય હતી. ક્યાંક એમને અસ્પૃશ્ય ગણીને સ્પર્શવામાં આવતા નહોતા અથવા તો એમનો સ્પર્શ થાય તો કહેવાતા ઉચ્ચ વર્ણના લોકો સ્નાન કરતા હતા. આવા સમયે બોમ્બે પ્રેસિડેન્સીમાં બાલુનો પ્રવેશ થયો. એના પિતા અને અગાઉ એના દાદા પણ એકસો બારમી નેટિવ ઇન્ફન્ટ્રી(પાયદળ)માં કામ કરતા હતા અને તેથી બાલુ અને એના કુટુંબને પશ્ચિમ અને મધ્ય ભારતમાં સતત એક શહેરથી બીજા શહે૨માં બદલી થતાં જવું પડતું.
બાલુને ભારતીય લશ્કરના નોકરિયાત માટેની સ્કૂલમાં ભણવા મળ્યું અને અહીં એણે પૂણે જિમખાનામાં યુરોપિયન સૈનિકોને ખેલતા જોયા. આનાથી પ્રેરિત થઈને પેન્શનર સૈનિકોના પુત્રોની બનેલી એક ક્રિકેટ ટીમની ક્લબમાં એ સામેલ થયો અને યુરોપિય ક્રિકેટરોએ ઉપયોગ કરીને ફેંકી દીધેલાં ક્રિકેટનાં સાધનોથી આ ટીમનાં યુવાનો ખેલતા હતા અને આવા વાતાવરણમાં બાલુ ગોલંદાજી શીખ્યો. એ સમયે સ્થાનિક પારસી જિમખાનામાં મેદાન પર કામ કરવા માટે બાલુને મહિનાનાં ત્રણ રૂપિયા મળતા હતા. પછીનાં પાંચ વર્ષમાં બાલુએ એની ક્લબમાં અન્ડર હેન્ડ ગોલંદાજ તરીકે નામના મેળવી.
એ પછી પૂણે વોલેન્ટિયર્સ ક્લબ તરફથી એ ૨મવા ગયો, ત્યારે યુરોપિયન ક્રિકેટરોની સામે ગોલંદાજી કરવા માટે એને મહિનાનાં ચાર રૂપિયા મળતા હતા. આ સમયે બાલુની ગોલંદાજીની કાબેલિયત પર ઇન્ડિયન મેડિકલ સર્વિસના સભ્ય ડો. ટ્રસ્કની નજર પડી અને પછી ડો. ટ્રસ્કે એની ક્લબ તરફથી બાલુને ત્રણ ગણો પગાર આપીને ગોલંદાજી કરવા માટે રાખી લીધો. અહીં બાલુએ વિખ્યાત યુરોપિયન ડાબોડી સ્લો ગોલંદાજ કેપ્ટન બાર્ટનને જોયા, જેઓ એમની એક્યુ૨સી માટે જાણીતા હતા અને એમની ટેક્નિકને આધારે બાલુએ પોતાની ટેક્નિક ઘડવાનું શરૂ કર્યું, પણ એ માત્ર અનુકરણ કરતો નહીં, બલ્કે પોતાની ગોલંદાજીમાં નવી નવી પદ્ધતિ અપનાવી. એ સમયે 'ભુંગરી'ને નામે ઓળખાતા ગ્રેગ તો મેદાન પર એક કલાક વહેલા આવતા હતા અને બાલુની ગોલંદાજી સામે પોતાની બેટિંગની કસોટી કરતા હતા. એમ કહેવાય છે કે બાલુ જેટલી વાર ગ્રેગને આઉટ કરતો, એટલી વાર એને આ ક્રિકેટર આઠ આના આપતો હતો !
આ ક્રિકેટને કારણે બાલુને મુંબઈ નેટિવ ઇન્ફન્ટ્રીની સેકંડ ગ્રેનેડિયર રેજીમેન્ટમાં ક્લાર્ક તરીકેની નોકરી મળી. એ સમય હતો ૧૮૯૦ના વર્ષના પ્રારંભનો. અહીં સુધી તો બધું સમુસૂતરુ ચાલતું હતું, પરંતુ ૧૮૯૦ની અધવચ્ચે ક્રિકેટર બાલુની જાતિ વિશેના વિરોધનો પ્રારંભ થયો. એ સમયે પૂણેની યંગ મેન્સ હિંદુ ક્લબ એક અગ્રણી ટીમ હતી જેમાં ઘણાં આશાસ્પદ યુવાનો ખેલતા હતા, પરંતુ તેઓએ બાલુને નજ૨અંદાજ કર્યો. આની સામે ગ્રેગે સ્થાનિક અખબારમાં હિંદુ ક્લબની ટીકા કરતો પત્ર લખ્યો અને એને પરિણામે આ ક્લબનાં સભ્યોની તાત્કાલિક સભા બોલાવવામાં આવી. બાલુને ટીમમાં પ્રવેશ આપવો કે નહીં, તેની ચર્ચા ચાલી. બહુમતીએ પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો, પરંતુ કેટલાક તેલુગુ ભાષી અને બ્રાહ્મણ નહોતા,
તેવા ક્રિકેટરોએ બહુમતીને ફગાવી દઈને બાલુને સામેલ કર્યો અને પછીનાં મહિને બાલુએ એવો સુંદર દેખાવ કર્યો કે એક વાર એનો સખત વિરોધ કરનારા ક્લબનાં સભ્યો એને માટે ગર્વ લેવા માંડયાં !
૧૮૯૬ અને ૧૮૯૭માં એમ સતત બે વર્ષ બાલુની પૂના યંગ મેન્સ હિંદુ ક્લબે પૂના જીમખાનાને હાર આપી. બાલુની આ સિદ્ધિને જોઈને મહારાષ્ટ્રના વિખ્યાત સામાજિક નેતા મહાદેવ ગોવિંદ રાનડેએ એક જાહેર સમારંભમાં એનું અભિવાદન કરવાની સાથોસાથ એની સાથે હાથ મિલાવ્યા હતા અને એ જ રીતે રાષ્ટ્રનેતા બાલગંગાધર ટિળકે બાલુને ગળામાં હાર પહેરાવીને એને ક્રિકેટનાં મેદાનમાં હાંસલ કરેલી સિદ્ધિઓ માટે અભિનંદન આપ્યા હતા.
આમ છતાં પૂણેનાં ઘણા હિંદુઓને બાલુની ઉપસ્થિતિ અને પ્રસિદ્ધિ કઠતી હતી. ખુદ એની પોતાની ક્રિકેટ ક્લબ કે જેને એણે ભવ્ય વિજય અપાવ્યા હતા, ત્યાં પણ એને માટે જુદો નાસ્તો ૨ખાતો અને એને ક્યાંક દૂર બેસીને નાસ્તો કરવાનું કહેવામાં આવતું. એ પછી ૧૮૯૯માં બાલુ પૂણેથી મુંબઈ ગયો અને પૂણેની માફક જ મુંબઈની ક્લબમાં પણ રૂઢિચુસ્તોએ બાલુનો વિરોધ કર્યો.
હિંદુ જિમખાના ક્લબના સુકાનીનાં નિમંત્રણથી એ ખેલતો હોવા થતાં એને અસ્પૃશ્યતાનો સામનો કરવો પડતો હતો અને બાલુ આ બધાની સામે ખામોશી રાખીને બેસી રહેતો નહીં, બલ્કે સ્પષ્ટ શબ્દોમાં કહેતો કે એ આવો ભેદભાવ ચલાવી લેશે નહીં. હિંદુ જિમખાનાનાં સંચાલકોને વિજય અપાવતા આ ગોલંદાજને ગુમાવવો પોસાય તેમ નહોતું, આથી બીજા ખેલાડીઓ જેટલો જ આદર આપવાનો પ્રયાસ કરતા.
બાલુના આવા મક્કમ વલણને કારણે જ બીજા પલવનકર ભાઈઓને માટે પરિસ્થિતિ થોડી આસાન બની. પોતાના વ્યવસાયને કારણે બાલુને મુંબઈની બહાર જવું પડયું, પરંતુ ૧૯૦૨માં એવો વ્યવસાય પસંદ કર્યો કે જેથી એની બદલી થાય નહીં અને પરિણામે એક રેલ્વે કંપનીના એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક તરીકે એકત્રીસ વર્ષ સુધી કામ કર્યું. અસ્પૃશ્યતા સામે અણનમ લડત આપતા બાલુના આ પ્રચંડ જીવનસંઘર્ષને આપણે જાણ્યો, હજી તો વેધક ગોલંદાજ તરીકેની એની કામયાબીની ઘણી ઘટનાઓની વાત કરવાની બાકી છે.
મનઝરૂખો
ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડયું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં.
અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તો પણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા.
આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમોક્રેટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડયા. એમણે ન્યૂયોર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા.
સમય જતાં અલ સ્મિથ ન્યૂયોર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢયા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા.
એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી ૧૯૨૮માં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ્ ડિગ્રી એનાયત કરી.
આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ્ પદવીધારક બની રહ્યો.


