Get The App

શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સેક્સ? .

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
શૂન્ય ગુરુત્વાકર્ષણમાં સેક્સ?                               . 1 - image

- અંતરિક્ષનાં ગર્ભિત સત્યની વરવી વાસ્તવિકતા  

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

મ નુષ્ય ખૂબ જ લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેવા માટે પણ ટેવાઈ ચૂક્યો છે. નાસા હવે તેના અંતરિક્ષયાત્રીઓને ચંદ્ર ઉપર ઉતારવા માટે તૈયારી કરી ચૂક્યું છે. ભવિષ્યમાં મનુષ્યને મંગળ ઉપર વસવાટ કરાવવાની યોજનાઓ પણ તૈયાર થઈ રહી છે. આવા સમયે સંશોધકો એક ખાસ મુદ્દા ઉપર ધ્યાન આપી રહ્યા છે. જો મનુષ્ય અંતરિક્ષમાં લાંબો સમય સુધી રહેતો, તેની પ્રજનન ક્ષમતા ઉપર કેવી અસર પડે? શું મનુષ્ય અંતરિક્ષમાં તેનું જાતીય જીવન માણી શકે ખરો? મહિલા અંતરિક્ષયાત્રી  અંતરિક્ષમાં ગર્ભાવસ્થાને પ્રાપ્ત કરી શકે ખરી? મહિલા અંતરિક્ષયાત્રી  અંતરિક્ષમાં બાળકને જન્મ આપી શકે ખરી? આવા અનેક સવાલો, વિજ્ઞાનીઓને થાય તે સ્વાભાવિક છે.  આવાં પ્રશ્ન આપણને વિજ્ઞાન કલ્પના કથા જેવા લાગે, પરંતુ જાન્યુઆરી ૨૦૨૬માં પ્રતિષ્ઠિત પીઅર-રિવ્યુડ જર્નલ 'રિપ્રોડક્ટિવ બાયોમેડિસિન ઓનલાઈન'માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ સંશોધન પત્રમાં, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે 'અંતરિક્ષમાં મનુષ્યની પ્રજનન ક્ષમતા વિશે વિચારવાનો પ્રશ્ન હવે સૈદ્ધાંતિક પ્રયોગ નથી. તેનો વ્યવહારિક અમલ કરવાનો સમય આવી ચૂક્યો છે!' જોકે કોસ્મિક રેડિયેશન, બદલાયેલી ગુરુત્વાકર્ષણ શક્તિ, માનસિક તણાવ અને જૈવિક ઘડિયાળમાં ખલેલ જેવા, અનેક પરિબળો સ્ત્રી અને પુરુષ અવકાશયાત્રીઓની પ્રજનન ક્ષમતા માટે સંભવિત જોખમો ઊભા કરે છે. સરળ ભાષામાં કહીએ તો અંતરિક્ષમાં સેક્સ તેમજ મનુષ્ય બાળકનાં જન્મને લગતા પ્રયોગો કરવાનો સમય પાકી ચૂક્યો છે.આવાં પ્રયોગોમાં સમસ્યાઓ અનેક આવી શકે તેમ છે. 

IVF  અને  ISS 

છેલ્લા ૫૦ વર્ષના સમયગાળા દરમિયાન, મનુષ્યએ બે ક્ષેત્રમાં ખૂબ જ મોટી હરણફાળ ભરી છે. પ્રથમ ક્ષેત્ર એટલે અંતરિક્ષ અને  અંતરિક્ષ યાત્રા. બીજુ ક્ષેત્ર એટલે ટેસ્ટ ટયુબ બેબી, જેને ટેકનીકલ ભાષામાં ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન ટેકનીક કહે છે.  છેલ્લા ૫૦ વર્ષમાં IVF ટેકનીક પણ અકલ્પનીય પ્રગતિ સાધી ચુકી છે. ૧૯૬૦ના દશકમાં જ્યારે માનવી પ્રથમ વખત અવકાશમાં ગયો, ત્યારે અવકાશ સંશોધન મુખ્યત્વે પુરુષ-પ્રધાન અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જોડાયેલું એક વિશિષ્ટ ક્ષેત્ર હતું. પરંતુ આજે તેની સરહદ ઝડપથી વિકસી રહી છે. હવે સામાન્ય (અબજોપતિ) નાગરિકો પણ  અંતરિક્ષ મિશન પર જઈ રહ્યા છે.

અત્યાર સુધી ૭૦૦ કરતાં વધારે અંતરિક્ષયાત્રીઓ  અંતરિક્ષમાં જઈ ચૂક્યા છે. જેમાંથી ૧૦૫ મહિલા  અંતરિક્ષ યાત્રીઓ છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો  અંતરિક્ષ યાત્રામાં મહિલાઓની સંખ્યા ૧૨% જેટલી છે. તમને ચોક્કસ સવાલ થશે કે  અંતરિક્ષયાત્રામાં મહિલાઓની સંખ્યા શા માટે ઓછી છે? અંતરિક્ષમાં મહિલાઓને સતાવતી મુખ્ય સમસ્યા તેમનો માસિક સ્ત્રાવ છે. જ્યારે મહિલા અંતરિક્ષયાત્રી લાંબા સમયના  અંતરિક્ષ ઉપર જતી હોય છે ત્યારે, તેના માસિક સ્ત્રાવને અટકાવવા માટે, તેને ખાસ પ્રકારની સંયુક્ત ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરવો પડે છે. આ ગર્ભ નિરોધક ગોળીઓની અસર, તેમની પ્રજનન ક્ષમતા ઉપર કેટલી પડે છે? તેને લગતી કોઈપણ વિગતો બહાર આવી નથી. આ ઉપરાંત અંતરિક્ષ યાત્રા કરી આવ્યા પછી, કોઈ અંતરિક્ષયાત્રી બાળકનો પિતા બન્યો હોય, તેવી માહિતી બહાર આવી નથી. કારણ? મોટાભાગના પુરુષ અંતરિક્ષયાત્રીઓ, લાંબા ગાળાનાં અંતરિક્ષ મિશન ઉપર ગયા હતા, ત્યારે તેઓ તેમના બાળકોના પિતા બની ચૂકેલા હતા. હવે પ્રશ્ન એ છે કે જે વિજ્ઞાનીઓ અને સંશોધકોએ, અંતરિક્ષમાં કામેચ્છા (સેક્સ) અને બાળ જન્મ વિશે વિચારી રહ્યા છે? તેમનું સંશોધન પત્ર શું કહે છે? 

રેડિયેશન, મ્યુટેશન, વિકૃતિ 

મનુષ્ય અંતરિક્ષમાં જેટલો સમય રહ્યો છે, તેના ઉપરથી વિજ્ઞાનીઓને અનેક પ્રકારની માહિતી મળે છે. જે દર્શાવે છે કે 'શૂન્ય ગુરુત્વાકર્ષણમાં માનવ શરીરની તમામ પ્રક્રિયાઓ બદલાઈ જાય છે.' પૃથ્વી પર આપણું શરીર ગુરુત્વાકર્ષણને ધ્યાનમાં રાખીને વિકસિત થયું છે, પરંતુ અંતરિક્ષમાં આ મૂળભૂત ગુરુત્વાકર્ષણ બળ બદલાઈ જાય છે.માઇક્રોગ્રેવિટીમાં નરના શુક્રાણુઓ અને માદાના અંડકોષો બંને  અલગ રીતે વર્તે છે. શુક્રાણુઓની સામાન્ય તરવાની ક્ષમતા અને દિશા નક્કી કરવાની ક્ષમતા પર, માઈક્રોગ્રેવીટી અસર કરી શકે છે. ફર્ટિલાઇઝેશન દરમિયાન જરૂરી જૈવ રાસાયણિક સંકેતો અને કોષોનું એકબીજા સાથે જોડાવું પણ પ્રભાવિત થઈ શકે છે. 

પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ, શરીરના પ્રવાહીઓને નીચેની તરફ ખેંચે છે, પરંતુ અંતરિક્ષમાં પ્રવાહીઓ માથા અને છાતી તરફ ખસી જાય છે. જેના કારણે પ્રજનન તંત્ર અંગોને મળતા લોહીના જથ્થાનું વિતરણ યોગ્ય રીતે ન થાય તેવું પણ બનવાની શક્યતા રહેલી છે. માઇક્રોગ્રેવિટીમાં ગર્ભ વિકાસ માટે જરૂરી કોષ વિભાજન, ભિન્નતા અને અંગોની રચના કેવી રીતે થશે? તે વિષય વિજ્ઞાનીઓ પાસે કોઈ પણ પ્રકારની માહિતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન બાળકના હૃદય, મગજ અને હાડપિંજરનો વિકાસ ખાસ કરીને પડકારજનક બની શકે છે. 

આંતરતારાકીય અવકાશમાંથી આવતા ઉચ્ચ-ઊર્જાવાળા કણો શરીરની પેશીઓને ભેદી શકે છે. જે DNAને નુકસાન પહોંચાડે છે. રેડિયેશન કેન્સર, જન્મજાત ખામીઓ અને આનુવંશિક મ્યુટેશન્સનું કારણ બની શકે છે. સૂર્યમાંથી નીકળતા કણો, ખાસ કરીને સોલાર ફ્લેર્સ પણ ખૂબ જોખમી સાબિત થઈ શકે છે. ગર્ભમાં વિકસી રહેલા બાળકના કોષો ઝડપથી વિભાજિત થઈ રહ્યા હોય છે, જે તેમને રેડિયેશન માટે અત્યંત સંવેદનશીલ બનાવે છે. રેડિયેશનથી મગજ અને નર્વસ સિસ્ટમનો વિકાસ સામે મોટું જોખમ રહેલું છે. રસપ્રદ વાત એ છે કે ફોલિક એસિડ ફૂડ સપ્લીમેન્ટેશન ઉંદરોમાં સંભવિત રેડિયેશન ઘટાડનાર પદાર્થ હોય તેવું લાગે છે. જે પ્રારંભિક ઓર્ગેનોજેનેસિસ દરમિયાન રેડિયેશન દ્વારા પ્રેરિત વિકૃતિઓના દરને નોંધપાત્ર રીતે ઘટાડે છે.

મૂન વિલેજ

જાન્યુઆરી ૨૦૨૬માં પ્રતિષ્ઠિત પીઅર-રિવ્યુડ જર્નલ 'રિપ્રોડક્ટિવ બાયોમેડિસિન ઓનલાઈન'માં પ્રકાશિત થયેલા એક મહત્વપૂર્ણ સંશોધન પાછળ નવ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું એક જૂથ છે. આ જૂથના મુખ્ય લેખક ક્લિનિકલ એમ્બ્રાયોલોજિસ્ટ ગાઈલ્સ પામર છે. જેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે 'જેમ જેમ માનવ પ્રવૃત્તિ ટૂંકા મિશનથી પૃથ્વીની બહાર ટકાઉ હાજરી તરફ આગળ વધી રહી છે, પ્રજનન અમૂર્ત શક્યતાથી વ્યવહારિક ચિંતા તરફ સરકી રહ્યું છે.

'યુરોપિયન સ્પેસ એજન્સીના' મૂન વિલેજ' યોજનાના એમ્બેસેડર પ્રોફેસર બર્નાર્ડ ફોઇંગ, આ ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓમાંના એક છે. તેમના જણાવ્યા પ્રમાણે, આગામી બે દાયકામાંમાં ચંદ્ર પર બાળકોનો જન્મ થશે. ૨૦૫૦સુધીમાં યુરોપનાં કેટલાંક પરિવારો, ચંદ્ર પર વસાહત બાંધીને રહેતા હશે. પ્રોફેસર ફોઇંગનું વિઝન માત્ર કાલ્પનિક નથી. તેમની ભવિષ્યની આગાહી નક્કર આયોજન પર આધારિત છે. તેમના અનુમાન પ્રમાણે, ૨૦૩૦ સુધીમાં છ થી દસ અગ્રણીઓ પ્રારંભિક ચંદ્ર વસાહત સ્થપાશે. આ વસાહતમાં વૈજ્ઞાનિકો, ટેકનિશિયન અને એન્જિનિયરોનો સમાવેશ કરવામાં આવ્યો હશે. ૨૦૪૦ સુધીમાં આ સંખ્યા ૧૦૦ સુધી વધી શકે છે. ૨૦૫૦માં એકાદ હજાર લોકો ચંદ્રની વસાહતમાં રહેતા હશે. એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ ઓછા ગુરુત્વાકર્ષણમાં મનુષ્ય સેક્સ પ્રવૃત્તિ કરવાની દિશામાં આગળ વધી ચૂક્યો હશે. 

જાપાનના ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ,  અંતરિક્ષમાં કરેલ પ્રયોગો દર્શાવે છેકે 'ઉંદરના અંડકોષ અને શુક્રાણુ કોષો અવકાશમાં ટકી શકે છે. તેઓ સ્વસ્થ સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવી શકે છે. ૨૦૧૯માં એક મિશન દરમ્યાન, આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર માઇક્રોગ્રેવિટી અને કૃત્રિમ ગુરુત્વાકર્ષણ (લગભગ 1 G) હેઠળ, નર ઉંદરોમાં પ્રજનન કાર્ય પર અસરોની તપાસ થઇ હતી. અભ્યાસ દર્શાવે છે કે ISS પર ૩૫ દિવસ સુધી રાખવામાં આવેલા પુખ્ત નર ઉંદરો, જ્યારે પૃથ્વી પર પાછા આવ્યા ત્યારે, શુક્રાણુની ગુણવત્તા અથવા તેમના સંતાનોની વ્યવહારિકતા પર કોઈ પ્રતિકૂળ અસર પડી ન હતી.' 

અંતરિક્ષમાં માતૃત્વ 

અંતરિક્ષની પરિસ્થિતિઓ ગર્ભ વિકાસના શરૂઆતના ત્રણ મહિના મોટું જોખમ ઊભું કરે છે. સામાન્ય રીતે અંતરિક્ષયાત્રીઓ દર મહિને લગભગ ૧-૨% હાડકાની ઘનતા ગુમાવે છે. ગર્ભાવસ્થા દરમિયાન માતા, તેના ગર્ભને કેલ્શિયમ પૂરું પાડતી હોય છે.  અંતરિક્ષમાં તેના હાડકા નબળા પડતા, તેને પોતાને જ કેલ્શિયમની વધારે જરૂર પડતી હોય ત્યારે, ગર્ભ વિકાસમાં કેલ્શિયમ પૂરું પાડવું મુશ્કેલ બની શકે છે. માઇક્રોગ્રેેવિટીમાં સ્નાયુઓ ઝડપથી નબળા પડે છે. મહિલા ગર્ભાવસ્થા દરમિયાન વધારાનું વજન વહન કરવું અને પછી પ્રસવ માટે વધારે ઊર્જા અને શક્તિની જરૂર ઊભી થાય છે. જે અંતરિક્ષમાં પ્રસવ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ બની શકે છે. મનુષ્ય શરીરની રોગપ્રતિકારક શક્તિ, અંતરિક્ષ ઉડાનને કારણે નબળી પડે છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થા પણ રોગપ્રતિકારક તંત્રમાં ફેરફારો લાવે છે. આમ અંતરિક્ષ અને ગર્ભાવસ્થા, બંને સાથે જોડાઈને માતા અને બાળક બંને ઉપર, ચેપ અને બીમારીનું જોખમ વધારી શકે છે. 

સામાન્ય મહિલા ગર્ભાવસ્થા દરમિયાન હૃદયને ૫૦% વધુ રક્ત પંપ કરે છે. જે માઇક્રોગ્રેેવિટીમાં ગંભીર પડકાર બની શકે છે.  ગર્ભવતી સ્ત્રીઓને વિશેષ પોષણની જરૂર હોય છે. અંતરિક્ષમાં ખોરાકની મર્યાદાઓ અને દવાઓના સંગ્રહની સમસ્યાઓ છે. ઘણી દવાઓ માઇક્રોગ્રેવિટીમાં અલગ રીતે કાર્ય કરી શકે છે. 

નિષ્ણાતો દલીલ કરે છે કે 'અવકાશયાત્રા અને IVF  બંને સમાન સમયરેખા સાથે વિકસિત થયા છે. IVF  માનવ અવકાશ સંશોધનના ભવિષ્યમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.'  જેનો સરળ ભાષામાં અર્થ એવો કરી શકાય કે 'હાલના તબક્કે મનુષ્ય, અંતરિક્ષમાં પ્રજનન કરીને ગર્ભાવસ્થા, શરૂ કરવી નહીં જોઈએ. માત્ર પ્રાયોગિક ધોરણે,  મહિલા અંતરિક્ષયાત્રીઓ ઉપર IVF ટેકનિક વાપરીને, ગર્ભાવસ્થા અને બાળ જન્મ વિશે  પ્રયોગો કરવા જોઈએ. શું નૈતિક રીતે આ યોગ્ય છે ખરું. આ સંશોધન પત્ર આપણને કેટલાક ગહન પ્રશ્નોનો સામે આંગળી ચીંધે છે? શું માનવજાત ખરેખર બહુગ્રહીય પ્રજાતિ બનવા માટે તૈયાર છે? અવકાશમાં જન્મેલા બાળકોના અધિકારો અને સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે?