- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- એક્ઝામ સાવ નજીક હોય, ત્યારે કઈ સાયન્ટિફિક ટિપ્સ યાદ રાખવી? કેમ ખુદ પર ભરોસો વધારવો?
मंजिल अब खड़ी पुकार रही
बढ़ते जाओ, वह दूर सही
जीवन है पग पग चलने में
गिरने में और संभलने में
जो भाग गया रणभूमि से
अर्जुन फिर उसका नाम नहीं
चलो ! अभी विश्राम नहीं
घर से आए तुम दूर निकल
लेकर पैरों में गति प्रबल
हारा जो राहों से लड़कर
मरकर वह राही रहा अमर
तुम हार मान क्यों बैठ गए
यह तो जीवन की शाम नहीं
चलो ! अभी विश्राम नहीं....
कसौटी से ही गढता आकार
ललकार का करो स्वीकार
छोड दो अब सब प्रलोभन
सिर्फ लक्ष्य पर रखो लोचन
हर सांस भी एक प्रयास है
आत्मविश्वास का प्रवास है
लडने के सिवा और काम नहीं
चलो ! अभी विश्राम नहीं
ઇ ન્ટરનેટ પર તરતી એક રચનામાં છેલ્લો આખો અંતરો ઉમેરીને પ્રિય પરીક્ષાર્થીઓ માટે પેશકશ કરી છે. ૨૦૨૨માં પ્રિયંકા ગોયેલ નામની કેન્ડિડેટ પાસ થયેલી એનો એ છઠ્ઠો ને છેલ્લો પ્રયાસ હતો ઓલ ઇન્ડિયાના ટોપ ૪૦૦માં આવેલી પ્રિયંકા ચોથા પ્રયાસ સુધી પ્રિલિમ્સ પણ પાસ નહોતી કરી શકી. પણ એક જ વિચારે એને આઇએએસ બનાવી દીધી. એણે વિચાર્યું કે ૬ એટેમ્પ્ટ યાને પ્રયાસ સરકાર આપે છે. તો છેક છેલ્લા અને છઠ્ઠા સુધી લડી લેવામાં વાંધો શું છે ?
ધેટ્સ ધ કી. પરીક્ષા નજીક આવે ત્યારે સ્કૂલ એક્ઝામમાં સારું પરફોર્મ કર્યું હોય એવા, વ્યવસ્થિત વાંચતા વિદ્યાર્થીઓ પણ કોમ્પ્લેક્સમાં આવી જાય છે. પેલા 'ઉઠિયાણ' કહેવાતા ઠોઠિયાઓને બીક નથી લાગતી કારણ કે, એમને તો પરીક્ષાની પરવા જ નથી. ભણવું છે જ નહિ, એને શું ટેન્શન.પણ જેમ વેક્સિન બનાવવા માટે વાયરસ જોઈએ એમ હોંશિયાર હોવા છતાં ગભરાટ અનુભવતા ચાહકોએ એમની પાસેથી એ શીખવાનું કે હિંમતનો દુશ્મન છે : સભાનતા. એ લોકો પરિણામ બાબતે ચિંતિત નથી, માટે પરીક્ષાથી ડરતા નથી. તો આપણે ડરીએ છીએ, કારણ કે આપણને ચેઝ કરતી ક્રિકેટ ટીમને રનરેટનું ટેન્શન હોય એમ પરિણામની સભાનતા છે. એ ભવિષ્યનો ભય છોડી, વર્તમાનમાં એક્ઝામ એન્જોય કરીએ તો બીક નહિ લાગે !
લૂક, હમણાં વૈભવ સૂર્યવંશી ઝમકદાર ફોર્મમાં ક્રિકેટ સતત રમતો હોવાના કારણે પરીક્ષામાં હાજરજ ન રહ્યો એના પ્રિન્સિપાલ ખુદ આવકારવા મિડિયા સાથે એક્ઝામ સેન્ટર પર ઉભા હતા. પણ વૈભવ બોર્ડ એક્ઝામમાં હાજર ન થયો. કોઈએ એને ઠપકો ન આપ્યો. મા-બાપે જ પરીક્ષા છોડવાનું કહ્યું. કેમ ? કારણ કે એક્ઝામ જો મનપસંદ કરિઅરની એન્ટ્રી હોય તો એ ગેરન્ટી એણે ક્રિકેટ બાબતે અત્યારે વગર પરીક્ષાએ લઈ જ લીધી છે ! ઇન શૉર્ટ, જો વૈભવ સૂર્યવંશીની જેમ કોઈ ફિલ્ડમાં નાની ઉંમરે એવા ચેમ્પિયન હો કે નામ અને દામ બેઉ બેશુમાર તમારા ચરણ પખાળે, તો જ એક્ઝામમાં ગેરહાજર રહેવાની લક્ઝરી ભોગવી શકો. બાકી દેશી ખેડૂત કહે એમ ગમે કે ન ગમે, 'ઢીંઢા ઉંચકો ને ઢેફાં ફોડો !'! અર્થાત્, ગેટ અપ, કમ ઓન. યુ કેન ડુ ઇટ. જસ્ટ ફેસ ધ ફીઅર એન્ડ રોક ધ સ્ફીઅર ! (સ્ફીઅર એટલે પૃથ્વીનો ગોળો)
ઇટ્સ ટફ. અઘરું તો છે. પણ યાદ રાખો પછી જે મજા આવશે ને, એ જેવીતેવી નહિ હોય ! બે'ક વર્ષ પહેલા મહારાષ્ટ્રની શૈલજા પાઇકને અમેરિકામાં સાડા સાત કરોડ રૂપિયાની મેકઆર્થર ફેલોશિપ મળી. અને એ છોકરી પૂનાની ઝૂંપડપટ્ટીમાં જ્યાં ભૂંડ આંટા મારતા હોય ત્યાં મોટી થયેલી ! એ, શરૂઆત ભલે શૂન્ય હોય, શિખર ભવ્ય હોવું જોઈએ ! ઓલિમ્પિકમાં દોરાવાર માટે મેડલ ચૂકી ગયેલી પણ ત્યાં સુધી પહોંચેલી ભારતની પહેલી જીમ્નાસ્ટ તરીકે નામ નોંધાવી ચૂકેલી દીપા કરમાકર જ્યારે નિવૃત્ત થઈ ત્યારે એણે કહેલું ે, એક સમયે મને 'ભેંસ' કહીને અપમાનિત કરનાર કોચ પુષ્પગુચ્છ લઈને મારી જોડે ફોટો પડાવવા પડાપડી કરતા હતા !
ધેટ્સ ધ પાવરફૂલ ટેસ્ટ ઓફ અચિવમેન્ટ ! સ્વાદ સફળતાનો ! જેમાં કોઈ ઝપાઝપી વિના પણ વિરોધીઓએ જપ્પીપપ્પી કરવા ઝૂકવું પડે ! પણ એના માટે ટેસ્ટમાંથી પસાર થવું પડે. ટ્વેન્ટીના જમાનામાં ટેસ્ટમાં પબ્લિકને રસ નથી પડતો એટલે એમાં ધબડકો કરનાર ગૌતમ ગંભીરો ટકી જાય છે. પણ ક્રિકેટમાં ટેસ્ટ એટલે કેવળ મેચ નહિ. ધૈર્ય. લાંબુ રમવાનું ટેમ્પરામેન્ટ તરત થાકી ન જતું જોમ. શાહરૂખખાને એકવાર કહેલું કે, 'હું બધે ફર્સ્ટ ક્લાસ સુવિધાઓમાં ટ્રાવેલ કરું છું જેમાં પાછળ ઢળી જાય એવી રિક્લાઇનિંગ સીટ હોય પણ નિદ્રા સિવાય હું એને આરામદાયક રીતે ઢાળતો પણ નથી ! કેમ ? કારણ કે, મારે આરામની ટેવ નથી પાડવી. આરામ હરામ હૈ આળસ પ્રવેશી જાય જીવનમાં તો ઊર્જા વેડફાઈ જાય. હું (શાહરૂખ) તો કહું છું કે જેટલા કલાકો નિરાંતે ખાવા-પીવા કે સૂતા રહેવામાં વધારશો, એટલો વેડફાટ વધશે. મને જીમ કરવા કરતા વિડિયો ગેઇમ રમવી વ ધુ ગમે પણ હું ગેઇમ નથી રમતો, જીમ કરું છું કારણ કે જીવનમાં આગળ વધવા માટે બધું ગમતું ને ફાવતું કરવાનું હોય એવું ના હોય ! અનુશાસનની ટેવ પાડવી પડે પરસેવો પાડવાની !''
યસ, આગળ વધવું સરળ હોત તો બધા જ ના આગળ હોત ! સો ડિયર સ્ટુડન્ટસ, ચીઅર અપ એન્ડ ગીઅર અપ. ગુજરાતમાં તો આ વર્ષે બોર્ડે સ્ટ્રેસ (અને કાચી ઉંમરના આપઘાત, એન્ઝાયટી, ડિપ્રેશન) ઘટાડવા દસમા- બારમાની પરીક્ષામાં દરેક પેપર પછી એક દિવસનો ગેપ રાખ્યો છે. ચબરાક પરીક્ષાર્થી માટે તો રિવિઝન માટે આ એક્સ્ટ્રા ૨૪ કલાક પણ પૂરતા છે. તો ડર દરવાજે ટકોરા મારે કેલેન્ડરમાંથી ત્યારે શું કરવું ? કેટલીક વિજ્ઞાનસિદ્ધ ચાવીઓ આ રહી.
***
'ટ્રિઆઝ' શબ્દ સાંભળ્યો છે ? મોટી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ થાય ત્યારે 'સોર્ટિંગ' કરવાની આ મેનેજમેન્ટ ટેક્નિક છે. ધોરણસર કામગીરીમાં તો જેમને ઇમરજન્સી કેરની જરૂર હોય એમની હાલત ખરાબ થઈ જાય. એટલે ક્રિટિકલ હોય એવા પેશન્ટસને સારવારમાં પહેલી પ્રાયોરિટી આપવાની.
નાઉ એપ્લાય ઇટ ટુ એક્ઝામ એટ ફાઇનલ મોમેન્ટ છેલ્લા દિવસોમાં જે બહુ જ અઘરુ લાગતું હોય, વારંવાર પ્રયત્ન છતાં ન સમજાતું હોય, એવું બધુ છોડી દે. એમાં આખા વર્ષે મેળ નથી પડયો, તો એક દિવસમાં નહિ પડે ! ફોક્સ ઓન યોર સ્ટ્રેન્થ, નોટ વીકનેસ. સો ટકા- અભ્યાસમાં પચાસ ટકા તૈયારી કરતા, સિત્તેર ટકા સિલેબસની સો ટકા તૈયારી વધુ ફાયદાકારક છે. જે અગત્યનું, ક્રિટિકલ, મસ્ટ રીડ હોય એના પર જ ફોક્સ કરો.
લાસ્ટ ડેઝમાં રિવિઝન માટે પણ બ્રેઇન ફંક્શન સમજી લેવાની જરૂર છે. આપણું મગજ ડેટા એન્ડ મેમરી પ્રોસેસિંગ યુનિટ છે પણ ફિલ્મ જોઈ હોય ત્યારે બધા સીન યાદ હોય. પણ પછી ઘણા દ્રશ્યો સમય જતાં ભૂલાતા જાય એવું ભણવામાં થાય છે. કારણ કે મોબાઈલની 'રેમ' (રેન્ડમ એક્સેસ મેમરી) ફુલ થાય તો મોબાઈલ હેંગ થઇ જાય, એમ જ મગજની રેમ ફુલ થાય એ પહેલા એ જૂનો ડેટા ડિલીટ કરે છે , જેથી નવો આવે. એટલે આપણે જ સાત દિવસપહેલા શું ખાધું એ કશુંક એકદમ સ્પેશ્યલ ના હોય તો આપણને યાદ નથી રહેતું ! એ માટે ફોટો પાડયો હોય તો મોબાઈલની ગેલેરી જોવી પડે !
તો સ્ટડીને રેમમાંથી બ્રેઇનની હાર્ડ ડિસ્કમાં ટ્રાન્સફર કરો, તો વાંચતી વખતે યાદ રહે ને પરીક્ષાખંડમાં ભૂલાઈ જાય એવું ન થાય. આ કેવી રીતે કરવું ?
જેમ બેગમાં કપડાં વ્યવસ્થિત ગડી વાળીને મુક્યા હોય, તો જગ્યા વધે, પણ આડેધડ ભર્યા હોય તો જગ્યા ઘટે, એમ વાંચતી વખતે દિમાગમાં એનું સ્ટોરેજ વ્યવસ્થિત કરો. પેન કે પેન્સિલથી અન્ડરલાઈન કરતા જાવ સ્ટડી મટીરિયલમાં કે હાઈલાઇટર વાપરો. શોર્ટ સમરી કે યાદ રાખવા જેવા મુદ્દા, ચાર્ટસ, સમીકરણો વગેરેની જાતે જ ક્વિક નોટસ બનાવો. પછી ફરી એકવાર નજર નાખી લો. પછી અમલમાં મુકો ૧૯૪૧માં ફ્રાન્સિસ પી. રોબિન્સને શોધેલી વાંચેલું યાદ રાખવાની હજુ પણ ઉપયોગી 'એસક્યુથ્રીઆર' ટેકનિક !
એસ ફોર સર્વે. અગાઉ વાંચેલી ટેકસ્ટ પર નિરીક્ષણ કરતા હો એમ ઝડપથી નજર ફેરવો. રિમાર્ક, અન્ડરલાઈન, હાઈલાઇટ કરેલું ખાસ જોઇ લેવું. ક્યુ ફોર ક્વેશ્ચન. સવાલ જાણે પરીક્ષામાં પૂછાયો છે, એમ ખુદને પુછો. ઉંડો શ્વાસ લઇ આંખ મીંચો. કેટલું યાદ આવે છે ? હવે ફરીથી વાંચો ને જે ભૂલાઈ ગયું હોય કે ખોટું પડયું હોય એ દિમાગમાં ગોઠવો. ઘેટ્સ ફર્સ્ટ આર. રીડ. નેકસ્ટ આર. રિસાઇટ. પોતાને સંભળાય એમ મોટેથી એ વાંચતા વાંચતા બોલી જાવ. સમય હોય તો લખી નાખો. ફાઈનલ આર. રિવ્યુ. હવે કેટલું યાદ રહ્યું એ ચકાસો ને વધુ એક નજર નાખી લો. આટલી પ્રક્રિયામાં એ દાખલો કે જવાબ ટેમ્પરરી મેમરીમાંથી પરમેનન્ટમાં જવા લાગશે ! રેમ ખાલી થતાં હાર્ડ ડિસ્કનું ફોલ્ડર બનશે ને બીજા અગત્યના સવાલની જગ્યા પણ થશે!
પરીક્ષા પાસે આવી હોય ત્યારે કેવળ ફોક્સની નહિ, સિલેક્ટીવ ફોક્સની જરૂર પડે છે. મનમાં અમુક કલાકના રીડિંગ ટાઈમને નાના નાના 'ચન્કસ'માં વહેંચી દેશો, તો જેમ જેમ ટાસ્ક કમ્પલીટ થશે, એમ વિડયો ગેઇમના લેવલ અપ થયા જેવી પોઝઇટિવ ફીલિંગ આવતી જશે. યાદ રાખજો, કે ભેજું કોઈ મશીન નથી. એને ખોરાક ને આરામ બેઉ જોઇએ. સાયન્સે પુરવાર કર્યું છે કે સારી ગુણવત્તાની ઊંઘ દરમિયાન જ દિવસભરનો ડેટા વ્યવસ્થિત રીતે મેમરીમાં 'સેવ' થાય છે. એટલે ઝોકાં આવે એ હદના ઉજાગરા છેલ્લા દિવસોમાં ટાળવા. વધુ પડતા ચા-કોફીને બદલે પાણી ને તાજાં ફળો પર ધ્યાન દેવું. ફ્રેશ થવા માટે હુંફાળા પાણીએ સ્નાન કરવું. ખાસ અગત્યનું કે સૂતાં પહેલાં મોબાઈલ જોવાને બદલે આગલા દિવસની પરીક્ષા માટે જે આખો દિવસ વાંચ્યું હોય એના પર નજર નાખવી. અડધો કલાક પછી સવારે ઉઠીને બ્રશ કરી મોં ધોઈ ફરી અડધી કલાક એ જ મટીરિયલ પર નજર નાખવી. પછી આંખો મીંચી એને ઓટો રિવાઇન્ડ થતું નિહાળવું. કંટાળો આવે તો જાતને કહેવું કે અત્યારનો સ્ટ્રેસ હમણા પેપર પૂરું થશે એટલે પાસ્ટ મેમરી, ભૂતકાળ બની જશે. પણ આ મહેનત પછી જે પ્રશંસા ને પ્રભાવ મળશે એની કલ્પના કરવી મનમાં ડ્રીમી વિઝ્યુઅલ્સ બતાવીને.
બ્રેઇનમાં ડેટા 'ડમ્પ' નથી કરવાનો, એને 'રિકોલ' થાય એમ ગોઠવવાનો છે. એકઝામ હોલમાં પણ પેપર વાંચી એક મિનિટ શાંતિથી ઉંડા શ્વાસ લેતા (ઉંડા શ્વાસ યાને ડીપ બ્રીથિંગ ઉચાટ ઘટાડે છે) આંખ મીંચી મનોમન ખુદને જ 'યસ આઈ કેન' મોડમાં મૂકી દેવાના. જરૂર પડે રફ પેજ સપ્લીમેન્ટ્રીમાં બતાવી કે પેપરમાં જ અગત્યના યાદ આવેલા પોઇન્ટસ, ઇક્વેશન્સ લખવાના. પછી ટાઈમ ટૂંકો પડે કે કંઇક ભૂલ થાય એના કચવાટ ધૂંધવાટમાં અચાનક ભૂલાઈ ન જાય એ માટે પછી પ્રોસેસમાં ઇન્વોલ્વ થવાનું આપણા હાથમાં નથી એ રિઝલ્ટની ચિંતા કરવામાં ખોટો સમય ન વેડફવો. યાદ રાખજો, 'ડન ઇઝ બેટર ધેન પરફેક્ટ' બધું ન આવડે તો પણ જે કર્યું છે, થયું છે એનાથી રાજી રહેવું !
***
એકઝામની બીક લાગે છે. 'વૉટ ઇફ' વિચારવાથી. આમ થશે તો ? તેમ થશે તો ? એને બદલે સર્કિટ ચેન્જ કરો. 'ઇવન ઇફ' આમ થશે તો પણ તેમ કરીશું. આગને પણ ફેરવીશું બાગમાં. પડશે એવા દેવાશે. પ્રવાસે નીકળ્યા ને જોવાનું સ્થળ બંધ હશે તો ? તો એ બંધ દરવાજે પણ સેલ્ફી લેશું. ત્યાં સુધી પણ કેટલા પહોંચ્યા હશે ? આવો એટીટયુડ રાખવાનો. આ સમય છે, આપણી બધી જ શક્તિ નીચોવીને પથારીમાંથી ઉભા થવાનો. આ સમય નથી જાતજાતના 'પણ' વિચારવાનો પણ આમ થયું હોત તો, પણ આ પહેલા વાંચ્યું હોત તો ? પણ આ સ્કૂલમાં હોત તો ?
પણ આ ફિલ્મ કે મેચ કે મેરેજ ના જોયા હોત તો ? શટ ધ બટસ. એનો કોઈ મતલબ નથી.હવે આગળનો પ્લાન કરો. બેઠા નથી રહેવાનું. બદલવાની છે આપણી ને આપણા પરિવારની તકદીર. ના ગમે તો પણ એટલે ભણવાનું છે કે કોઈ આપણને નબળા ને નકામા ન કહી જાય. લેટ્સ ડુ ઇટ. ઇટ્સ શો ટાઈમ. વર્ક હાર્ડર. વર્ક સ્માર્ટર. તમે છો એથી વધુ બહેતર કરી શકો એમ છો. ભલે થાકી જાવ, ભલે દર્દ થાય. ગો ગેટ ઇટ. આરામ કરો, રિચાર્જ કરો ને બાકી આખી દુનિયા ભૂલીને ફરી ભણવામાં ખૂંપી જાવ. બીજા કોઈ પરિબળ કે વ્યક્તિની માથે જવાબદારી ઢોળ્યા વિના ખુદ પર ભરોસો કરો. કારણો ના બતાવો. કર્તવ્યો બનાવો. ઇફ યુ ડોન્ટ ચેઝ યોર ડ્રીમ, યુ વિલ લૂઝ ઇટ. આ જ ટાઈમ છે. ખેલો જીવ પર આવીને. દેખાડી દો તમારા ટીકાકારોને. આ યુદ્ધમાં તો જાતનું જોખમ પણ નથી. તો આસમાનની બુલંદી પર નજર રાખો. ખીણમાં જોઇને ચક્કર ના અનુભવો, શિખર સામે જોઇને ચક્રવર્તી બનો. 'શરારા' ફિલ્મના રાજકુમારની અદામાં હવે પરીક્ષાર્થીઓ, તમારી ભાષા છે : વિજય. તમારો ધર્મ છે : વિજય. તમારી ભૂખ છે. વિજય. તમારી ઓળખ છે. વિજય, તમારું લક્ષ્ય છે. વિજય ! બી એ ધુરંધર. ઓલ ધ બેસ્ટ કર લો હર મૈદાન ફત્તેહ.
ફાસ્ટ ફોરવર્ડ
‘‘yesterday is history tomorrow is mystery. Today is the gift. so its called a present ! (Kung fu Panda movie)


