- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તાજી છે ત્યારે વિજ્ઞાને જે રસપ્રદ કોયડો ઉકેલવા મથામણ કરીને તારણો આપ્યાં છે તે જાણી લઈએ...
બ્રહ્માજીએ પૃથ્વી રચી, પર્વતો બનાવ્યા, નદીઓ સર્જી, પ્રાણીઓ બનાવ્યા, પક્ષીઓ બનાવ્યા, માનવો બનાવ્યા. આખી સૃષ્ટિ રચાઈ ગયા પછી પણ કંઈક અધૂરું લાગ્યું. નિરખીને જોયું તો ખ્યાલ આવ્યો કે ચારેબાજુ નિરવ શાંતિ હતી. બ્રહ્માને સમજાયું કે અવાજ વગર સૃષ્ટિ અધૂરી લાગે છે. તેમણે વિચાર્યું, 'જ્ઞાન અને અભિવ્યક્તિ વગરની સૃષ્ટિનો શો અર્થ?' ઊંડો વિચાર કર્યા બાદ તેમણે કમંડળમાંથી જળ છાંટયું કે તેમની સમક્ષ શ્વેત વસ્ત્રોમાં સજ્જ ચતુર્ભુજ દેવી પ્રગટ થયાં.
દેવીના એક હાથમાં વીણા હતી, બીજા હાથમાં પુસ્તક હતું, ત્રીજા હાથમાં માળા હતી અને ચોથો હાથ વરદાનની મુદ્રામાં સ્થિર હતો. બ્રહ્માએ સ્મિત આપીને કહ્યું: 'તું જ્ઞાન, સંગીત, કળા, બુદ્ધિ અને વિદ્યાની દેવી છો. સરસ્વતીના નામે તારી પૂજા થશે.' આ સાંભળીને દેવી સરસ્વતીએ વીણાનો તાર છેડયો. એ સાથે જ બ્રહ્માંડમાં પહેલી વખત નાદ ગૂંજ્યો. મનુષ્યોને વાણી અને બુદ્ધિ મળી, સંગીત અને જ્ઞાન મળ્યું.
સૃષ્ટિના સર્જન પછી સરસ્વતીનું વિદ્યાની દેવીના રૂપમાં પ્રાગટય થયું તેની અલગ અલગ કથાઓ જુદા જુદા ગ્રંથોમાં થોડા ફેરફાર સાથે કહેવાઈ છે, પરંતુ સરસ્વતીના સર્જન પછી જ માણસને વાણીનું વરદાન મળ્યું એ ભાવ બધી જ ભારતીય કથાઓમાં મુખ્ય છે. પશ્વિમમાં ભાષાના સર્જનની એક પ્રચલિત કથા જૂના બાઈબલમાંથી પણ મળે છે. એનું નામ છે - બેબલનો ટાવર.
સૃષ્ટિના પ્રારંભમાં નૂહના વંશજોએ પૃથ્વી પર વસવાટ શરૂ કર્યો. એ તમામ એક જ ભાષા બોલતા હતા. તેમના વચ્ચે અતૂટ એકતા હતી. તેમની શક્તિ પણ અસીમિત હતી. શિનર નામના મેદાની પ્રદેશમાં આવીને તેમણે નગર બનાવવાનો પ્રારંભ કર્યો. નગરમાં એક સૌથી ઊંચો, સ્વર્ગને સ્પર્શે એવો ટાવર બનાવવાનું પણ નક્કી થયું. ઈશ્વરના સંતાન હોવાથી તેમની ઈચ્છા એવી હતી કે આપણે આકાશને આંબતો ટાવર બનાવીને ઈશ્વરની બરાબરી કરી લઈએ.
ગજબ એકતાથી તેમણે નગરનું અને ટાવરનું નિર્માણ શરૂ કર્યું. જેમ જેમ ટાવર બનતો ગયો તેમ તેમ લોકોમાં અહંકાર વધ્યો. તેમને લાગ્યું કે એ બધું જ કરી શકવા સક્ષમ છે. પૃથ્વીવાસીઓનો અહંકાર ઓગાળવા ઈશ્વરે સૌની ભાષા બદલી નાખી. ટાવરનું ચણતર કરતા હતા તેમની ભાષા જુદી હતી. પથ્થરો પહોંચાડતા હતા તેમની ભાષા અલગ હતી. ખાણોમાં પથ્થરો બનાવતા હતા તેમની ભાષા અલગ હતી. એક માણસ પથ્થર માગતો હતો તો બીજો કંઈક બીજું આપતો હતો. ભાષા બદલાઈ જતાં ભારે મૂંઝવણ પેદા થઈ. અંધાધૂધી ફેલાઈ ગઈ. ટાવરનું કામ અધૂરું રહી ગયું અને જુદી જુદી ભાષા બોલતા લોકોએ પોત-પોતાની રીતે દુનિયાના ભિન્ન ભિન્ન ભાગમાં જઈને અલગ કામ શરૂ કર્યું. ને એ રીતે જગતમાં ભાષાઓનો જન્મ થયો.
વેલ, બેબલનો અર્થ થાય જ છે અંધાધૂંધી. બેબલનો એક અર્થ થાય છે - અનેક ભાષાઓની ભેળસેળ. આ બંને પ્રાચીન કથાઓમાં ભાષાના ઉદ્ભવની વાત છે. એકમાં ભાષાનો પહેલો વહેલો જન્મ કેવી રીતે થયો એની કથા છે, બીજામાં અનેક ભાષાઓ કેવી રીતે જન્મી એની
કથા છે. આ કથાઓને કથાની રીતે લઈએ ને વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો ભાષા નહીં હોય ત્યારે માણસ વિચારતો હશે? એ સવાલ થાય. વિચારતો હશે તો એની ભાષા કઈ હશે? ભાષા વગર માણસ વિચારી શકે? વિચારવા માટે ભાષા અનિવાર્ય છે? શું કહે છે કે સાયન્સ?
***
આદિમાનવના ૧.૩૫ લાખ વર્ષ જૂના ફૉસિલમાંથી મળેલા પુરાવા પ્રમાણે માનવ મસ્તિષ્કમાં તે વખતે પણ ભાષાને સમજવાની ક્ષમતા હતી. સંશોધકો માને છે કે બે લાખ વર્ષ પહેલાં આદિમાનવમાં મગજથી ચહેરાને અંકુશ કરવાની ક્ષમતા વિકસી હતી અને તે પછી મોંમાથી નીકળતા અવાજને કાબૂ કરવાની આવડત કેળવાઈ હશે. દોઢેક લાખ વર્ષ પહેલાં માણસ બોલતો થયો હોવો જોઈએ અને તબક્કાવાર શબ્દો પર કાબૂ મેળવીને વ્યવસ્થિત ભાષા બોલવાની શરૂઆત ત્યાર પછી થઈ હશે. એકાદ લાખ વર્ષ પહેલાં ભાષાઓના વિકાસની શરૂઆત થઈ હતી.
તો શું એ પહેલાં માણસ વિચારતો ન હતો? લોકો કેવી રીતે વિચારે છે તેવા રસપ્રદ અને જટિલ વિષય પર નેવાડા યુનિવર્સિટીના મનોવિજ્ઞાની રસેલ હર્લબર્ટ વર્ષોથી સંશોધન કરી રહ્યા છે. તેમના મતે કૂતુહલ એ માનવજાત જેટલી જ જૂની બાબત છે. આસપાસની સૃષ્ટિ વિશે અનેક સવાલો આદિમાનવને પણ થતા હતા. તેને ભાષાનું જ્ઞાન ન હતું ત્યારે પણ એને સવાલો થતા હતા. ભાષા વગરની સ્થિતિમાં પણ એ ઘણું યાદ રાખતો હતો, પરંતુ એ માટે તેને ભાષાની જરૂર પડતી ન હતી.
તે વખતે માણસના દિમાગમાં વિચારવા માટે એક મેપ બનતો હતો અને તે એના આધારે નિર્ણય કરતો હતો. અવાજો પારખવા, બદલાતું વાતાવરણ સમજવું, રસ્તો શોધવો, ખોરાક શોધવો, અન્ય જીવોને ઓળખવા - એ તમામ કામો તે દિમાગમાં બનતા ચિત્રોના આધારે કરતો હતો. દાયકાઓના સંશોધન પછી રસેલ હર્લબર્ટ દાવો કરે છે કે આદિમાનવ ભાષા વગર પણ વિચારી શકતો હતો.
***
સંશોધન માટે તેમણે અનસિમ્બોલાઈઝ્ડ થિંકિંગની પ્રોસેસ વિકસાવી છે. બ્રેઈન મેપનો ઉપયોગ કરીને તેમણે કેટલાય પ્રયોગો કર્યા. અમુક લોકોને શબ્દો વગરના તાર્કિક કોયડાઓ ઉકેલવાનો ટાસ્ક અપાયો. એ વખતે તેમના બ્રેઈનનો વિગતવાર અભ્યાસ થયો તો જણાયું કે મગજમાં ભાષા સાથે જોડાયેલા ભાગો સક્રિય થયા નહીં. તેનો અર્થ એ થયો કે શબ્દોના ઉપયોગ વગર જ ઘણાં લોકોએ તર્કથી કોયડા ઉકેલી લીધા. તેમને વિચારવા માટે ભાષાની જરૂર પડી નહીં.
વર્ષો સુધી એવું મનાતું હતું કે ભાષા વગર માણસ વિચારી શકે નહીં. સજીવો અને માણસ જુદા જ ભાષાથી પડે છે. માણસ ભાષા શીખ્યો એટલે વિચારતા શીખ્યો, સાહિત્યસર્જન કરતા શીખ્યો, સંગીત શીખ્યો, કળા શીખ્યો, કુતૂહલથી બીજાની વાતમાં રસ લેતા શીખ્યો, બીજાની વાત સાંભળતા શીખ્યો. ભાષા વગર માણસને વિચાર આવી શકે નહીં, પરંતુ રસેલ હર્લબર્ટના સંશોધન પછી આ ક્ષેત્રના સંશોધકો માટે નવી દિશા ખુલી. તેમણે સાબિત કર્યું કે સોચને કે લિએ ભાષા કી જરૂરત નહીં હોતી!
***
વેલ, ભારતીય દર્શનશાસ્ત્રમાં કહેવાયું છે કે ભગવાને માણસને ભાષાનું વરદાન માત્ર બોલવા માટે આપ્યું નથી. વાણીને ચાર સ્તરમાં વહેંચવામાં આવી છે - પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી. પરા એટલે એવી વાણી જે મનમાં વિચાર તરીકે પણ નથી આવી. શુદ્ધ ઉર્જાના સ્વરૂપે એ આવે છે, માત્ર અનુભૂતિ. પશ્યન્તી એટલે વાણી વિચાર બનીને મનમાં આકાર લેવા માંડે છે. મધ્યમા એટલે વાણી શબ્દોમાં ગોઠવાય છે. વૈખરી એટલે જે આપણે બોલીએ છીએ અને બીજું કોઈ સાંભળી શકે છે.
પરા અને પશ્યન્તીનો જે વિચાર રજૂ થયો છે એ અનસિમ્બોલાઈઝ્ડ થિકિંગને ઘણો મળતો આવે છે. એ પ્રક્રિયા સુધી શબ્દોની ગોઠવણ કરવી પડતી નથી. વિચાર આવે પછી શબ્દો ગોઠવાય એ તો ત્રીજી પ્રોસેસ છે. રસેલ હર્લબર્ટ આ જ વાત કરે છે કે વિચારવા માટે ભાષાની જરૂર નથી. ઈન્ટરેસ્ટિંગલી, ભારતીય દર્શન અને વિજ્ઞાન એકમત છે - ભાષાના ઉપયોગ વગર વિચારી શકાય છે!
શબ્દો મોઢામાં નહીં, મગજમાં છૂટા પડે છે!
આપણે ભાષા બોલીએ છીએ ત્યારે શબ્દો છૂટા પડીને બહાર આવે છે. એ પ્રોસેસ દેખીતી રીતે ભલે મોંમાં થાય છે, પરંતુ ખરું કામ મગજમાં થાય છે. જેમ કાગળ પર બે શબ્દની વચ્ચે જગ્યા છૂટે છે એ જ રીતે દિમાગમાં પણ બે શબ્દોની વચ્ચે, એક શબ્દમાં વધારે ભાર આપીએ ત્યારે જગ્યા પડે છે. આ પ્રકારનું પહેલું સંશોધન એક સપ્તાહ પહેલાં જ પ્રસિદ્ધ થયું. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ એડવર્ડ ચાંગ અને તેમની ટીમે નોંધ્યું કે ભાષા બોલીએ છીએ ત્યારે દરેક શબ્દના ઉચ્ચારણ વખતે મગજમાં ૭૦થી ૧૫૦ વખત તરંગો ઉઠે છે. શબ્દ પૂરો થાય પછી એ તરંગો શાંત થઈ જાય છે. જો આપણે કોઈ શબ્દમાં વધારે ભાર આપીએ ત્યારે એ તરંગોની લંબાઈ પણ વધી જાય છે.
રેકોર્ડિંગ થતું હોય એનો મેપ યાદ કરો! આપણે શબ્દ બોલીએ ત્યારે લાઈન ઊંચી-નીચી થાય છે. આપણો અવાજ બંધ થાય કે રેકોર્ડિંગની લાઈન સીધી થઈ જાય છે. લગભગ આ જ પ્રકારનો મેપ મગજમાં આપણે વાત કરીએ ત્યારે સર્જાય છે. આપણે જ્યારે કોઈ ભાષાને બરાબર જાણતા હોઈએ ત્યારે બોલવામાં કે આપણી રજૂઆતમાં કોઈ અસ્પષ્ટતા હોતી નથી, પરંતુ આપણે કોઈ નવી ભાષા શીખીએ ત્યારે રજૂઆત અસ્પષ્ટ બની જાય છે. પરિણામે મોંમાથી શબ્દો બરાબર નીકળતા નથી અને રજૂઆત સટીક બનતી નથી. બીજી ભાષા બરાબર આવડી જાય પછી માતૃભાષા બોલતી વખતે જે પ્રોસેસ થાય છે એવી જ પ્રોસેસ મગજમાં નવી ભાષા બોલતી વખતે થાય છે.
સંશોધકોએ દિમાગમાં બ્રોકા અને વર્નિકે નામના ભાષાના બે સેન્ટર શોધી કાઢ્યા છે. એ બંને પોઈન્ટ એક્ટિવ થાય ત્યારે આપણી શબ્દો ઉકેલવાની, સમજવાની અને બોલવાની પ્રક્રિયા પૂરી થાય છે. એ બંનેના સંકલનથી આપણે ભાષા લખી-વાંચી-બોલી શકીએ છીએ, આપણે શબ્દો યાદ રાખી શકીએ છે. દિમાગના આ પોઈન્ટમાં જો ખરાબી આવે તો માણસ લખી-બોલી શકે નહીં. અત્યાર સુધી એમ મનાતું હતું કે દિમાગમાં આ બંને પોઈન્ટના સંકલનથી ભાષા સળંગ બોલાય છે, પરંતુ નવું સંશોધન કહે છે કે ભાષા આખેઆખી બોલાય છે તે પહેલાં કાગળમાં જેમ એક એક શબ્દ છૂટો પડે એમ દિમાગમાં પણ એક એક શબ્દ છૂટો પડે છે. છેને ઈન્ટરેસ્ટિંગ?


