Get The App

શું વિશ્વની ભાષાઓ અને બોલીઓ ખતરામાં છે?

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
શું વિશ્વની ભાષાઓ અને બોલીઓ ખતરામાં છે? 1 - image

- દુર્ગેશ ઉપાધ્યાય

- બહું ઓછા લોકો બોલે છે, એવી બોલીઓ જલ્દી ખતમ થઈ રહી છે. તેમની બોલી કે ભાષા સાચવવા તેમનો સમુદાય નાનો પડે છે 

પ્રા ચીનકાળના શિલાલેખોમાં વિવિધ પ્રકારની લીપીઓ જોવા મળે છે, પરંતુ માણસ વ્યવસ્થિત ભાષા બોલતાં ક્યારે શીખ્યો તે અંગે હજુ ચોક્કસ પ્રમાણ મળતું નથી. કહેવાય છે કે, ભાષા કે બોલીઓ જે તે દેશ-પ્રદેશની સભ્યતા કે સંસ્કૃતિની ઓળખ છે. પરંતુ બદલાતા સમયની સાથે વિશ્વની અનેક ભાષાઓ અને બોલીઓ લુપ્ત થતી જાય છે અથવા તો એક મૂળ ભાષા પર બીજી ભાષાનો પ્રભાવ છવાતો જાય છે.

ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં મેટ્રોપોટેનિયામાં સાંકેતિક ભાષાની શરૂઆત થઈ હતી આજે વિશ્વમાં ૨૭૦૦ કરતાં વધુ ભાષાઓ જે ૭૦૦૦ જેટલી જુદી જુદી લઢણમાં બોલાય છે. સૌથી વધુ ભાષા ઈન્ડોનેશિયામાં છે. ત્યાં લગભગ ૩૬૫ ભાષા બોલાય છે. જ્યારે આફ્રિકન દેશોમાં ૧ હજાર કરતાં વધુ ભાષા બોલાય છે. વિશ્વની સૌથી જટિલ ભાષા સ્પેનની છે. અને અંગ્રેજી પછી સૌથી વધુ બોલાતી ભાષા મેન્ડેરિન છે. તો એકલા લંડનમાં જ અંગ્રેજી ભાષા ૭૦૦ લઢણની બોલાય છે.

વળી સોમાલિયા એક એવો દેશ છે જ્યાં એક જ ભાષા બોલાય છે. જ્યારે ભારતમાં તમિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ, કન્નડ, ગુજરાતી, બંગાળી, પંજાબી, રાજસ્થાની, હિન્દી, અંગ્રેજી એમ વિવિધ ભાષા જુદાજુદા રાજ્યોમાં બોલાય છે. ભારતમાં લગભગ ૨૪ ભાષા અને ૮૮૦થી વધુ બોલીઓ બોલાય છે. બોલીઓ એટલે એક જ ભાષા પર જુદાજુદા પ્રદેશની અસરથી અલગ પડતી લઢણ, જેમકે ઉત્તર ગુજરાતમાં બોલાતી મહેસાણવી બોલી, દક્ષિણમાં સુરતી બોલી, મધ્ય ગુજરાતમાં ચરોતરી બોલી, કે સૌરાષ્ટ્રમાં બોલાતી કાઠિયાવાડી બોલી એમ વિવિધ બોલી મૂળે તો ગુજરાતી જ છે. પણ બોલવાની લઢણ કે રીતભાત અલગ પડે છે. બોલી માટે કહેવાય છે કે, બાર ગાઉએ બોલી બદલાય.

ભારતની રાષ્ટ્રભાષા હિન્દી છે, પણ હવે અંગ્રેજીનું ચલણ વધતું રહ્યું છે. હિન્દી પણ અલગ અલગ પ્રદેશમાં જુદી જુદી લઢણથી બોલાતી રહી છે છતાં ભારતનાં ઘણાં રાજ્યો પોતાની માતૃભાષાને વધુ વળગી રહ્યાં છે.

યુનાઈટેડ નેશન્સની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાએ એવું તારણ કાઢ્યું છે કે, આવતાં હજારેક વર્ષમાં વિશ્વની ઘણી ભાષાઓ લુપ્ત થઈ જશે અને સર્વત્ર અંગ્રેજીનો પ્રભાવ વધશે. તો વિશ્વના જાણીતા ભાષાવિધ પ્રો. ડેવીડ હેરિસન કહે છે કે, વિશ્વની કેટલીક પ્રજાતિઓ ધીમે ધીમે ખતમ થતી જાય છે, તેમ તેમ તેમની ભાષા કે બોલીઓ ખતમ થઈ રહી છે. જેમાં આદિવાસી તથા અન્ય જનજાતિઓમાં બોલાતી ભાષાઓ સવિશેષ છે અને એક ભાષા કે બોલી ખતમ થઈ જવાની સાથે તે પ્રદેશ કે જાતિનું પરંપરાગત જ્ઞાન કે સંસ્કૃતિ પણ બદલાઈ શકે છે.

પ્રો. ડેવિડ હેરિસન નેશનલ જ્યોગ્રોફિક સોસાયટીની 'એક ભાષા એક પરિયોજના' માટે આખી દુનિયાની સફર કરી ચૂક્યા છે. યુનેસ્કોએ તેમનો રિપોર્ટ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ઈન્ડસ્ટ્રીયલ પિપલ્સમાં છાપ્યો હતો. તેમાં જણાવ્યું છે કે, બહું ઓછા લોકો બોલે છે, એવી બોલીઓ જલ્દી ખતમ થઈ રહી છે. તેમની બોલી કે ભાષા સાચવવા તેમનો સમુદાય નાનો પડે છે. આંદામાન-નિકોબારના એક દ્વિપસમૂહમાં લગભગ ૬૫ હજાર વર્ષ પુરાણી એક આદિવાસી ભાષા લુપ્ત થઈ ગઈ. એ ભાષા બોલતા 'બો' કબીલાની છેલ્લી મહિલા સભ્ય ૮૫ વર્ષની ઉંમરે ગુજરી જતાં એ ભાષા મરી પરવારી. હવે એ ભાષા બોલનાર કોઈ જ નથી. ઈ.સ. ૧૮૫૮માં આ ટાપુઓ પર બ્રિટીશ હકુમતનું શાસન આવ્યું ત્યારે અહીંના આદિવાસીઓની સંખ્યા ૫૫૦૦ જેટલી હતી પરંતુ કુદરતી આફતોના કારણે અહીં મૃત્યુદર વધતાં બચેલા કેટલાક વિસ્તાર છોડી જતા રહ્યા, તે જ્યાં વસ્યા ત્યાંની બોલી બોલતા થઈ ગયા. જોકે આવું ઘણાં પ્રદેશોમાં બનતું રહ્યું છે. લોક સ્થાનાંતર પછી મૂળ બોલાતી બોલીમાં નવા પ્રદેશની બોલી કે લઢણ ભળી નવી બોલી ઉદ્ભવે છે.

સરેરાશ રીતે જોઈએ તો વિશ્વમાં ૯૭ ટકા લોકો મુખ્ય ચાર ભાષાઓ બોલે છે. એથી ઉલ્ટું ૯૬ ટકા ભાષા કે બોલીઓ વિશ્વની ત્રણ ટકા વસતીમાં બોલાય છે. આમ કેટલીક ભાષા કે બોલીઓ લુપ્ત થવાના આરે છે. તેનાં મુખ્ય કારણોમાં માનવ પ્રજાતિઓનું સ્થળાંતર, સાંસ્કૃતિક બદલાવ, શિક્ષણનાં વિવિધ ભાષાકીય માધ્યમો, ભાષામાં અજાણે પ્રવેશતી કિલષ્ટતા, અને પોતાની માતૃભાષા પ્રત્યેનો આદર, લગાવ કે પ્રયોગ આગ્રહ ઓછો થતો જોવા મળે છે.

વિશ્વનું 'ગ્લોબલાઇઝેશન' અર્થાત વૈશ્વીકરણ બધા દેશોમાં આંધીની માફક ફરી વળ્યું છે. નોકરી, વ્યવસાય માટે અંગ્રેજીને પ્રાધાન્ય આપવાના કારણે પણ માતૃભાષા પર ખતરો મંડરાતો રહ્યો છે, અને ઘણા પોતાની બોલી કે ભાષા બોલવામાં નાનમ કે શરમ અનુભવે છે. જોકે ભારતના બધાં રાજ્યોમાં જે તે મૂળ ભાષા પર આવો ખતરો જોવાય છે. પણ જ્યાં સુધી પ્રાદેશિક અને ભારતીય સંસ્કૃતિ જળવાશે ત્યાં સુધી પ્રાદેશિક ભાષા કે બોલીઓ સાવ નાશ પામવાની નથી જ.

આમ છતાં તેના સંરક્ષણ, સંમાર્જન માટે જાગૃત રહેવાની પણ ખાસ્સી જરૂર છે.

યુનેસ્કો એટલસ ઓફ વર્લ્ડઝ લેંગ્વેજિસ ઈન ડેન્જર પુસ્તકના સંપાદક પ્રો. ક્રિસ મોસેલનું કહેવું છે કે, ભાષાની બલી ચઢાવીને વિકાસને ગતિ આપવી એ સર્વથા અયોગ્ય છે. ભાષાઓ જીવંત રહેશે તો જ સંસ્કૃતિ જીવંત રહેશે અને સંસ્કૃતિ જીવશે તો ભાષા કે બોલી પણ જીવશે.

જોકે સરકારના પ્રાંતીય ભાષાના સંરક્ષણ માટેના પ્રયત્નોમાં ઘણાં સારાં પરિણામો પણ મળ્યાં છે, પણ ટાંચા સાધનો અને અપૂરતા પ્રચાર-પ્રસારના કારણે એ બાબત જોઈએ તેવી ગતિ પકડી શકી નથી. એ અંગે પણ રાજકીય અને સામાજિક જાગૃતિ અભિયાન જરૂરી છે.