Get The App

ખોટા નિર્ણયો બિઝનેસને અણધાંર્યું નુકસાન કરે છે!

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
ખોટા નિર્ણયો બિઝનેસને અણધાંર્યું નુકસાન કરે છે! 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- એક ખોટો નિર્ણય જીવનમાં મોટા ઝંઝાવાતો લાવે છે. એક ખોટો નિર્ણય કારકિર્દીની દિશા ડામાડોળ કરી શકે છે. એક ખોટો નિર્ણય બિઝનેસને મોટો ફટકો પહોંચાડી શકે છે

મિ સજજમેન્ટ અને મિસમેનેજમેન્ટ : માત્ર મેનેજમેન્ટમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં મિસજજમેન્ટ એટલે કે ખોટા નિર્ણયોની ભારે કિંમત ચૂકવવી પડે છે. એક ખોટો નિર્ણય લેવાય જાય તો કંપનીઓને કરોડો અબજોનું નુકસાન થાય છે. એક ખોટો નિર્ણય જીવનમાં મોટા ઝંઝાવાતો લાવે છે. એક ખોટો નિર્ણય કારકિર્દીની દિશા ડામાડોળ કરી શકે છે. જીવનમાં, બિઝનેસમાં, સમાજમાં સતત નિર્ણયો લેતા રહેવા પડે છે, પરંતુ એમાં જો અણધાર્યા અને આડેધડ નિર્ણયો લેવાય જાય તો તેનાથી લાંબાંગાળે મોટી ખાનાખરાબી થઈ શકે છે.

વ્યક્તિઓ અને સંસ્થાઓને પળેપળે નિર્ણયો તો લેવા જ પડે પરંતુ ભવિષ્ય અનિશ્ચિત હોવાથી કેટલાક નિર્ણયો ખોટા પડે છે. ભવિષ્યની અનિશ્ચિતતા માનવીને અકળાવી મુકે છે છતાં ધંધાની કે જીવનની સફળતા માટે નિર્ણયો તો લેવા જ પડે.

ઘણીવાર ધંધા અંગેનો નિર્ણય સાચો હોય પરંતુ તે ધંધાનું મેનેજમેન્ટ તમને ના આવડે તો ય ધંધો નિષ્ફળ જાય છે. જજમેન્ટ બરાબર હોય, પરંતુ મેનેજમેન્ટ બરાબર ન હોય તો પણ પરિણામ મળતું નથી. યાદ રહે કે મિસજજમેન્ટ અને મિસમેનેજમેન્ટ બન્ને જુદા વિચારો છે. ખોટો નિર્ણય લેવો તે મિસજજમેન્ટ છે, અયોગ્ય સંચાલન કરવું તે મિસમેનેજમેન્ટ છે. નિર્ણય પણ યોગ્ય હોય અને સંચાલન પણ યોગ્ય રીતે થાય તો કંપની કે સંસ્થા બેહદ સફળ થાય છે. નહીંતર તેનાથી તદ્ન ઉલટું બને છે.

કંપનીઓમાં મિસજજમેન્ટ

ઈ.સ. ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં જનરલ ઈલેક્ટ્રીક કંપનીના ઘરોપયોગી સાધનોના ડીવીઝને પોતાના રેફરીજરેટર માટે નવું રોટરી કોમ્પ્રેસર ડીઝાઈન કર્યું. જૂના કોમ્પ્રેસર કરતાં નવા કોમ્પ્રેસરનું ઉત્પાદન ખર્ચ અડધોઅડધ હતું. કંપનીએ નવા કોમ્પ્રેસરના ઉત્પાદન માટે ૧૨ કરોડ ડોલર્સનો ખર્ચો કરીને તે માટે નવી ફેક્ટરી નાંખી. કંપનીના સીઈઓ જેક વેલ્ટો તેને મંજૂરી આપી હતી. ઈ.સ. ૧૯૮૬માં નવા રોટરી કોમ્પ્રેસર સાથેનું રેફરીજરેટર બજારમાં મૂક્યું તેને ઘણી પ્રસિદ્ધિ મળી. પરંતુ આ નવા રોટરી કોમ્પ્રેસરો તૂટી જવાની ફરિયાદો આવવા માંડી. જનરલ ઈલેક્ટ્રીકના એન્જીનીયરોએ ખોળી કાઢ્યું કે નવા રોટરી કોમ્પ્રેસરના કેટલાક ભાગો જલદીથી ઘસાઈ જતા હતા. જેક વેલ્ટો બધા રેફરીજરેટર્સ બજારમાંથી અને ગ્રાહકોના ઘરમાંથી પાછા ખેંચી લીધા અને તેમાં નવા કોમ્પ્રેસરને બદલીને જૂના કોમ્પ્રેસર મુકી આપ્યા. કંપનીને કરોડોનું નુકસાન થયું. આ બાબતમાં કંપનીનું મીસમેનેજમેન્ટ નહીં પરંતુ મીસજજમેન્ટ હતું. કારણ ? જનરલ ઈલેક્ટ્રીકના ઘણા અનુભવી એન્જીનીયરોને નવા કોમ્પ્રેસર બનાવવાની અને તેને રેફરીજરેટરમાં નાંખવાની પ્રક્રિયાથી બાકાત રાખવામાં આવ્યા હતા. જેક વેલ્શ આ મીસજજમેન્ટથી એટલા નારાજ થયા કે તેમણે પોતાની કંપનીમાં મેનેજમેન્ટની ઊંચનીચની સરહદો તોડી નાંખી અને તેઓ સરહદો વિનાના વ્યવસ્થાતંત્ર (બાઉન્ડ્રીલેસ ઓર્ગેનાઈઝેશન)ના સ્થાપક તરીકે જગતભરમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. જગતના સૌથી સફળ સીઈઓમાં તેઓ સ્થાન પામ્યા.

હ્યુલેટ પેર્કાડ : સીઈઓ તરીકે ખોટી વ્યક્તિની પસંદગી જગતના સમૃદ્ધ દેશોમાં પણ થાય છે. ઈ.સ. ૧૯૯૯માં અમેરીકાની જાણીતી બહુરાષ્ટ્રીય કંપની હ્યુલેટપેકાર્ડ (એચપી નામથી જાણીતી કંપની)ના વડા તરીકે શ્રીમતી કોલો ફીઓરીની નિમણૂત કરી. તેઓ કંપનીમાં ધરમૂળથી ફેરફારો કરશે. (જેને મેનેજમેન્ટની પરિભાષામાં ટ્રાર્ન્ફોમેશનલ લીડર અને રાજકારણની પરિભાષામાં રેડીકલ લીડર કહે છે) તેવી કંપનીના બોર્ડને અપેક્ષા હતી પરંતુ તેમની લીડરશીપ હેઠળ એચપી કંપનીના શેરના ભાવો ૫૮ ટકા ઘટી ગયા. ઈ.સ. ૨૦૦૨માં તેમણે કોમ્પેક નામની વિરાટ કોમ્પ્યુટર કંપનીને ખરીદી લીધી. આ નિર્ણય તો તેમણે લીધો પરંતુ ખરીદેલી કંપનીને મેનેજ કરતાં ના આવડયું. ટૂંકમાં આ મીસજજમેન્ટ ન હતું પરંતુ મીસમેનેજમેન્ટ હતું. ઈ.સ. ૨૦૦૫માં કંપનીના બોર્ડે શ્રીમતી ફીયોનાને ફાયર કર્યા. ભારતમાં ફાયરનો અર્થ બોસ તમને પુષ્કળ વઢ્યા તેવો થાય છે. અમેરીકામાં તેનો અર્થ નોકરીમાંથી કાઢી મુકવું તેવો થાય છે) એચપીના બોર્ડને ખબર હતી કે શ્રીમતી ફીયોરીનાનો આ પહેલાનો લ્યુસન્ટ ટેકનોલોજીમાં અનુભવ હતો પરંતુ હ્યુલેટ પેકાર્ડ જેવી હાઈટેક બહુરાષ્ટ્રીય કંપનીના સીઈઓ તરીકે કામગીરી કરવાની તેમની ક્ષમતા ન હતી. છતાં ય તેમને આ પદ પર (બહારથી લાવીને) નીમ્યા તે એચપીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનું મીસજજમેન્ટ હતું.

ભારતની જાહેર સાહસની કંપનીઓમાં 'ઓથોરીટી વીધાઆઉટ એકાઉન્ટેબીલીટી' હોવાથી જાહેર સાહસો ખોટ કરે તો કેન્દ્રીય સરકાર તેઓનું ઉપરાણું લઈને તેના સીઈઓને કશું કહેતા નથી. આથી આ ખોટનો આંકડો સરકારના એનજીસી, ઓઈલ ઈન્ડીયા જેવા મોનોપોલી સાહસો સરપ્લસ દર્શાવે છે.

તેથી તેઓ કાર્યક્ષમ છે. તેમ ના કહી શકાય. મોનોપોલી પાવર્સ હોય તો કોઈ સામાન્ય મેનેજમેન્ટ પણ નફો દર્શાવી શકે છે. અમેરીકાની ડેલ કોમ્પ્યુટર કંપનીમાં સીઈઓ તરીકે કેવીન રોબીન્સ કામ કરતા હતા. ડેલ કોમ્પ્યુટર કંપનીએ જ્યારે હ્યુલેટ પેકાર્ડ કંપનીની તીવ્ર હરીફાઈનો સામનો કરવાનો વખત આવ્યો ત્યારે ડેલ કંપનીના સીઈઓ કેવીન રોબીન્સ બેસી રહ્યા અને તેમણે કોઈ વ્યૂહાત્મક પગલાં ના લીધા. તેમને નવી વ્યૂહરચનાની જરૂરિયાત જ ના સમજાઈ તેમના હરીફ હ્યુલેટ પેકાર્ડની વ્યૂહરચનાને પણ તેઓ સમજી ના શક્યા. આમ કેવીન રોબીન્સનું મીસજજમેન્ટ હતું તેને 'મીસજજમેન્ટ બાય ડીફોલ્ટ' કહી શકાય.

ઉપસંહાર : જીવન અનિશ્ચિતતાઓથી ભરપૂર છે છતાં આપણે નિર્ણયો તો લેવા જ પડે છે. જો નિર્ણયો ના લઈએ તો સમગ્ર સમાજ 'પેરેલાઈઝડ' થઈ જાય. કેટલાક નિર્ણયોમાં (શેર સટ્ટો પત્તાનો જુગાર કે જીવનસાથીની પસંદગી) જોખમ વધુ હોય છે તો કેટલાકમાં જોખમ ઓછું હોય છે. નિર્ણયમાં જોખમો ઘટાડવા અનુભવી અને શાણા માણસોની સલાહ લેવી જ જોઈએ.મિસજજમેન્ટની માત્રા અતિશય માત્રામાં વધી જાય તેને આપણે ભ્રમણ (ડીલ્યુઝમ) કહીએ છીએ.