- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- મૂલાધાર ચક્ર પૃથ્વી તત્ત્વને ધારણ કરે છે. તેનો બીજમંત્ર 'લં' છે. તેના પુરુષ દેવતા બ્રહ્મા છે. તેની સ્ત્રી શક્તિ ડાકિની છે. તેમાં ગણપતિનો પણ વાસ છે...
''મૂલાધારે આત્મશક્તિ: કુણ્ડલિની પરદેવતા
શયિતા ભુજગાકાર સાર્ધત્રિવલયાન્વિતા
મૂલાધાર ચક્રમાં સ્થિત આત્મશક્તિ અર્થાત્
કુણ્ડલિની પરમદેવીના રૂપમાં સૂતેલી (સુપ્ત) છે.
તે સર્પની જેમ (સ્વયંભૂ લિંગને) સાડા ત્રણ આંટા
મારી કુંડલ (વલય) બનાવીને રહેલી છે.''
- મહાયોગ વિજ્ઞાન
'ગુદાદ્વ્યઙ્ગુલમૂર્ધ્વ તું લિઙ્ગમૂલાત્તદધ: સ્થિતમ્ ।
ચતુષ્પત્રં મહાપદ્મં તન્મૂલાધારમુચ્યતે ।।
ગુદાથી બે આંગળ ઉપર અને લિંગ મૂળથી નીચે જે ચાર પાંખડીવાળું કમળ છે તે જ મૂલાધાર કહેવાય છે.'
- ઘેરડડસંહિતા
'કુણ્ડલી શક્તિરૂપા સા મોક્ષદ્વારં પ્રબોધયેત્ ।
જ્યારે (મૂલાધાર ચક્રમાં રહેલી) કુણ્ડલિની જાગૃત થાય છે, ત્યારે મોક્ષ દ્વારને ખોલે છે એટલે કે ચેતનાને પ્રબુદ્ધ કરીને મુક્તિ પ્રાપ્ત કરાવે છે.'
-These Chakras are not physical organs, but centres of consciousness & આ ચક્રો સ્થૂળ શારીરિક અંગો નથી, પણ ચેતનાના સૂક્ષ્મ કેન્દ્રો છે.
- John Woodroffe (Arthur Avalon), The serpent power
ભારતીય યોગશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રએ કુંડલિની શક્તિ અને ચક્રો વિશે વિસ્તૃત જ્ઞાન પ્રદાન કર્યું છે. માનવીના સૂક્ષ્મ શરીરમાં શક્તિના સાત મુખ્ય કેન્દ્રો છે. એમને યોગની પરિભાષામાં કમળ કે ચક્ર કહેવામાં આવે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વચ્ચે અતૂટ પારસ્પરિક સંબંધ દર્શાવવા ભારતીય તંત્રશાસ્ત્રોએ માનવીના સૂક્ષ્મ શરીરમાં રહેલા ચૈતસિક છેદબિંદુઓ અર્થાત્ ચક્રોની વાત કરી છે જેમાં માનવીની મનોદૈહિક સંરચનામાં રહેલા સમય અને આકાશનાં અગણિત વિશ્વો પ્રતિબિંબિત થાય છે. તંત્ર વિજ્ઞાન કહે છે કે વિશ્વ અસ્તિત્વના સાત ઊર્ધ્વગામી ક્ષેત્રોથી બનેલું છે. એની શરૂઆત પાર્થિવ ભૌતિક અસ્તિત્વથી થાય છે.
માનવ શરીરમાં આ ચૈતસિક ઘુમરડીઓ અદ્રશ્ય ચક્રો કે યંત્રો તરીકે કામ કરે છે. કુંડલિની શક્તિ જાગૃત કરવા સૂક્ષ્મ શરીરમાં રહેલા આ શક્તિ કેન્દ્રોને સક્રિય કરી એનું ભેદન કરવામાં આવે છે. સૂક્ષ્મ શરીરની શિરોલંબ ધરી (Vertical Axis) પર કરોડરજ્જુ અને મગજ સાથે સંબંધિત જે સુષુમણા નાડી આવેલી છે તેના પર આ ચક્રો આવેલા છે. એનો આકાર કમળ (પદ્મ) કે ચક્ર જેવો દેખાતો હોવાથી એ કેન્દ્રોને એવા નામથી ઓળખવામાં આવે છે. આ ચક્રો સંપૂર્ણ મનોવિશ્વને સ્પર્શતાં હોવાથી અમુક ધ્વનિ સ્પંદનો, તત્ત્વો, રંગો, દેવ પ્રતીકો કે પ્રાણી પ્રતીકો સાથે સંકળાયેલા છે. આ સાત ચક્રોના નામ છે - મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધિ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્રાર ચક્ર.
મૂલાધાર ચક્ર યોગ અને તંત્રની પરંપરામાં માનવ ચેતનાનું આધાર કેન્દ્ર માનવામાં આવે છે એટલે જ એનું નામ મૂલ (મૂળ) અને આધાર એ બે શબ્દોથી બનેલું છે. તે કરોડરજ્જુના આધાર ટેલબોન (tailbone) અને પ્યુબિક બોન (Pubic Bone) ની વચ્ચે આવેલું છે. એનું પ્રતીક ચાર પાંખડીવાળું કમળ અને ઊંઘો ત્રિકોણ છે. તેમાં કુંડળ ભરેલો (ગૂંચળું વળેલો) સર્પ અને ઐરાવત (હાથી) દ્રશ્યમાન થાય છે. તે ઊર્જાનું માઇક્રોકોસ્મિક સ્વરૂપ છે. દેવી કુંડલિની શક્તિ સ્વયંભૂ શિવલિંગની આસપાસ સાડા ત્રણ આંટા મારીને એને વીંટળાઈને ગૂંચળું ભરીને સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે. કુંભક પ્રાણાયામ દ્વારા મૂલાધારમાં રહેલા અગ્નિની વૃદ્ધિ કરાય છે ત્યારે કુંડલિની જાગૃત થાય છે પછી તે ફૂંફાડા મારતી સર્પિણીની જેમ ઉપરના ચક્રોને ભેદીને, એમની શક્તિઓને ગ્રહણ કરીને સહસ્રાર ચક્રમાં રહેલા સદાશિવ જોડાઈ જાય છે. આમ, શક્તિનું શિવ સાથે સંમિલન થતાં પરમ આનંદની અનુભૂતિ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. જુદા જુદા ચક્રો જાગૃત થવાથી તેના સાધક યોગીને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અતીન્દ્રિય જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે.
મૂલાધાર ચક્ર પૃથ્વી તત્ત્વને ધારણ કરે છે. તેનો બીજમંત્ર 'લં' છે. તેના પુરુષ દેવતા બ્રહ્મા છે. તેની સ્ત્રી શક્તિ ડાકિની છે. તેમાં ગણપતિનો પણ વાસ છે. ગણપતિ અથર્વશીર્ષમાં કહેવાયું છે - 'ત્વં મૂલાધાર સ્થિતો।સિ નિત્યમ્ - તમે નિત્યરૂપે મૂલાધાર ચક્રમાં રહેલા છો.' તંત્ર યોગમાં કહેવાય છે કે ગણપતિ મૂલાધારમાં બિરાજમાન થઈ બ્રહ્મણા-ગ્રંથિને ખોલે છે. જેનાથી શક્તિ (કુંડલિની)નું ઊર્ધ્વગમન સંભવ બને છે. ગણપતિની આરાધના ચક્ર ભેદન અને સંતુલન, ચેતનાની ઉન્નતિ - ઊર્ધ્વીકરણ અને આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી બને છે. કુંડલિની કેવળ ઊર્જા નથી, પણ મનોદૈહિક અને ચેતનાત્મક શક્તિ છે. મૂલાધાર ચક્રમાં જ્યારે તે જાગૃત થાય છે ત્યારે અજ્ઞાન, ભય, મોહ, બધા બંધનોને દૂર કરી આત્મ-સાક્ષાત્કાર કરાવે છે.
મૂલાધાર ચક્રને જાગૃત-સક્રિય કરવામાં આવે ત્યારે શુદ્ધતા, પવિત્રતા, સરળતા, બાળ સહજ નિર્દોષતા, આનંદ, વિવેક, બુદ્ધિમત્તા, ગૌરવ, સંતુલન, ઉચ્ચ ઉદ્દેશ્ય અને સાચી દિશા, પૃથ્વી સાથે જોડાણ અને પ્રકૃતિ સાથે સામંજસ્ય જેવા ગુણો વિકસે છે. તેનાથી જીવનમાં સ્થિરતા, સુરક્ષા, સાહસ, દ્રઢતા અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે. તે અસ્તિત્વ (survival) નો આધાર દ્રઢ કરે છે એટલે પ્રાણ શક્તિને વધારીને આત્મશક્તિ દ્રઢ કરે છે.
જે રીતે માતાનું ગર્ભાશય ભૂ્રણના વિકાસ માટે મૂળભૂત જરૂરિયાતો પૂરી કરે છે, તે રીતે મૂલાધાર ચક્ર આપણા આધ્યાત્મિક વિકાસનો આધાર અને આરંભ સ્થળ છે. તે એ આધાર છે જેનાથી આપણે ચક્રોની સીડીઓ ચડીએ છીએ. તે એ મૂળ છે જેનાથી આપણા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ માટે આપણને પોષણ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે આપણા પાછલા જન્મના કર્મના ફળ મૂલાધાર ચક્રમાં સંગ્રહીત હોય છે અને એનાથી જ આપણા જીવનમાં સુખ-દુ:ખ વ. ઉદ્ભવતા હોય છે. આપણા દ્વારા કરવામાં આવેલા પ્રત્યેક કર્મથી મૂલાધાર ચક્રમાં એક બીજ વવાય છે જે સમય આવ્યે અંકુરિત, પુષ્પિત અને ફલિત થાય છે. આ જ બીજ આપણા ભાગ્યનું નિર્ધારણ કરે છે. ત્યાંથી જ ઉચ્ચતર ચેતનાનો વિકાસ શરૂ થાય છે. મૂલાધાર ચક્રને જાગૃત કરી કુંડલિની શક્તિને ઊર્ધ્વીકૃત કરવા ક્રિયા યોગ, અશ્વિની મુદ્રા, મહામુદ્રા, માંડૂકી મુદ્રા (ભદ્રાસન), ધ્યાન, યોગનો પ્રયોગ કરવો જોઈએ.


