- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ભાગ્યેશકુમાર મજબૂર હતા. પુત્રવધુને વસુધાદેવીની પુણ્યતિથિ અંગે કેવી રીતે કહેવું એની મનોમન મથામણ કરી રહ્યા હતા
પ ક્ષીઓનો કલરવ શરૂ થયો છે. એકલદોકલ વાહન રાત્રિના અંતિમ પ્રહરની સમાપ્તિને પોતાના કર્કશ અવાજથી આવજો કહીને વહી જાય છે. લોકોની પ્રાત:કાલીન આદતોની કદમબોસી કરનારા દૂધવાળા અને અખબારોના ફેરિયાઓની દ્વિચક્રીઓ બહાવરી બની દોડવા માંડી છે. મેદસ્વીઓને મેદ ઘટાડવા મેદિની સાદ કરી રહી છે. સૂરજના છડીદારો પ્રભાતના પોકાર માટે ગળું સજ્જ કરી રહ્યા છે, અને જાગતિક રંગમંચનાં પાત્રો પોતાનો વેશ ભજવવા સક્રિય બની રહ્યા છે.
ભાગ્યેશકુમારની નિંદ્રા તો ક્યારનીય સમાપ્ત થઇ ગઇ હતી. તેઓ દીકરા દિવ્યના જાગવાની રાહ જોઈ રહ્યા હતા. ભાગ્યેશકુમાર બ્રશ કરી ફ્રેશ થઇને આરામખુરશીમાં બેઠા હતા. ત્યાં જ દિવ્યએ બૂમ મારી : 'પપ્પાજી, બ્રશ કરી લીધું ? લો ગરમાગરમ ચા તૈયાર છે.' ભાગ્યેશકુમારે દિવ્યને પોતાની પાસે બેસાડયો, તેના મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમણે કહ્યું : 'બેટા, હું ચા પી લઉં છું. તું જા. કિનારા જાગશે તો ખિજાશે પછી'
'અરે પપ્પાજી, સવાર-સવારમાં એ જોગમાયાનું ક્યાં નામ લો છો ? એ ખિજાશે તો મને કોઈ ફરક પડતો નથી. પહેલાં મારા પપ્પાજી, પછી બીજા બધાં. અને કિનારા તો મમ્મીની શોધ છે. પોતે તો મને મૂકીને સ્વર્ગે સિધાવી ગઈ. અને કિનારા મારા માથે મારતી ગઈ. મમ્મી મને પરણાવવાની ઉતાવળમાં પુત્રવધૂ પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ. અને પડયું પાનું નિભાવી લેવાનું કુશિક્ષણ મને આપતી ગઈ.'
'બસ, બેટા બસ કર. એવું ન બોલાય. કિનારા લાડમાં ઉછરી છે એટલે એનો સ્વભાવ થોડો સ્વકેન્દ્રી છે. બેટા, આપણો મધ્યમવર્ગનો પરિવાર અને અમીર પરિવારની એકની એક દીકરી કિનારા. એને સેટ થતાં થોડીવાર તો લાગે ને ? તું જા. મારી ચિંતા ન કરે. હા, જતાં પહેલાં કેલેન્ડરનું પાનું બદલતો જજે.'
દિવ્યએ કેલેન્ડરનું પાનું બદલ્યું. મહાવદની સાતમ હતી. ભાગ્યેશકુમાર એકદમ ઉદાસ થઈ ગયા. આજે દિવ્યના મમ્મી વસુધાદેવીની પુણ્યતિથિ હતી. ભાગ્યેશકુમાર મજબૂર હતા. પુત્રવધુ કિનારાને વસુધાદેવીની પુણ્યતિથિ અંગે કેવી રીતે કહેવું ? એની મનોમન મથામણ કરી રહ્યા હતા. વૃદ્ધ વિધુરમાત્ર દયાપાત્ર છે. વૃદ્ધાવસ્થામાં પત્નીનો ચિરવિયોગ જેવો બીજો મોટો કોઈ અભિશાપ નથી.
ભાગ્યેશકુમારની નજર સામે વસુધાદેવીએ વાવેલાં પુણ્યનાં ખેતરો ખડાં થઇ ગયાં. ઉદાર, પ્રેમાળ, અને શ્રદ્ધાશીલ તેનો સ્વભાવ વાદળીની જેમ વરસતાં અને ફૂલની જેમ ફોરમનું અનાયાસ પ્રદાન કરતાં વસુધાદેવી અન્ય મહિલાઓ કરતાં નિરાળાં હતાં. ધૂપસળીની જેમ તેઓ જલતાં રહ્યાં. એમણે ફેલાવેલી સત્કાર્યોની સુગંધમાં એમની વિધુર પતિને બે ટંકનું શાંતિનું ભોજન આપવાની યે તાકાત નથી... એની એમણે કલ્પના પણ નહીં કરી હોય.
વસુધાદેવી માત્ર છેતાલીસ વર્ષની ઉંમરે ભાગ્યેશકુમારને અને પુત્ર દિવ્યને નિરાધાર કરીને ચાલ્યાં ગયાં. વસુધાદેવીની તબિયત સારી રહેતી નહોતી એટલે એમણે દિવ્ય માત્ર એકવીસનો થયો હતો ત્યારે જ તેને એક અમીર પરિવારની દીકરી કિનારા સાથે પરણાવી દીધો હતો. ભવિષ્યમાં શ્રીમંત પરિવારનો દિવ્યને સહારો મળી રહેશે, એવા વિચારથી એમણે કિનારા પર પસંદગી ઉતારી હતી. અને દિવ્યના લગ્ન બાદ એમણે નિરાંતનો શ્વાસ લીધો હતો. દિવ્યને ગૃહસ્થ બનાવીને વસુધાદેવી ચિંતામુક્ત બનવા માગતાં હતાં.
દિવ્યના કિનારા સાથે લગ્ન થયાં, બસ ત્યારથી જ ઘર પર આપત્તિનાં વાદળ ઘેરાવાનું શરૂ થઇ ગયું હતું. કિનારા એ એક અહંવાદી પિતાની બોલકી પુત્રી હતી. તેણે નમ્રતાનો દેખાવ કરીને દિવ્યના મમ્મીનું દિલ જીતી લીધું હતું. હકીકતમાં કિનારાની જિંદગીમાં બે મુખ્ય સૂત્રો હતાં. એક સુખયભોગની પ્રબળ લાલસા અને બીજુ નિર્બંધ આચરણ. દિવ્યની નમ્રતા અને સંસ્કરિતા કિનારાને સહેવા સુયોગ્ય છે એવી ખાતરી થતાં, કિનારાના પપ્પા એ લગ્નની સ્વીકૃતિ આપી હતી.
મમ્મી-પપ્પાને કેન્દ્રમાં રાખીને જીવવા ટેવાયેલા દિવ્યને કિનારા તેનાં મમ્મી-પપ્પાની લાગણીના વળગાડમાંથી મુક્ત કરવા માગતી હતી. કિનારાએ સાસરે આવીને જોયું કે દિવ્યના મન પર તેના પપ્પાજી સંપૂર્ણપણે છવાયેલા છે. ઊંઘતાં પપ્પાજી, જાગતાં પપ્પાજી, હરતાં-ફરતાં પણ પપ્પાજીની જ વાત. અને જ્યારે દિવ્ય નવરો પડે ત્યારે એક જ ધમકી : 'કિનારા, જે દિવસે મારા મમ્મી-પપ્પાને તું નારાજ કરીશ તે દિવસે તારો પગ આ ઘરમાં નહી હોય.' કિનારાને લાગવા માંડયું હતું કે દિવ્યનાં મમ્મી-પપ્પા તેના સુખના માર્ગમાં કાંટા સમાન છે. તેઓને જો ગામડે મોકલી દેવામાં આવે તો તે દિવ્ય સાથે નિરાંતે જીવી શકે. એટલે દિવ્યની ગેરહાજરીમાં કિનારાએ નાની-નાની વાતમાં છણકા-છાકોટા દ્વારા વસુધાદેવીને પજવવાનું શરૂ કરી દીધું. વસુધાદેવીએ પોતાની એકની એક પુત્રવધૂના આગમનના કેવા મીઠાં સપનાં જોયાં હતાં. પણ કિનારાના આગમન સાથે ઘરની પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ.
કિનારાએ એક દિવસ જમતાં જમતાં વાત કાઢી : 'મમ્મીજી, ગામમાં આપણું ઘર છે, તેની માવજત કોણ કરે છે ?' ત્યારે મમ્મી વસુધાદેવીએ કહ્યું હતું : 'કોઈ નહીં બેટા, દિવ્યને એકલો મૂકીને અમે ક્યાંય બહારગામ જતાં નથી. જ્યારે ગામ જઇએ ત્યારે બધાં સાથે જ જઇએ છીએ. અને એ જ વખતે ગામમાંથી કોઈ કામવાળાને બોલાવી ઘર સાફ કરાવીએ છીએ.'
'મમ્મીજી, પહેલાંની વાત અલગ હતી. દિવ્યની દેખરેખ રાખવા માટે હવે હું આવી ગઈ છું. હવે તમને અને પપ્પાજીને અહીં શહેરમાં ગોંધી રાખવાનો શો અર્થ ? તમને પણ સ્વતંત્ર રહેવા માટેની છૂટ મળવી જોઇએ. તમે અને પપ્પાજી થોડા દિવસ ગામ જઇ આવો. હવાફેર પણ થશે અને મનવિસારો પણ થશે. ગમે તો ત્યાં રોકાઈ પણ શકો છો. અમારી ચિંતા બિલકુલ ન કરતાં ત્યાં પપ્પાજીને પણ તેમની ઉંમરના મિત્રો મળશે. દરરોજ દેવદર્શન કરવા પણ જઇ શકશે.' કિનારાએ કહ્યું. વસુધાદેવીને કલ્પના નહોતી કે કિનારા પોતાનો આક્રમક પંજો તેમની પર જ ઉગામશે.
દિવ્ય કિનારાની ચાલથી અજાણ હતો. એક દિવસ સવારે વસુધાદેવીએ દિવ્ય આગળ થોડા દિવસ ગામ રહેવા જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. દિવ્યએ વસુધાદેવીને ગામ જવાની ઘસીને ના પાડી દીધી હતી. ત્યારે કિનારાએ કહ્યું : 'દિવ્ય, તું સવારે ઘેરથી નીકળી જાય છે અને મોડી રાત્રે ઑફિસેથી પાછો આવે છે. તારી કંપની તો પપ્પાજીને મળતી નથી.
પછી મમ્મી-પપ્પા આપણી સાથે રહે કે ગામમાં રહે તેથી શો ફેર પડવાનો છે ? ઘરડાંને ઘરડાંની કંપની મળે, તો જ મજા આવે. તેઓને ખુશી ખુશી જવા દે.'
અંતે દિવ્ય મમ્મી-પપ્પાને માત્ર થોડા દિવસ માટે જ ગામ જવા દેવા રાજી થયો હતો. દિવ્યને પળવારેય પોતાનાથી અલગ કરવાનું સામર્થ્ય એ વહાલ નીતરતી વસુધાદેવીની આંખોમાં, લાગણીભીનાં હૃદયમાં નહોતું. પરંતુ કિનારા તો ફૂલ મૂડમાં આવી ગઈ હતી. વસુધાદેવીનો સામાન વીણી વીણીને ભેગો કરવા માંડી હતી. એમને પૂછ્યા વગર જ એમની બેગ ભરવા માંડી હતી.
વસુધાદેવીનું અંતર વલોવાતું હતું અને ભાગ્યેશકુમાર ? જિંદગીએ આપેલો વિષપ્યાલો તેઓ ગટગટાવી ગયા હતા. પરંતુ તેઓ શંકર નહોતા. ઝેરને જીરવવાની માણસની તાકાત કેટલી ? અંતરને કોરી ખાતી વેદનાએ વસુધાદેવીનો આનંદ છીનવી લીધો હતો. તેઓ ધીરે ધીરે હિંમત ગુમાવી રહ્યાં હતા. સદાય હસતાં વસુધાદેવીનો જુસ્સો અને ઠાઠ અદ્રશ્ય થઇ ગયો હતો.
વસુધાદેવી હૂંફ માટે તડપતા હતાં. પણ કિનારા તો પોતાની યુક્તિનો વિજય માણવામાં મશગૂલ હતી. વસુધાદેવી માટે પ્રત્યેક સવાર અપમાન અને ઉપેક્ષાનો સંદેશ લઇને ઊગતી હતી. વસુધાદેવીનું મન દુ:ખ, આઘાત અને વિષાદથી કમજોર બની ગયું હતું. ધીરે ધીરે ગામ જવાનો દિવસ આવી ગયો હતો.
સવારે રેલવે સ્ટેશન પહોંચાડવા માટે દિવ્ય મમ્મી-પપ્પાને જગાડવા ગયો. પપ્પા તો ઊઠીને ફ્રેશ થવા બાથરૂમમાં ગયા હતા. અને મમ્મી વસુધાદેવી હજી પણ સૂતાં હતાં. દિવ્યએ વસુધાદેવીને બૂમ પાડી. પણ તેમના તરફથી કોઈ ઉત્તર ન મળતાં દિવ્યએ તેમને જગાડવા માટે ઢંઢોળ્યા, પરંતુ વસુધાદેવીની ગાડી કોઈ અજ્ઞાત સ્થળની યાત્રાએ ઉપડી ગઈ હતી.
એક સૂરજ ઊગ્યો હતો અને બીજો સૂરજ આથમ્યો હતો. પરલોકે સિધાવેલાં વસુધાદેવીના નિર્જીવ દેહને ભેટીને દિવ્ય કરુણ કલ્પાંત કરી રહ્યો હતો. ભાગ્યેશકુમાર વસુધાદેવીના મૃત્યુથી અવાચક થઇ ગયા હતા. ત્યારે દિવ્યનો રડવાનો અવાજ સાંભળીને કિનારા દોડતી આવી હતી. વસુધાદેવીનું અવસાન થયું છે એ જાણીને એનાથી બોલાઈ ગયું : 'અરેરે, પપ્પાજી બિચારા ક્યાંય નહીં જઇ શકે, સામાન બાંધેલો છોડવો પડશે.'
કિનારાના શબ્દો સાંભળીને દિવ્ય એકદમ તાડૂક્યો : 'કિનારા, આ ઘર પપ્પાજીનું છે. એમણે ક્યાંય જવાની જરૂર નથી. હું બેઠો છું એમની સંભાળ રાખનાર. દિવ્યની વાત સાંભળી કિનારા પગ પછાડતી બીજા રૂમમાં જતી રહી. અને ત્યારે જ કિનારાનું અસલી રૂપ દિવ્ય સામે આવ્યું. ત્યારથી દિવ્ય ભાગ્યેશકુમારની કાળજી રાખતો હતો. તેને પપ્પાજીની ખૂબ જ ચિંતા રહેતી હતી. 'એમને પાણી પીવું હશે ? એમને ટોઈલેટ જવું હશે તો ? બિચારા શું કરશે ? એમને નહાવા માટે ગરમ પાણી કોણ કાઢી આપશે ?'' આવી બધી ચિંતાઓથી ઘેરાયેલો દિવ્ય પપ્પા ભાગ્યેશકુમારની પાસે જ સૂઈ જતો હતો. કિનારાને દિવ્યના લાગણીવેડા પસંદ નહોતા. એણે દિવ્યને કહ્યું હતું : 'ઓ શ્રવણકુમાર, તમે પિતાજીની સેવા કરો છો એ મંજૂર, પણ દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. એક નર્સ રાખી લો. આમ ઉજાગરા કરવાથી માંદા પડી જશો. અને મારા પ્રત્યે પણ તમારે કોઈ ફરજ બજાવવાની છે કે નહીં ? પપ્પાજીની ઉંમર થઇ, ઉંમર પ્રમાણે સાજા માંદા રહ્યા કરે, એમને પકડીને બેસી રહેવાની જરૂર નથી.'
દિવ્ય ઓફિસ જતો ત્યારે પપ્પાજીની જવાબદારી કિનારા સંભાળતી હતી. વસુધાદેવીના અવસાનથી ભાગ્યેશકુમાર ભાંગી પડયા હતા. પલંગમાંથી ઉભા થાય તો ચક્કર આવી જતાં હતાં. એટલે ઘણીવાર પથારીમાં જ પેશાબ થઇ જતો. કિનારા મોં બગાડીને બીજા રૂમમાં ચાલી જતી. દિવ્ય આવે એટલે એની સમક્ષ પપ્પાની ફરિયાદોનું બુલેટીન બહાર પાડતી રહેતી, પણ પપ્પાનો એક પણ દોષ જોવાની દિવ્યની તૈયારી નહોતી.
કિનારાના સ્વભાવથી પરિચિત દિવ્ય પપ્પાજીને એના ભરોસે છોડવા માગતો નહોતો. પપ્પાજીનું દૈનિક કાર્ય પતાવી, જમાડીને પછી ઓફિસ જતો હતો. ઓફિસે જવા તૈયાર થઇને દિવ્ય પપ્પાજીની જમવાની થાળી લઇને આવ્યો. પપ્પાજી ઉદાસવદને બેઠા હતા. એટલે દિવ્યએ પૂછ્યું : 'પપ્પાજી, શું વિચાર કરો છો ? જમી લોને. જમવાનું ઠંડુ થઇ જશે.' 'બેટા, આજે તારી મમ્મીની પુણ્યતિથિ છે' એમ કહીને ભાગ્યેશકુમાર ધુ્રસકે - ધુ્રસકે રડવા લાગ્યાહતા. 'પપ્પાજી, મને સવારે યાદ કરાવવું હતું ને. માફ કરજો. મારે મમ્મીની પુણ્યતિથિ યાદ રાખવી જોઇએ. હમણાં જ હું કિનારાને કહું છું જલ્દીથી ખીર-પુરી બનાવી દે. મમ્મીને બટાકાના ભજીયાં પણ ખૂબ ભાવતાં હતાં હું આજે ઓફિસ નહીં જાઉં. પાંચ ભૂદેવોને બોલાવીને જમાડીશ, દક્ષિણા આપીશ અને મમ્મીની યાદમાં આપણે માળા કરીશું' દિવ્ય ગળગળો થઇ ગયો હતો.
દિવ્ય વાક્ય પૂરું કરી તે પહેલાં જ કિનારા રૂમમાં ધસી આવી અને કહેવા લાગી : 'પપ્પાજી, આ ઉંમરે પણ તમને ખાવાના ભાસકા થાય છે ? ખીર અને ભજિયાં ખાવાની તમારી ઉંમર નથી. અને આ તમારા શ્રવણકુમાર તો તમે કહેશો તે જમાડશે. પછી તમારી તબિયત બગડશે તો, સેવા મારે કરવાની. હું ખીર-ભજીયાં બનાવવાની નથી.'
અને જિંદગીમાં દિવ્યે પહેલીવાર રસોડાનો ચાર્જ સંભાળ્યો. રસોઇયાને બોલાવી ખીર અને ભજિયાં સાથે સંપૂર્ણ રસોઇ બનાવડાવી. ભૂદેવોને જમાડીને દિવ્ય જમવાની થાળી લઇને પપ્પાજીને ભોજન કરાવવા તેમના રૂમમાં ગયો. પણ ભોજનની સુવાસ લઇને ભાગ્યેશકુમાર પણ પરલોકમાં વસુધાદેવી પાસે પહોંચી ગયા હતા. બન્નેની પુણ્યતિથિ હવે એક જ બની ગઇ હતી. અને પપ્પા મૃત શરીર પાસે ઊભાં ઊભાં દિવ્યએ હૈયાફાટ રુદન કર્યું હતું.


