- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- આ ફિલ્મ માટે બચ્ચન સાહેબે પોતાના પાત્રમાં એક નવો જ રંગ ઉમેરવાના ઈરાદાથી ઘોઘરો અને ખારાશથી ભરપૂર હોય એવો અવાજ પેદા કર્યો હતો! પરંતુ લોકોને એ જરાય પસંદ ના પડયો!
આ 'કલ્ટ' એટલે શું? એનો શાબ્દિક અર્થ થાય છે 'સંપ્રદાય,' જે મુખ્ય ધારાના ધર્મ કરતાં થોડો અલગ હોય અને જેના ભક્તોની સંખ્યા પણ ઓછી હોય.
બસ, તો 'કલ્ટ-મુવી'નું પણ એવું જ છે! જે ફિલ્મને જનરલ પબ્લિકે 'ફલોપ' જાહેર કરી હોય, 'ભંગાર' 'ફાલતુ', 'રદ્દી' વગેરે કહીને ઉતારી પાડી હોય એમાં જ કંઈક ખુબીઓ જોઈને જે અમુક ખાસ પ્રેક્ષકોને ખૂબ જ ગમી ગઈ હોય...અને એવા 'ભક્તો' જ્યારે એકબીજાને વર્ડ ઓફ માઉથથી દૂર દૂર સુધી પહોંચાડે છે ત્યારે એ મુવી 'કલ્ટ' બની જાય છે!
જેમકે 'રાજકુમાર સંતોષીની' 'અંદાઝ અપના અપના' અથવા કુંદન શાહની 'જાને ભી દો યારો' કે પછી અનુરાગ કશ્યપની 'દેવ ડી' અને કમલ સ્વરૂપની 'ઓમ દર-બ-દર...'
અચ્છા, 'અગ્નિપથ' કેમ ફલોપ થઈ ગઈ? તો મામલો એવો હતો કે 'ગંગા જમુના સરસ્વતી' 'જાદૂગર' 'લાલ બાદશાહ' અને મૈં આઝાદ હું (આ પણ કલ્ટ મુવી ખરી, હોં!) એવી સળંગ ચાર-ચાર ફલોપ ફિલ્મો પછી જ્યારે 'અગ્નિપથ' રિલીઝ થઈ ત્યારે ખુદ અમિતાભના ચાહકો ઓલરેડી કંટાળેલા હતા!
એમાં વળી નડી ગયો બચ્ચન સાહેબનો 'ખરો અવાજ'! વાત એમ હતી કે આ ફિલ્મ માટે બચ્ચન સાહેબે પોતાના પાત્રમાં એક નવો જ રંગ ઉમેરવાના ઈરાદાથી ઘોઘરો અને ખારાશથી ભરપૂર હોય એવો અવાજ પેદા કર્યો હતો! પરંતુ લોકોને એ જરાય પસંદ ના પડયો ! ઉલ્ટુ, એવી વાતો ફેલાઈ ગઈ કે ફિલ્મના રેકોર્ડિંગમાં કંઈ 'ખામી છે'!
ફિલ્મની બીજી 'ખામી' લોકોને એ લાગી કે ફિલ્મમાં સ્ટોરી જેવું કંઈ છે જ નહીં! ત્રીજી ખામી એ કે ડાયલોગ્સમાં કંઈ દમ નથી! ચોથી ખામી...લાલઘુમ આંખોમાં કાજળ નાંખેલો બચ્ચન કંઈ વિચિત્ર જ લાગે છે...પાંચમી ખામી....છઠ્ઠી ખામી....
અહીં, દરેક કલ્ટ-મુવીમાં બને છે એવું જ હતું! સામાન્ય લોકોને જે 'ખામીઓ' લાગતી હતી એ જ તો ફિલ્મની 'ખુબીઓ' હતી!
પેલા અવાજવાળી ખામીને દૂર કરવા માટે પ્રોડયુસર યશ જોહરે (હા, કરણ જોહરના પપ્પાએ) બચ્ચનના સાદા અવાજમાં ફરી ડબિંગ કરાવીને ફિલ્મને ફરી રિલીઝ કરી...છતાં રિઝલ્ટ સેઈમ!
પરંતુ, જે પારખુ પ્રેક્ષકો હતા તે બીજાઓને કહેતા હતા કે 'બોસ, અગ્નિપથ જોઈ કે નહીં? શું બચ્ચનનો પરફોર્મન્સ છે...શું ગજબની ફિલ્મ છે.....' એમ કરતાં કરતાં 'અગ્નિપથ' આજે બચ્ચન સાહેબના ચાહકોની મોસ્ટ ફેવરીટ કલ્ટ-મુવી બની ગઈ છે.
તો, શું હતું 'અગ્નિ પથ'માં? સૌથી પહેલું તો બચ્ચન સાહેબનો ઉકળતા લાવા જેવો ધગધગતો પરફોર્મન્સ! આખી ફિલ્મમાં એક સીન તો શું, એક શોટ એવો જોવા નહીં મળે જેમાં બચ્ચનની આંખોમાં પેલો લાવા જેવો આક્રોશ છલકાતો ના હોય! ઉપરથી એમની બોડી-લેંગ્વેજ...તમે ખાસ માર્ક કરજો, એ સાડા છ ફૂટનો માણસ ખુરશીમાં સખણો બેસી જ નથી શકતો!
ઉપરથી પેલો ખારો અવાજ તો ખરો જ, પરંતુ વધુ માર્ક કરજો, એ 'વિજય' દિનાનાથ ચૌહાણ આખેઆખાં લાંબા વાક્યો બોલતો જ નથી! એ ટુકડે ટુકડે બોલે છે. વચ્ચે વચ્ચે 'માલુમ'? એવું પૂછતો રહે છે. (છેલ્લે મરતી વખતે પિતાજીએ શીખવાડેલી 'અગ્નિપથ'વાળી કવિતા પણ અધૂરી અને ત્રુટક ત્રુટક જ બોલે છે.) ફિલ્મની બીજી 'ખામી' યાને કે 'ખૂબી' કહો તે એ કાદર ખાનના ડાયલોગ્સ હતા! અન્ય ફિલ્મમાં જેને 'તાલીમાર' સંવાદો કહેવાય એવા ડાયલોગ લખનારા આ માણસે અહીં 'વિજય, દિનાનાથ, ચૌહાણ...પુરા નામ!' એવા અત્યંત સિમ્પલ ડાયલોગ્સ લખ્યા છે!
શા માટે? કેમકે કાદર ખાનને ખબર હતી કે એ બીજા કોઈ મામુલી 'અદાકાર' માટે નહીં, પણ દિગ્ગજ 'અભિનેતા' માટે આ સંવાદો લખી રહ્યા છે! એટલે અહીં આવા જ સંવાદો છે : 'અપના ટોપી સંમાલો દિનકર રાવ...હવા બહોર તેજ ચલ રહી હૈ!' અથવા 'હમ કો તુમ્હારે જૈસા કપડા પહનના મંગતા....' 'ઈધર સાલા ફોન કા ઘંટી બહોત બજતા હૈ.....' અને 'હા, 'આજ શામ ૬ બજે મૌત કે સાથ અપના અપોનમેન્ટ હૈ, અપોનમેન્ટ....ઇંગ્લિસ બોલતા હૈ, હાં!''
બેશક, એક લાંબો-લચક ડાયલોગ તો યાદગાર છે : 'કહને કે કો યે શહર હૈ મગર ઇધર જંગલ કા કાનૂન ચલતા હૈ....ચૂંટી કો બિસ્તૂઈયા ખા જાતા હૈ, બિસ્તુઈયા કો મેંઢક, મેંઢક કો સાંપ નિગલ જાતા હૈ, નેવલા સાંપ કો મારતા હૈ, ભેડિયા નેવલે કા ખૂન ચૂસ લેતા હૈ, શેર ભેડિયે કો ચબા જાતા હૈ...ઈધર હર તાકાતવર દૂસરે કો મારકર જીતા હૈ, માલુમ? મારકર!'
રહી વાત ત્રીજી 'ખામી'ની, કે આમાં સ્ટોરી જેવું કશું છે જ નહીં...તો ભાઈ, કૌન કમબખ્ત યહાં સ્ટોરી ચુનને કે લિયે ફિલ્મ દેખતા હૈ? હમ તો દેખતે હૈ તાકિ હમારે બચ્ચન સા'બ કો હમ આગ ઉગલતા દેખ સકેં!'
ફિલ્મમાં સ્ટોરી નથી, પરંતુ 'ચેપ્ટરો' છે. અને એ ચેપ્ટરની આસપાસ જ અમુક દ્રશ્યો છે. જેમકે કમિશનર ગાયતોંડેને વોર્નિંગ આપીને નીકળવા જતાં ગાયતોંડેનો પુત્ર આશ્ચર્યથી કહે છે 'વો ગુન્ડાઆ?'
એ પછી 'ગુન્ડા' નામનાં પ્રકરણમાં બે દ્રશ્યો છે. એક, જેમાં બચ્ચન અને એની નર્સ મિત્ર માધવી એક રેસ્ટોરન્ટમાં જાય છે જ્યાં અમુક 'સજ્જન' લોકો આ 'ગુન્ડા' સામે બેસીને જમવાની ના પાડે છે! બચ્ચનનો બાટલો ફાટે છે....એ જમ્યા વિના, બધાને તતડાવીને ક્રોકરીનું ટેબલ ઊંધું પાડીને, પૈસા ફેંકીને જતો રહે છે.
પછી માધવીને ક્યાં લઈ જાય છે? જ્યાં બસ્તીમાં લોકો એને 'ભગવાન'ની જેમ આવકારે છે! બચ્ચન માધવીને પૂછે છે
'ક્યા મૈં ગુન્ડા હૈ?'
મગર રૂકો જરા...ગુન્ડાનું ત્રીજું ચેપ્ટર બાકી છે! કેમકે તરત જ એ દ્રશ્ય છે જ્યાં વિલનના ગુન્ડાએ કમિશનર ગાયતોંડેની પત્ની અને પેલા બાળકનું કીડનેપ કર્યું છે. બચ્ચન ત્યાં પહોંચે છે, ધુલાઈ કરીને ગુન્ડાને મારે છે, અને છેલ્લે જતાં જતાં 'સાદો' ડાયલોગ બોલે છે : '...બચ્ચે પે હાથ ઉઠાતા હૈ? સાલા ગુન્ડા...'
અને હા, સૌથી છેલ્લે જ્યારે વિજય દિનાનાથ ચૌહાણ, મરતાં પહેલાં માંડવા ગામ પોતાની માને સોંપે છે અને માના ખોળામાં જ મરી જાય છે ત્યારે એની મા કહે છે : 'હાં, મેરા બેટા ગુન્ડા નહીં થા!'
આવાં બીજાં 'ચેપ્ટરો' છે...જેમકે 'ડાઘાવાળા હાથ' 'ચાર બૂલેટ' (માઁ કે હાથ કા ખાના) 'રૂપિસ થ્રી ટ્વેન્ટી ફાઈવ' (મિથુન ચક્રવર્તીને નેશનલ એવોર્ડ મળ્યો હતો આ રોલ માટે) 'ટેલિફોન' અને બેશક 'અગ્નિપથ'ની કવિતા...આ બધું જો હજી સુધી નોટિસ ના કર્યું હોય તો ફરી જોઈ લેજો 'અગ્નિપથ'!
= મિથુન ચક્રવર્તીએ 'ક્રિષ્નન ઐયર એમએ'નું પાત્ર પોતાના સંઘર્ષ સમયના દક્ષિણ ભારતીય રૂમ પાર્ટનર મિત્ર 'દેવીયો'ની બોલચાલ ઉપરથી બનાવ્યું હતું.
= 'જુમ્મા ચુમ્મા દે દે....' મૂળ તો 'અગ્નિપથ' માટે બનાવાયું હતું પરંતુ દિગ્દર્શક મુકુલ આનંદને લાગ્યું કે આ અમિતાભના પાત્રને બંધબેસતું નથી. છેવટે આ હિટ ગીત 'હમ'માં વપરાયું.
= 'યે ટેલિફોન ભી અજીબ ચીજ હૈ....' વાળો ડાયલોગ મુકુલ એસ. આનંદે પોતાની જ બીજી એક ફિલ્મ 'ત્રિમૂર્તિ'માં અનિલ કપૂરને મોઢે ફરી બોલાવડાવ્યો છે!
= અમિતાભના બાળપણનો રોલ ભજવનાર બાળ કલાકાર મંજુનાથ આ પહેલાં ટીવી સિરિયલ 'માલગુડી ડેયઝ' અને 'સ્વામી'થી પ્રખ્યાત થયો હતો.
= ૨.૮ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ જે 'ફલોપ' ગણાઈ હતી તેણે છેવટે ૧૦.૨ કરોડની કમાણી તો કરી જ છે!


