- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- હરણી 'બંદૂકથી વિંધાઈ' નથી, પણ 'બંદૂકે દેવાઈ છે'. બચ્ચું 'પેટની અંદર' નહોતું સૂતું, પણ પડખાની 'માંહ્યલી પા' સૂતું હતું
વિ લિયમ સ્ટેફર્ડ (૧૯૧૪-૧૯૯૩)ના હૃદયસ્પર્શી કાવ્ય 'હરણીનું બચ્ચું'નો અનુવાદ સિતાંશુ યશશ્ચંદ્રે કર્યો છે.
'વિલ્સન નદીને રસ્તે અમે જતા હતા/ રાતને પહોરે.. ત્યારે/ મેં એક હરણ જોયું.. મરેલું.. રસ્તાની ધારે/ રસ્તો સાંકડો છે ને મોટરને બહુ/ વળાંક આપવામાં જોખમ-/ અકસ્માતનું, વધારાના મૃત્યુનું..એટલે જ/ મરેલા જનાવરને નીચેની ખીણમાં/ ધકેલી દેવું એ જ યોગ્ય.'
આ કથાકાવ્ય છે, નેરેટિવ પોએમ. વાચકનો રસ જકડી રાખવા ઘટનાનાં સ્થળ-સમય જણાવી દીધાં છે. કાવ્યનાયક વેવલો ને રોતલ નથી, મરેલા હરણ પાછળ આંસુ સારતો નથી, બલ્કે સ્વસ્થ ચિત્તે વિચારે છે કે શબ હટાવ્યે જ છુટકો, અન્યથા અકસ્માતો સર્જાશે.
'ટેઇલ લાઇટના અજવાળામાં/ હું મોટરની પાછળ આવ્યો/ અને ઊભો એ ઢગલો થઈને પડેલા દેહ પાસે/ એક હરણી હતી એ. તાજી જ બંદૂકે દેવાયેલી./ અંગો અક્કડ થઈ થીજેલાં હતાં, લગભગ ઠંડાં/ મેં એ હરણીને પાછળ જરા ધકેલી/ એનું પેટ ફૂલેલું હતું/ મારી આંગળીઓ એના પડખાને સ્પર્શી/ અને જોયું તો એનું પડખું ઉષ્માભર્યું હતું/ માંહ્યલી પા એનું બચ્ચું સૂતું હતું../ વાટ જોતું, જીવતું, સ્થિર..અને જેણે હવે/ ક્યારેય જન્મવાનું નથી તેવું.'
કવિએ કેવી કાવ્યક્ષણ પકડી છે! પર્વત અને ખીણ, જીવન અને મોત, મરેલું હરણ અને જીવતું બચ્ચું, ઠંડા અંગ અને ઉષ્માભર્યું પડખું. અનુવાદકની ભાષા મુદ્રિત નહિ પણ વાચિક છે- હરણી 'બંદૂકથી વિંધાઈ' નથી, પણ 'બંદૂકે દેવાઈ છે.' બચ્ચું 'પેટની અંદર' નહોતું સૂતું, પણ પડખાની 'માંહ્યલી પા' સૂતું હતું.
'પહાડના રસ્તાની કોરાણે હું જરા ખચકાયો/ મોટરની પાર્કિંગ લાઇટ/ સીધુંસટ અજવાળું ફેંકતી હતી/ ઢાંકણ નીચે એન્જિન એકધારું ધબકતું હતું/ મોટરની વરાળ ગરમગરમ રતૂમડો રંગ ધરી ઊડતી હતી../ ત્યાં હું ઊભો હતો/ અમારી આસપાસ વગડો ય કાન માંડી ઊભો હતો.'
અસ્તિત્વવાદ કહે છે કે તમને નિર્ણય લેવાની સ્વતંત્રતા છે, પણ જે નિર્ણય કરશો તેનાં પરિણામો તમારે ભોગવવા પડશે. કાવ્યનાયક રસ્તાની કોરાણે ઊભા છે, એક પા પર્વત, બીજી પા ખીણ. તેમણે નક્કી કરવાનું છે કે હરણીને રહેવા દેવી કે ધકેલી દેવી. તેઓ અવઢવમાં છે. મોટરની લાઇટ, જોકે, અવઢવમાં નથી, એનું અજવાળું સીધુંસટ છે, જાણે કહેતું હોય, 'વધુ વિચાર ન કર, હડસેલી દે.' ઢાંકણ નીચે મોટરનું એન્જિન ધબકે છે, અને પડખાની માંહ્યલી પા, હરણીનું બચ્ચું. પડખું ઉષ્માભર્યું છે, મોટરની વરાળ પણ. વરાળનો રંગ રતૂમડો છે, રક્ત જેવો. કવિએ વગડાનું સજીવારોપણ કર્યું છે.
'મેં ખૂબ વિચાર્યું, ખૂબ મંથન કર્યું../ પછી ધકેલી દીધી એને/ ધાર પરથી નીચે નદીમાં..'
હરણી કાળના વહેણમાં મળી ગઈ. કાવ્યનાયક દિમાગથી વિચારે છે અને દિલથી પણ. મરેલી હરણી બચ્ચાને જન્મ ન આપી શકે. હરણીનું શબ જનાવરોની હોસ્પિટલમાં પહોંચાડી શકાય નહિ. માટે શબ ખસેડીને અકસ્માતો નિવારવા એ જ સાચો નિર્ણય. કવિએ મૃત હરણીનું વર્ણન એવું કર્યું છે કે વાચકને શિકારી પ્રત્યે દુર્ભાવ અને હરણી પ્રત્યે સમભાવ પ્રકટે.
આ સંદર્ભે જોઈએ ચેક કવિ મિરોસ્લાવ હોલુબનું કાવ્ય 'અરધો શેળો.' (શેળો શાહુડી કરતાં નાનો હોય.) કાવ્યનાયકે મોટરમાંથી ઊતરીને જોયું તો શેળાના શરીરનો પાછલો હિસ્સો કચડાઈ ચૂક્યો હતો, શેષ હતાં માત્ર માથું, છાતી અને આગલા પગ. તેના અરધા ખૂલેલા જડબામાંથી છટકી એક મૂગી ચીસ. થડના પોલાણમાંથી શેળાનો દાક્તર પ્રકટ થાય તોય આ અરધિયો કોઈ કાળે બચી ન શકે, હાઈ-વે 'ઈ ૧૨' પર. કાવ્યનાયક કહે છે, 'તર્કને નામે, પીડાના સિદ્ધાંતને નામે, શેળાઓના ભગવાનને નામે, પ્રેમનાં ઝરણાંને નામે, ભુ્રણહત્યા પામેલા ગર્ભના માથાની આરપાર ઊગેલાં મૂળિયાંને નામે, અમે શેળાના માથા પરથી ગાડી હંકારી મૂકી, લ્યુનર મોડયુલને બીજા ગ્રહ પરથી હંકારતા હોઈએ તે રીતે. અમે નિષ્ફળ ગયા. પછી મેં ઊતરીને મોટો ઢેખાળો લીધો હાથમાં. અરધા શેળાએ ચીસ પાડી; કબરોને વાચા ફૂટી.'


