Get The App

કૃત્રિમ લોહી બનાવવાના પ્રયોગો .

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
કૃત્રિમ લોહી બનાવવાના પ્રયોગો                                    . 1 - image

- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

બી જા વિશ્વયુદ્ધ દરમ્યાન લોહીની ખૂબ જરૂર પડી. અનેક સૈનિકો અને પ્રજા પણ લોહીથી લથબથ થઈ હોસ્પિટલ ભેગી થઈ પરંતુ લોહીની અછત વર્તાઈ રહી. એઈડ્સ નામનો રોગ ફેલાયો ત્યારે પણ લોકોને એચઆઈવી વાયરસ વિનાનું લોહી લેવાની જરૂરિયાત જણાઈ. કેટલાંક લોકો લોહીથી રોગ ફેલાય છે એવું માનતા એટલે પણ સિન્થેટિક પ્રકારના લોહીની માંગ વધી.

જ્યાં સતત રોગ એન્ડેમિક સ્વરૂપે ચાલતો જ હોય ત્યાં ભેળસેળવાળું લોહી મળવાનું જોખમ વધારે હોય, વળી રેફ્રીજરેટરમાં શુદ્ધ લોહી મુકવાની જગા પણ પુરતી ના હોય. આજે પણ આપણે ત્યાં બ્લડ ડોનર ઓછા પડે છે એટલે ઓક્સિજનનું વહન કરી શકે એવા સિન્થેટિક લોહીની માંગ વધી છે.

ગ્રીન ક્રોસ બ્લડ બેન્ક અને રેડક્રોસ તમને સર્ટિફાઈડ લોહી આપે છે પરંતુ તેમાંય ડોનરની જરૂર પડે છે. તે તાત્કાલિક મળવા કેટલીક વાર મુશ્કેલ બને છે. અમેરિકાની ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી (DARPA)એ ૨૦૨૩માં સિન્થેટિક બ્લડ એટલે કે કૃત્રિમ લોહી અંગેના સંશોધન માટે ૧૨ યુનિવર્સિટીને ફન્ડીંગ આપવાનું નક્કી કર્યું હતું. હજી સંશોધન ચાલુ છે. ૨૦૨૮-૩૦ દરમ્યાન માનવ પર તેના પ્રયોગો શરૂ થશે.  જાપાન આ બાબતે આગળ છે.

ઘણાને આશ્ચર્ય થશે કે લોહી પણ કૃત્રિમ હોઈ શકે ? હા. લોહી કૃત્રિમ હોઈ શકે પણ તે કુદરતી લોહી જેટલા કાર્યો કરી શકતું નથી.

કૃત્રિમ લોહી ફક્ત રક્તકણોનો પર્યાય હોય છે એટલે તે માત્ર પ્રાણવાયુના પરિવહનનું જ કાર્ય કરે છે. હા, કાર્બન ડાયોક્સાઈડને પણ ઠેકાણે પાડે છે. અન્ય કાર્યો જેવાં કે રોગપ્રતિકાર, તેમજ બ્લડ ક્લોટિંગ બાબતે તેનો ઉપયોગ થતો નથી.

કૃત્રિમ લોહી જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવે છે: 

(૧) રાસાયણિક અલગીકરણ (૨) સિન્થેટિક પ્રોડક્શન વડે.

રિકોમ્બીનન્ટ બાયોકેમિકલ ટેકનોલોજી વડે પણ કૃત્રિમ લોહી બની શકે છે. કૃત્રિમ લોહીની શોધ ૧૬૦૦ થી ચાલે છે. પરંતુ અમેરિકામાં હજી તે માર્કેટમાં આવ્યું નથી જ્યારે અમેરિકાના સ્ટોરમાં આ કૃત્રિમ લોહી આવશે ત્યારે એની જરૂરિયાત જબરજસ્ત હશે. પ્રતિવર્ષ અમેરિકાને ૭.૬ બિલિયન ડોલરનું લોહી જોઈશે...!

જાપાનના સંશોધકોએ 'મેચિગ' પણ કરવું ના પડે એવું કૃત્રિમ લોહી બનાવ્યું છે. એની કોઈ એક્સપાયરી ડેટ નથી કે એનાથી કોઈ ચેપ ફેલાતો નથી. જ્યારે માસ કેઝ્યુલિટી થાય કે ગામડામાં સર્જરી થાય ત્યારે આ લોહી બ્લડ ટ્રાન્સફ્યુઝનની દુનિયામાં જબરજસ્ત રોમાંચ ફેલાવશે.

પ્રયોગશાળામાં બનેલા કૃત્રિમ લોહીના કોષો લોહીની પૂર્ણ આવૃત્તિ નથી એમાં શ્વેતકણો નથી. એમાં પ્લેટલેટ પણ નથી પરંતુ તે સૌથી અગત્યનું કાર્ય કરે છે. એટલે કે પ્રાણવાયુના વહનનું કાર્ય કરે છે. આ કોષો જુના રક્તકણો અને હેમોગ્લોબિનમાંથી બને છે, મુખ્યત્વે ૨૫૦ નેનો મીટરના ઝીણા પરપોટામાં હેમોગ્લોબિન હોય છે જે નસોમાં રક્તકણોની માફક સરકી શકે છે અને પ્રાણવાયુનું વહન કરતાં રહે છે. આ જાપાની કૃત્રિમ લોહીને રેફ્રિજરેટરની જરૂર નથી અને રૂમના તાપમાને બે વર્ષ સુધી સક્રિય રહે છે. તેની માનવ ટ્રાયલ સફળ રહી છે !

પરંતુ મિત્રો, સપ્યાલ અને કિંમત હજી જાહેર થયા નથી...!