Get The App

ગાંધીજી-વલ્લભભાઈનો મનમેળાપ અને જિન્નાહની મનતિરાડ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીજી-વલ્લભભાઈનો મનમેળાપ અને જિન્નાહની મનતિરાડ 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- 'હું જ્યારે ગાંધીજી સાથે જોડાયો ત્યારે લાકડાં સળગાવીને મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા અને મારું સર્વસ્વ મેં એ આગમાં હોમી દીધું'

બ નેલું એવું કે ગોધરામાં નવીસવી વકીલાત કરવા આવેલા વલ્લભભાઈને સ્થાનિક લોકો સાથે, વેપારીઓ અને નોકરીયાતો સાથે, સામાન્યજણ કે માલેતૂજાર સાથે, યુવાનીયા કે ધોળિયાવાળવાળા સાથે એવો તો મજબૂત નાતો બંધાઈ ગયો હતો, કે એ પછી વિતેલાં વર્ષોમાં તેઓ મોટા લોકનેતા કે નાયબ વડાપ્રધાન થયા, તો યે ગોધરાકાળના દિવસો, સંબંધો અને લાગણીઓને ભૂલી શક્યા નહોતા. માંડ દોઢ-બે વર્ષની વકીલાત હતી ગોધરામાં તેમની, ઈ.સ.૧૯૦૦માં. છતાં પોતાના મક્કમ, સ્પષ્ટ અને આત્મગૌરવભર્યા વ્યક્તિત્વ થકી ત્યાંના અસીલો અને અગ્રણીઓના દીલ તેમણે જીતી લીધાં હતા. તેથી સ્તો જ્યારે-જ્યારે જરૂર જણાઈ, જ્યારે-જ્યારે ભીડ પડી, આપદધર્મ આવી પડયો, ત્યારે-ત્યારે વલ્લભભાઈને ગોધરા સાથે જોડાઈ જતાં વાર નહોતી લાગી.

આ એ ગોધરા શહેર હતું, જ્યાંના ર્ૅમૅજિસ્ટ્રેટ, અમલદારો કે પોલીસપટેલો સાથે તેમણે કોઈ ઘરોબો કેળવ્યો નહોતો, વકીલ હોવા છતાં એવા કોઈની કદમપોશી કરી નહોતી, પરંતુ પ્લેગ જેવા મહાવ્યાધિમાં પોતાના નાઝરમિત્ર રાવજીભાઈના એકના એક દિકરાની સેવા કરવામાં પાછી પાની કરી નહોતી. પ્લેગના ચેપી જીવલેણ રોગની પરવા કર્યા વગર તેમણે એ દિકરા માટે જનમોજનમની આત્મીય પ્રીતિ બતાવી હતી. આવી વ્યવહારદક્ષતાએ જ વલ્લભભાઈનો ગોધરા નાતો નજીકનો, ઊંડો અને લાગણીભર્યો બનાવ્યો હતો. કદાચ એટલે જ તેમણે આઝાદીના જંગમાં, ગાંધીજીની અહિંસામાં અને રચનાત્મક સેવાઓમાં ગોધરાને આગળને આગળ રાખ્યું હતું.

વલ્લભભાઈનો ગોધરા-વ્યવસાય પ્રવેશ જેટલો સરળ, મક્કમ અને આયોજિત હતો, એટલો જ ગાંધીમાર્ગ પ્રવેશ દ્રઢ, સમજણભર્યો અને ત્યાગભાવનાથી ભર્યો-ભર્યો હતો. પહેલાં તો વલ્લભભાઈએ પોતાના આ ગાંધીશરણને સહજ ગણીને કહેલું કે આખરે હું (ગાંધીજીની) સેનામાં જોડાઈ ગયો અને સાત-આઠ મહિના માટે ખેડા (સત્યાગ્રહ માટે) ગયો. તેમના દિકરી મણિબેને પણ આ બાબતે ટૂંકમાં કહી નાંખેલું કે બાપુજી બધું છોડીને (ખેડા) સત્યાગ્રહમાં જોડાઈ ગયેલા. પરંતુ પાછળથી, વીસેક વરસ પછી, ૧૯૩૮માં વલ્લભભાઈએ કાઠિયાવાડના પ્રથમ નેતા ઉછંગરાય ઢેબરની હાજરીમાં સ્વીકારેલું કે 'હું જ્યારે ગાંધીજી સાથે જોડાયો ત્યારે લાકડાં સળગાવીને મારું કુટુંબ, મારી વકીલાત, મારી પ્રતિષ્ઠા અને મારું સર્વસ્વ મેં (એ) આગમાં હોમી દીધું. આ  બધામાંથી રાખ સિવાય બીજું કશું બચશે કે નહી તેની મને ખબર ન હતી.' પોતાની વકીલાત વ્યવસાય-ઘરબાર-કુટુંબ જવાબદારી, બધું જ તરછોડીને પૂર્ણસમય ગાંધીસૈનિક તરીકે દેશસેવામાં ગાળવાનો નિર્ણય વલ્લભભાઈએ ઈ.સ.૧૯૧૮ના જાન્યુઆરીની ૯મી તારીખે લીધો હતો. ગોધરામાં તેમણે કારકીર્દિની શરૂઆતે આરંભેલી વકીલાત તો ટૂંકી ચાલી, પરંતુ એ પછીના વર્ષોમાં એમનો ગોધરાનાતો નજીકનો, સક્રીય અને લાગણીભર્યો રહ્યો હતો. એકાદ-બે વખત ગુજરાત ક્લબમાં, ગુજરાત સભામાં કે કોચરબ આશ્રમમાં વલ્લભભાઈ ગાંધીજીને મળ્યાં. એ પછી જ્યારે ૧૯૧૭ના નવેમ્બરની શરૂઆતે ગોધરાની પ્રથમ રાજકીય પરિષદમાં જઈને ગાંધીચીંધ્યા માર્ગે લોકસેવાર્થે જોતરાવાનું વલ્લભભાઈએ સ્વીકાર્યું, ત્યારે ગોધરાભૂમિ સાથેના તેમના પ્રથમ લગાવે ઘણો મોટો ભાગ ભજવેલો. પહેલી રાજકીય પરિષદમાં વલ્લભભાઈ જે રીતે ત્યાંની ભૂમિ, સમાજ અને વ્યવસ્થાઓ સાથે એકરૂપ-આત્મીય બનીને સક્રીય થયા, તે જોતાં ખુદ ગાંધીજીએ કબૂલ્યું હતું કે 'તેમને વધારે ઓળખતો થયો તેમ મને લાગ્યું કે મને તેમની મદદ વગર ચાલવાનું નથી.'

ગોધરાની આ પરિષદ વખતે ગાંધીજીએ પ્રમુખપદેથી ઘણાં નવા ચીલા પાડયા હતા. આવા કોઈપણ સંમેલનની શરૂઆતે અંગ્રેજ સરકારની વફાદારી માટેનો ઠરાવ કરવાનો રિવાજ હતો. ગાંધીજીએ રાજનિષ્ઠાનો આવો ઠરાવ કરવાનો ઈન્કાર કર્યો, જે એ સમયનું બહું મોટું ક્રાંતિકારી પગલું ગણાયું. વલ્લભભાઈ તેથી ગાંધી તરફ વધારે આકર્ષાયા, તેમાં વળી ગાંધીજીએ અંગ્રેજીને છોડીને પોતાની માતૃભાષામાં જ ભાષણો કરવાનો આગ્રહ રાખ્યો. ટિળક મહારાજ મરાઠીમાં બોલ્યાં, મુંબઈની ધારાસભામાં અસ્ખલિત અંગ્રેજી બોલવા ટેવાયેલા વિઠ્ઠલભાઈ માંડ માંડ ગુજરાતી બોલી શક્યાં, મહંમદ અલી ઝીણાને પણ ગાંધીઆગ્રહ, કહીએ કે રીતસરના દુરાગ્રહને વશ થઈને ભાંગીતૂટી ગુજરાતીમાં જ બોલવુ પડેલું.

આ પરિષદ વખતે ગાંધીજીએ ગોધરાપંથકમાં અંગ્રેજોની વેઠપ્રથા દૂર કરવા અને સવર્ણોની અસ્પૃશ્યતાને નિવારવા ઠરાવો પસાર કરાવ્યા. આ વૈચારિક નિર્ણયોની અમલવારી વર્ષ દરમ્યાન બરાબર થતી રહે તે માટે એક કાર્યવાહક મંડળ બનાવ્યું, અને તેના મંત્રીપદની જવાબદારી વલ્લભભાઈને સોંપી.

આ રીતે જેમ ઈ.સ.૧૯૦૦ના વર્ષોમાં ગોધરા શહેર વકીલ વલ્લભભાઈનું જન્મદાતા હતું, તેમ તે ૧૯૧૭ના વર્ષોમાં જાહેરસેવાના નેતૃત્વનો પાઠ શીખવાડવાની ભૂમિ પણ બન્યું. 

એકવાર, પાછલા વર્ષોમાં, ગાંધીજીએ એવી કબૂલાત કરી હતી કે 'ગોધરાની એ પ્રથમ રાજકીય પરિષદની સભામાં મેં જિન્નાહ સાહેબને અંગ્રેજી છોડીને ગુજરાતીમાં બોલવાની વિનંતી કરી (આમ તો આદેશ જ) તે દિવસથી જિન્નાહ સાહેબ મને ધિક્કારતા થયા છે.'

આ મહત્ત્વની ઘટના વિશે શ્રીરાજમોહન ગાંધીએ લખ્યું છે કે 'ગાંધીજીનું જો આ વિશ્લેાણ સાચુ હોય તો જે દિવસે ગાંધીજીએ વલ્લભભાઈને મેળવ્યાં, તે દિવસે જ તેમણે જિન્નાહને ગુમાવ્યાં.' આ જોતાં ગોધરા શહેરે ઈ.સ.૧૯૧૭ના વર્ષોમાં ગાંધીજીને વલ્લભભાઈની ભેટ ધરી અને એની સાથે જ જિન્નાહ સાથે મનતિરાડના બીજ રોપી આપ્યાં. કહેવાયું છે ને કે 'મન, મોતી ને કાચ, તૂટયાં ના સંધાય'. આ રીતે ગોધરા ગાંધી, સરદાર અને જિન્નાહના ત્રૈક માટે ઘણું મહત્ત્વનું શહેર બની રહ્યું.