- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- વિગ્રહ પાસેથી કોઈ ઉત્તર પ્રાપ્ત ન થયો ત્યારે ક્રોધમાં આવીને વામાખેપાએ માતાનાં ગાલ પર એક તમાચો મારી દીધો. ભક્તજન સ્તબ્ધ થઈ ગયા
બં ગાળમાં વામાખેપા નામે મા તારાનાં બહુ મોટા તંત્ર-ઉપાસક થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે તેઓ અક્ષોભ્ય શિવ (મા તારાનાં મસ્તક પર બાળશિવરૂપે બિરાજમાન સ્વરૂપ)નો એક અવતાર હતા. અત્યંત ભોળા, પરંતુ ખૂબ ક્રોધિત સ્વભાવ! સાવ નિર્દોષ છતાં એકદમ ઉદ્ધત! જો એમને કોઈ હેરાન કરે, તો ગાળો આપવામાં પણ બાકી ન રાખે એવો સ્વભાવ. સાક્ષાત્ મા તારા (બંગાળમાં 'તારાપીઠ' ખાતે જે વિગ્રહ વિદ્યમાન છે તેઓ)ને પણ ઘણીવાર ગુસ્સામાં આવીને ખખડાવી નાખે! એટલા ઉગ્ર કે મા પોતે આવીને જો એમના હાથે ભોજન ગ્રહણ ન કરે, તો ઝઘડી પડે.
એક વખત થયું એવું કે તેઓ મા તારાને પુષ્પ અર્પણ કરી રહ્યાં હતાં, પરંતુ વિગ્રહ તો જાતે જીવંત થઈને કેવી રીતે તેનો સ્વીકાર કરે? ગામવાસી સાથે મળીને વામાખેપા થોડો સમય સુધી સંપૂર્ણપણે ભાવવિભોર થઈને દેવી માને એક પછી એક દ્રવ્યો અર્પણ કરતાં રહ્યાં. એમાં નૈવેદ્યનો પણ સમાવેશ થતો હતો. તેઓ ભક્તિમાં એટલા ડૂબેલાં હતાં કે કોઈકે યાદ અપાવ્યું કે માતાને તો મંત્રોની સાથે દ્રવ્યો અર્પણ કરવા પડે. અન્યથા મા કશું સ્વીકાર કરે નહીં. આ સાંભળીને વામાખેપા અત્યંત આહત થયાં. એમણે મા તારાને સંબોધીને કહ્યું કે 'તું ખરેખર મારી પૂજાસામગ્રીનો સ્વીકાર નહીં કરે, મા?' સામે પક્ષે, જ્યારે વિગ્રહ પાસેથી કોઈ ઉત્તર પ્રાપ્ત ન થયો, ત્યારે ક્રોધમાં આવીને વામાખેપાએ માતાનાં ગાલ પર એક તમાચો મારી દીધો. આ જોઈને અન્ય ભક્તજન ભયંકર આઘાતમાં ડૂબી ગયાં, સ્તબ્ધ થઈ ગયાં; પરંતુ બીજી જ ક્ષણે, તેઓ આશ્ચર્યચકિત થઈને વિગ્રહ સામે તાકી રહ્યાં, કારણ કે મા એક પછી એક સઘળી પૂજાસામગ્રી અર્થાત્ પૂજાપાનો સ્વીકાર કરી રહી હતી. આ હતી વામાખેપાની ભક્તિ!
માન્યતા છે કે તેમની ફૂંકેલી અડધીપડધી બીડી પણ જો કોઈના હાથમાં આવી જાય, તો તેના જીવનનો ઉદ્ધાર થઈ જતો! ઘર પર ધન-ધાન્ય-સંપત્તિ-ઐશ્વર્ય-ભોગ-વિલાસ-સુખ-સંપદાનીત્વર્ષા થઈ જતી. તેના કષ્ટો દૂર થઈ જતાં. વામાખેપા મોટાભાગનો સમય સ્મશાન અથવા મા સમક્ષ બેસી રહેતાં. બંગાળમાં આજની તારીખે પણ એમનું પંચમુંડી આસન જોવા મળે છે. આ સ્મશાન સાથે પણ એક અદ્ભુત કિસ્સો જોડાયેલો છે.
વામાખેપાની ઉદ્ધત અને ઉડાઉ વર્તણૂંકથી પરેશાન થઈ ચૂકેલાં ગામવાસી તો બસ મોકો જ શોધતા હતા કે અવસર આવ્યે વામાખેપાને ગામની બહાર કરી દઈએ! એવામાં એક દિવસ એમણે જોયું કે વામાખેપા મા તારાને ભોગ અર્પણ કર્યા પૂર્વે સ્વયં જ ગ્રહણ કરવા માંડયાં હતાં. ભાવતું'તું ને વૈદ્યે કીધું! જોઈતું એ મળી ગયું. વામાખેપાએ માનાં નૈવેદ્યનો ભોગ અર્પણ કર્યા પહેલાં જ સ્વયં એ આરોગીને દેવીનું અપમાન કર્યું છે, એ આરોપ હેઠળ ગામવાસીઓએ એમને મારી-મારીને ગામની બહાર કાઢી મૂક્યા. વામાખેપા તો નિર્લેપ, નિર્વિકાર અને નિસ્પૃહ થઈને બધું સહન કરતા રહ્યા. એમને આ બધી ઘટનાઓથી ઝાઝીઅસર થતી નહોતી.
ગામની બહાર સ્મશાનમાં તેઓ એક વૃક્ષ નીચે ચાર રાત્રિ સુધી બેસી રહ્યાં. કંઈ ખાધા-પીધા વગર વરસતાં ધોધમાર વરસાદમાં તેમના મનમાં માત્ર મા તારાની ભક્તિ જ ચાલી રહી હતી. આસપાસ શું ચાલી રહ્યું છે, પોતાના શરીરની હાલત શું છે એની દરકાર રાખ્યા વિના તેઓ તો બસ દેવી માનું નામ લેવામાં જ મગ્ન હતા.
એવામાં એક રાતે ત્યાંની રાણી (કેટલાક પુસ્તકોમાં જમીનદારનો પણ ઉલ્લેખ મળી આવે છે)ના સ્વપ્નમાં મા તારા પ્રગટ થયાં. આશ્ચર્યજનક વાત એ હતી કે મા તારા લોહીલુહાણ હતાં. એમના મસ્તક પરથી લોહી ટપકી રહ્યું હતું. વસ્ત્રો ઠેકઠેકાણેથી ફાટી ચૂક્યાં હતાં. એમની આ દુર્દશા જોઈને રાણી સ્તબ્ધ થઈ ગયાં. બે હાથ જોડીને એમણે મા તારાને આનું કારણ પૂછયું. જવાબમાં મા તારાએ જે કહ્યું, એ સાંભળીને રાણીનાં રૃંવાડાં ઊભા થઈ ગયાં. આ અંગે વધુ વિગતે વાત કરીશું આવતાં અંકે.


