Get The App

ચુડી, ચાંદલો નહીં, પણ પુસ્તક આપીશ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ચુડી, ચાંદલો નહીં, પણ પુસ્તક આપીશ 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- સુલી અને મંજીએ અંદર જઈને જોયું તો તેમની આંખો ફાટી ગઈ. અંદર માતાજીની એક મોટી મૂર્તિ હતી જે દીવાલ સાથે જડાયેલી હતી અને... 

'તા રે બાયોડેટા તો ઈમ્પ્રેસિવ છે. તેં અંગ્રેજી વિષયમાં ડબલ પીજી કરેલું છે. તારી પાસે ટિચિંગનો પણ એક્સપિરિયન્સ છે. ઈમ્પ્રેસિવ...' સુલેખાએ સામે ઈન્ટરવ્યૂ આપવા આવેલી દિગિશાની ફાઈલ હાથમાં રાખીને કહ્યું.

'થેંક્યુ મેમ, મારી મમ્મીની મહેનત અને હિંમતના કારણે જ હું અભ્યાસ કરી શકી છું અને અહીં નોકરી માટે આવી શકી છું. બાકી અમારી નાતમાં કોઈ છોકરીઓને ભણાવતું નથી,' દિગિશાએ જવાબ આપ્યો. પછી ઉમેર્યું, 'મેમ, અમારી નાત વિશે તમે ખાસ જાણતા નહીં હો. અમે મહુવાના છીએ. મારું મૂળ વતન ભવાનીપુર ગામ છે. અમારે ત્યાં દીકરીઓને ભણાવવાનો રિવાજ નથી.'  

ભવાનીપુરનું નામ સાંભળતા જ સુલેખાની આંખની ભ્રમરો સહેજ ઉંચી થઈ ગઈ. 'તું મહુવા પાસેના ભવાનીપુરની છે? હું ખોટું ન સમજતી હોઉં તો તારી નાતના લોકોને માતાવાળા કહેવાય છે. તારી મમ્મીનું નામ કુમુદ છે...'  

આ સાંભળીને દિગિશા આશ્ચર્યમાં મુકાઈ ગઈ.

'મેમ, તમે ભવિષ્ય અને ભૂતકાળ પણ જાણી લો છો. તમારી એક-એક વાત સાચી છે.' 

સુલેખાએ સ્મિત કર્યું અને તેને થોડા સમય માટે વેઈટિંગમાં બેસવા માટે કહ્યું. 

***

'અલી સુલી... તારી બેનપણી આવી - મંજી. બંને જણીઓ સીધે સીધે નિશાળ જજો અને સીધે સીધી ઘરે આવજો. નિશાળેથી સીધા જ મુખીની વાડીવાળા રસ્તે ઘરે આવજો. પાછલા રસ્તે આવવાની જરૂર નથી. જો તે તરફ ગયા અને મને ખબર પડી તો ઝુડી નાખીશ...'  નીમુબાએ કહ્યું અને સુલેખા પોતાનો થેલો લઈને બહાર આંગણામાં દોડી આવી.

સુલેખાનું બાળપણ તેના નાની સાથે મહુવામાં જ પસાર થયું હતું. સુલેખાના પરિવારને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટનો બિઝનેસ હતો તેથી તેઓ મુહવા જ રહેતાં. તેના નાની આ ભાવાનીપુર ગામમાં રહેતા હતા. આમ તો ગામ સદીઓ જુનું હતું. તેમાં સમયાંતરે લોકો બદલાતા ગયા હતા. સુલેખાનાં મમ્મી-પપ્પા બંને ધંધાનું કામ કરતાં. તેથી તેને પ્રાથમિક શિક્ષણ માટે નાની પાસે મોકલેલી હતી.

સુલી અને મંજી તો એકબીજાનો હાથ પકડીને નીકળી પડી નિશાળે જવા. તેમણે નાનીની વાતનો છેદ ઉડાડી દીધો અને ઘરની બહાર નીકળીને જ તરત પાછલા રસ્તા તરફ ડગ માંડયાં. તેઓ કંકાવટી શેરી વટાવીને આગળ ગયાં ત્યાં જ એક મોટું મકાન દેખાયું. મકાન આમ સામાન્ય હતું, પણ તેનો દરવાજો બહારની તરફ મોટો બનાવેલો હતો. મોટી દીવાલ અને તેની વચ્ચોવચ દરવાજો.

બંને દરવાજાની નજીક ગઈ તો દરવાજો ખુલ્લો હોય તેવું લાગ્યું. તેમણે દરવાજાને સહેજ ધક્કો માર્યો ત્યાં દરવાજો ચાડી ખાતો હોય તેમ નકુચાઓ ચીસ પાડવા લાગ્યા. બંને જણીઓ દોડી ગઈ. પાછળ જોવા પણ ન રહી.

સાંજે નિશાળેથી આવતી વખતે પણ તેઓ પાછલા રસ્તે જ આવ્યાં. સુલીએ ધીમે રહીને હિંમત કરીને અંદર આમતેમ નજર કરી. એક છોકરી ખાટલા ઉપર બેઠી બેઠી કંઈક કરતી હતી. સામેની તરફ બે સ્ત્રીઓ બેઠી હતી, જે હાથમાં માળા ફેરવતી હતી અને દીવાલ તરફ મોઢું કરીને બેઠી હતી. એટલું જોઈને બંને બહેનપણીઓ પાછી ઘરે જતી રહી. 

એક દિવસ સવારે સ્કૂલે જતી વખતે બંને જણી પેલા દરવાજા પાસે પહોંચી. સુલીએ દરવાજો સહેજ હલાવ્યો ત્યાં પેલી છોકરી આવી અને તેણે સુલીનો હાથ પકડી લીધો. 

'કોણ છો તમે? તમારે કોનું કામ છે? તમે દરરોજ આવો છો, મને ખબર છે. મારી બેનપણી બનવા આવ્યા છો?' પેલી છોકરીએ કહ્યું. સુલી અને મંજી તો ગભરાઈ ગઈ.

'ના, અમે તો જોવા આવ્યાં હતાં કે, અહીં કોણ રહે છે. આ ઘરનો દરવાજો આખો દિવસ બંધ કેમ હોય છે?'  મંજીએ ુધુ્રજતા ધુ્રજતા કહ્યું.

'અરે, આ ઘરમાં હું, મારી બા, મારી દાદી અને મારા બાપુ રહીએ છીએ. મારું નામ કુમુદ છે. અત્યારે બાપુ ઉપરના મેડે આરામ કરે છે. મારી બા અને દાદી બાજુના ગામ ગયાં છે. તે સાંજે આવશે. તમે અંદર આવોને. મને પણ ગમશે.'  

છોકરી તેમને અંદર ખેંચી ગઈ.      સુલી અને મંજીએ અંદર જઈને જોયું તો તેમની આંખો ફાટી ગઈ. અંદર માતાજીની એક મોટી મૂર્તિ હતી જે દીવાલ સાથે જડાયેલી હતી. તેની આસપાસ મોટી મોટી ચુંદડીઓ લગાવેલી હતી. લાલ દોરા લટકતા હતા અને આસપાસ બધે કંકુ અને સિંદુર વિખરાયેલા હતા. 

'તમે લોકો આ શું કરો છો? આ કોની મૂર્તિ છે? આ બધું શું કરેલું છે અહીં? મને બીક લાગે છે.' 

મંજીએ કહ્યું.

'અરે ડરીશ નહીં. આ માતાજી છે. તેમને ચુંદડી અને કંકુ ચડાવેલા છે. અમે માતાવાળા છીએ. અમારે આ બધું રોજ કરવું પડે. મારા બાપુને માતા આવે છે. માતા કહે તેમ અમારે કરવું પડે. સારું થયું તમે આવ્યાં. મને તમારું નામ તો કહો. મારે હવે બીજે ગામ જવાનું છે. હવે પંદર દિવસ પછી તમને નહીં મળું,'  કુમુદે કહ્યું.

'મારું નામ સુલેખા અને આનું નામ મંજરી. તારા માટે સુલી અને મંજી. તારે કેમ બીજે ગામ જવાનું? આ ઘર ખાલી કરો છો? તારા બાપુ બીજે નોકરી કરવા જાય છે?' સુલીએ પૂછ્યું. .

'અરે ના, ના.. મારાં લગન છે. મારા બાપુ ક્યાંય નોકરી કરતા નથી અને કરવાના નથી. અમારે તો માતા જ અમારું બધું છે.' 

કુમુદની વાત સાંભળીને બંને ડઘાઈ ગઈ. આટલી નાની છોકરીનાં લગ્ન? કુમુદ તો તેમના જેટલી જ ઉંમરની દેખાતી હતી.

'હા અમારા ઘરમાં છોકરી પેલીવાર છેટી થાય એટલે એને પરણાવી દેવાની. અમારામાં આ જ રિવાજ છે. તે દિ' તમે આવ્યા ત્યારે મારી બા મારું સગપણ કરવા જ ગઈ હતી. તમે આવશો મારા લગનમાં?'  

'ના. અમને ઘરેથી આ બાજુ આવવાની ના પાડી છે. તું આ રાખ. આ તારી લગનની ભેટ.' 

આમ કહીને સુલીએ પોતાના થેલામાંથી વાર્તાની એક ચોપડી કાઢીને કુમુદ સામે ધરી. 

'મને ક્યાં વાંચતા આવડે છે? હું આ ચોપડી રાખીશ. તને જોઈને તમને યાદ કરીશ...' 

કુમુદે ચોપડી છાતીસરસી ચાંપી દીધી. સુલી અને મંજી હસી પડી અને ત્યાંથી જતી રહી. 

પંદર દિવસ પછી કુમુદ પરણી ગઈ અને સાસરે જતી રહી. ત્યાર પછી તે ક્યારેય જોવા ના મળી. સુલી અને મંજી પણ ભણવામાં વ્યસ્ત થઈ ગઈ. ત્યાર પછી તેઓ પણ પાછલા રસ્તે ક્યારેય ગયા નહોતાં. 

આ વાતને લગભગ બે વર્ષ થઈ ગયાં. એક સાંજે બંને બેનપણીઓ અમસ્તી કુમુદના ઘર તરફ નીકળી. ત્યાં નાના બાળકનો રડવાનો અવાજ આવતો હતો. બંને દરવાજા પાસે ગઈ અને અંદર ડોકિયું કર્યું. તેમણે જોયું તો અંદર ખાટલા ઉપર કુમુદ બેઠી હતી અને નાના બાળકને રમાડી રહી હતી. સુલી સહેજ હિંમત કરીને અંદર ગઈ. કુમુદ તેને જોઈને ખુશીથી ઉછળી પડી. 

'સુલી, આવ. હું અઠવાડિયાથી વિચારતી હતી કે તમને બંનેને કેવી રીતે બોલાવવી. અહીં બેસો મારી સાથે. આજે ઘરમાં કોઈ જ નથી. હું અને મારી દીકરી જ છીએ,' કુમુદે કહ્યું.ં 

બન્ને બેનપણીઓ ચકિત થઈને એકબીજાને તાકવા લાગી. તેઓ આશ્ચર્યથી એકસાથે બોલી ઉઠી, 'આ તારી દીકરી છે?' 

'હા. મારી જ દીકરી છે. કાલથી નવરાત શરૂ થાય છે એટલે પગે લગાડવા આવી છું. જુઓ, તમારી જ ચોપડી હારે રમે છે,' કુમુદે દીકરી તરફ ઈશારો કર્યો. સુલી અને મંજી દીકરીને જોઈને હસી પડી. કુમુદ જેવી જ સરસ રૂપાળી છોકરી હતી. 

'તમને ખબર છે. મેં નક્કી કર્યું છે કે મારી ઢિંગલીને હું ભણાવીશ. તમારી જેમ. મારી જેમ માતાને નહીં સોંપવા દઉં. જો આ માવડી જ હોય તો દીકરીઓને સાચવે તો ખરીને! હું તેને ચુડી, ચાંદલો નહીં ચોપડી આપીશ. નાની ઉંમરે તેના લગ્ન નહીં

 જ થાય. મેં બાને કહી દીધું છે, જો મારી દીકરીને માતાને સોંપી છે તો હું જીવ દઈશ અને દીકરીનો પણ જીવ લઈ લઈશ. મારી દીકરી ભણશે અને મોટી સાહેબ બનશે.'

 કુમુદે કહ્યું અને ત્રણેય જણી હસી પડી.

*** 

'મોટી સાહેબ બનશે...' 

સુલેખા ફરી બોલી અને હસી પડી. તેના હાથમાં દિગિશાનો બાયોડેટા હતો. સુલેખાએ બેલ માર્યો અને પ્યૂને કહીને દિગિશાને અંદર બોલાવી.

'દિગિશા, કાલે પહેલું નોરતું છે, કાલથી જ આવી જા. કુમુદને કહેજે કે તું મોટી સાહેબ બની ગઈ છે - એની સુલીની સ્કુલમાં જ!' 

આટલું કહીને કુમુદે સામેની દીવાલે લગાવેલા જગદંબાના ફોટા સામે જોઈને  સ્મિત કર્યું.