- sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- પરિવારજનોની નારાજગી વહોરી લઈને પણ મિનાક્ષીના પિતાએ કાળી મજૂરી કરીને પુત્રીનું સ્વપ્ન સાકાર કરવા માટે જિંદગીની સમગ્ર મૂડી લગાવી દીધી
હર પલ એક ઈમ્તિહાન સા હૈ, હર કદમ એક અનજાન સા હૈ,
તુ હૌસલા ન છોડના કભી,
ઈસ વિરાને કે આગે હી ગુલિસ્તાન હૈ.
મુ શ્કેલી અને પડકારો એ દરેક સફરનો અભિન્ન હિસ્સો છે. જ્યાં સુધી આકરા તડકાનો સામનો કરવાની મક્કમતા કેળવાતી નથી, ત્યાં સુધી શીતળતાનો અહેસાસનો આહ્લાદનો અહેસાસ અનુભવી શકાતો નથી. જેમ રાતનો અંધકાર જેટલો પ્રગાઢ હોય છે, તેટલો જ સવારનો ઉજાસ આનંદની અનુભૂતિ કરાવનારો બની રહેતો હોય છે. આ જ કારણે છેક તળેટીથી લઈને શિખર સુધીની સફર ખેડનારી પ્રતિભાની સિદ્ધિઓને લોકહૃદય અને મનમાં વિશેષ સ્થાન મળે છે અને તેનો પ્રભાવ સમાજના એવા બહોળાવર્ગ પર થાય છે કે, જેઓ આવતીકાલના ઉજાસની રાહમાં અંધકારની સામે સંઘર્ષ કરી રહ્યા હોય છે. તેમની આંખોમાં ઊંડે ઊંડે ચમકતા આશના સિતારાના શીતળ પ્રકાશમાં વધુ દ્રઢતાનો સંચાર કરે છે.
બોક્સિંગ જેવી મર્દાના ગણાતી રમતમાં પણ ભારતીય મહિલાઓ આગવું કાઠું કાઢી રહી છે અને માત્ર દેશમાં જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિભાનો ડંકો વગાડી રહી છે. એમ. સી. મેરી કોમ, એલ. સરિતા દેવી થી લઈને લવલીના બોર્ગોહેન અને નિખત ઝરીન જેવી ભારતની વિશ્વવિજેતા મહિલા બોક્સરોમાં હવે વધુ એક નામ ઊમેરાયું છે અને તે છે, મિનાક્ષી હૂડા ! હરિયાણાની ૨૩ વર્ષની મિનાક્ષીએ કારકિર્દીની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપને યાદગાર બનાવતા મહિલાઓની ૪૮ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે ભારતની એલિટ બોક્સરોમાં સ્થાન હાંસલ કરી લીધું છે.
ભારતીય બોક્સિંગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે અને ઈંગ્લેન્ડના લીવરપૂલમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે જીતેલા બંને સુવર્ણચંદ્રકો મહિલાઓએ અપાવ્યા હતા. મિનાક્ષી હૂડાએ તો ૪૮ કિગ્રા વજનવર્ગમાં આ સિદ્ધિ મેળવી હતી.જ્યારે જાસ્મીના લામ્બોરિયાએ પણ ૫૭ કિગ્રા વજન વર્ગમાં એક પછી એક તમામ હરિફોને ધરાશયી કરવામાં સફળતા મેળવી હતી. ભારતની આ બંને બોક્સરોમાં મિનાક્ષીની સિદ્ધિ એટલા માટે વિશેષ મનાય છે કારણ કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ જ મર્યાદિત અને ઓછી ટુર્નામેન્ટ્સમાં ભાગ લેવાની તક મળી છે. વળી, ચેમ્પિયનશિપની શરુઆતમાં કોઈને કલ્પના પણ નહતી કે, આ છોકરી સુવર્ણચંદ્રક જીતી લાવશે.
ઈંગ્લેન્ડમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ૪૮ કિગ્રાવજન વર્ગની ફાઈનલમાં મિનાક્ષીનો મુકાબલો કઝાખસ્તાનની નાઝીમ કિઝૈબાય સામે હતો. નાઝીમ પેરિસ ઓલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા રહી ચૂકી હતી. વળી, તેણે જુલાઈમાં જ યોજાયેલા બોક્સિંગ વર્લ્ડ કપમાં મિનાક્ષીને મહાત આપી હતી. જોકે તે વર્લ્ડ કપ કઝાખસ્તાનમાં જ આયોજીત થયો હતો અને ઘણી વખત બરોબરીના મુકાબલામાં રેફરી અને ઓફિશિઅલ્સ યજમાન દેશની તરફેણ કરતાં જોવા મળતા હોય છે.
કઝાખસ્તાનમાં ખેેલાયેલા મુકાબલામાં મિનાક્ષીની હાર બાદ ભારતીય કેમ્પને જ આ જ પ્રકારના પૂર્વગ્રહયુક્ત સ્કોરિંગનો અહેસાસ થયો હતો. જોકે, આ વખતે મુકાબલો ઈંગ્લેન્ડના લીવરપૂલમાં હતો, જ્યાં રેફરી-ઓફિશિઅલ્સ કોઈ પણ દેશના ખેલાડીની તરફેણ કરે તેવી શક્યતા ઓછી હતી અને તેનો જ લાભ મિનાક્ષીને મળ્યો. જેણે જુલાઈમાં બોક્સિંગ વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો વાળતા ૪-૧ના માર્જિનથી જીત હાંસલ કરી હતી. આ સાથે તેણે આંગળીના વેઢે ગણી શકાય તેટલી ભારતની મહિલા બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયન્સની કલબમાં એન્ટ્રી પણ મેળવી લીધી હતી.
મિનાક્ષીની વર્લ્ડ ચેમ્પિયનશિપની સિદ્ધિ ૪૮ કિગ્રા વજનવર્ગની રહી છે. જ્યારે તે ૨૦૨૨માં અમાનમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં તેણે ૫૨ કિગ્રા વજનની કેેટેગરીમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. જોકે તે કેટેગરીમાં ભારતની ડબલ વર્લ્ડ ચેમ્પિયન નિખત ઝરીન પણ ભાગ લઈ રહી છે. આ કારણે મિનાક્ષીને તેના કોચે વજનવર્ગમાં પરિવર્તનનીસલાહ આપી અને તે ૪૮ કિગ્રા વજનવર્ગમાં પાછી ફરી, જે તેની કારકિર્દી માટે નિર્ણાયક બની રહ્યું.
ભારતીય બોક્સિંગની ગોલ્ડન ગર્લ મિનાક્ષી હૂડાએ અકસ્માતે જ બોક્સિંગની રિંગમાં પ્રવેશ કર્યો હતો. પહેલવાનોની ભૂમિ તરીકેની ઓળખ ધરાવતા હરિયાણામાં આવેલા દર્શનીય વિસ્તાર રોહતકના રુરકીમાં રહેતા શ્રીક્રિશ્ના હૂડાના શ્રમજીવી પરિવારમાં ચોથા સંતાન તરીકે મિનાક્ષીનો જન્મ થયો હતો. મિનાક્ષીના પિતા શ્રીક્રિશ્ના ભાડાની રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા. જ્યારે તેની માતા ઘરકામ કરતી. આર્થિક સંઘર્ષની વચ્ચે મિનાક્ષીનું બાળપણ પસાર થયું. તેના પરિવારમાં કોઈ પણ રમતવીર નહતુ, એટલે કોઈ પણ રમતમાં આગળ વધવાનો તો સવાલ જ નહતો.
રોહતકમાં જાતે જ બોક્સિંગ શીખીને તૈયાર થયેલા વિજય હૂડાએ પોતાની જ એકેડમી શરુ કરી હતી અને તે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના બાળકોને બોક્સિંગ શીખવવાની સાથે સાથે અન્ય પ્રકારની મદદ પણ કરતાં. મિનાક્ષીની શાળામાં ભણતી ઘણી વિદ્યાર્થિનીઓ પણ આ એકેડમીમાં બોક્સિંગ શીખવા જતી અને તેમની સાથે ૧૨ વર્ષની મિનાક્ષી પણ જોડાઈ. શરૂુઆતમાં મિનાક્ષીને બોક્સિંગ ગ્લોવ્ઝની સાથે જોઈને કેટલાક સગાસંબંધીઓએ વિરોધ પણ કર્યો. જોકે કોચ વિજય હૂડાને તેની પ્રતિભામાં વિશ્વાસ હતો અને કોચના ભરોસાની સાથે પુત્રીની ઈચ્છાનો પિતાએ સહર્ષ સ્વીકાર કરી લીધો.
મર્યાદિત આવક છતાં મિનાક્ષીના પિતાએ પોતાના અન્ય ખર્ચ પર કાપ મૂકીને પુત્રીની કારકિર્દીને આગળ ધપાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું હતુ. પ્રશિક્ષણમાં નિયમિત રહેતી મિનાક્ષીનો લગભગ આખો દિવસ એકેડમીમાં જ જતો. મિનાક્ષીની મહેનત, કોચનું માર્ગદર્શન અને પિતાનું બલિદાન આખરે ૨૦૧૯માં ફળ્યા અને તેણે યુથ નેશનલ્સમાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળતા મેળવી. નેશનલ ચેમ્પિયન હોવા છતાં તેને યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટેની ભારતની ટીમમાં સ્થાન મળી ન શક્યું. છેક ટોચ પર પહોંચ્યા બાદ પણ ટીમમાં સ્થાન ન મળવાની હતાશા છતાં તેણે સખત મહેનત જારી રાખી અને ૨૦૨૧માં ૫૨ કિગ્રા વજનવર્ગની સ્પર્ધામાં ભાગ લેવાનું શરુ કર્યું, જ્યાં ફાઈનલમાં તેને નિખત ઝરિન સામે ૨-૩થી રોમાંચક ફાઈનલ બાદ સિલ્વરથી સંતોષ માનવો પડયો. આ રજત ચંદ્રકને સહારે તેેને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસમાં નોકરી પણ મળી ગઈ. તેણે નોકરીમાં જોડાયા બાદ પહેલું કામ પિતાને તેમની ખુદની રિક્ષા ખરીદી આપવાનું કર્યું.
કોચ વિજય હૂડા અને અન્ય નિષ્ણાતોની સલાહ માનીને મિનાક્ષીએ ૫૨ કિગ્રા છોડીને ફરી ૪૮ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં કમબેક કરવાનો નિર્ણય લીધો અને ત્યાર બાદ આગવો દબદબો સ્થાપિત કર્યો. તેણે ૨૦૨૩ અને ૨૦૨૪માં સતત બે વખત સિનિયર નેશનલ બોક્સિંગ ચેમ્પિયનશિપ જીતી લીધી અને કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ તેણે ૨૦૨૫માં કરી બતાવ્યો. તેણે ચાલુ વર્ષે આ કેટેગરીમાં ભારતની જ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નીતુ ઘંઘાસને નેશનલ ચેમ્પિયનશિપની ફાઈનલમાં અને ત્યાર બાદ વર્લ્ડ ચેમ્પિયનશિપની ટીમની પસંદગીની ટ્રાયલ્સમાં મહાત આપી.
ભારતીય ટીમ તરફથી ઈંગ્લેન્ડમાં તેણે ધમાકેદાર દેખાવ કરતાં પોતાની કુશળતાની સાબિતી આપી છે. હવે તેણે ૨૦૨૮ના લોસ એંજલસ ઓલિમ્પિક તરફ મીડ માંડી છે. તે આગામી બે વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય બોક્સિંગમાં તેના અનુભવની સાથે સિદ્ધિઓનો વિસ્તાર કરવાની તક છે અને તેના સહારે જ તે ઓલિમ્પિકમાં વધુ મક્કમતા સાથે ઉતરશે.


