- આજકાલ-પ્રીતિ શાહ
- ...અને તે ક્ષણે સુષ્મિતા કનેરીને લાગ્યું કે ભારતની આ કલાઓને અને કારીગરોને સશક્ત બનાવવાની જરૂર છે
પૂ ણેમાં જન્મેલી સુષ્મિતા કનેરીને એના માતા-પિતાએ બાળપણથી જ સખત મહેનત અને આત્મનિર્ભરતાના સંસ્કાર આપ્યા. એણે પૂણેની વિશ્વકર્મા ઇન્સ્ટિટયૂટ ઑફ ટૅકનોલૉજીમાંથી સોફ્ટવેર એન્જિનિયરીંગની ડિગ્રી મેળવી, ત્યારે તેના મનમાં એક દુવિધા હતી. તેનું કારણ એ હતું કે એ સ્કૂલમાં હતી ત્યારથી જ નાના-મોટા સામાજિક કામ કરતી. સ્કૂલમાં ક્લાસ મોનિટર હતી, ત્યારે સહાધ્યાયીઓ પાસેથી પૈસા ઉઘરાવીને પાંચસો રૂપિયા ભેગા કર્યા અને અનાથાશ્રમને દાનમાં આપ્યા હતા. આવાં સેવાકાર્યોને કારણે સામાન્ય લોકોના સંઘર્ષો અને સમસ્યાઓ પ્રત્યે તેનામાં જાગૃતિ આવી, તેમજ સંસ્થાઓ સાથે મળીને સેવા કરવાની ઇચ્છા થઈ. ૨૦૨૦માં જ્યારે સોફ્ટવેર એન્જિનીયર બની ત્યારે તેની પાસે નોકરીનો પ્રસ્તાવ હતો, પરંતુ એવી કોઈ સ્થિર કારકિર્દી પસંદ કરવાનો બદલે ૨૦૨૧માં એણે 'ગુલ્લક' નામનું ક્રાઉડફંડિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું.
તેણે વિચાર્યું કે ભારતની સમૃદ્ધ, પરંતુ લુપ્ત થતી કલા અંગે કંઈક કરવું જોઈએ અને તે જ સમય દરમિયાન ૨૦૨૧માં તેલંગાણા જવાનું થયું. ત્યાં નિર્મલ કલાના કારીગરોને મળી. નિર્મલ કલા એ ચારસો વર્ષ જૂની ચિત્રકલા છે. તેમાં ટીકવુડ પર કોતરણી કામ કરવામાં આવે છે અને પછી રંગો પૂરવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે, પરંતુ તેની કિંમત ઓછી આંકવામાં આવે છે. આ કલાના કારીગરોના ચહેરા પર નિરાશા હતી. સુષ્મિતાએ જ્યારે એક કારીગરને પૂછયું કે શું તે એના દીકરાને આ પરંપરા આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરશે? ત્યારે એના જવાબમાં એ વ્યક્તિએ ગુસ્સે થઈને કહ્યું કે તેના દીકરાને કોઈ સારી નોકરી મળે તેમ ઇચ્છે છે. તે ક્ષણે સુષ્મિતા કનેરીને લાગ્યું કે ભારતની આ કલાઓને અને કારીગરોને સશક્ત બનાવવાની જરૂર છે. આ અનુભવે તેણે લુપ્ત થઈ રહેલી કલાઓને જાણવા માટે ભારતયાત્રા કરી.
ભારતમાં યાત્રા કર્યા બાદ ૨૦૨૩માં તેણે 'ગુલ્લાકારી'ની સ્થાપના કરી. તેના દ્વારા તે કારીગરોને ગ્રાહકો સાથે જોડવામાં, તેમની આજીવિકામાં મદદરૂપ થવામાં તેમજ લુપ્તપ્રાય કલાઓ વિશે લોકોમાં જાગૃતિ આણવાનું કામ કરે છે. જેમકે આંધ્રપ્રદેશની થોલૂ બોમ્માલતા આર્ટ છે, જેમાં પપેટ માટે ચામડામાંથી નૃત્ય કરતી ઢીંગલી બનાવવામાં આવે છે. તે કારીગરોને કોર્પોરેટ ગ્રાહકો માટે થ્રી-ડી મુદ્રિત લોગોનો ઉપયોગ કરીને લેમ્પશેડ બનાવવાની તાલીમ આપી. ટૅક્નૉલૉજીનો ઉપયોગ કોઈ કલાને બદલવા માટે નહીં, પરંતુ આજના સમયમાં વધુ પ્રાસંગિક બનાવવા માટે કરે છે. થોલૂ બોમ્માલતામાં બકરીના ચામડાનો ઉપયોગ થતો હતો તેને બદલે ઈકો-ફ્રેન્ડલી મટીરીયલ વાપરે છે. જોકે તેના માટે કારીગરોને સમજાવવા મુશ્કેલ હતા.
રાજસ્થાનના ચિતોડગઢની કાવડ કલાના કારીગરો આજે દસ-બાર જ છે અને તે પણ સાઠ વર્ષની વય વટાવી ચૂકેલા ! કાવડમાં કુશળ કારીગરો દ્વારા પૌરાણિક વાર્તા ચિત્રિત કરવામાં આવે છે. આ કલાને સંરક્ષિત કરવા માટે ક્યૂઆર કોડ આપવામાં આવ્યો અને તેના આધારે દર્શક દરેક પેનલને સ્કેન કરીને તેની વાર્તા સાંભળી શકે. આ રીતે પ્રાચીન શિલ્પને ડિજિટલ વાર્તા કહેવા સાથે જોડી દીધી. જોકે સુષ્મિતાનું માનવું છે કે કોઈ પણ કોર્પોરેટ્સ પોતાની યાત્રા કાવડ દ્વારા દર્શાવી શકે. નિર્મલ ચિત્રકલા, થોલૂ બોમ્માલતા, કાવડ ઉપરાંત મધ્યપ્રદેશની ગોંડ, પશ્ચિમ બંગાળની ટેરાકોટા તેમજ પામ લીવ્ઝ કે અમુક ઘાસમાંથી હેટ અને બાસ્કેટ બનાવવાની વણાટકલા, રાજસ્થાનના મીનીયેચર, કર્ણાટકની ચિતારા કલા જેવી અનેક કલાઓને બચાવવાનો સુષ્મિતા કનેરી પ્રયાસ કરે છે. મહારાષ્ટ્રના દરિયાકિનારે કટકરી આદિવાસી સમુદાયની મહિલાઓને મીણબત્તી બનાવતા શીખવ્યું. આદિવાસી સંસ્કૃતિ દર્શાવતી મીણબત્તી બનાવવી તેમજ ટકાઉ પેકેજિંગ વિશે પણ શીખવ્યું. આજે ત્યાંની ઘણી મહિલાઓ મહિને ત્રણથી ચાર હજાર રૂપિયા મેળવે છે અને તેમની આંખમાં ઉજ્જ્વળ ભવિષ્યનાં સ્વપ્નાં છે.
સુષ્મિતા કનેરી સામે સૌથી મોટો પડકાર કારીગર સમુદાય પોતાની કલા પોતાની યુવા પેઢીને આપવામાં આનાકાની અનુભવે છે તે છે, કારણ કે એમને ડર છે કે આમાં કોઈ આર્થિક સ્થિરતા નહીં મળે, પરંતુ હવે તેમાં પરિવર્તન આવ્યું છે. ગોલ્લાકારી નવ રાજ્યોમાં તેર લુપ્તપ્રાય કલાના સંરક્ષણ માટે કામ કરે છે. બે વર્ષમાં એકસો કારીગરોને સ્થિર આવક મળવાનું શરૂ થયું છે. તેમની સાથે એક હજાર કારીગરો જોડાયેલા છે. તેરથી વધુ કંપની તેમની સાથે જોડાયેલી છે અને કોર્પોરેટ ગિફ્ટિંગનું કામ પણ મોટા પાયે મળી રહ્યું છે. આ બધી કલાનો ઉપયોગ ટેબલવેર, પેનસ્ટેન્ડ, સ્ટેશનરી, લેમ્પશેડ, ઓર્ગેનાઈઝર, કોસ્ટર, ડાયરી, ટોટબેગમાં કરે છે, જેની કિંમત પચીસ રૂપિયાથી બે હજાર રૂપિયા સુધીની છે. તેઓ વર્કશોપનું આયોજન પણ કરે છે, જેમાં કારીગરો પોતાની કલા પ્રદર્શિત કરે છે. આજે તેમનું ટર્નઓવર પચાસ લાખ છે. સુષ્મિતા શરૂઆતના દિવસો યાદ કરતાં કહે છે કે તેમના માતા-પિતા ઇચ્છતા હતા કે એ કોઈ નોકરી કરે, પરંતુ તે ટૅક્નૉલૉજીના શિક્ષણનો સામાજિક રીતે ઉપયોગ કરવા ઇચ્છતી હતી. આજે ૨૬ વર્ષની સુષ્મિતાની સફળતા પર માતા-પિતાને ગર્વ છે.
ક્રિશ્નનનું કાજુને પુનર્જીવન
કાજુનો કલર ફિક્કો પડી ગયો, સ્વાદમાં પણ ફેર પડી ગયો અને તેને કારણે તેની ગુણવત્તા જળવાઈ નહીં. આવો માલ ખરીદે પણ કોણ?
બ્રિ જિત ક્રિશ્નનનો જન્મ કેરળના ખેડૂત પરિવારમાં થયો હતો. પરિવાર કાજુની ખેતી કરતો હતો. આમ પણ ભારતમાં કાજુના ઉત્પાદનમાં પંદર ટકા કાજુ કેરળમાં થાય છે અને એમાંય ત્રેસઠ ટકા કેરળના કન્નૂર જિલ્લામાં કાજુનું ઉત્પાદન થાય છે. આ કન્નૂર જિલ્લામાં જ તેર એકર જમીન પર બ્રિજિતનો પરિવાર કાજુની ખેતી કરે છે, પરંતુ બ્રિજિતે મીકેનિકલ એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવીને આઈ.ટી. ક્ષેત્રે નોકરી મેળવી. એક બાજુ નોકરીની સ્થિર આવક હતી અને બીજી બાજુ કાજુની ખેતી પણ સારી રીતે ચાલતી હતી, પરંતુ મુશ્કેલીઓ ક્યારેય કહીને નથી આવતી કે નથી એકલી આવતી. બન્યું એવું કે કોરોનાકાળ સમયે બ્રિજિતની નોકરી છૂટી ગઈ અને ૨૦૨૦માં કમોસમી વરસાદને કારણે કાજુનો પાક ખરાબ થઈ ગયો. કાજુનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેની લણણી જ કરવાની હતી, પરંતુ કમોસમી વરસાદને કારણે પાક બગડયો. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું વારંવાર થતું, પરંતુ તેમની પાસે સંગ્રહ કરવાની એવી કોઈ જગ્યા નથી, તેથી ખુલ્લી જગ્યામાં જ લણણી થતી.
વરસાદને કારણે મોટાભાગનો પાક ભીનો થઈ ગયો, તેથી કાજુની કોઈ ફેક્ટરી ખરીદવા તૈયાર નહોતી. કાજુનો કલર ફિક્કો પડી ગયો, સ્વાદમાં પણ ફેર પડી ગયો અને તેને કારણે તેની ગુણવત્તા જળવાઈ નહીં. આવો માલ ખરીદે પણ કોણ ? સામાન્ય રીતે કાજુની ખરીદી ડ્રાયફ્રૂટ તરીકે કે રોસ્ટેડ કાજુ તરીકે જ થતી હોય છે. નાળિયેરને સૂકા કોપરા તરીકે કે કેરી હોય તો મેંગો પલ્પ તરીકે વેચી શકાય, પણ કાજુનું શું કરવું તેની મૂંઝવણ બ્રિજિતને ચિંતિત કરી રહી હતી. પરંપરાગત રીતે સ્પ્રાઉટ કાજુ કેટલીક જગ્યાએ વપરાય છે, પણ આ પહેલાં બજારમાં કોઈ જગ્યાએ વેચાણ થતું હોય એવું તેના ધ્યાનમાં નહોતું. તેણે જોયું કે શાકાહારી ભોજન ઉપરાંત પ્લાન્ટ-બેઝ ડાયેટ તરફ તથા વિગન ડાયેટ તરફ ઘણા લોકો વળી રહ્યા છે. કાજુમાં કોઈ વેલ્યુ એડ કરવાથી તેનું વેચાણ વધશે, એમ વિચાર્યું, તો બીજી બાજુ તેનું મિકેનિકલ એન્જિનિયરીંગનું જ્ઞાન મદદે આવ્યું. તેમણે નવા પ્રયોગો શરૂ કર્યા. તેઓએ મૈસૂરની સેન્ટ્રલ ફૂડ ટૅક્નૉલૉજીકલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટનો સંપર્ક કર્યો. કેરળ કૃષિ યુનિવર્સિટીનો પણ સંપર્ક કરીને અંકુરિત કાજુમાં પોષણ મૂલ્ય કેટલું હોય છે, તેની તપાસ કરી. કાજુ રીસર્ચ સ્ટેશનમાં કામ કરતા આસિસ્ટન્ટ પ્રોફેસર એસ.મેનને તેમને જણાવ્યું કે અંકુરિત કાજુમાં વધુ પ્રમાણમાં આયરન હોય છે તે ઉપરાંત કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે. ઇન્સ્ટિટયૂટે બ્રિજિતને અંકુરિત કાજુના ઉત્પાદન માટે ટૅક્નૉલૉજી આપી. જાપાનની રીટોર્ટીંગ ટૅક્નૉલૉજીમાંથી પ્રેરણા મળી, જેમાં ખોરાકને અરટાઇટ કન્ટેનરમાં લાંબા સમય સુધી રાખી શકાય છે અને બજાર સુધી પહોંચાડી શકાય છે, તેમાં ખોરાક બગડતો નથી અને સ્વાદમાં પણ ફેર પડતો નથી.
બ્રિજિત ક્રિશ્નને એક વર્ષ સુધી સંશોધન કર્યું અને ૨૦૨૧માં 'ઈટરી માલબારીકાસ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. સૌપ્રથમ એક લાખનું મૂડીરોકાણ કર્યું અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર પાસેથી પચીસ લાખની ગ્રાંટ મેળવી. પૈસા મળવાથી કામ શરૂ તો થયું, પરંતુ બ્રિજિતે જોયું કે ત્યાંની આબોહવાને કારણે નેવું દિવસમાં કાજુ અંકુરિત થતા હતા. તેથી આખું વર્ષ અંકુરિત કાજુ કેવી રીતે ઉપલબ્ધ થાય તે સમસ્યા હતી, પરંતુ સંશોધન કરીને તે સમયગાળો ૧૮૦થી ૨૦૦ દિવસનો કરવામાં તેમને સફળતા મળી. તેમણે પહેલાં વિભિન્ન પ્રકારના વ્યંજનો બનાવવાનો પ્રયત્ન કર્યો અને મિત્રોને ચખાડયા. તેમને પસંદ પડયા અને પછી દુકાનોમાં તેમજ ગ્રાહકોમાં વેચવાનું શરૂ કર્યું. તેમણે કાજુની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપ્યું. આજે તેઓ અંકુરિત કાજુ એક હજાર રૂપિયે કિલો વેચે છે. તેમણે વિખ્યાત શેફ, સ્ટાર હોટલ અને કેટરીંગ કરનારાઓનો સંપર્ક કર્યો અને અંકુરિત કાજુનાં ઉત્પાદનો વેચાણમાં મૂક્યા.
આમાંથી આજે કેટલાય તેમના નિયમિત ગ્રાહકો બની ગયા છે. મોટી રેસ્ટોરન્ટના શેફ અંકુરિત કાજુમાંથી અનેક સ્વાસ્થ્યપ્રદ વાનગી બનાવે છે. હજી આ વસ્તુ સ્ટોરમાં ઝડપથી મળતી નથી, તેથી રેસ્ટોરન્ટમાં આવતા ગ્રાહકો આવી વાનગી ખાવા માટે ઉત્સુક હોય છે. બ્રિજિત ક્રિશ્નન ઈટરી માલબારીકાસ હેઠળ સ્પ્રાઉટ કાજુ મંચુરિયન, સ્પ્રાઉટ કાજુ બટર મસાલા, સ્પ્રાઉટ કાજુ મલાઈ, સ્પ્રાઉટ કાજુ થેયલ, મલાબાર મસાલા, સ્પ્રાઉટ કાજુ સૂપ પ્રીમિકસ, નમકીન, આચાર, તાજા કાજુ સ્પ્રાઉટ વેચે છે. ૨૦૨૩માં તેમનું ટર્નઓવર પચીસ લાખ રૂપિયાનું હતું. તેઓ સ્થાનિક ખેડૂતોને મદદ કરે છે. અગિયાર જેટલા સ્થાનિક ખેડૂતો પાસેથી ભીના કાજુ ખરીદે છે અને તેને ગુણવત્તાસભર રીતે સ્પ્રાઉટ કાજુમાં પરિવર્તિત કરે છે. કાજુના છોડ પણ વેચે છે. આજે ૪૭ વર્ષના બ્રિજિત ક્રિશ્નનને આનંદ એ વાતનો છે કે પરંપરાગત ખેતીને મોડર્ન ટૅક્નૉલૉજીનો ફાયદો મળ્યો છે. તેનાથી કાજુની ખેતીને પુનર્જીવન જ નથી મળ્યું, પરંતુ ખેતીવ્યવસાય આંત્રપ્રિન્યોરશિપ દ્વારા ગ્રામીણ સમુદાયનો આર્થિક વિકાસ થશે અને હવે આવો પાક બગડે તેની કોઈ ચિંતા નથી.


