- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- શ્રીમદ્ ભગવદ્ગીતામાં તો સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યું છે અને તેથી જ ક્યાંક તો આ બાબતનો એટલો બધો ભાર મૂકવામાં આવ્યો કે, 'આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી, એ સ્વાધ્યાય છે.'
- વ્યક્તિએ આત્મ-અધ્યયન કરવું જોઈએ. જેમ ગ્રંથના પૃષ્ઠો ખૂલતાં જાય, એમ એનું જીવન પણ ખૂલતું જવું જોઈએ.
આ પણા આત્માને હિતકારક શું ? તો દરેક ધર્મદર્શનોએ કહ્યું કે, 'સ્વાધ્યાય એ આત્માને હિતકારક છે.' 'સ્વ' એટલે આત્માને માટે હિતકારક અને અધ્યાય એટલે અધ્યયન. આમ આત્મહિતકારક શાસ્ત્રોનું અધ્યયન કઈ રીતે થઈ શકે એ વિશે વિચારીએ તો સૌથી મહત્ત્વની બાબત એ પ્રાપ્ત થાય છે કે, સ્વાધ્યાયમાં શાસ્ત્રોનું વિધિપૂર્વક અને મર્યાદા સહિત અધ્યયન થવું જઈએ અર્થાત્ એ શાસ્ત્રગ્રંથોના વાચનને માટે યોગ્ય કાળ, સ્થળ અને આજ્ઞા દર્શાવવામાં આવ્યા છે અને એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર અને કાળની દ્રષ્ટિએ કેટલાક નિષેધ પણ ફરમાવવામાં આવ્યા છે. આમ શાસ્ત્રગ્રંથનો સ્વાધ્યાય સાધકની પાસે એક વિશેષ સજ્જતા અને સ્વાધ્યાય માટેનું ઉચિત વાતાવરણ અને સ્વાધ્યાય માટેનો યોગ્ય સમય અને સવિશેષ તો કાળ, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ એ ચાર શુદ્ધિઓની અપેક્ષાની સાથોસાથ યોગ્ય સમયનો પણ નિર્દેશ કર્યો છે. જો આ વિશુદ્ધિઓ વિના સૂત્ર અને અર્થની શિક્ષા ગ્રહણ કરવામાં આવે, તો સ્વાધ્યાય સમ્યક્ત્વની વિરાધનારૂપ અસમાધિ, અસ્વાધ્યાય, અલાભ, કલહ, વ્યાધિ અને વિયોગ જેવાં અનિષ્ટો સર્જનારું બને.
સ્વાધ્યાય મેધઘનુષના બીજા રંગો જેવા થોડા અર્થોનો વિચાર કરીએ. એનો એક રંગ મળે છે. સુ + આધિ + આય એટલે કે 'સમ્યગ્ રીતે ચાર બાજુનું અધ્યયન' અર્થાત્ એ અધ્યયન એવું હોય કે જેનાથી વ્યક્તિ આત્મપ્રદેશમાં રમણ કરે. આ ગ્રંથો એક બીજું કામ પણ કરતા હોય છે અને તે આપણી ગ્રંથિઓ ઉકેલવાનું. આમ આ ગ્રંથોના વાચનની સાથોસાથ આપણા ચિત્તમાં પડેલી ગ્રંથિઓ પણ સ્વાધ્યાયથી ઉકેલાવી જોઈએ.
આમ સ્વાધ્યાયનો એક અન્ય અર્થ એવો છે કે જે કંઈ તમે અધ્યયનથી પ્રાપ્ત કરો છો, એનો તમારા જીવનમાં અનુવાદ કરો. રામાયણમાં મંથરાની કાનભંભેરણીથી ગુસ્સે થયેલી કૈકેયીએ કામાતુર દશરથ પાસેથી બે વરદાન લીધાં અને એને પરિણામે અયોધ્યામાં અતિ પ્રિય એવા રાજકુમાર રામને વનવાસ મળ્યો. આમાં મંથરાનો દ્વેષ, કૈકેયીનો ગુસ્સો અને દશરથનો કામ એ ત્રણેય બાબતો ભેગી મળી અને આ મહાઅનર્થ સર્જાયો. આના પરથી સાધક એ વિચારશે કે મારા જીવનમાંથી દ્વેષ, ગુસ્સો અને કામ ઓછા થાય તેવા મારે પ્રયત્નો કરવા જોઈએ.
આનું કારણ એ છે કે, જો વ્યક્તિનો આત્મા બલહીન હશે, તો એનું જીવન વ્યર્થ છે. જો એનો આત્મા દ્રષ્ટિહીન હશે તો એનું જીવન દિશાવિહીન બનશે. આથી એણે જે કોઈ સ્વાધ્યાય કર્યો છે, એને જીવનમાં ઉતારવાનો છે. માત્ર વાચવાથી કશું ન વળે, એનું જીવનમાં રૂપાંતરણ જ જરૂરી છે. કામ વિશે વાંચો તેથી કામવાસના પર વિજય આવતો નથી; પરંતુ વ્યક્તિએ એના હૃદયમાં પડેલા કામને ઓળખીને એના પર વિજય મેળવવાનો સભાન અને સબળ પ્રયત્ન કરવો જોઈએ. જેમ કરુણાના પ્રસંગો જાણવાથી સાચી કરુણા પ્રાપ્ત થતી નથી, વર્તનમાં ઉતારવાથી એ કરુણા શોભે છે. રાજમહાલય પર દીપ પ્રજ્વલિત જોઈને વિના કારણે જેનામાં દ્વેષ પ્રજ્વલિત થાય છે એવી મંથરાનો દ્વેષ કેવા પરિણામો લાવે છે ? આટલું જાણ્યા પછી વ્યક્તિએ પોતાન આંતરખોજ કરવી જોઈએ અને પોતાના હૃદયમાં કોઈનાય પ્રત્યે દ્વેષભાવ પડયો હોય, તો તેને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ અને વળી એની સાથોસાથ ચિત્તમાં એવો દ્વેષ ઉત્પન્ન કરતા પ્રસંગો ટાળવા જોઈએ. એનું નામ છે સ્વાધ્યાય.
સુ + આ + અધ્યાય એટલે 'સુ' એટલે સમ્યક્ શાસ્ત્રોનું 'આ' મર્યાદા પૂર્વક, 'અધ્યાય' અર્થાત્ અધ્યયન. એનો અર્થ એ કે આ શાસ્ત્રોને જલદી જલદી અથવા તો વિલંબ કરીને વાંચવા નહીં કોઈ અક્ષર કે પદ છોડીને વાંચવા નહીં અને તેનું અર્થસિદ્ધિ અને વચનસિદ્ધિપૂર્વક અધ્યયન કરવું. આ રીતે શાસ્ત્ર અધ્યયનની પણ એક વિધિ હોય છે અને એ દ્વારા સાધક આત્માનુ સંધાન સાધી શકે છે.
મેઘધનુષનો એક બીજો રંગ છે નિયમિત સ્વાધ્યાય. સાધુજીવનને માટે તો એમ કહેવામાં આવ્યું છે કે સાધુઓએ દિવસનો પ્રથમ પ્રહર સ્વાધ્યાયમાં વિતાવવો, બીજો પ્રહર ધ્યાનમાં, દિવસનો ત્રીજો પ્રહર ભિક્ષામાં અને ચોથા પ્રહરે પુન: સ્વાધ્યાય કરવો. એ જ રીતે રાત્રે પણ પ્રથમ પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન, ત્રીજા પ્રહરે નિદ્રા અને ચોથા પ્રહરે સ્વાધ્યાય કરવો જોઈએ. આમ સાધુઓએ દિવસ- રાત દરમિયાન ચાર વાર સ્વાધ્યાય કરવો જોઈએ અને તે ન થાય તો પ્રતિક્રમણમાં એને માટે ક્ષમાનું વિધાન છે.
સ્વાધ્યાયની સાથે ધ્યાન અને જપને જોડીને તેમજ એને ઉત્તમ પ્રકારનું તપ કહીને જૈનદર્શને એક અનેરી ગરિમા આપી છે અને 'ચંદ્રપ્રજ્ઞાપ્તિ'માં કહ્યું છે કે,
बहुभवे संचिच खलु,
सज्जाएण खणे खचेइ ।
અનેક ભવોના સંચિત કર્મોનો સ્વાધ્યાય દ્વારા ક્ષણભરમાં ક્ષય કરી શકાય છે. એમાં પણ વિશેષપણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થાય છે.
સ્વાધ્યાયની આ નિયમિતતા એ સ્વાધ્યાય તપનો પાયો છે. નિયમિત તપ હોય, તો જ સ્વાધ્યાયથી એકાગ્રતાની પ્રાપ્તિ થઈ શકે છે. આવી નિયમિતતા હોય તો જ ગ્રંથના વિચારોને સળંગસૂત્ર પામી શકીએ અને એ ગ્રંથમાં રહેલું જ્ઞાન સાધકના આત્માની લિપિ બને છે. કેટલા ગ્રંથો વાંચ્યા તે સંખ્યા મહત્ત્વની નથી, પણ એ ગ્રંથો કેટલા જીવનમાં ઉતાર્યા અને એની ભાવનાઓના આચરણનો આપણને કેવો ગાઢ રંગ લાગ્યો તે મહત્ત્વની બાબત છે.
શ્રીમદ્ ભગવદ્ગીતામાં તો સ્વાધ્યાયને વાણીના તપ તરીકે ઓળખાવ્યું છે અને તેથી જ ક્યાંક તો આ બાબતનો એટલો બધો ભાર મૂકવામાં આવ્યો કે, 'આળસનો ત્યાગ કરી જ્ઞાનની ભાવના કે આરાધના કરવી, એ સ્વાધ્યાય છે.'
કવચિત્ વ્યક્તિ બહાનું કાઢે છે કે, શાસ્ત્રોનો સ્વાધ્યાય કરીએ છીએ પણ કશું યાદ રહેતું નથી. હકીકતમાં વ્યવહાર જીવનમાં વર્ષો પૂર્વે બનેલી ઘટનાઓ કે વાતો અકબંધ યાદ રહેતી હોય છે. આવે સમયે એ વિચારવું જોઈએ કે સ્વાધ્યાય માટે રુચિ કેળવવી અને વ્યાખ્યાનોનું શ્રવણ કરવું એ આની ભૂમિકા સર્જવા માટે આવશ્યક છે.
સ્વાધ્યાયનો એક બીજો પણ અર્થ છે : 'સ્વસ્ય સ્વસ્મિન અધ્યયન' એટલે કે વ્યક્તિએ આત્મ-અધ્યયન કરવું જોઈએ. જેમ ગ્રંથના પૃષ્ઠો ખૂલતાં જાય, એમ એનું જીવન પણ ખૂલતું જવું જોઈએ. સ્વાધ્યાય સમયે વ્યક્તિએ પોતાની જીવન કિતાબ ખોલીને એમાં નજર કરવી જોઈએ. એક કિતાબ (ગ્રંથ) બહાર હોય છે અને બીજી કિતાબ આપણી ભીતર હોય છે. બહારની કિતાબથી આપણે અંતરમાં કશુંક પામીએ છીએ અને અંદરની કિતાબ ખોલીને બહારથી મેળવેલા જ્ઞાનને ચકાસીએ છીએ. આ એક વિલક્ષણ પ્રક્રિયા છે.
આત્મ અધ્યયનનો પ્રારંભ કરીએ, ત્યારે પહેલો પ્રશ્ન એ હોય છે કે 'હું કોણ છું ?' ધર્મગ્રંથ હોય કે અન્ય કોઈ પુસ્તક હોય, તો એની ઓળખ આપણી પાસે હોય છે. એના પર લખ્યું હોય છે કે આ સમાધિ વિશેનો ગ્રંથ છે અથવા તો આ પુસ્તકમાં જીવન ચરિત્ર આલેખાયું છે, પુસ્તક તો પોતાના સ્વ-રૂપ વિશે પ્રત્યક્ષપણે કહી દે છે ! પરંતુ વ્યક્તિનું આંતરસ્વરૂપ કેવું છે એ ઓળખવું કઠિન છે. 'હું કોણ છું ?', 'મારું મૂળ સ્વરૂપ શું છે ?' અને 'મારું અંતિમ ધ્યેય શું છે?' એવા પ્રશ્નો સ્વાધ્યાય કરનારે પોતાની જાતને અહર્નિશ પૂછવા જોઈએ અને પછી એ પ્રશ્નોનો જવાબ પોતાના સાધનાજીવન દરમિયાન સતત ચિત્તમાં ધારણ કરવા જોઈએ. માત્ર એકવાર 'હું કોણ છું ?'નો ઉત્તર મેળવ્યા પછી અટકી જવાનું નથી; પરંતુ જીવનમાં પ્રતિક્ષણ પ્રત્યેક પ્રવૃત્તિ કરતી વખતે એણે એનો ઉત્તર પોતાના ચિત્તમાં અકબંધ રાખવાનો હોય છે. એક વાર 'હું કોણ છું ?'નું સરનામું મળી જાય એટલે કામ પૂર્ણ થતું નથી. પછી તો તમારા ઉત્તરના પ્રત્યેક કાગળો એ કવરમાં નાખીને જ પોસ્ટ થવા જોઈએ. (ક્રમશ:)


