- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
આજે લડવા જેવી એક જ લડાઈ છે; શાંતિની.
- આલ્બેર કામુ
મા નવજાતની કમનસીબી છે કે આ વિશ્વશાંતિ સ્વપ્ન છે, સિદ્ધાંત છે, આદર્શ છે પણ અનુભવ નથી. શાંતિ છેતરામણી અને આભાસી છે. કારણ કે બે લડાઈ વચ્ચેનો અંતરાળ શાંતિ નથી યુદ્ધની તૈયારી નો સમય છે. જેમ ઘડિયાળનું લોલક જમણે જાય છે ત્યારે ડાબે જવાની ઉર્જા એકઠી કરે છે તેમ. આખરે, વિશ્વ વ્યક્તિનું બને છે તે દ્રષ્ટિએ વિશ્વશાંતિનો આધાર વ્યક્તિ છે. જો હું શાંત થઈ જાઉં તો તે વિશ્વશાંતિમાં મારું શ્રેષ્ઠ પ્રદાન છે. એક શાંત વ્યક્તિ પણ ગોમુખ જેવી છે જ્યાંથી વિશ્વશાંતિ ગંગાની જેમ વહેવાની સંભાવના છે. આપણે શાંત સરોવરના મધ્યમાં એક કાંકરી ફેંકીએ તો તેનો ખળભળાટ સરોવરના બધા છેડાઓ સુધી અનુભવાશે, આ 'રીપલ ઈફેક્ટ' છે.
એક વખત નાનકડાં એવા વનમાં એક કાગડાને માંસનો એક ટુકડો મળી આવ્યો. તેણે તે હાથવગો કરી લીધો થયું, નિરાંતે ખાઈશ પણ પળવારમાં જ તેની પાછળ અનેક કાગડાં અને સમળીઓ પડી. દરેકને તે ટુકડો ઝુંટવી લેવો હતો. કાગડો ખૂબ ઊંચો ઉડયો આખરે થાક્યો, હાંફ્યો અને હાર્યો. તેણે કકળાટનું કારણ પેલો ટુકડો છોડી દીધો. બધા પંખીઓ તેને છોડી ટુકડા તરફ વળ્યાં. આ છેડે કાગડો એક ઘટાટોપ વૃક્ષની ડાળે નિરાંતે બેઠો અને તરત જ વનમાં અને ગગનમાં શાંતિ ઉતરી આવી. સવાલ તો એ જ હતો, તફડાવેલ ટુકડો આપી દે. અશાંતિ અને શાંતિ વચ્ચે આટલો જ ભેદ છે. આપણને ગમે કે ન ગમે આપણે સૌ એક સહીઆરી પૃથ્વી પર જીવીએ છીએ. ટોમસ હોબ્ઝ કહેતા, સ્વયંની અંદર જુઓ તમને બધા દેખાશે. હું તો છું - મારામાં તો છે વિશ્વ! પારસ્પરિક સમજ, સંવેદના અને સંવાદમાંથી શાંતિ આવશે. શાંતિની કેડી સિંહાસન પરથી ચિંધીને નહીં પણ સાથે ચાલીને રચાશે. માણસ ચૈતન્ય જગતનો સમ્રાટ નથી તે તો ચૈતન્ય જગતની એક જવાબદાર કડી માત્ર છે. વિશ્વશાંતિ માટે આ અખિલાઈ સમજવી અનિવાર્ય છે. અશાંતિનું કારણ છે; વ્યક્તિનું ચિત્ત. જે. કૃષ્ણમૂત તો કહેતા 'તમે તો છો માનવ જાતની કથા.' મને ઓળખવા માટે મારે બે અરીસામાં નિરખવાનું છે: જાતનો અને જગતનો. વિખરાયેલ વ્યક્તિ અખંડ અને શાંત વિશ્વ રચી શકે નહીં. તથાગત બુદ્ધ જેને સમ્યક સભાનતા કહે છે તેની આવશ્યકતા છે. વ્યક્તિની સંકીર્ણતા અને સંકુચિતતા અંધાપો છે. જાતનું તટસ્થ અને સ્વસ્થ આત્મ નિરક્ષણ અને પરિક્ષણ તે માટે અનિવાર્ય છે. માનવીય ચિત્ત અને ચૈતન્યનો આ કસોટીકાળ છે - બધું જ છે અને શાંતિ નથી.
વિશ્વશાંતિ વ્યક્તિગત સાધના છે. મધર ટેરીઝા કહેતા 'એક સ્મિત સાથે શાંતિનો આરંભ થાય છે' અને આખરે 'અંતરિક્ષ શાંતિ:'


