Get The App

છિન્નભિન્ન ભોજનશૈલી એટલે સંસ્કૃતિના નાશ!

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
છિન્નભિન્ન ભોજનશૈલી એટલે સંસ્કૃતિના નાશ! 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ડૉ. વિલ ટટલ કહે છે કે જગત પર કાર્બન કરતાંય વધુ મોટો ખતરો માંસાહારનો છે. તેને કારણે શુદ્ધ જળ મળવું દુર્લભ બન્યું છે

એ ક બાજુ આપણે રોજેરોજ ગાઝા, યુક્રેન કે સુદાનના હૈયું કંપી જાય એવાં દ્રશ્યો જોઈએ છીએ, તો બીજી બાજુ આ જગતમાં શાંતિ કાજે ઝઝુમનારા યોદ્ધાઓ પણ હોય છે. આજના જમાનાનું દુર્ભાગ્ય એ કે હિંસા અને અશાંતિ જન્માવનારાઓને જગપ્રસિદ્ધિ મળે છે, જ્યારે શાંતિની ખોજ કરનારા અપ્રસિદ્ધિનાં અંધકારમાં ખોવાઈ જાય છે. આજના હિંસાગ્રસ્ત જગતમાં એક માનવીએ આગવી રીતે અહિંસાની વાત કરી છે. એનું નામ છે ડૉ.વિલ ટટલ. ઈગ્લેન્ડમાં યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન એમની સાથે પ્રવચન આપવાની તક સાંપડી. એક નવા વિચાર સાથે વૈશ્વિક દ્રષ્ટિકોણ લઈને ઘૂમતા પ્રતિભાશાળી માનવીની એ મુલાકાત તરીકે સ્મરણીય બની રહી.

આમ તો ડૉ. વિલ ટટલે સાન ફ્રાન્સિસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી માનવવિદ્યામાં એમણે અનુસ્નાતકની પદવી મેળવી છે અને પછી બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી 'શિક્ષણનું તત્ત્વજ્ઞાન' એ વિષયમાં ડોક્ટરેટની પદવી હાંસલ કરી. પિયાનોવાદક તરીકેનો વ્યવસાય ધરાવતા વિલ ટટલ શિક્ષક પણ છે અને સાથોસાથ સુંદર તરજોની રચના કરે છે.

એમની વેધક આંખો સતત કોઈ અગોચરને ગોચર કરવા માટે મથતી હોય તેવું લાગે. એમની સ્થિર કીકી કોઈ ઊંડાણને સ્પર્શવા પ્રયત્ન કરતી જણાય. તેથી જ માનવીય અંત:પ્રેરણા વિશે અભ્યાસ, સંશોધન અને પ્રયોગ કરી ડૉ. વિલ ટટલ આધ્યાત્મિક હિલિંગ પણ કરી શકે છે. છેક કોરિયા જઈને ઝેન બૌદ્ધિસ્ટ સાધુને જે તાલીમ આપવામાં આવે છે, તે તાલીમ એમણે પ્રાપ્ત કરી છે અને યોગ અને ધ્યાન-પદ્ધતિ પર આગવું પ્રભુત્વ મેળવ્યું.

આટલું બધું કર્યા પછી શું ? એણે જોયું કે મનુષ્યજાત મંગળની ધરતી પર પાણીની શોધ કરે છે, પરંતુ કેવું ભોજન કરવું, એ સહેજે જાણતી નથી. ભોજન એને માટે અનિવાર્ય છે, પરંતુ એણે એ ભોજન પ્રત્યે ઘોર ઉપેક્ષાવૃત્તિ અને અજ્ઞાન સેવ્યાં છે. વિશ્વસમગ્રની સંવેદના અનુભવતા આ માનવીએ છેલ્લાં પંદર વર્ષથી ખ્રિસ્તી દેવળોમાં જઈને બે કાર્ય કર્યાં. એક તો પિયાનો દ્વારા સહુના ભીતરમાં રહેલી કરુણા પ્રદીપ્ત કરવાનું અને ત્યારબાદ વક્તવ્ય દ્વારા માનવ-કરુણાયુક્ત ભોજનની વાત કરવાનું. આ અલગારી આદમીએ એક એવું આંદોલન સર્જ્યું કે જ્યાં અસંખ્ય લોકો સમજી-વિચારીને આપોઆપ શાકાહાર અપનાવવા લાગ્યા. પોતાના ભોજન અંગે કશી ઝાઝી માથાકૂટ નહીં કરનાર હવે એ વિશે વિચાર અને ચિકિત્સા કરવાની સાથે આ પ્રક્રિયાને સમાદર આપવા લાગ્યા છે.

એ સાચું છે કે આજનો માનવી એના દાંતથી એની કબર ખોદી રહ્યો છે. માણસ એની ભોજનશૈલીને કારણે અનેક રોગોથી જીવનભર પીડાય છે. ઠંડા-પીણા, ફાસ્ટફૂડ અને ચરબીયુક્ત ખોરાકથી એણે પોતે જ સામે ચાલીને પોતાના જીવનને રોગીષ્ટ અને નિર્બળ બનાવવાની કોશિશ કરી છે. એ ડાયાબીટીસના દર્દની ફરિયાદ દુ:ખ સાથે કરે છે, પરંતુ એના મૂળ કારણરૂપ પોતાની ભોજનની રીત અને વાનગી વિશે સમજ ધરાવતો નથી. મનુષ્યજાતિએ એને માટે સૌથી મહત્ત્વની બાબતની જ સૌથી વધુ ઉપેક્ષા કરી. પ્રત્યેક વ્યક્તિ પોતાની અન્ય સઘળી ટેવો, આદતો અને માન્યતાઓ બદલવા માટે તૈયાર હોય છે, પરંતુ એ વર્ષોજુની પોતાના ભોજનની બાળપણથી પડેલી રીત, આદત કે ટેવ છોડવા સહેજે તૈયાર થતો નથી.

એ હકીકત છે કે કોઈપણ સંસ્કૃતિનો સર્વ નાશ કરવો હોય, તો તમે એની પ્રજાના ખોરાકની શૈલી બદલી નાખો. ભારતીય સંસ્કૃતિનો નાશ આજે પાશ્ચાત્ય ભોજનશૈલી કરી રહી છે. તીખી, ચરબીયુક્ત અને દેશવાસીના શરીરને પ્રતિકૂળ એવી વાનગીઓનો બેરોકટોક પ્રચાર થાય છે. કોઈ હોટલ એક રોટલો કે ત્રણ રોટલી સાથે બીજો એક રોટલો કે બીજી ત્રણ રોટલી ફ્રી આપતી નથી. જ્યારે પીઝા કે એવી અન્ય વાનગીઓનો લોભામણો પ્રચાર કરવામાં આવે છે અને તેને પરિણામે ધીરે ધીરે રોટલો, ખીચડી, કઢી ધીમે ધીમે દેશનિકાલ પામી રહ્યા છે અને પ્રચ્છન્ન રીતે શરીરના બંધારણને, આસપાસની પ્રકૃતિને પ્રતિકૂળ એવો ખોરાક મોટી આકર્ષક વિજ્ઞાપનો દ્વારા દેશવાસીઓના દિલોદિમાગ પર પ્રભુત્વ મેળવી રહ્યો છે. 

ડૉ. વિલ ટટલે એમ પણ કહ્યું કે આપણે ગમે તેટલા સભ્ય અને સંસ્કૃત બન્યા હોઈએ, પરંતુ આપણા ભોજનની બાબતમાં આપણે સહેજે ગંભીરતાથી વિચાર કરતા નથી. એમના કહેવા પ્રમાણે ભોજન એ દરેક વ્યક્તિની અનિવાર્ય જરૂરિયાત છે એટલી જ વાત પૂરતી નથી, પરંતુ એ ભોજનમાં પ્રત્યેક માનવીય સંસ્કૃતિની આંતરચેતનાનું પ્રતિબિંબ ઝિલાયું હોય છે. વળી એ જેમ સંસ્કૃતિનું પ્રતીક છે, એ જ રીતે વ્યક્તિની ભીતરી પ્રકૃતિનું પણ પ્રતીક છે. પરિણામે ભોજન માત્ર જીવનધારક કે જીવનપોષક નથી, બલ્કે જીવનમાં રહેલા પ્રેમ, ઔદાર્ય, ઉલ્લાસ, આનંદ અને ઉપભોગવૃત્તિનું પ્રતિબિંબ છે.

કેટલીક વ્યક્તિઓએ એમના ભોજન સાથે અહંકાર, પ્રભુત્વ, ક્રૂરતા, મૃત્યુ અને હત્યા જેવા ભાવો જોડી દીધા છે. આપણો ખોરાક એ માનવીય ભાવોની કે દુર્ભાવોની પારાશીશી બની ગયો છે. માણસ પારણામાં જન્મે છે, ત્યારથી મૃત્યુ પામે છે, ત્યાં સુધી એની પાસે પોતાના ખોરાકની પસંદગી કરવાનો અબાધિત અધિકાર ધરાવે છે, પરંતુ વ્યક્તિ ખોરાકની પસંદગીના અધિકારને ભોગવવાને બદલે એના ચીલાચાલુ માર્ગે જીવનયાપન કરે છે. હકીકતમાં ભોજન એ એક નિર્ણાયક બાબત છે. વ્યક્તિ પૃથ્વી પરના જીવોનો રક્ષક, પોષક અને પ્રેમી બની શકે છે અને એ જ ભોજન દ્વારા ઘાતકી અને મૃત્યુ લાવનારો જલ્લાદ બની શકે છે.

ડૉ. વિલ ટટલે પોતાની વાતને સુપેરે દર્શાવતા કહ્યું કે પ્રત્યેક વ્યક્તિમાં એની મૂળ પ્રકૃતિ શોધવાની અને એના અસ્તિત્વ સાથે પ્રમાણભૂત આધ્યાત્મિક સંવાદ સાધવાની ઈચ્છા હોય છે. આવી ઈચ્છા ઊંડે ઊંડે સહુના હ્ય્દયમાં વસેલી હોય છે, પરંતુ મૂળ પ્રકૃતિ અને આધ્યાત્મિક અનુસંધાન સાધવા માટે વ્યક્તિએ એના ભોજનની શૈલી, અભિગમ અને માન્યતાઓ વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ. એના દ્વારા જ આપણે આપણી આંતરિક ચેતના અને આપણી સભ્યતાના હ્ય્દય સુધી પહોંચી શકીએ, પણ બને છે એવું કે વ્યક્તિ પોતાના જીવનની નાની, નગણ્ય અને બાહ્ય બાબતો અંગે ખૂબ વિચારતો હોય છે, કિંતુ ભોજન જેવી મહત્ત્વની બાબત વિશે એટલો ગંભીર હોતો નથી. આપણને બીજા પ્રશ્નો અને સમસ્યાઓ વધુ વિકટ, કટોકટીપૂર્ણ અને ધ્યાનાકર્ષક લાગે છે, જ્યારે આપણા ખોરાક વિશે વિચારવાની બાબતને હાસ્યાસ્પદ માનીએ છીએ. માનવીની આવી ઉપેક્ષાએ એના જીવનની શાંતિથી માંડીને વિશ્વની શાંતિ સુધી ખતરો પેદા કર્યો છે.

માણસ સ્વજીવન અને અન્ય જીવોના જીવન જેવી મહત્ત્વની બાબતો પ્રત્યે ઘોર ઉપેક્ષા, નિષ્ઠુર ક્રૂરતા અને કેવી આઘાતજનક સંવેદનહીનતા ધરાવે છે એની વાત કહેતા 'ધ વર્લ્ડ પીસ ડાયટ' નામનું વિશ્વભરમાં વિચાર અને આચારનું એક આંદોલન જગાડનારા પુસ્તકના સર્જક વિલ ટટલે કહ્યું કે, 'વ્યક્તિની ભોજનની પસંદગી એણે કલ્પના કરી ન હોય તેટલાં દૂરગામી પરિણામો લાવનારી હોય છે. વ્યક્તિ જ્યારે 'ફૂડ એનિમલ્સ'નો વિચાર કરે છે, ત્યારે એ વિચાર સાથે જ પ્રાણીઓથી પોતાની જાતને અળગી કરી દે છે. ધર્મ, શિક્ષણ, વિજ્ઞાન, કુટુંબ અને એવી જુદી જુદી સાંસ્કૃતિક સંસ્થાઓએ એને માંસાહારની જે કથાઓ કહી છે, તેમાં શ્રદ્ધા રોપીને એ સઘળું આરોગતો હોય છે. ઈશ્વરે માનવીના ઉપભોગ અર્થે જ માટે પ્રાણીઓનું સર્જન કર્યું અને જો આપણે એનો આહાર કરીએ નહીં, તો ચોવીસ કલાકમાં પ્રોટીનના અભાવે આપણું મૃત્યુ થાય એવી વાતો વારંવાર શીખવવામાં આવી છે. બીજી બાજુ આ પ્રાણીઓને સંવેદના અને આત્મા છે એ વાતનું સપ્રયોજન વિસ્મરણ કરાવવામાં આવે છે.'

ડૉ. વિલ ટટલ તો કહે છે કે આ જગત પર કાર્બન કરતાંય વધુ મોટો ખતરો 'એનિમલ ફાર્મિંગ'નો છે અને આને કારણે શુદ્ધ જળ મળવું દુર્લભ બન્યું છે, એટલું જ નહીં, પણ પ્રાણીનાં વઘેલાં અંગો નદીમાં નાખી દેવાને કારણે છેલ્લા દાયકામાં પાંત્રીસ હજાર માઈલ જેટલો અમેરિકાની નદીનો પ્રવાહ દૂષિત થઈ ગયો છે. પ્રાણીઓને મારવાનું અને પ્રાણીઓને ખાવાની વાતોમાંથી મનુષ્યજાતિને જેટલી જલદી મુક્ત કરવામાં આવશે એટલો મનુષ્યજાતિનો ઉગારો થશે. માણસ ભયથી અને પ્રતિકારથી ડરતો હોય છે, પ્રાણીઓ ન તો માણસમાં ભય જગાવી શકે છે કે ન તો એનો પ્રબળ પ્રતિકાર કરી શકે છે અને એથી જ માણસ નિરાંતે એની હત્યા કરી શકે છે. આપણે જે ખોરાક લઈએ છીએ એનો આપણી આસપાસના સાંસ્કૃતિક અને કુદરતી વિશ્વ સાથે પ્રગાઢ સબંધ છે.

મનઝરૂખો

રોમન ફિલસૂફ, રાજપુરુષ, વક્તા એ નાટયકાર લુસિયસ ઍન્નિયસ સેનેકા (આશરે ઈ.પૂ. ૪ થી ઈ.સ. ૬૫) સમ્રાટ નીરોના શિક્ષક હતા અને ઇસવીસનની પહેલી સદીના મધ્યાહ્નમાં થયેલા એક સમર્થ બુદ્ધિવાદી હતા. શિક્ષક સેનેકાએ સમ્રાટ નીરોનું પ્રથમ જાહેર ઉદ્બોધન તૈયાર કર્યું હતું. રોમના આ ફિલસૂફ સમય જતાં સમ્રાટ નીરોના સલાહકાર બન્યા અને રોમન સામ્રાજ્યમાં આર્થિક સુધારાઓ અને ન્યાય સંબંધી સુધારાઓ લાવવામાં એમણે મહત્વની ભૂમિકા ભજવી. એ સમયે એમણે ગુલામો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી.

કોઈએ સમ્રાટ નીરોના કાન ભંભેર્યા કે એમની સાથે થયેલા પિઝોના કાવતરામાં દુશ્મનો સાથે સેનેકા સામેલ હતા. શંકાશીલ સમ્રાટ અકળાઈ ઊઠયો, શિક્ષક થઈને ષડયંત્ર રચે ! હવે શું કરવું ? શિક્ષકની હત્યા તો શિષ્યથી થાય નહીં. આથી જુદો ઉપાય અજમાવ્યો. શહેનશાહે એમને આપઘાત કરવાનો હુકમ કર્યો. સમ્રાટના સેવકો ઝેરના પડીકાં લઈને સેનેકા પાસે આવ્યા અને એમને આત્મહત્યા કરવા માટે દબાણ કર્યું.

સેનેકાએ આ માટે થોડો સમય માગ્યો. મનની સ્વસ્થતા અને ધૈર્ય સાથે એમણે સમ્રાટ નીરોને ઉદ્દેશીને એક પત્ર લખ્યો. સેનેકાએ સૈનિકોને કહ્યું કે આ પત્ર સમ્રાટને આપી દેજો. ત્યારબાદ સેનેકા શાંતિથી મૃત્યુને ભેટયા.

સેનેકાએ સમ્રાટ નીરોને પત્રમાં લખ્યું હતું, 'તમને જોખમરૂપ બની રહેલી વ્યક્તિઓનાં નામોની યાદી આ સાથે મોકલી રહ્યો છું. એ બરાબર જોજો અને એમનાથી સાવચેત રહેજો.'

આમ ચિંતક, રાજપુરુષ અને એક સમયના સમ્રાટના સલાહકાર એવા સેનેકાએ અંતિમ સમયે પણ પોતાનું કર્તવ્ય બજાવ્યું.