Get The App

ખંડનું વિખંડન : પૃથ્વીની છાતી ચીરતી તિરાડની કથા

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
ખંડનું વિખંડન : પૃથ્વીની છાતી ચીરતી તિરાડની કથા 1 - image

- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી

મા ર્ચ ૨૦૧૮માં કેન્યાની 'ગ્રેટ રિફ્ટ વેલી'માં રોજિંદા જીવનનો શાંત વાતાવરણને, એક અજાણી ઘટનાએ ધ્રુજાવી નાખે છે. માઈ માહિયુ નજીક કિલોમીટર સુધી ફેલાયેલી એક વિશાળ તિરાડે પૃથ્વીની છાતીને ચીરી નાખી. રસ્તાઓને બે ભાગમાં વહેંચી દીધા હતા. સ્થાનિક લોકોને આશ્ચર્ય અને ભયથી સ્તબ્ધ કરી દીધા. આ કોઈ રહસ્યમય અકસ્માત કે હોલીવુડની ફિલ્મનું દ્રશ્ય ન હતું. આ હતી. પૃથ્વીની શક્તિ, જે લાખો વર્ષોથી પૂર્વ આફ્રિકાને નવો આકાર આપી રહી છે. આ ઘટના કોઈ એકલદોકલ ભૂગોળનાં નાટકમાં બનતી ઘટના નથી. 'ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ' (EARS)નો એક ઝળહળતો પુરાવો છે. 'ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ' (EARS), એક ૨,૦૦૦ માઈલ લાંબી ભૂમિના બે ભાગમાં ભાગલા કરતી તિરાડ છે. જે ઈથોપિયાના અફાર પ્રદેશથી મોઝામ્બિકના દરિયાકાંઠાના મેદાનો સુધી ફેલાયેલી છે. આફ્રિકાના નકશાને બદલી શકે છે પૃથ્વી ગ્રહની ભૂગોળને નવો આકાર આપી શકે છે. આ પ્રક્રિયાનું રહસ્ય શું છે? આ ભૂમિ પર જીવતા લાખો લોકોને તેની શું અસર થાય છે? આ ઘટના, પૃથ્વીના ભૂતકાળ અને ભવિષ્ય વિશે શું શીખવે છે? ચાલો, સમય, વિજ્ઞાન અને માનવીય અનુભવોની, આ મહાયાત્રામાં ડૂબકી લગાવીએ.

ભૂકંપી ત્રિકોણની ભીતર

ઈથોપિયાના 'અફાર ત્રિકોણ'નું ઉદાહરણ લો. જે રિફ્ટિંગનું એક આધુનિક પ્રદર્શન છે. સપ્ટેમ્બર ૨૦૦૫માં, ૪૦૦થી વધુ ભૂકંપોએ, આ પ્રદેશને હચમચાવી નાખ્યો હતો. તેનાં થોડા જ દિવસોમાં, ૩૭ માઈલ લાંબી તિરાડ ફાટી નીકળી. લાવા સપાટી પર ઉછળ્યો. રાખના ગોટા આકાશમાં ફેલાયા. અને જમીન કેટલીક જગ્યાએ ૧૦ ફૂટ જેટલી નીચે ધસી ગઈ. વૈજ્ઞાનિકો માટે આ એક દુર્લભ દ્રશ્ય હતું. આ એક એવી પ્રક્રિયા છે, જે સામાન્ય રીતે સદીઓ લાંબી ચાલે છે. તે થોડાકે જ દિવસોમાં બનીને વિજ્ઞાનીઓની આંખો સામે આવી હતી. ૨૦૧૮માં કેન્યાની નારોક કાઉન્ટીમાં થયેલી તિરાડ, ખંડીય રિફ્ટિંગનું બીજું ઉદાહરણ છે. આ તિરાડે હાઈવે અને ખેતરોને બે ભાગમાં વહેંચી નાખ્યા છે. શરૂઆતમાં કેટલાકે લોકોએ, તિરાડ સર્જનને ભારે વરસાદના ધોવાણનું પરિણામ ગણ્યું હતું. પરંતુ ભૂસ્તરશાસ્ત્રીઓએ તેને ઊંડા 'ટેક્ટોનિક' બળની સપાટીની અભિવ્યક્તિ તરીકે જોઈ હતી. 'પૂર્વીય રિફ્ટ'ની આ પ્રવૃત્તિ અહીં અટકતી નથી. જ્વાળામુખીઓ, આ ભૂમિને જીવંત બનાવે છે. ઈથોપિયાના 'એર્ટા એલે', જેનું લાવા તળાવ, વિશ્વના દુર્લભ દ્રશ્યોમાંનું એક છે. તાંઝાનિયાના 'માઉન્ટ કિલીમંજારો', એક સુષુપ્ત વિશાળ પર્વત, જે રિફ્ટના ઉથલપાથલમાંથી જન્મ્યો છે. આ જ્વાળામુખીઓ ફક્ત આગના ફુવારા નથી, તે પ્લેટોના વિભાજનથી પાતળા થયેલા પોપડામાંથી ઉભરતા 'મેગ્મા'નું પરિણામ છે.

પૂર્વ 'આફ્રિકા'માં રહેતા લાખો લોકો માટે, 'EARS' એ ફક્ત ભૂસ્તરશાસ્ત્રનો વિષય નથી. તે તેમના રોજિંદા જીવનનો હિસ્સો છે. ઉદાહરણ તરીકે, 'માસાઈ' લોકો સદીઓથી 'રિફ્ટ વેલી'ના ઘાસના મેદાનોમાં પોતાના પશુઓને ચરાવીને જીવન જીવે છે. તેમની મૌખિક પરંપરાઓ 'કિલીમંજારો' અને 'ઓલ ડોઈન્યો લેંગાઈ'ને, 'ભગવાનનો પર્વત' નામે ઓળખાવે છે. પર્વતોને પવિત્ર સ્થાનો માને છે. આ પર્વતો ફક્ત ભૂસ્તરીય રચનાઓ નથી; તે 'માસાઈ' સંસ્કૃતિનાં આધ્યાત્મિક કેન્દ્રો છે. 

ફાટતી ધરતીનું આફ્રિકન રહસ્ય

સૌ પ્રથમવાર ખંડોની ગતિનો વિચાર જર્મન વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વેગેનરને આવ્યો હતો. ૧૯૧૨માં, તેમણે ''ખંડીય પ્રવાહ''નો સિદ્ધાંત રજૂ કર્યો હતો. જેમાં દાવો કર્યો કે પૃથ્વીના ખંડો એક સમયે 'પેન્ગીઆ' નામના એક વિશાળ ખંડમાં જોડાયેલા હતા. તેમના પુસ્તક ''ધ ઓરિજિન ઓફ કોન્ટિનેન્ટ્સ એન્ડ ઓશન્સ''માં તેમણે લખ્યું, ''પૃથ્વીનો પોપડો અડગ નથી, પરંતુ એક અશાંત સમુદ્ર પર તરતો રહે છે.'' તેમના સમયના વૈજ્ઞાનિકોએ આ વિચારની મજાક ઉડાવી, પરંતુ આજે 'પ્લેટ ટેક્ટોનિક્સ'ના આધુનિક વિજ્ઞાનમાં વેગેનરની દૂરદૃષ્ટિ સાચી સાબિત થઈ છે. 'EARS' એ તેમના સિદ્ધાંતનો જીવંત પુરાવો છે, જે બતાવે છે કે ખંડો નિશ્ચિત નથી, પરંતુ સતત નૃત્ય કરી રહ્યા છે. લાખો વર્ષો પછી 'પેન્ગીઆ' નામના એક વિશાળ ખંડ, આજે અમેરિકા, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા જેવા અલગ અલગ ખંડોમાં છૂટો પડી ચૂક્યો છે.

'ઈસ્ટ આફ્રિકન રિફ્ટ'ને સમજવા માટે આપણે પૃથ્વીને એક વિશાળ, સતત બદલાતા કોયડા તરીકે જોવી પડશે. પૃથ્વીની સપાટી વિવિધ 'ટેક્ટોનિક પ્લેટો'માં વહેંચાયેલી છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે, જે મેન્ટલના ઉદગમ પ્રવાહો દ્વારા ચાલે છે. ખડકોના વિશાળ પડ, જે 'મેન્ટલ' નામના ગરમ, અર્ધ-પ્રવાહી પદાર્થના સમુદ્ર પર તરે છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેનાથી પર્વતો બને છેત કેટલીક જગ્યાએ તે એકબીજાની બાજુમાંથી સરકે છે, જેનાથી ભૂકંપ આવે છે. પરંતુ પૂર્વ આફ્રિકામાં કંઈક અનોખું થઈ રહ્યું છે : અહીં 'આફ્રિકન પ્લેટ' ખેંચાઈને બે ભાગમાં વહેંચાઈ રહી છે. ભૂગોળની ભાષામાં આ પ્રક્રિયામાં જેને 'ખંડીય રિફ્ટિંગ' કહેવાય છે. પૂર્વ 'આફ્રિકા'માં 'ખંડીય રિફ્ટિંગ' ત્યારે શરૂ થાય છે, જ્યારે 'લિથોસ્ફિયર'-પૃથ્વીનો બાહ્ય, કઠોર સ્તર, તણાવ હેઠળ ખેંચાય છે.  આ તણાવ 'આફ્રિકન સુપરપ્લુમ'ની ગરમીથી ઉવે છે, જે 'લિથોસ્ફિયર'ને નબળો અને લવચીક બનાવે છે. જેમ જેમ 'પોપડો' પાતળો થાય છે, તે 'ફોલ્ટ્સ'માં તૂટે છે. આ 'ફોલ્ટ્સ' 'રિફ્ટ'ના વિશિષ્ટ 'ગ્રેબેન્સ' રચે છે.

લ્યુસીનું પારણું

ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ એટલેકે  તિરાડ ફક્ત ધરતીની સપાટી પરનો ઘા નથી. આ એક ભૂસ્તરીય અનોખી ઘટના છે. જ્યાં 'આફ્રિકન પ્લેટ' બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. ૧. પશ્ચિમમાં 'ન્યુબિયન પ્લેટ' અને ૨. પૂર્વમાં 'સોમાલી પ્લેટ'. આ ભૂમિના ભાગલા કરનાર પરિબળ ખૂબ જ શક્તિશાળી છે. આ પરિબળ એટલે 'આફ્રિકન સુપરપ્લુમ'. એક રહસ્યમય શક્તિ, જે પૃથ્વીના ઊંડાણમાંથી પીગળેલા ખડકોના ઉદયથી બનેલ ખંડને ઉપર ધકેલી રહી છે. આ નિરંતર પરંતુ ધીમી ગતિ, લાખો વર્ષો પછી, એક દિવસ. એક નવો મહાસાગર જન્માવી શકે છે. 'રિફ્ટ'ની આ અસ્થિરતા એક સાથે ખતરો અને આશા લઈને આવે છે. જ્વાળામુખીની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જેના કારણે 'તાંઝાનિયા'ના 'ન્ગોરોન્ગોરો હાઈલેન્ડ્સ' જેવા વિસ્તારો મકાઈ, કોફી અને અન્ય પાકો માટે ખેતીનું કેન્દ્ર બની રહે છે. આ ફળદ્રુપતા પૂર્વ આફ્રિકાને કૃષિની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવે છે. 'કેન્યા'માં 'ઓલ્કારિયા' ખાતેના ભૂ-ઉષ્મીય પાવર પ્લાન્ટ્સ, પૃથ્વીની આંતરિક ગરમીનો ઉપયોગ કરીને ૮૦૦ મેગાવોટથી વધુ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ સંસાધનશીલતા 'રિફ્ટ'ની અશાંત ભૂમિને એક અમૂલ્ય સંપત્તિમાં ફેરવે છે. પ્રખ્યાત પર્યાવરણવિદ 'વાંગારી માથાઈ', જેમને ''ગ્રીન બેલ્ટ મૂવમેન્ટ'' માટે ''નોબેલ શાંતિ પુરસ્કાર'' મળ્યો હતો, તેમણે કહ્યું હતું, ''પૃથ્વીની સંભાળ રાખવીએ આપણી જવાબદારી છે, કારણ કે તે આપણું ઘર છે.'' 'કેન્યા'ના ભૂ-ઉષ્મીય પ્રયાસો આ ફિલસૂફીને મૂર્તરૂપ આપે છે. 'ઈછઇજી'નું એક ઊંડું મહત્વ પણ છે. તેને ઘણીવાર ''માનવજાતનાં પારણા'' તરીકે ઓળખવામાં આવે છે. 'ઈથોપિયા'ના 'અફાર પ્રદેશ'માં મળેલા અવશેષો, જેમ કે 'ઓસ્ટ્રેલોપિથેકસ અફેરેન્સિસ'નું ૩૨ લાખ વર્ષ જૂનું હાડપિંજર, જેને 'લ્યુસી' નામ આપવામાં આવ્યું હતું. એ સૂચવે છે કે પ્રારંભિક માનવીઓ આ બદલાતા ભૂપ્રદેશ વચ્ચે વિકસિત થયા હતા. 'રિફ્ટ'ના તળાવો અને નદીઓએ, મનુષ્યને પાણી અને ખોરાક પૂરો પાડયો હતો. જ્યારે તેના ભૂસ્તરીય ઉથલપાથલથી પ્રેરાયેલા સ્થળાંતરએ, આપણા પૂર્વજોને વિશ્વભરમાં ફેલાવ્યા હતાં.

આફ્રિકન પ્લેટનું વિભાજન

આપણે કેવી રીતે જાણીએ કે આ 'સુપરપ્લુમ' અસ્તિત્વ ધરાવે છે ? વૈજ્ઞાનિકો આધુનિક તકનીકોના શાગાર પર નિર્ભર છે. 'સિસ્મિક ટોમોગ્રાફી' એક એવી પદ્ધતિ છે. જે ભૂકંપના તરંગોનો ઉપયોગ કરીને, પૃથ્વીના આંતરિક ભાગનો નકશો બનાવે છે. જ્યાં તરંગો ધીમા પડે છે, તે ગરમ, ઓછી ગીચતાવાળા પદાર્થ, એટલે કે સુપરપ્લુમનો સંકેત આપે છે. 'પૂર્વ આફ્રિકન રિફ્ટ'નું ભવિષ્ય શું છે? જો પૂર્વ આફ્રિકન રિફ્ટ આ રીતે વિસ્તરતી રહે, તો તેના પરિણામો અુત હશે. આગામી એકથી પચાસ મિલિયન વર્ષોમાં, આ 'રિફ્ટ' વધુ ઊંડી થઈ શકે છે. તે 'લાલ સમુદ્ર' અને  'હિંદ મહાસાગર' સાથે જોડાઈ શકે છે. પૂર્વીય 'ઈથોપિયા', 'સોમાલિયા', 'કેન્યા', અને 'તાંઝાનિયા' અલગ થઈને એક નવો  ભૂભાગ રચી શકે છે. જેને ''પૂર્વ આફ્રિકન સૂક્ષ્મ ખંડ'' કહી શકાય. 'યુગાન્ડા' અને 'દક્ષિણ સુદાન' જેવા ભૂમિગત દેશો, દરિયાકિનારો મેળવી શકે છે, જ્યારે 'હોર્ન ઓફ આફ્રિકા' એકલતામાં ડૂબી જાય છે.

૨૦ કરોડ વર્ષો પહેલાં, જ્યારે 'પેન્ગીઆ' ખંડ વિખેરાયો, ત્યારે આવી જ 'રિફ્ટ'ઓએ 'એટલાન્ટિક મહાસાગર'ને જન્મ આપ્યો. આજે, 'લાલ સમુદ્ર' અને 'એડેનનો અખાત', જે 'EARS'ના વિસ્તરણ છે - આ ભવિષ્યનો ઝલક આપે છે. આ યુવાન દરિયાઈ ખાડીઓ 'અરબ'ના 'આફ્રિકા'થી અલગ થવાથી રચાઈ. દરિયાઈ ભૂ-ભૌતિકશાી 'કેન મેકડોનાલ્ડ' આગાહી કરે છે : 'લાલ સમુદ્ર' 'રિફ્ટ વેલી'માં પ્રવેશશે, એક નવો મહાસાગર જન્મશે, અને 'આફ્રિકા'નો આ ભાગ પોતાનો ખંડ બનશે.

આ સમયરેખા વિશાળ છે, પરંતુ તેના પરિણામો વાસ્તવિક છે. નવા દરિયાકિનારા દરિયાઈ ઇકોસિસ્ટમને જન્મ આપી શકે છે. આબોહવામાં પરિવર્તન આવી શકે છે, કારણ કે દરિયાઈ પ્રવાહો ગરમી અને ભેજનું પુન:વિતરણ કરે છે. આલ્ફ્રેડ વેગેનરે, જેમણે ''ધ ઓરિજિન ઓફ કોન્ટિનેન્ટ્સ એન્ડ ઓશન્સ''માં ખંડોની ગતિનો વિચાર રજૂ કર્યો, એકવાર કહ્યું હતું, ''ખંડો ભટકે છે, અને તેમની ગતિ, પૃથ્વીના ભાગ્યને આકાર આપે છે.'' ''ઈસ્ટ આફ્રિકન રિફ્ટ સિસ્ટમ''માં, આપણે તે ભાગ્યનું પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છીએ.