Get The App

નવરાત્રિના નવરસ : 'રીતિ'થી 'રતિ' સુધીની રંગતસંગત!

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
નવરાત્રિના નવરસ : 'રીતિ'થી 'રતિ' સુધીની રંગતસંગત! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- જગતને ગાવા-નાચવામાં જેટલી મજા પડે છે, એટલી વાંચવા સાંભળવામાં પડતી નથી. વાંચવા-સાંભળવામાં મજા પડે એ માટે ગાવા-નાચવાના કાર્યક્રમોનું આકર્ષણ રાખો તો સંખ્યામાં વધારો જરૂર થાય છે!

સ દીઓ પહેલાં ઋષિતુલ્ય ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોએ હૈયાવરાળ કાઢી હતી કે, 'આપણા સમાજમાં શિક્ષકોની આવક સૌથી ઓછી હોય છે, પણ ગવૈયા-નાચણિયાઓ સૌથી વઘુ શ્રીમંત છે. આવું લાંબો સમય ચાલશે, તો સમાજ તૂટી પડશે.'

પ્લેટોજીને માલૂમ થાય કે આવું જ સતત ચાલતું આવ્યું છે, કમસે કમ એને લીધે હજારો વર્ષોથી કોઈ સમાજ તૂટયો નથી! આવું વિચારનારાઓ બાપડા કાં તો ખતમ થઈ ગયા છે. કાં તો ઝાઝી બુદ્ધિ વાપરીને અભ્યાસુઓએ યુદ્ધ, ક્રાંતિ, વિભાજન, ધાર્મિકતા, ત્રાસવાદ વગેરેની હિંસક ભૂમિકાઓ તૈયાર કરીને કંઈક રાષ્ટ્રોના નક્શાઓ ફેરવી નાખ્યા છે. પણ સો વાતની એક વાત, ઊંડો અભ્યાસ કરીને ઝીણું કાંતનારા હોંશિયાર મહેનતુઓ ગમે તેટલા સાચા હોય, તો પણ બગાસું ખાતી પબ્લિકને 'દાનવ' જ લાગે છે. એવી પંડિતાઈની સાચી પણ બોરિંગ લાગતી ચર્ચાને બદલે લ્હેરથી ડાન્સ એન્ડ મ્યુઝિકની રંગસંગત જમાવનારાઓ સદાકાળ 'દેવ' જ લાગે છે! થિન્કર કરતાં એક્ટર, ટીચર કરતાં સિંગર, સાયન્ટિસ્ટ કરતાં સ્પોર્ટ્સસ્ટાર હંમેશાં વધુ જ ભીડ ભેગી કરી શકે છે. આ વિધિના અફર લેખ છે. કૈંક પ્લેટો આવ્યા ને ગયા, આ મોજનો મોહ વાસી થતો નથી!

ટેઈક એક્ઝામ્પલ ઓફ અવર ડાર્લિંગ નવરાત્રિ ફેસ્ટિવલ. 

થનગનાટ... તરવરાટ... રણઝણાટ... ધમધમાટ... ઝગમગાટ... લગલગાટ... એટલે નોરતાં! વાયબ્રન્ટ નવરાત્રિ! વર્લ્ડસ લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ! જગતભરના લામ્બાડાથી સાલ્સા સુધીના ડાન્સીઝની અવનવી પાર્ટીઝ મશહૂર છે. ઉલ્લાસના એ ઉછાળા અને અંગોના એ ઉલાળાની બરાબરી કરતો કોઈ ઉત્સવ ભારત પાસે હોય તો એ છે ગુજરાતીઓની નવરાત્રિ! છેલ્લા કેટલાંક વર્ષોથી એનું સ્ટાઇલિશ અને ગ્લોબલ માર્કેટિંગ  થતાં ટીવી ચેનલ્સ દુર્ગાપૂજાને ભૂલીને દાંડિયા ગ્રાઉન્ડ્સમાં કેમેરા ફેરવવા લાગી જાય છે. વેલ ડન! બાકી નિષ્ક્રિય રહેતું ગુજરાતી યૌવન આ નવ રાતો પૂરતું એવું રંગીલું રસતરબોળ થઈ જાય છે કે એમની 'યૂથ એનર્જી'ના ધસમસતા પૂરમાં પ્રાચીન સંસ્કૃતિના નામે ફેલાતી રૂઢિચુસ્ત 'ઓલ્ડ એનર્જી' તણાઈ જાય!

નવરાત્રિ અંગેની નવસો નવ્વાણુ થીમ પર લખાઈ ચૂક્યું છે. દાંડિયા રાસના એના એ ઢાળને રિમિક્સ કરતા વિડીયોની માફક એના એ વિષયો પર થોડા નવા ફોટોગ્રાફ્સ સાથે પ્રિન્ટ મીડિયામાં એ જ સ્ટોરીઝ છપાયા કરે છે. એવા વિન્ટેજ વાયરામાં થોડી નવતર બીટ્સ અને જરા ડિફરન્ટ સ્ટેપ્સની સુગંધ રિમિક્સ કરીએ તો? નવરાત્રિની સ્ફૂર્તિને ઝીલતા આ રહ્યા નવ રાતોના નવલા નવરસ!

(૧) શક્તિ : શક્તિના નામ વિના નવરાત્રિની પ્રેસનોટ પણ લખી શકાય ખરી? આમ તો નારીશક્તિના પ્રતીકરૂપ એવા માતાજીને માટે જ આ તહેવાર ઉજવાય છે. પણ સ્ત્રી અને દેવી બંનેની શક્તિનું પૂજન ખાલી કહેવા માટે જ રહ્યું છે. બાકી તો આ 'શક્તિ પ્રદર્શનની' મોસમ છે! રાજકીય ક્ષેત્રે શરદપૂનમના ચંદ્રની જેમ ખીલી ગયેલા અથવા તો મસલ પાવરમાં ભાદરવાના મધ્યાહ્ને તપતા સૂરજ જેવા તેજસ્વી થઈ ગયેલા આયોજકોની અગાધ શક્તિ અર્વાચીન દાંડીયા રાસના આયોજનોમાં દેખાય છે. માત્ર નવ દિવસમાં બાકીના ૩૫૬ દિવસ ચાલે એટલી કમાણી કરવા માટે ગાયકો-વાદકો પણ પૂરી શક્તિ લગાવી દે છે. તાકાત વિના કંઈ રોજેરોજ કલાકો સુધી નાચી શકાય છે? ભલેને ઓલિમ્પિકનો મેડલ ન આવે, મહિનાઓની પ્રેક્ટિસ બાદ ખીલતી આ શક્તિથી પ્રિન્સ- પ્રિન્સેસના એવોર્ડ તો આવે છે ને! એમ તો એક અજીબ શક્તિ આમ તો સાવ પાતળા લાગતા શરીરોમાં રમવા માટે આ નવ રાત પ્રગટી જતી હોય છે, ડોક્ટર્સને દંગ કરે એવી!

(૨) ભક્તિ : આમ તો આ શબ્દનો સંબંધ 'આજકાલની ઉગીને ઊભી થતી પેઢીમાં ભક્તિનું નામોનિશાન નથી રહ્યું' જેવો કકળાટ કરવા પૂરતો જ રહ્યો છે. આઘુનિક દાંડિયા રાસના ટીકાકારો 'હાય હાય ઓય વોય અરેરે'ના ઉદ્ગારોમાં જ એટલો સમય વીતાવે છે કે, એ સ્વનામધન્યો ખુદ ભક્તિ ક્યારે કરતા હશે એ જાણવાનું કૂતુહલ થાય! જેને ખરેખર હૃદયથી નવરાત્રિમાં ભક્તિ જ કરવી છે, એમને એવું કરવામાં કોઈ રોકતું નથી. રોકી શકે પણ નહિ! એમનું ચિત્ત ભક્તિમાં તન્મય હોય, તો પછી નવરાત્રિમાં છોકરા-છોકરી શું છાનગપતિયાં કરે છે - એમાં વિરોધ કરવા પૂરતું પણ એમનું ઘ્યાન કેવી રીતે જાય? પણ કોઈ ઓફિશિયલ ડેટા કે ડોક્ટરના અધિકૃત ફેક્ટ-ફિગર્સ વિના નવરાત્રિ પછીના ગર્ભપાતની સ્ટોરીઝ ચગાવનારાઓ પણ કદી શક્રાદય સ્તુતિ કે વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતાનો ઉલ્લેખ કરે એવું સાંભળ્યું છે? કેટલા સડેલ સંકુચિત સંતરાઓ 'દેવ્યાપરાધમ્ સ્તોત્ર' કે 'ચંડીપાઠ' મોઢે બોલી શકશે? તો પછી નવા નવા ખેલૈયાઓ 'ગલગોટો મેં ઝૂકીને લીધો' જેવા ગીતો કંઠસ્થ કરે એ ય એમની ભક્તિ નથી? ઘણી જગ્યાએ નવરાત્રિમાં સૌથી વઘુ ભક્તિ પૈસા પ્રભાવ અને પ્રસિદ્ધિની થતી હોય છે. જે સાચે જ ભક્તિમાં છે, એમને બીજા શું કરે ચેહ એની નિંદામાં રસ પડતો નથી. 

(૩) મસ્તી : હંઅઅઅ, નવરાત્રિ અંગેનાં સુમઘુર ભાષણો કે અહેવાલોમાં જે શબ્દ છપાતો- બોલાતો નથી પણ સુજ્ઞાજનોને સંભળાતો- વંચાતો જરૂર હોય છે, એ આ છે ફેસ્ટિવલ ઇઝ ફોર ફન. બાકી બઘું પોથીમાંના રીંગણાં. નવરાત્રિ એટલે જ મ્યુઝિક મસ્તી. 'ડિસ્કો દાંડિયા' શબ્દ નાહક વગોવાઈ ગયો છે. બાકી ડિસ્કોને તો ક્યારનું ય 'ખિસકો' કહેવાઈ ગયું છે. અર્વાચીન દાંડિયાની એક આગવી રિધમ એન્ડ બીટ્સ છે એને લીધે જૂનાં ગુજરાતી ગીતો, કવિતાઓ, ગરબાઓ અને લેટેસ્ટ ટ્રેન્ડમાં હોય એવા જ નહિ પણ ભૂલાયેલા જૂના ફિલ્મ ગીતોનું નવસંસ્કરણ થતું રહેતું હોય છે. એકવાર ધરણી ધુ્રજાવતી, ગગન ગજાવતી, સાઉન્ડ સિસ્ટમમાંથી મસ્તીનો કેફ ફેલાય પછી એનો જાદુઈ નશો રૃંવાડે રૃંવાડે રેડાય! એક ટ્રાન્સ ઊભો થાય છે બીજા વિશ્વમાં ટ્રાન્સફર કરતો, આપણને સાંભળતા ને ઝૂમતાં... ને આ ઈફેક્ટ ગ્લોબલ છે!

(૪) ચુસ્તી : ફિટનેસ, યુસી. ચુસ્ત-તંદુરસ્ત જેવા તનબદન માટે સ્તો નવરાત્રિ નૃત્યરાત્રિ થઈ શકે તેમ છે. પલાંઠો મારીને ચેનલો પર ધર્મોપદેશ આચરવા જેવું આ સહેલું કામ નથી. પરસેવો પાડીને કલાકો સુધી ઝુમતા, થિરકતા રહેવા માટે સ્ટેમિના જોઈએ.  બિચારા ફાંદાળા કે અદોદળા ગુજેશભાઈઓ કે ગુજુલાબહેનો ઇચ્છે તો પણ રાતોરાત રાસ રમી શકે તેમ નથી. હા, આવતા વરસ માટે ધારે તો દાંડિયા આજથી જ બેસ્ટ એક્સરસાઇઝ જરૂર બની શકે. રોક યોર બોડી, બડી! ન કરો તો પણ રંગબેરંગી આકર્ષક ચળકતા વસ્ત્રોમાંથી ડોકાતાં જવાન શરીરો પર ટપકતા પરસેવાની બુંદોને નજરથી માણવાનો પણ એક લ્હાવો છે. કામિનીઓની ચરબી વગરની કાયાના કમનીય વળાંકોને ઢોલના ઢબકારે અને તાળીઓના તાલે લહેરોની જેમ અમળાતા જોવાનો મેઘધનુષી મોકો એ જ નવરાત્રિ. લેટ્સ ફેસ ઇટ. ગ્લેમરનું તત્ત્વ ન હોત તો કૃષ્ણની રાસલીલાથી લઈને નોરતાંના દાંડિયા ગુ્રપ્સ સુધીમાં કશી લિજ્જત હોત? અને આ શૃંગાર છલકાય છે, ફિટ એન્ડ ફાઇન બોડી બ્યુટીફૂલમાંથી! વાંકી વાળો તો દુ:ખી જતી કેડ હવે ઝૂકીને ટટ્ટાર થિરકતી થઇ જાય છે. ફોર્સ હોય છે તનબદનમાં નોરતાંનો. 

(૫) પ્રીતિ : સ્વસ્થ, સુંદર, સુડોળ અને સગીર શરીરોનો જ્યાં મિલનમેળો હોય, ત્યાં મન ક્યાં સુધી બંધાઈને રહી શકે? આપણે ત્યાં નર-નારીને જીવનસાથી મેળવી દેવા માટે એરેન્જડ મીટિંગોનું ચીટિંગ પરાપૂર્વથી થતું આવે છે. 'મા' તરીકે પૂજવામાં આવતી સ્ત્રીઓને જ એમાં શોપિંગ મોલના ડેકોરેટીવ પીસની જેમ વઘુ શોષાવાનું આવે છે. પણ છેલછોગાળો છોકરો અને છેલછબીલી છોકરી એકબીજાનાં 'પ્રણયસાથી' કેવી રીતે શોધે? લવર હશે, તો કદી લાઇફ પાર્ટનર થશે! બોલ ડાન્સ પાર્ટી તો અહીં થતી નથી. સરખેસરખા લડકા- લડકીને હૈયે હૈયું દળાય એવું પ્લેટફોર્મ નવરાત્રિના ગ્રાઉન્ડ સિવાય બીજે ક્યાં મળવાનું? પરસ્પરની પ્રીતડીથી બંધાયેલાઓ તો એકમેકને વળગીને રાસ રમે, અને ક્યારેક આમ રમતાં રમતાં નવતર પ્રેમનાં સ્ટેપ્સ પણ ફાવી જાય! જેને પ્રીતિ કરવી છે, એમની આ વાત... બાકી તો નરસિંહ મહેતાના વર્ણનોથી લઈને રાસમાં 'રતિ' પણ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો રહી છે. પુરુષ અને પ્રકૃતિ સાથે રાસ રચે ત્યારે એકમેક સાથે રમીને એકબીજામાં ઓગળે પણ ખરા! લતા જેમ વૃક્ષને વળગે એવા રાસનાં તો સંસ્કૃતમાં ઉત્તેજક વર્ણનો છે! ભાગવતની રાસપંચાધ્યયી કોઈ સરખી વાંચતું નથી! રિમેમ્બર, સેક્સ્યુઆલિટી વિના કોઈ ઉત્સવ આનંદપ્રદ રહેતો નથી, રહ્યો નથી, રહેવાનો નથી! વાંધો રતિ કે રાતો સામે ન હોવો જોઈએ. વાંધો હોવો જોઈએ બેજવાબદારી, બળજબરી, છલના, મોહ કે છેતરપિંડીની સામે! પરસ્પરની સહમતી વિના પરેશાની ઊભી કરવા સામે. પ્રોટેક્શનના ઉપયોગ બાબતે આછકલી સમજણ સામે. જસ્ટ ફનના એટ્રેક્શનને મસ્ટ કનેક્શન માનીને પાછળથી પસ્તાવું પડે એવા ઈમોશનલ થવામાં ખોઈ નાખવી પડતી માનસિક શાંતિ સામે!

(૬) સખ્તી : વાત જ્યાં રતિ કે પ્રીતિની આવે, ત્યાં તરત જ સખ્તાઈ કરવી એ ભારતીયોની 'નીતિરીતિ' છે! કોણ જાણે કેમ, જુવાન છોકરા-છોકરી જ્યાં હળે, મળે કે નાચેકૂદે ત્યાં આખા દેશના પેટમાં વીંટ આવે છે. ભલાદમી, થોડીક રાતો અંગત સંગતની રંગતમાં વીતાવે એમાં શું ખાટુંમોળું થઈ ગયું? આ ભ્રષ્ટ દેશના અઢળક અપરાધમાંથી આ એક જ બાબત પ્રતિબંધ મૂકવા જેવી જણાય છે? ગુટકાથી લઈને કટકી સુધી આ સખ્તાઈ ક્યાં જાય છે? નવા બનેલા રોડમાં ખાદ પડે ત્યારે વાહન તારવી લેતા પોતાના યુવાન સંતાનો પર સંસ્કારના નામે ધોંસ જમાવતા હોય છે! અઘૂરામાં પૂરું, નવી સખ્તી કાનૂનની આવી ચડે છે. ગુજરાતીઓએ વસાવીને વિકસાવેલા મુંબઈમાં મોડે સુધી ખુલ્લામાં રાસ રમવા માટે સરકારને ગુજરાતીઓએ ભાઈબાપા કરવા પડે છે. તેર વરસ લગી ત્રાસવાદના કેસ ચલાવતી અદાલતો રાતના બાર વાગે શાંતિપ્રિય અને સ્ત્રીઓ માટે સલામત ગુજરાતમાં લાઉડ સ્પીકર્સ બંધ કરાવવામાં શૂરવીર થઈ જાય છે! ભલું થાજો યુવાન ગૃહમંત્રીનું કે થોડા મોડે સુધી ચાલવા દે છે ગરબા રાસ. આવી અવળચંડી સખ્તાઈના મહિષાસુરમર્દન માટે મા ભગવતી ક્યારે પ્રગટશે?

(૭) આસક્તિ : નવરાત્રિ માત્ર ભક્તિ પર્વ નથી, અને માત્ર પ્રીતિપર્વ પણ નથી. નવરાત્રિ જેવા ઉત્સવ ખરેખર તો ખખડી ગયેલા અર્થતંત્ર ઉપર પડી જતી મંદીની કરચલી દૂર કરતા બોટેક્સના ઇન્જેક્શન છે. આસક્તિ યાને લાલસા, મોહ વિના કદી ઇકોનોમી ચાલે નહિ. ખેલૈયાઓને રમવા માટે અવનવી તરેહના શણગાર જોઈએ, ઘરેણાં જોઈએ, વસ્ત્રો જોઈએ એ ખરીદવા પડે - એટલો વેપાર થાય... એ બહાને હેન્ડીક્રાફ્ટની જૂની કળા અને કારીગરોને નવી બજાર મળે. એવું જ ઑડિયો આલ્બમ્સમાં ગાવા- વગાડવાથી વેચવાવાળાઓનું! મંડપવાળા, રોશનીવાળા, માઇકવાળા, પ્રિન્ટિંગવાળા વગેરે પ્રત્યક્ષ રીતે અને મોબાઇલવાળા સોફ્ટ ડ્રિન્ક્સવાળા (પાછલે બારણેથી ગુજરાતમાં હાર્ડ ડ્રિન્કસવાળા!), કેમેરાવાળા, વાહનોવાળા, પરોક્ષ રીતે કમાય છે,ને જે કમાવાનો એ વહેલો મોડો ખર્ચવાનો! જીવવા માટે ચમકદમક અને રોનક તો જોઈએને! જેમને માયા પ્રત્યે વિરક્તિ છે, એ માતાજી પ્રત્યે આસક્તિ રાખે, અને જેમને ભક્તિમાં અનાસક્તિ છે, એ લોકો રાસ રમતી રમણીઓનાં સુ-દર્શન પ્રત્યે આસક્તિ રાખે...!

(૮) ખ્યાતિ : 'મેન કેન નોટ લિવ બાય બ્રેડ અલોન'વાળા વિખ્યાત ક્વોટેશનની ટોયલેટ ગ્રાફિટી કોઈ ટીખળીએ એવી કરી હતી કે 'હી (ઓર શી) નીડ્સ બટર ટુ!' પણ માણસ એકલો રોટલા પર, કે ફોર ધેટ મેટર, ઘી પર જીવતો નથી. એને સિદ્ધ કરતાં ય વઘુ રસ પ્રસિદ્ધિમાં પડતો હોય છે. નવરાત્રિનો એક રસ 'ખ્યાતિ રસ' છે. ના, ખ્યાતિ નામની કોઈ કન્યાથી ખેંચાતાં નેત્રોની જ્યોતિની વાત નથી પણ નવરાત્રિના નામે સહુ કોઈને ખ્યાતનામ થવું છે. જૂના જમાનાની ગરબીઓના ગરબાના 

શબ્દો સાંભળો તો એમાં પણ દેવી-દેવતાઓની ખ્યાતિ વધારવાની જ વાતો છે ને! પછી જે-તે ગરબી મંડળો અને લ્હાણી માટે ફાળો ઉઘરાવતા કાર્યકરોની ખ્યાતિ વધતી ગઈ. એના અર્વાચીન સ્વરૂપમાં ઓર્ગેનાઇઝર્સ ઉપરાંત રોજરોજના મહેમાનશ્રીઓ અને નિર્ણાયકશ્રીઓ પણ કમસે કમ જે-તે ગુ્રપના ખેલૈયા પૂરતા સુખ્યાત થતા ગયા. રમનારાઓ પણ માત્ર પ્રીતિ, ભક્તિ કે ચુસ્તીને બદલે વેલ ડ્રેસ પ્રિન્સ- પ્રિન્સેસથી લઈને પાઘડી- ચુંદડી લગીના એવોર્ડ મેળવી વટ પાડવા માટે વઘુ ઉત્સુક હોય છે. ચાર દિન કી ચાંદની, ઉફ્ફ નવ રાતની રોશની જેવી તકલાદી, કામચલાઉ ખ્યાતિ માટે એ લોકો નીતિ અને મતિ બંનેને સાઇડ ટ્રેક કરવા એવરરેડી રહેતા હોય છે. મોદીસાહેબ ગુજરાતમાં હતા ત્યારે એમણે ગુજરાતની નવરાત્રિને ગ્લોબલ કરી દીધી અને કવરેજમાં બંગાલની દુર્ગાપૂજાને પાછળ છોડી દીધી. હા, અત્યારે નવરાત્રિમાં સર્વાધિક 'ખ્યાતિ' તો પ્રસિદ્ધ પુરૂષોત્તમ યોગથી ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ઇન્ફ્લ્યુન્સર બની જતી સુંદરીઓ, ડિઝાઈનર્સ ને સિંગર્સ  મેળવે છે!

(૯) ગતિ : ભાણદાસે 'ગગન મંડળ ગુણ ગરબી રે' નામના ગરબામાં આ બ્રહ્માંડમાં રાસ રહ્યો હતો. પૃથ્વીના કોડિયામાં સૂરજની દીપ્તિ! આખા બ્રહ્માંડમાં નિત્યરાસ ચાલી રહ્યો છે. બઘું દેખીતું સ્થિર લાગે, પણ સતત ચક્રાકારે ધૂમી રહ્યું છે. વર્તુળમાં સતત બદલાતું રહ્યું છે. માનવ શરીરના બંધારણમાં નાનામાં નાના અણુમાં પણ ઇલેક્ટ્રોન રાસડા લઈ રહ્યા છે. માટે રાસ એ તો કુદરતની કરામત તણી અભિવ્યક્તિ છો! બહુ અઘરું લાગ્યું? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, સિમ્પલી... ધક્કામુક્કી કરીને ગરબી જોવા જતાં ટેણિયામાંથી કે પાસ લઈને રમવા જતા ટીનેજર્સમાંથી મહેમાન તરીકે રાસોત્સવ માણવા જનારા વીઆઇપી  થઈ જઈએ ત્યાં સુધીમાં કેટકેટલું બદલાઈ જતું હોય છે? બે દસકા પહેલાંની સોળ વરસની સુંદરી અત્યારે છત્રીસ વરસની એવી માતા હોય છે કે જેની સોળ વરસની દીકરી ચણિયાચોળી પહેરીને રાસ રમતા નથડી ખોતી હોય! કાલનો ખેલૈયો આજનો ટ્રેનર કે સ્પોન્સરર બની ગયો હોય! કોસ્ચ્યુમ્સની ફેશન બદલાય, સાઉન્ડ સિસ્ટમની ટેકનોલોજી બદલાય, રમનારાઓના ચહેરા અને દેહ બદલાય, જેના તાલે કલાકો ઠુમકા લગાવી શકાય એ ગીતો અને ગાયકો બદલાય... પણ નિત્યનૂતન વચ્ચે સનાતન રહે છે, નવ નવ રાતો રાસ રમીને નાચવાનો ઉંમર, ઉત્સાહ અને ઉત્સવ!

પછી વિજયાદશમીનો દસમો રસ? બંદાનો તિથિ મુજબનો જન્મદિન હોઈને થાક્યા પાક્યા પછી મીઠાઈ ખાઈ જાહેર રજાએ જલસા કરવાની મુક્તિ! યાદ રાખજો, ગરબા રમવા કે જોવા પણ એ પગનું સ્વર્ગ છે, નયનનું હેવન છે. નવરાત્રિ એ સુખનો શોર્ટકટ છે! ઓ યાર, થઇ જાવ તૈયાર! 

ફાસ્ટ ફોરવર્ડ 

'નૃત્ય એટલે ચરણ વડે જોઈ શકાતું સપનું!' 

( મોઝાર્ટ )