- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- રબરનો થોડોક હિસ્સો હોય તો એ કપડાંને ડિસ્પોઝ થતાં 80-100 વર્ષ થાય છે
માણસજાતે બેજવાબદારીથી પૃથ્વીના પટ પર કચરો વેર્યો છે. દર વર્ષે 240 અબજ ટન કચરો પેદા થાય છે ને એમાં ફેશન વેસ્ટનો બહુ મોટો હિસ્સો છે...
એ ક વ્યક્તિ દરરોજ પૃથ્વી પર સરેરાશ અડધો-પોણો કિલો કચરો ફેંકે છે. ૨૦૨૪માં ૨૪૦ અબજ ટન કચરો એકઠો થયો હતો. દર વર્ષે કચરાનું ઉત્સર્જન ઘટવાને બદલે વધી રહ્યું છે ને તેના પરિણામે ૨૦૪૦ સુધીમાં વર્ષે ૩૦૦થી ૪૦૦ અબજ ટન કચરો પેદા થતો હશે. એમાંથી વળી ૩૩ ટકા કચરો એવો હોય છે કે જે રિસાઈકલ થતો નથી. પૃથ્વીના પટ ઉપર ક્યાંકને ક્યાંક વેરાયેલો રહે છે અને સજીવસૃષ્ટિ-પ્રકૃતિ પર તેની ગંભીર અસરો છોડે છે.
સમુદ્રી કચરો પણ ભયજનક રીતે વધ્યો છે. સમુદ્રના પાણીમાં નાના-મોટા ૫૦ લાખ કરોડ પ્લાસ્ટિકના ટૂકડા તરી રહ્યા છે. વિજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે માનવજાત સમુદ્રમાં ૨૦ કરોડ ટન કચરો ઠાલવી ચૂકી છે. પૃથ્વી અને મહાસાગરોનો વારો પાડયા પછી માનવજાતે આકાશને પણ છોડયું નથી. અંતરીક્ષમાં માણસે ૧૩ કરોડ ટૂકડા વેરી દીધા છે.
માણસ જેમ જેમ પ્રગતિના સોપાનો સર કરીને આગળ વધી રહ્યો છે, તેમ તેમ તેની સામે જુદા જુદા પ્રકારના અને આકારના કચરાના ઢગલાને પાર કરવાનો પડકાર ખડો થાય છે. એક કચરા માટે સ્વચ્છતાનું મિશન ઉપાડીએ ત્યાં તો બીજા પ્રકારનો કચરો મોઢું ફાડીને આપણી સામે ઉભો રહી જાય છે. ઘર કે શેરીમાં પડેલા કચરાની વ્યવસ્થા કરીએ ત્યાં શહેરમાં પડેલા કચરાની ચિંતા કરવી પડે. શહેરના કચરાના નિકાલની વ્યવસ્થા થાય ત્યાં નદી-નાળામાં ઉભરાતા કચરાની ચિંતા વધી પડે. નદી-નાળાનો કચરો સાફ થાય ત્યાં સમૃદ્રી કચરો મોઢુ ફાડીને સામે ઉભો હોય. એ બધાની એક સામટી ચિંતા શરૂ હોય ત્યાં અવકાશી કચરાનું વધતું પ્રમાણ ચિંતા ઉપજાવે. એની સામે કંઈક એક્શન લઈએ ત્યાં તો ઈ-વેસ્ટ નામનો કચરો મોં પહોળું કરે.
આ બધા પ્રકારના કચરાના ઢગ વચ્ચે ચિંતા કરવી પડે એવો જ એક કચરાનો ઢગલો ઝડપભેર મોટો થઈ રહ્યો છે, જેનું નામ છે - ફેશન વેસ્ટ.
***
દુનિયામાં વર્ષે ૧૦,૦૦૦ કરોડ નંગ કપડાંનું ઉત્પાદન થાય છે. એમાં ગ્લોબલી ડોમેસ્ટિક માર્કેટમાં ટેઈલર્સ જે કપડાં તૈયાર કરે છે એની ગણતરી કરીએ તો આંકડો ૧૨,૦૦૦ કરોડ સુધી પહોંચે છે. દુનિયાની વસતિ ૮૦૦ કરોડને પાર થઈ ગઈ છે, એ હિસાબે એક વ્યક્તિના ભાગમાં ૧૫ નંગ કપડાં આવે. એવરેજ એક વ્યક્તિને વર્ષે સાત જોડી કપડાં મળે છે.
આ ગ્લોબલ એવરેજ છે. ધનવાન દેશોના લોકો વર્ષે વધુ કપડાં ખરીદતા હશે અને મધ્યમ આવક ધરાવતા દેશોના લોકો ઓછા ખરીદતા હશે કે પછી ગરીબ દેશોના લોકોની એવરેજ સાત જોડીની નહીં હોય, તેમ છતાં એ વાસ્તવિકતા છે કે ત્રણ દશકામાં એવરેજ વધી છે. ૧૯૯૦-૨૦૦૦ના દશકામાં ૫૦૦૦ કરોડ નંગ કપડાં બનતા હતા. તે વખતે દુનિયાની વસતિ ૬૫૦ કરોડ હતી. સરેરાશ સાત નંગ કપડાં દરેક વ્યક્તિના ભાગમાં આવતા હતા. એનો અર્થ એ કે ત્રણથી ચાર જોડી કપડાંમાં વર્ષ નીકળી જતું હતું.
પરંતુ હવે આખા વિશ્વમાં લોકોની ખરીદશક્તિ વધી છે. ઈ-કોમર્સના કારણેય લોકો બિનજરૂરી ખરીદી કરવા માંડયા છે. ઈ-કોમર્સમાં ફેશન ઈ-કોમર્સ જુદો અને સૌથી વિકસતો વિભાગ છે. ફેશન-લાઈફસ્ટાઈલને લગતી ચીજવસ્તુઓ - કપડાં, ફૂટવેર, જ્વેલરી, કોસ્મેટિક્સ, બેગ્સ-પર્સ વગેરેની શોપિંગ ઈ-કોમર્સના કારણે વધી ગઈ છે. અત્યારે પણ આ સેક્ટરની માર્કેટ સાઈઝ ૮૯૭ અબજ ડોલર છે. ૨૦૩૦ સુધીમાં એ વધીને ૧.૬ ટ્રિલિયન ડોલર અને ૨૦૩૫ સુધીમાં ૨.૨ ટ્રિલિયન ડોલરને પાર થાય એવો અંદાજ છે.
કપડાં-જૂતા-પર્સ-બેગ્સની ખરીદી વધી છે એમ એનો નિકાલ પણ વધ્યો છે. નવું આવે એટલે જૂનું કચરામાં ઠલવાય ને હવે એવો કચરો વધવા માંડયો છે. કચરામાં જતાં કપડાં પહેરાય એવા હોય છે છતાં નવી શોપિંગ થઈ ગઈ હોવાથી ફેશન-લાઈફસ્ટાઈલની ચીજવસ્તુઓ કચરામાં પધરાવી દેવામાં આવે છે અને તેના કારણે ફેશન વેસ્ટનો મોટો જથ્થો સર્જાવા માંડયો છે.
***
દુનિયાભરમાં કચરાના નિકાલમાં મિસમેનેજમેન્ટ ચાલે છે. વૈશ્વિક સંસ્થાઓથી લઈને ગ્રામ પંચાયતો સુધી કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવાઈ હોવા છતાં દર વર્ષે કચરાના ગંજ મોટા ને મોટા થતાં જાય છે. તેની સામે લોકોમાં સ્વચ્છતાનો ગુણ વિકસે, ક્યો કચરો ક્યાં ફેંકવો એની જાગૃતિ આવે તે માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ ૨૦મી સપ્ટેમ્બરે વર્લ્ડ ક્લીનઅપ ડે સેલિબ્રેટ કરે છે.
૨૦૧૮થી આ દિવસે અલગ અલગ પ્રકારના કચરાની સફાઈ થાય અને તે બાબતે અવેરનેસ આવે તે માટે પ્રયાસો થાય છે. યુએન દર વર્ષે આ દિવસે કચરા સામે સફાઈનું અભિયાન ચાલે અને લોકો જાગૃત બને તે માટે ૧૦ લાખ ડોલરનું ફંડ પણ ફાળવે છે. ગઈકાલે ક્લીનઅપ ડે હતો અને આ વર્ષની થીમ હતી - ટેક્સ્ટાઈલ એન્ડ ફેશન વેસ્ટ.
દર વર્ષે ગ્લોબલી ૧૦ કરોડ ટન ફેશન વેસ્ટ પેદા થાય છે. માનવજાત વર્ષે ૨૪૦ અબજ ટન કચરો પેદા કરે છે એની સામે આ આંકડો ઘણો નાનો છે, પરંતુ એની પર્યાવરણ પર અસર બહુ ગંભીર થાય છે. સામાન્ય રીતે રોજિંદો જે કચરો ઉત્પન્ન થાય છે એમાં બાયોલોજિકલ-ગ્રીન વેસ્ટનો ઘણો હિસ્સો હોય છે. યોગ્ય પ્રોસેસ કરીને એવા કચરાનો નિકાલ થઈ શકે છે, પરંતુ ફેશન વેસ્ટનો એ પ્રકારે સરળતાથી નિકાલ થતો નથી. ભલે, પ્લાસ્ટિક-વેસ્ટ, ઈ-વેસ્ટ કે મેડિકલ-વેસ્ટની જેમ ફેશન-વેસ્ટ એટલી મોટી સમસ્યા નથી, છતાં વર્ષો સુધી જમીન પર કચરના સ્વરૂપે કપડાં પડયા રહેતા હોવાથી તેની પર્યાવરણ પર ગંભીર અસર તો થાય છે.
જો ૧૦૦ ટકા કોટન કાપડ હોય તો છ મહિને વર્ષે એ સડી જાય છે. લિનન, સિલ્ક વગેરેને પણ ત્રણથી ૧૨ મહિના લાગે છે. જો કોઈ અન્ય પદાર્થ સાથે કોટન-સિલ્ક-લિનન હોય ને સડવામાં સમય લાગે તોય બે-ત્રણ વર્ષમાં એ ગળી જાય છે, પરંતુ મોટાભાગના કપડાં ૧૦૦ ટકા કોટન-સિલ્ક-લિનન નથી હોતા. એમાં અમુક હિસ્સો અન્ય સિન્થેટિક મટિરિયલનો હોય છે. જેમ કે, પોલીએસ્ટરનો ૨૦ ટકા ભાગ હોય એવા કપડાંને જમીન પર ફેંકી દેવામાં આવે તો એ ૧૦૦-૨૦૦ વર્ષ સુધી પડયું રહેશે. એમાંથી ગેસ અને ઝેરી કેમિકલ રીલિઝ થયા રાખશે અને પર્યાવરણને નુકસાન પહોંચાડયા કરશે. નાઈલોનનો ડિસ્પોઝલ ટાઈમ ૪૦-૫૦ વર્ષ છે. રબરનો થોડોક હિસ્સો હોય તો એ કપડાંને ડિસ્પોઝ થતાં ૮૦-૧૦૦ વર્ષ થાય છે.
***
વેલ, કાપડના કચરાએ આજની તારીખે પૃથ્વીની ૭ ટકા જગ્યા રોકી રાખી છે. ફેંકી દેવાતા કપડાંમાંથી માત્ર ૨૦ ટકાની જ રિસાઈક્લિંગ પ્રોસેસ થાય છે, ૮૦ ટકા કાપડનો કચરો દર વર્ષે જમીન પર જેમનો તેમ પડયો રહે છે. એનો અર્થ એ કે વર્ષે આઠ કરોડ ટન ફેશન વેસ્ટનો નિકાલ થતો નથી અને દર વર્ષે એટલો બીજો કચરો એમાં જમા થતો રહે છે.
કાપડના કચરાનો નિકાલ કરવા માટે આજેય મોટાભાગના શહેરોમાં યોગ્ય વ્યવસ્થા નથી. લોકોને પણ ખબર નથી કે કાપડનો કચરો ફેંકવો તો ક્યાં ફેંકવો! બીજા બધા વેસ્ટ સાથે એને ફેંકી દેવાથી ઉકેલ આવતો નથી. સફાઈના ભાગરૂપે ઘણી વખત કાપડને બાળી નાખવામાં આવે છે, પરંતુ ખરેખર એ ઉકેલ નથી. તેનાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે.
આનો ઉકેલ શું?
...તો જૂના કપડાંનો નિકાલ આડેધડ ન કરવો જોઈએ. થોડીક જાણકારી મેળવીને પ્રોસેસિંગ થતું હોય ત્યાં સુધી ફેશન વેસ્ટ પહોંચાડીશું તો પણ ગ્લોબલ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા બરાબર ગણાશે.
કાપડ અને રેડીમેડ ગારમેન્ટના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે
ચીન પછી કાપડ અને રેડીમેડ ગારમેન્ટના ઉત્પાદન, નિકાસમાં ભારતનો બીજો ક્રમ છે. ચીન અને ભારત કપાસના ઉત્પાદનમાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. દુનિયામાં ૨.૭ કરોડ ટન કપાસનું ઉત્પાદન થાય છે. એમાંથી ચીનમાં લગભગ ૬૦-૬૫ લાખ ટન અને ભારતમાં ૫૦થી ૫૫ લાખ ટનનું ઉત્પાદન થાય છે. બંને મળીને દુનિયાની કુલ જરૂરિયાતનું ૪૫ ટકા કાપડનું પ્રોડક્શન કરે છે, પરંતુ નિકાસની વાત આવે ત્યારે ભારત ચીનની સરખામણીએ પાછળ રહી જાય છે.
ભારતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ૧૬૫ અબજ ડોલરે પહોંચી છે. એમાંથી ૪૮-૫૦ અબજ ડોલરથી વધુની નિકાસ થાય છે. ભલે, નિકાસની બાબતમાં હજુય ચીન પ્રથમ ક્રમે છે અને વિશ્વમાં કાપડની નિકાસમાં ૫૦ ટકા શેર ચીનના ભાગે છે, પરંતુ ભારત આગામી એકાદ દશકામાં એમાંથી મોટો હિસ્સો અંકુશમાં લેશે. ભારતમાં વર્ષ દર વર્ષ કપાસનું ઉત્પાદન કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાય છે. તે સિવાય ભારતીય કંપનીઓ કોટનની આયાત પણ કરે છે.
દુનિયામાં ચીનની પ્રોડક્ટની જે તકલાદી ઈમેજ બની છે તેનો ફાયદો ભારતને મળશે. ભારતનું આ માર્કેટ ૧૧ ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. દેશમાં અત્યારે ૨૫૦૦ મોટી મીલ કાર્યરત છે અને રેડીમેડ કપડાંના ૪૫૦૦ યુનિટ ધમધમી રહ્યા છે. ભારતનો કાપડ ઉદ્યોગ કૃષિ પછી બીજા ક્રમનો એવો ઉદ્યોગ છે જે સૌથી વધુ રોજગારીનું સર્જન કરે છે. આ ક્ષેત્રમાં સાડા ચારથી પાંચ કરોડ લોકોને સીધી રોજગારી મળી રહી છે ને છ કરોડ લોકોને આડકતરી રોજગારી મળે છે એ રીતે જોઈએ તો દેશના ૧૦-૧૧ કરોડ લોકો કાપડ ઉદ્યોગ પર નિર્ભર છે.


