- થોડામાં ઘણું-દિલીપ શાહ
- મહિલા કર્મચારી વાચાળ હોય તો બોસ પોતાનાં દુ:ખડા રડતો રડતો મહિલા કર્મચારીની લાગણી અને એનાં ઘરના નાસ્તામાં ધીરે ધીરે નિયમિત ભાગ પડાવતો થઈ જાય છે
ધી રે ધીરે... થીમ પર જલદી જલદી લેખ લખીને પૂરો કરવાનો છે. કલમ ફાસ્ટ ચલાવવી છે પણ વિચારો ધીરે ધીરે આવે એનું શું ? (ધીરે ધીરે ચા નો ઘૂંટડો પીતાં વિચાર્યું)
'કુટંબ નિયોજન' અંગે મા-બાપે ધીરેથી અમલમાં લીધેલું એટલે વસ્તી-ગણતરીની ઐસી તૈસી કરી ઘણા ભાઈ-ભાંડુઓ આ 'મેરા ભારત મહાન'માં એન્ટ્રી પામ્યા જ ને ? ભણતરમાં કક્કો-બારાખડી ધીરે ધીરે ઘૂંટનારા 'ઠોઠિયા'માં ખપી જાય છે. ધીરેથી કામ કરનારી નવી વહુ સાસુ-નણંદની ટકોરથી પિયરમાં સતત ફોન કરતી થઈ જાય છે. ઓફિસમાં ધીરેથી કામ કરનાર જો પુરુષ હોય તો બોસની કેબીનમાં 'સોરી સર' જાપ જપતો થઈ જાય પણ ભૂલેચૂકે કામમાં ધીરી રૂપાળી, નટખટ... વાચાળ મહિલા કર્મચારી હોય તો બોસ પોતાનાં દુ:ખડા રડતો રડતો મહિલા કર્મચારીની લાગણી અને એનાં ઘરનાં નાસ્તામાં નિયમિત ભાગ પડાવતો ધીરે ધીરે થઈ જાય છે. (ભૂલી ગયા ? પતિ, પત્ની ઔર વો!) ટ્રેન, એસ.ટી., વિમાનો ધીરે ધીરે લેઈટ-કેન્સલનાં ગ્રહણમાં નથી આવી જતા? ટ્રાફિક જામ થાય ત્યારે વાહનો પેલી ગોકળગાયની જેમ કેવા ધીરે ધીરે પરેડ નથી કરતા ? હીટ પિક્ચર મૂવીની, વરસાદ વખતે જાહેર મૂતરડી પાસેની આર્થિક વટહુકમ વખતે બેંકોનાં એટીએમ પાસેની લાઈનો ધીરે ધીરે ખસે એ રૂટિનમાં ગણાય છે.
સરકારી ફાઈલો ધીરે ધીરે (વજનના અભાવે) ખરતી હોય ત્યારે ચેકબુકનાં પાનાં ખુરશી પરનાં 'હલકાં' કર્મચારીને કેવો 'ભારેખમ' કરી દે છે! અદાલતોમાં 'તારીખ પે તારીખ...' મુદત ધીરે ધીરે ચાલે એ માટે બિચ્ચારાં સની દેઓલે જ બરાડા પાડવાના ?
બોલીવુડમાં 'સમય તું ધીરે ધીરે ચલ' કહી પડકારવાનો ? 'ધીરે ધીરે ચલ ચાઁદ ગગનમેં....' દેવકાકા પેલી માલાબુનને લવમેરેજમાં મનાવવામાં ચાંદામામાને અડફેટે નથી લેતા ? 'ધીરે ધીરે મેરી જિંદગીમાં આના' અને પછી ? 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ.... પ્રેમની સંતાકૂકડી ધીરે ધીરે કેવી ફીટમ્ ફીટ ! થોડા સમય પછી... 'ધીરે ધીરે મચલ યે દીલે બેકરાર કોઈ આયા હૈ... લો જોઈ ધીરે ધીરેની મ્હોંકાણ ?
મરીમસાલા
કોઈ ઠેકાણે આગ લાગે ત્યારે ભાગવામાં, આઈટમ સોંગ સ્ક્રીન પર આવે ત્યારે ડોળા ફાડી જોવામાં અને પરીક્ષામાં છેલ્લી મિનિટોમાં પડોશીમાંથી કોપી કરવામા ંધીરે ધીરે ના ચાલે. કોઈ શક ?


