Get The App

પૂર્વાભાસમાં થતું ભવિષ્ય દર્શન .

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
પૂર્વાભાસમાં થતું ભવિષ્ય દર્શન                                          . 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- કોણ જાણે કેમ પણ નિકીના હાથમાંથી બંદૂક છટકીને નીચે પડી ગઈ. ટ્રિગર દબાઈ ગઈ અને નિકીની છાતી વીંધાઈ ગઈ...

મ હર્ષિ પતંજલિએ યોગદર્શનમાં એક સૂત્ર આપ્યું છે - પરિણામત્રય સંયમાત્ અતીત અનાગત જ્ઞાનમ્ - કોઈપણ પદાર્થના ત્રણે પરિણામમાં સંયમ અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિ કરવાથી ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થઇ જાય છે (વિભૂતિ પાદ, અધ્યાય-૩, શ્લોક-૧૬) ઋષિ-મુનિઓ યોગ સિધ્ધિ ધરાવતા હતા એટલે તે ત્રિકાળજ્ઞાની પણ રહેતા. પૌરસ્ત્ય દર્શનની આ યોગશક્તિનું સમર્થન હવે પાશ્ચાત્ય પરામનોવિજ્ઞાન અને વિજ્ઞાન પણ કહે છે.

અમેરિકાની સરે યુનિવર્સિટીના આર્ગેનિક કેમસ્ટ્રી એન્ડ કેમિકલ એન્જિનિયરિંગના હેડ, મેડિસિનલ કેમેસ્ટ્રીના સંશોધક રસાયણ વિજ્ઞાની ડૉ. એડ્રિઅન ડોબ્સ (Adrian Dobbes) કહે છે કે ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે જેને 'સાઈકોટ્રોનિક વેવ ફ્રન્ટ' કહેવામાં આવે છે. તેને માનવીનું મન ચેતનાની પરિવર્તિત દશામા ગ્રહણ કરી લે છે. માનવીનું મસ્તિષ્ક સ્વપ્ન, દિવાસ્વપ્ન કે આલ્ફા વેવ્ઝ વહેતા હોય એવી દશામાં એ તરંગોને પકડી લે છે જેનાથી તેને ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનમાં ક્યંક દૂર ઘટી રહેલી ઘટનાની જાણકારી પ્રાપ્ત થઇ જાય છે. ભવિષ્યમાં બનનારી ઘટનાનું પૂર્વજ્ઞાન કે પૂર્વદર્શન થઇ જાય તેને પ્રિકોગ્નિશન કે પ્રિમોનિશન કહેવામાં આવે છે. આ પૂર્વાભાસ અંત:સ્ફૂરણાને આધારે સ્વપ્ન, દિવાસ્વપ્ન કે વિશ્રાંતિની સ્થિતિમાં ખાસ થતો જોવા મળે છે.

આ પ્રકારની ભવિષ્યની ઘટનાનું પૂર્વજ્ઞાન થઇ જવાની અનેક ઘટનાઓ આલેખિત થયેલી છે. કેલિફોર્નિયાના મોડેસ્ટોમાં ફરજ બજાવતી પૌલાસ્ટ્રેટસ પોતાના કામમાં એકદમ વ્યસ્ત હતી. ત્યાં એકાએક તેની ચેતનાની દશા પરિવર્તિત થઇ ગઈ. તેને અંત:સ્ફુરણા થવા લાગી. તેને તેનો પુત્ર નિકી બહુ જ યાદ આવવા લાગ્યો. તેનું મન કહેવા લાગ્યું કે નિકી પર કોઈ મોટું સંકટ આવી રહ્યું છે. આ વિચારોથી તે વ્યગ્ર બની ગઈ. તેણે તેના પિતાને ફોન કર્યો. તેના પિતાજીએ ફોન ઉપાડયો. પૌલાએ તેમને નિકી અત્યારે શું કરી રહ્યો છે તેની ખબર જોઈ આવવા વિનંતી કરી. નજીકમાં જ રહેતા તેના પિતાજી નિકીની તપાસ કરવા ગયા. ત્યાં જઇને જોયું તો ખબર પડી કે નિકી થોડીવાર પહેલાં તેની સાઇકલ પર બેસીને ક્યાંક જવા માટે નીકળી ગયો છે. પિતાજીએ પૌલાને આ સમાચાર આપ્યા એટલે તેની ચિંતા પહેલાં કરતાંય વધી ગઈ.

થોડી જ વારમાં નિકી સાથે દુર્ઘટના ઘટિત થઇ ગઈ. તેર વર્ષની ઉંમરનો નિકી ભરેલી બંદૂક લઇને તેની સાઇકલ પર ક્યાંક જઇ રહ્યો હતો. કોણ જાણે કેમ પણ તેના હાથમાંથી પેલી બંદૂક હાથમાંથી નીચે પડી ગઈ. એમાં ટ્રિગર દબાઈ ગઈ અને ગોળી ઉપરની તરફ ગઈ. તેનાથી નિકીની છાતી વીંધાઈ ગઈ. ત્યાં જ તેના પ્રાણ છૂટી ગયા. પૌલાને એના પુત્રની સાથે કંઇ ખરાબ થવાનું છે એવો જે પૂર્વાભાસ થયો હતો તે સાચો સાબિત થયો.

યુ.એસ.એ.ના લોસ એન્જિલસમાં પોલિસના પદ પર કાર્યરત ચાર્લ્સ બોગાર્ડસના જીવનમાં બનેલી ઘટના પણ પૂર્વાભાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માર્ચ ૧૯૫૯ની એક રાત્રે ચાલીસ વર્ષની વયના પોલિસ ઑફિસર ચાર્લ્સ બોગાર્ડસે તેની પત્નીને કહ્યું - મિલ્ડરેડ ! મને થોડીવાર પહેલાં એક વિચિત્ર અહેસાસ થયો. મને એવું લાગ્યું કે હું બહુ જલદી મરણ પામવાનો છું. હું કોઈ બીમારીનો ભોગ નહીં બનું પણ કોઈ હુમલામાં મારું મોત થઇ જશે. તેની પત્ની મિલ્ડરેડે કહ્યું - આવું કંઇ ના બને. કોઈવાર તમારું મન ખોટા વિચારોના પ્રવાહમાં તણાઈ જાય ત્યારે આવું લાગવા માંડે તે પછી તે બન્ને સૂઈ ગયા. બે-ચાર દિવસ પસાર થયા પણ કોઈ દુર્ઘટના બની નહીં. તે પેલા પૂર્વાભાસને ભૂલી પણ ગયા.

એક દિવસ બોગાર્ડસ અને તેમના સાથી ઓફિસર એમની નિયત રજા પર હતા. સવારે ૧૧ વાગે તેમને એક રેડિયો સંદેશ મળ્યો - જેટલા બને એટલા જલદી વોશિંગ્ટન બુલેવાર્ડ (washington Boulevard) પહોંચો. ત્યાં બે બંદૂકધારી લૂંટારા લૂંટફાટ કરી રહ્યા છે. બોગાર્ડસ તેના સાથી સાથે કારથી ત્યાં જવા નીકળ્યો. પોલીસને જોતાંની સાથે બન્ને ચોર ભાગવા લાગ્યા. બોર્ગાડસે એક ચોરનો પીછો કર્યો. બોર્ગાડસ ચોરની નજીક પહોંચવાની તૈયારીમાં હતા ત્યાં જ એક ચોરે પાછા વળીને બોર્ગાડસ પર બંદૂકથી ગોળી છોડી દીધી. ગોળી તેના માથામાં વાગી અને તે ત્યાં જ ઢળી પડયો. આમ, બોગાર્ડસનો પૂર્વાભાસ બિલકુલ સાચો સાબિત થયો.

પૂર્વાભાસ જીવનનું રક્ષણ પણ કરી શકે છે તે દર્શાવતી એક ઘટના પણ નોંધપાત્ર છે. કેલિફોર્નિયાના એક પુસ્તક પ્રકાશક ક્લિફોર્ડ મકે તેના એક વ્યાવસાયિક મિત્ર અબ્રાહમ ઇજરને તેના ઘેર નિમંત્રિત કર્યો હતો. બન્ને વાતો કરી રહ્યા હતા ત્યારે ક્લિફોર્ડની પત્ની હું સ્નાન કરવા જાઉં છું એમ કહીને ત્યાંથી બીજા રૂમમાં ચાલી ગઈ. મેક અને ઇજરની વાતો ચાલતી રહી. લગભગ વીસેક મિનિટ બાદ અબ્રાહમ ઇજર બોલી ઉઠયો - મેક, મને અવારનવાર પૂર્વાભાસ થાય છે. અત્યારે મને લાગ્યું કે તારી પત્ની કોઈ સંકટમાં છે. તું અત્યારે જ જઇને તપાસ કર. મેકે જઇને જોયું તો તેની પત્ની રૂમમાં ક્યાંય નહોતી એટલે એને ખ્યાલ આવ્યો કે તે બાથરૂમમાં હશે. તેણે બાથરૂમનો દરવાજો ખખડાવ્યો અને તેની પત્નીને બાથરૂમ ખોલવા જણાવ્યું. પણ અંદરથી કોઈ અવાજ ના આવ્યો. તેણે ફરી પ્રયત્ન કર્યો પણ પરિણામ એ જ આવ્યું. તેને કંઇક અજુગતું બન્યું હોવાનો અંદેશો આવી ગયો. તેણે ઇશરને બોલાવ્યો અને બન્નેએ જોરથી ધક્કા મારીને બારણું તોડી કાઢ્યું. મેકે અંદર જઇને જોયું તો તેની પત્ની બેભાન પડી હતી. તેનું માથું પાણીના ટબની અંદર હતું. બન્ને તેને ઉંચકીને બહાર લાવ્યા. તેને તરત હોસ્પિટલ લઇ જવામાં આવી. તાત્કાલિક સચોટ સારવાર મળતાં તે થોડા કલાકો બાદ સ્વસ્થ થઇ ગઈ. આમ અબ્રાહમ ઇજરની અતીન્દ્રિય શક્તિથી થયેલા પૂર્વાભાસે મેકની પત્નીનું જીવન બચાવી લીધું.