- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- જો તમે આ ભવ્ય રિયાલિટી શોનો હિસ્સો બનીને સ્ટાર બની જવા માગતા હો તો તે માટે થોડી તૈયારી કરવી પડશે અને કેટલીક વિશિષ્ટ લાયકાતો કેળવવી પડશે. આ રહી ઉપયોગી ટિપ્સ!
સા યલન્સર વગરના છકડા જેટલો ઘોંઘાટ કરતી બિગ બોસ સિઝન-૧૯ની ગાડી ટોપ ગિયરમાં દોડી રહી છે. સૌથી ભારાડી નર કે નારી છેલ્લે વિજેતા ઘોષિત થશે અને સર્વ દિશાઓમાં એનો જયજયકાર થશે. બિગ બોસના ઘરમાં જવાથી ચિક્કાર પબ્લિસિટી વત્તા ફદિયાં વત્તાં કામ મળતાં હોય તો એમાં એન્ટ્રી લેવાનું મન સૌ કોઈને થાય. અલબત્ત, તેના માટે તમારામાં કેટલીક વિરલ લાયકાતો હોવી જોઈએ. કઈ કઈ? આ રહી બિગ બોસ પાટસિપન્ટ બનવા માટેની માર્ગદશકા.
૧. તમે શો બિઝનેસ સાથે સંકળાયેલા હો તે ઈચ્છનીય છે. યાદ રહે, વાત શો બિઝનેસ સાથે માત્ર સંકળાવાની છે, સફળ હોવાની નહીં. સફળ માણસ બિગ બોસ હાઉસમાં ત્રણ મહિના રહેવા માટે તોતિંગ ફીની ડિમાન્ડ કરે જે ચેનલને પોસાય નહીં. આથી તમે બેકાર, નિષ્ફળ, ફેંકાઈ ગયેલા, ભુલાઈ ગયેલા, ફસ્ટ્રેટેડ અને તેથી સોંઘા મનુષ્યપ્રાણી હો તે વિશેષપણે ઇચ્છનીય છે.
૨. શું તમે ફિલ્મ, ટીવી કે ઓટીટીના કલાકાર નથી? કશો વાંધો નહીં. તમને રીલ્સ બનાવી-બનાવીને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કરતાં આવડે છેને? તો તો તમારા કરતાં બહેતર કોઈ હોઈ શકે જ નહીં! બસ, તમારા ફોલોઅર્સની સંખ્યા લાખોમાં હોય એટલું પૂરતું છે. આજના જમાનામાં ભગવાન પછી સૌથી વધારે પૂજા કોની થાય છે? સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની, અફ કોર્સ. જરા એક વાતનો ખ્યાલ રાખજો. તમે અત્યારે રીલ બનાવવા પૂરતી પંદર-પચ્ચીસ સેકન્ડ, બહુ બહુ તો એકાદ-બે મિનિટ માટે એક્ટિંગ કરો છો, પણ બિગ બોસ હાઉસમાં તો તમારે ચોવીસે કલાક એક્ટિંગ કરવી પડશે. ફાવશેને?
૩. તમે કોઈ ચટાકેદાર કારણસર મીડિયામાં ચમકો તે જરૂરી છે. 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' નામના પેલા કોમેડી શોમાં દિવ્ય અમૃતવાણી ઉચ્ચારનાર પોડકાસ્ટવીર રણવીર અહલાબાદિયા ઉપરાંત સમય રૈના (સ્ટેન્ડ-અપ કોમેડિયન) અને અપૂર્વા મખીજા (ઇન્ફ્લ્યુએન્સર)એ થોડા મહિના મીડિયા માથે લીધું હતું, યાદ છે? આ ત્રણેય જણાં બિગ બોસમાં વહેલામોડા આવ્યાં જ સમજો! તમને ખાતરી ન થતી હોય તો બિગ બોસના ભવ્ય ભૂતકાળ તરફ નજર નાખો. એક જમાનામાં મિકા નામના અજાણ્યા સિંગરે ભરી મહેફિલમાં રાખી સાવંતમાં બકી ભરી લીધી હતું ને રાખીને ગામ ગજાવ્યું હતું. બિગ બોસવાળાઓએ રાખીને પટ્ કરતી સિલેક્ટ કરી લીધેલી. અરે, રાખી સાવંત તો બિગ બોસની ત્રણ-ત્રણ સિઝનની શોભામાં અભિવૃદ્ધિ કરી ચૂકી છે. રસિક સિનિયર દર્શકોને યાદ હશે કે કેરલ ગ્રેશિયસ નામની એક મોડેલનું રેમ્પ પર કેટવોક કરતી વખતે વોર્ડરોબ માલફંક્શન થઈ ગયું હતું અને એનું ઉપરનું અડધું શરીર ઉઘાડું થઈ ગયું. ટીવી ચેનલોને જલસો પડી ગયો હતો. પરિણામ? બિગ બોસમાં કેરલની એન્ટ્રી પાકી થઈ ગઈ. રાજા ચૌધરી નામનો એક શખ્સ પહેલાં પોતાની ટીવીસ્ટાર પત્ની શ્વેતા ચૌધરીને અને પછી શ્રદ્ધા શર્મા નામની ગર્લફ્રેન્ડને નિયમિત ધીબેડતો હતો અને ધજાગરા કરતો હતો. પરફેક્ટ! બિગ બોસવાળાઓએ આ ત્રણેય જણાને વારાફરતી અલગ અલગ સિઝનમાં લઈ લીધાં!
૪. તમારા નામે કૌભાંડો બોલતાં હોય, તમારા પર ભૂતકાળમાં એકાદું સ્ટિંગ ઓપરેશન થયું હોય કે તમારી મારામારીના કે સેક્સપ્રવૃત્તિના વીડિયો વાઇરલ થઈ ચૂક્યા હોય તો તો ક્યા કહને. તમારી કીત ઓલરેડી દસેય દિશાઓમાં ફેલાઈ ચૂકી છે! અલબત્ત, બિગ બોસમાં આવવાથી તમે વધારે ફેમસ બનશો, અને બીજું, તમે તમારાં કૌભાંડો વિશે સાચાખોટા ખુલાસાઓ કરીને ખુદને નિર્દોષ ઘોષિત કરી શકશો. તમે બિગ બોસ હાઉસમાંથી બહાર આવશો ત્યાં સુધીમાં તમારી ઇમેજ એટલી ચોખ્ખી થઈ ચૂકી હશે કે કોઈ વોશિંગ મશીન કે વોશિંગ પાઉડર બનાવતી કંપનીઓ તમને મોડલિંગ કરવાની ઓફર આપશે. લખી રાખો!
૫. બદનામી! ઉપર કહ્યું તેમ આ સૌથી મહત્ત્વનું ક્વોલિફિકેશન છે. તમે પોતે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા હો તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં. કમનસીબે તમે સારા માણસ હો, પણ જો ક્રિમિનલ સાથે સંબંધ ધરાવતા હો તો તે સિદ્ધિને પણ ચોક્કસ કન્સિડર કરવામાં આવશે. યાદ કરો ભૂતકાળના બિગ બોસની પાટસિપન્ટ મોનિકા બેદી અને નિહિતા બિશ્વાસને. અનુક્રમે અબુ સાલેમ અને ચાર્લ્સ શોભરાજ જેવા ખૂંખાર માણસની ગર્લફ્રેન્ડ કે પત્ની હોવું તે કંઈ જેવી તેવી વાત છે?
૬. તમે પુરુષ હો તો બોડી બનાવવાનો અને ી હો તો બોડી દેખાડવાનો શોખ હોવો જોઈએ. શું કહ્યું? આ શોખ તમે ઇન્સ્ટાગ્રામ પર રોજ પૂરો કરી લો છો, એમ? વેરી ગુડ. હવે જવાબ આપો કે શું તમને વધુમાં વધુ શરીર ખુલ્લું રહે એવું ટાપ, વેંત જેવડી ચડ્ડી અને છ ઇંચની હિલ્સ પહેરીને તમને ઝાડુ કાઢતા કે વાસણ ઊટકતાં આવડે છે? જો ન આવડતું હોય તો પ્લીઝ, શીખી જાઓ, કારણ કે આ ટેલેન્ટ તમને બિગ બોસમાં બહુ ઉપયોગી થશે.
૭. શું તમને એન્ગર ઇશ્યુઝ છે? શું તમને ઇમ્પલ્સ કંટ્રોલ ઇશ્યુઝ છે? બિગ બોસની વર્તમાન પાર્ટિસિપન્ટ તાન્યા મિત્તલ માને છે કે પોતે અંબાણી કરતાંય વધારે ધનિક, નરેન્દ્ર મોદી કરતાંય વધારે પાવરફુલ અને દીપિકા પદુકોણ કરતાંય મોટી સેલિબ્રિટી છે. શું તમે એના જેવા ડિલ્યુઝનલ છો? ફિઝિકલી ફિટ પણ મેન્ટલી અનફિટ - આ તો ડેડલી કોમ્બિનેશન ગણાય. તમને પાગલપણાના એટેક આવતા હોય અને તમારો સ્ક્રૂ વારેવારે ઢીલો થઈ જતો હોય તો તમે બિગ બોસ શોના સ્ટાર બની જશો એ વાતની ગેરંટી! જો તમે સકાયેટ્રિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લેતા હો કે લઈ ચૂક્યા હો તો એના કાગળિયા બિગ બોસમાં અરજી કરતી વખતે ખાસ બીડવાં.
૮. નોનસ્ટોપ વીસ મિનિટ સુધી અસ્ખલિતપણે, હાથ લાંબા કરી કરીને, 'બીપ બીપ બીપ'નો વરસાદ વરસે એવી ગાળો બોલી શકવાની કાબેલિયત છે તમારામાં? સુપર્બ. બીજા પાટસિપન્ટ્સ ભૂતકાળમાં કેટલાં લફરાં, બ્રેકઅપ અને ડિવોર્સ કરી ચૂક્યા છે તે વિશેનું વિશાળ જનરલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ઘાંટા પાડી પાડીને ઝઘડા કરતી વખતે સામેની વ્યક્તિના કેરેક્ટર પર કાદવ નહીં ઉછાળો ત્યાં સુધી એપિસોડમાં જમાવટ નહીં થાય ને તમે સ્ક્રીન પર નહીં દેખાઓ, યુ સી. કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ - આ કહેવત સાંભળી છેને તમે?
૯. મ્યુઝિક વાગતાંની સાથે જ ભરઊંઘમાંથી ઉઠીને તમને ગાંડાની જેમ નાચતા આવડવું જોઈએ. ભલે ઓડિયન્સને થાય કે આ બધાને સાગમટે માતાજી આવ્યાં કે શું? પાલ ડાન્સ અને સ્ટ્રીપટીઝ કરતાં શીખી જવું, કારણ કે બિગ બોસના ઘરમાં આવી સર્જનાત્મક નૃત્યપ્રવૃત્તિઓ અવારનવાર યોજાતી રહે છે - ીઓ અને પુરૂષો, બન્ને માટે.
૧૦. બિગ બોસ તમામ પ્રકારના સિનેમાને પ્રોત્સાહન આપવામાં માને છે. પોર્ન સિનેમાને પણ! એટલેસ્તો ૨૦૧૧માં બિગ બોસની પાંચમી સિઝનમાં ભાગ લેવા માટે સની લિઓની નામક પોર્નસ્ટારને ખાસ વિદેશથી તેડાવવામાં આવી હતી. તે વખતે આપણા ઉત્સાહી મીડિયાએ આ ભવ્ય સન્નારીને એટલી બધી ફેમસ કરી નાખી કે જાણે એ બેસ્ટ એક્ટ્રેસ માટેના ઓસ્કર અવોર્ડની હેટટ્રિક કરીને ભારત પધારી હોય! મહેશ ભટ્ટ તો બિગ બોસ હાઉસમાં જઈને સની લિઓનીને એક ફિલ્મની ઓફર આપી આવ્યા હતા. ધારો કે કોઈએ, એકતા કપૂરની પેલી ઓલ્ટ બાલાજી યા તો ઉલ્લુ કે એવી કોઈ ભમરાળી એપના કામકલાત્મક શોમાં અભિનયના અજવાળાં પાથયાંર્ હોય તો? અદભુત! બિગ બોસ માટે ઓડિશન આપવા જતી વખતે એણે પેલા શોના મહત્ત્વપૂર્ણ અંશો દર્શાવતી ક્લિપ્સ સાથે લઈ જવાનું બિલકુલ નહીં ભૂલવાનું.
બેસ્ટ ઓફ લક!
શો સ્ટોપર
'આજકાલના સ્ટાર્સ સેટ પર પર્સનલ રસોઈયા રાખે છે ને એનો ખર્ચ પ્રોડયુસરોએ ભોગવવો પડે છે. આપ ઇતને બડે સ્ટાર બન ગયે હો, અચ્છા કમા રહે હો... ક્યા આપ મેં ઇતની ભી ખુદ્દારી નહીં હૈ કિ ખુદ કે ખર્ચ ખુદ ઉઠા સકો?'
- આમિર ખાન


