- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- ઝરણું પર્વતની ગોદમાં લપાઈને બેસી રહે તો પથ્થરો વીંધીને આગળ વધવાનું બળ ક્યાંથી મેળવે? તેજીને ટકોર હોય, કરૂણાં નહીં...
વ રદાનનું મન બેચેન હતું. એને લાગતું હતું કે પોતાનું સઘળું શિક્ષણ બેકાર ગયું છે. ઘરમાં જીવન-ઘડતર થયાનો ભ્રમ એનો તૂટી ગયો હતો. મિત્રમંડળીમાં તેની ભારે બેઇજ્જતી થઇ હતી. પિકનિકમાં પોતાના પાયજામાને નાડુ નહીં નાખી શકવાને કારણે વરદાન રડી પડયો હતો. ત્યારે મિત્રોએ તેની ઠેકડી ઉડાવતાં કહ્યું હતું : ''બાબાભાઈ, દૂધ પ્યાલામાં પીશો કે બાટલીમાં ?'' પિકનિકમાં આવેલા તે મિત્રોનું અટ્ટહાસ્ય કેવું ભયાનક હતું !
વરદાનને પહેલીવાર પોતાના પપ્પા પર આજે રોષ આવ્યો હતો. અત્યાર સુધી એ પોતાનાં પપ્પાની લાગણી અને વહાલના વખાણ કરતાં થાકતો નહોતો. આજે પહેલી વખત વરદાનને લાગ્યું કે ઘડવા માટે પંપાળનારા હાથની જ નહીં પણ ટીપવાની આવડતની પણ આવશ્યકતા છે.
વરદાન પોતાની આજની નિષ્ફળતાને વહાલસોયા પિતાએ પ્રદાન કરેલા વાત્સલ્યના પલ્લામાં તોળવાની કોશિશ કરે છે. ત્યારે એને ચોક્કસ લાગે છે કે પિતાના અતિ લાડ-પ્યારે જ તેના વિકાસ માટેનો ધબકાર એની પાસેથી છીનવી લીધો છે, અને સુખસુવિધાઓના અંબાર વચ્ચે પડી રહેલા એક એદી યુવાન સમાજને લમણે લખી દીધો છે.
વરદાનનાં મમ્મી-પપ્પા દામ્પત્યનાં દસ-દસ વર્ષોથી પગલીનાં પાડનારની પ્રતીક્ષામાં હતાં. પોતે વિજ્ઞાનના સ્નાતક હોવા છતાં વરદાનના પપ્પા વિરલકુમારે વિજ્ઞાનની ઘોર ઉપેક્ષા કરીને બાધા-બંધણી, મંત્ર-તંત્રને શિરે મસ્તક મૂકી દીધું હતું. વરદાનની મમ્મીએ પણ પથ્થર એટલા દેવ કર્યા હતાં. પણ પગલીના પાડનારની પધરામણીનાં એમના સપના પર જીવનદાતાની કરૂણાની વાદળી વરસતી નહોતી.
અંતે દત્તકવિધાન દ્વારા પુત્રને ગોદ લઇને માતૃત્વનું સુખ માણવાનો એમણે નિર્ણય કર્યો હતો...પરંતુ બીમારીમાં પટકાયેલાં વરદાનના મમ્મીને ડોક્ટરે માતૃત્વની વરદાન પ્રાપ્તિની વધામણી આપી ત્યારે આખા ગામમાં ખુશીની હેલી ચઢી હતી... સૌનાં મોં મીઠાં કરાવીને પોતાના પારિવારિક આનંદમાં વિરલકુમારે ગામને સહભાગી બનાવ્યું હતું.
પણ કુદરતની લીલા જુઓ... વરદાનનો જન્મ થયો અને બીજી બાજુ તેની માતાએ દેહલીલા સંકેલી લીધી. જન્મતાંની સાથે જ માતાને ગુમાવનાર નવજાત શિશુ વરદાન નોંધારો થઇ ગયો હતો...આ પ્રસંગ આજે પણ તેના પપ્પા વિરલકુમાર યાદ કરે છે, ત્યારે વરદાનની આંખ ભીની થઇ જાય છે.
વરદાનની મમ્મીનાં અવસાન બાદ તેનાં પપ્પા વિરલકુમારના જીવનમાં ધરમૂળ ફેરફાર થઇ ગયો હતો. વરદાનને સારી રીતે ઉછેરવા માટે એમણે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું. લોકો અને સગા-વહાલાને મન એ મૂર્ખતા હતી. જે કામ એક આયા કરી શકે, એ કામ માટે મોટા પગારની નોકરી છોડી દેવાની શી જરૂર ? પુરુષ ગમે તેટલું કરે તોય સ્ત્રી થોડો બની શકવાનો હતો ? મા એ મા. બાપ ગમે તેટલો લાગણીશીલ હોય પણ એ મા નું સ્થાન ન લઇ શકે. વિરલકુમારે વરદાન માટે બીજાં લગ્ન કરી લેવાં જોઇએ...આવું બધું જાત જાતનું લોકો બોલતાં પણ વરદાનની ખબર લેવાની કોઇને ય ફુરસદ નહોતી.
પણ વરદાનના પપ્પા વિરલકુમારે એને માતૃપ્રેમની પ્રતીતિ કરાવવાનો સંકલ્પ કર્યો હતો. વિરલકુમારને મન પુત્ર-ઉછેર એ વ્રત હતું. એ જ પૂજા એ જ આરાધના. વરદાનની સારસંભાળ માટે બાઈ રાખી હતી પણ પોતે જ તેની સારસંભાળ રાખતાં હતાં. વરદાનને છીંક આવે તો પણ વિરલકુમાર દોડાદોડ કરી મૂકતા અને આયાને કડક ઠપકો આપતા. વરદાનનું સુખ અને આનંદ જ હવે તેમના જીવનનો મહત્વનો ઉદ્દેશ બની ગયા હતાં.
વરદાનને તેઓ પોતાની સાથે જ સુવાડતા. રાતમાં ચાર-પાંચ વખત જાગીને તેને બરાબર ઓઢ્યું છે કે નહીં તે ચેક કરતાં. સવારે બ્રશથી તેના દાંત ઘસી આપતાં. ઉલ ઉતારી આપતા. સાબુ ચોળીને તેને નવડાવતા. ત્યારબાદ કાળજીપૂર્વક તેનું શરીર લૂછીને પાવડર છાંટી આપતા, વાળ ઓળી આપતા અને આયાબેન તૈયાર કરેલો નાસ્તો ટેબલ પર ગોઠવાઈ જાય એટલે પોતે કોળિયા પણ જાતે જ ભરાવીને વરદાનને વહાલથી ખવડાવતા.
વરદાનને બાલમંદિરમાં દાખલ કર્યો તે દિવસથી તેની વર્ગશિક્ષિકા પણ ખુશખુશાલ થઇ ગયા હતા. વરદાનની વિશેષ દેખરેખ રાખવાનું મહેનતાણું તેમને મળતું થઇ ગયું હતું. રિસેસમાં નાસ્તો લઇને જવામાં વિરલકુમાર ક્યારેય મોડા નહોતા પડતા. વરદાન ત્રીજા ધોરણમાં આવી ગયો હતો. વર્ગમાં વરદાન વર્ગમાં પહેલાં નંબરે આવવો જોઇે. પણ વરદાનને તેઓ ઘરે વધુ વાંચવા-લખવાની છૂટ નહોતા આપતાં પરિણામે વરદાન ઝડપથી લખી શકતો નહોતો અને સારા અક્ષરો પ્રત્યે પણ એ બેદરકાર હતો. વરદાનની સાથે જ એના મિત્ર વિદ્યુતને પણ બાળમંદિરમાં દાખલ કરવામાં આવ્યો હતો. વિદ્યુત એક સામાન્ય ક્લાર્કનો પુત્ર હતો પણ અભ્યાકમાં ખૂબ જ મહેનત કરતો હતો. વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યારે વિદ્યુત કાયમ પહેલો નંબર મેળવતો પરંતુ વરદાનને પોતાને પાછળ રહ્યાનું લેશમાત્ર દુ:ખ વરતાતું નહોતું. અભ્યાસમાં એ ઘોર પરિશ્રમ કરવા માટે પોતાના આરામપ્રિય મનને તૈયાર કર શકતો નહોતો.
નોટો ખરીદવી, પુસ્તકોને પૂંઠા ચઢાવી આપવા, નોટો ઉતારી આપવી, અઘરો નિબંધ લખી આપવો, બોલપેનમાં રિફિલ બદલી આપવી, ટાઇમટેબલ પ્રમાણે સ્કૂલ બેગ તૈયાર કરાવી આપવી, યુનિફોર્મ પહેરાવવો, બૂટ પણ સાફ કરી આપવા - આ તમામ કાર્યો વરદાનના પપ્પા વિરલકુમાર અત્યંત ઉમળકા અને ચીવટથી કરતા. પરિણામે વરદાન સંપૂર્ણપણે પપ્પામય થઇ ગયો હતો. પોતાનું નાનકડું કામ પણ એ પપ્પાની મદદ કરવાનું કલ્પી શકતો નહોતો અને વરદાન ક્યારેક કોઇ કામ જાતે કરવા પ્રયત્ન કરતો ત્યારે તર જ તેના પપ્પા કહેતા : ''બેટા, તુ શું કામ કષ્ટ વેઠે છે...તારો બાપ હજી બેઠો છે. હું ના હોઉં ત્યારે...તું કામ કરજે... જેવી ભગવાનની મરજી'' કહી વિરલકુમાર રડી પડતાં. અને વરદાન પણ તેમને ભેટીને રડવા માંડતો. પછી બાપ દીકરો ભીંત પર ટીંગાએલી હારવાળી વરદાનની મમ્મીની તસવીરને અનિમેષ નયને જોઇ રહેતા...વરદાન 'મમ્મી' બોલવાની કોશિશ કરતો...પણ પપ્પા શબ્દ જ તેના મોંઢેથી સરી પડતો. ક્યારેક તો બાપ-દીકરો ભૂખ્યા-તરસ્યા એકબીજાને ભેટીને જમીન પર સૂઇ જતાં.
વર્ષો વીતી ગયાં....હવે વરદાન તરુણ બની ચૂક્યો હતો. પરંતુ તેના પપ્પા વિરલકુમારના વર્તનમાં કશો જ ફેરફાર નહોતો થયો. બેંક ક્યાં છે, બજાર ક્યાં છે, રેલવે સ્ટેશન ક્યાં છે, રિઝર્વેશન કેવી રીતે કરી શકાય વગેરે જરૂરી માહિતીથી વરદાન સાવ
અજાણ હતો. કારણ કે તેના પપ્પા તેના સઘળાં કામો જાતે કરી લેતા હતાં.
વરદાનનો અભ્યાસ સુધારવા માટે શહેરની છાત્રાલયવાળી શાળામાં દાખલ કરવાની એના વર્ગશિક્ષકે સલાહ આપી ત્યારે વરદાનના પપ્પા વિરલકુમાર છેડાઈ પડયા હતા. તેઓ વરદાનને પોતાનાથી દૂર કરવા માંગતા નહોતા.
જેમ તેમ કરીને વરદાને હાઈસ્કૂલનું શિક્ષણ પુરું કર્યું. અભ્યાસ પ્રત્યેના પ્રમાદને કારણે વરદાન બીજી ટ્રાયલે હાયર સેકંડરીમાં પાસ થયો હતો. એને ઠપકો આપવાને બદલે તેનાં પપ્પા વિરલકુમાર એ જ વાતનું આશ્વાસન આપતાં કહેતા : ''બેટા, પાસ થવાય કે ન થવાય તારે મન પર કશો ભાર નહીં રાખવાનો. ગ્રેજ્યુએટ કહેવડાવા ખાતર જ તને કોલેજમાં દાખલ કરવાનો છે. નોકરી તો ગરીબ-ગુરબાં કરે. તું તો શ્રીમંતનો દીકરો છે તારાં પપ્પાની જમીન અને મિલકત સંભાળીશ તોય ઘણું છે.''
કોલેજમાં પણ ટયૂશનની સગવડ છતાં વરદાનના અભ્યાસના રગશિયા ગાડામાં કશો ફેર પડયો નહોતો. એટીકેટી મેળવી માંડ માંડ અભ્યાસ આગળ વધારતો હતો. વરદાન પોતાની કમજોરી ઢાંકવા માટે પોતાના પપ્પાની અમીરી અને સુખ સાયબીનાં વખાણ કરતાં થાકતો નહોતો. તેના મિત્રોને પણ ખબર પડી ગઈ હતી કે વરદાન તેના પપ્પા કહે તેમ જ કરે છે. એટલે બધાં તેની વાત વાતમાં ઠેકડી ઉડાવતાં હતા. તેઓ કહેતા : ''અરે ભાઈ, વરદાનના વાળ આજે ફેંદાઈ ગયા છે પણ શું થાય એ ઘરે જશે ત્યારે તેના પપ્પા વાળ સરખાં કરી આપશે.'' તરત જ બીજો મિત્ર બોલી ઊઠતો : ''અરે ભાઈ, તું વરદાનની આમ મશ્કરી ના કર, બાબાભાઈ રડવા માંડશે, તો મારે એને ઘરે મૂકવા જવું પડશે.''
મિત્રોના આવા ડાયલોગથી વરદાન બેચેન બની ગયો હતો...ઘરે ગયા પછી તેને આખી રાત ઊંઘ ન આવી, તેના સ્વમાનને ઠેસ પહોંચી હતી.
વરદાન સવારે વહેલો ઊઠી ગયો હતો તેનું વર્તન સાવ બદલાઈ ગયું હતું. તે નાહી-ધોઈને તૈયાર થઇ ગયો હતો. વિરલકુમાર ઊઠયા તારે તેમણે ડાઇનિંગ ટેબલ પર કીટલીમાં ચા, ડીશમાં બ્રેડબટર તૈયાર મુકાએલાં જોયા. નેપકીન, થર્મોસ, પાણીનો જગ...બધુ જ તૈયાર.
''વરદાન આ બધુ કોણે તૈયાર કર્યું ? તેના પપ્પાએ પૂછ્યું.''
મેં...મેં...અને મેં પોતે જ આ બધું કર્યું છે. પપ્પાજી હું હવે નાનો નથી. તમારે અતિશય લાડે મારું હિત કરવાને બદલે અહિત કર્યું છે. પપ્પા તમે એટલું ના સમજી શક્યા કે વૃક્ષની ડાળીનું ફૂલ આકરા તાપ, તડકા અને કાંટા વચ્ચે અડીખમ ઊભું રહી વિકસે છે. પ્રેમ એ તાકાત બનવાને બદલે કમજોરી બને તો એમાંથી પાકે છે મારા જેવા નામર્દો. પ્રેમ, લાગણી, વાત્સલ્ય એ બધાંની જીવનમાં જરૂરિયાત છે તે કબૂલ, પણ પપ્પા એ બધું બંધન બની માણસને એની પોતાની પાસેથી જાત છીનવી લે તો એ બધાંનો શો અર્થ ? જિંદગીનો પાઠ મારે નવેસરથી ભણવો પડશે અને બીજા દિવસે એક નાહિંમત યુવકમાં જન્મ્યો હતો એક ખુમારીભર્યો સાચુકલો યુવક.
પોતના પુત્રનું બદલાએલું રૂપ વિરલકુમાર જોઇ રહ્યા. ઝરણું પર્વતની ગોદમાં લપાઈને બેસી રહે તો પથ્થરો વીંધીને આગળ વધવાનું બળ ક્યાંથી પ્રાપ્ત કરે ? આ વાત વરદાનના પપ્પાને પહેલીવાર સમજાઈ હતી.
એમણે વરદાનના સ્વતંત્ર ઘડતર માટે કમર કસી હતી. એને મળતી ને અપાતી સુવિધાઓ પર કાપ મૂકી દીધો હતો.
વરદાને પોતાના જન્મદિવસે ઘેર પાર્ટી ગોઠવી હતી. પાર્ટીના અડધો કલાક પહેલાં જ વિરલકુમારે વોટ્સએપ પર બધાંને સૂચના આપીને પાર્ટી કેન્સલ કરી હતી.
વરદાનના ક્રોધની કોઇ સીમા નહોતી. એણે પપ્પાનું આકરા શબ્દોમાં અપમાન કર્યું હતું. પણ વિરલકુમાર ખુશ હતા. આજે દીકરો બાપનું ઘડતર કરી રહ્યો હતો. તેઓ વરદાનને ભેટી પડયા હતા અને ખડખડાટ હસતાં બોલ્યા હતા : વિરલકુમારમાં સાચો પિતા જન્માવવા બદલ દીકરા વરદાનનો આભાર. વરદાન ઝિંદાબાદ.


