- વિશ્વના વિકસિત દેશો પાસે ભારત જેટલા તહેવારો, સત્સંગ,ધર્મગ્રંથો, તત્ત્વજ્ઞાન અને સંસ્કારોનું શાસ્ત્ર નથી તો પણ ભારતમાં દંભ, ભ્રષ્ટાચાર, તનાવ, ગુનાખોરી, ભેળસેળ, નૈતિક અધ: પતન અને તનાવનું ત્રાટક કેમ?
- હોરાઈઝન-ભવેન કચ્છી
- નવરાત્રી એટલે નવ ચક્રો, નવ ગ્રહો,નવ નકારાત્મક વૃત્તિ પર વિજય મેળવવાનો અવસર : દુર્ગા માતાએ નવ દિવસ સુધી મહિષાસુર રાક્ષસ જોડે યુદ્ધ કરીને તેનો અંત આણ્યો અને તહેવાર તરીકે ઉજવણી થઈ
ન વરાત્રી કે હિંદુ ધર્મના તહેવારો ફૂડ, ફેશન અને ફિએસ્ટા બનીને અટકી ન જવા જોઈએ. એક તરફ સોસાયટીના અને પાર્ટી પ્લોટ પરના મેગા ગરબામાં યૌવન ઉછાળા લેતું હોય છે ત્યારે ઘરમાં ઓ.ટી.ટી પ્લેટફોર્મ પર કોઈ થ્રીલરમાં નારી શક્તિને કચડી નાંખી કળીયુગના મહિસાસુર કોઈ યુવતીનાં ચહેરા પર એસીડ છાંટીને કે રિસોર્ટમાં બળાત્કાર ગુજારતા અટ્ટહાસ્ય કરતો હોય તેવા દ્રશ્યો પણ સ્ક્રીન પર ભજવાતા હોય છે. સોસાયટીઓમાં કોઈપણ તહેવારની ઉજવણી હોય તેમાં આયોજકો તરફથી લાઉડ સ્પીકરથી એવી જાહેરાત થાય કે 'નાસ્તા (પ્રસાદી પણ બોલાતું હોય છે.) નો સમય થઇ ગયો છે, બધા સભ્યોને વિનંતી કે કોમન પ્લોટમાં આવી જાય.' તે સાથે જ સોસાયટીના મહત્તમ રહીશો અત્યાર સુધી ખાલી ભાસતું મેદાન ભરચક કરી બનાવી દે છે. તહેવારો સામાજિક મેળાવડા, સાંસ્કૃતિક સંસ્કૃતિનો વ્યાપ બનતા જાય તે પણ આવકાર્ય જ છે. તહેવારોની ઉજવણીનું પ્રમાણ એવી હદે વધ્યું છે કે આપણને લાગે કે વાહ, હિંદુ ધર્મ અને સંસ્કાર વિશ્વવ્યાપી પ્રસાર પામી રહ્યા છે. પણ સમાજ અને પ્રત્યેક પરિવારનું માનસ અને જીવનનું સ્તર ઘસાતું જાય છે. વિશ્વના દેશો પાસે ભારત જેટલા દેવ દેવીઓ, ગુરુ, સંતો, ધર્મ ગ્રંથો, લોક સંસ્કૃતિ, તહેવારોની કતાર નથી. કંકર એટલા શંકર, કણે કણમાં ભગવાન, નદી માતા અને પર્વત પિતા જેવી બડી બડી ફિલસુફી નથી. પ્રત્યેક માનવીએ બીજા માનવીમાં ભગવાનના દર્શન કરવાના છે તેવો બોધ પણ આપણે ત્યાં જ છે. દરેક વાર જુદા જુદા ભગવાનને અર્પણ કરી રોજ આપણે ભગવાન બદલાતા પણ રહીએ છીએ. તેમાં પણ નારીને સરસ્વતી, લક્ષ્મી અને દુર્ગા કે તેના કરતા પણ આગળ વધીએ તો નવ શક્તિ તરીકે સન્માન આપવાનું તત્ત્વ જ્ઞાન છે. વિશ્વના કોઈ દેશમાં નારીનું આ હદે ગૌરવ પ્રસ્થાપિત કરવામાં નથી આવ્યું. આની સામે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં મહિલાઓની અપેક્ષિત આચારસંહિતા અને સંસ્કારનું પણ આગવું શાસ્ત્ર છે. દેશની યુવા પેઢી આટલા બધા ઉજવણીના અવસર છતાં તનાવ અને ડીપ્રેશન હેઠળ અગાઉ ક્યારેય નહોતી. છૂટાછેડાના કેસ ભયજનક રીતે વધતા જાય છે. પરિવારો તૂટી રહ્યા છે, વૃદ્ધાશ્રમોમાં વેઇટીંગ ચાલે છે. ડ્રગ ,સેક્સ અને માંસાહાર વધતો જાય છે. અધૂરામાં પૂરું સોશિયલ મીડિયાએ નિકંદન કાઢયું. ભારત જેટલો દંભ, નાગરિકોની સાવ તળિયે ગયેલી શિસ્ત અને કથળેલા માનસ વિકસિત દેશોમાં નથી જોવા મળતા. આવી સ્થિતિ નિર્માણ પામવાનું મૂળ કારણ એ છે કે તહેવારો ભૌતિક ઉજવણી જ બની ગયા અને પરંપરા પોતે ઉજળા છીએ તેનો દેખાડો કરવાનો તખ્તો બની ગઈ. આચરણમાં મોટું મીંડું જોવા મળે છે. ધર્મ અને આધ્યાત્મના અવસરને ધંધો બનાવી દેવાયો છે.વ્યક્તિએ પોતે સભ્ય સમાજનો છે તે સમાજને બતાવવાના પ્રયત્નમાં જીવન પસાર નથી કરવાનું પણ તેને પોતાને જ પ્રતિતિ કરાવવાની છે કે તે વર્ષોત્તર સભ્ય બનતો જાય છે. ઘણા ગૌરવભેર કહેતા હોય છે કે અમે તો આટલી દિવાળી જોઈ .. દિવાળી જોવાની માત્ર નથી હોતી કેટલા દીપ માંહ્યલામાં પ્રગટાવતા, ઉમેરતા રહ્યા તેની પણ ગણતરી કરવાની હોય છે.
આપણા શાસ્ત્રો અને પૂર્વજોનો મૂળ આશય વ્યક્તિ અને સમાજ પ્રત્યેક તહેવાર અને તેની સાથે જોડાયેલા દેવ-દેવીઓના તત્વને સમજી તેને જીવનમાં ઉતારે અને એક આદર્શ માનવી અને સમાજ નિર્માણ પામે તે હતો. તહેવાર અને ધર્મનું પણ વિજ્ઞાન છે તે જ્ઞાન ભારતનો માનવી પામે તેમજ વિશ્વને બતાવે કે જુઓ હિંદુ ધર્મ કઈ હદે આધુનિક છે અને બ્રહ્માંડના રહસ્યો સદીઓથી જાણે છે.
આપણે દેવ-દેવીઓનો ટેકો લઇ સ્થૂળ રીતે તહેવારો ઉજવીએ છીએ. આચરણ થકી સ્વસ્થ સમાજ આકાર નથી પામતો. આવા અભિગમને લીધે હિન્દુ મત સંગઠિત બને છે પણ દેશ હિંદુ ધર્મની કલ્પના પ્રમાણેનો કે રામ રાજ્ય જેવો ગુણવત્તાસભર નથી બનતો કેમ કે ધર્મ અને તહેવારનો મૂળ હાર્દ કોઈને પામવો નથી. ઇન્દ્રિયોના આનંદમાં જ તહેવાર પૂર્ણ થઇ જતો હોય છે. ભ્રષ્ટાચાર, અનૈતિકતાએ માઝા મૂકી છે. ભેળસેળ હદ વટાવી રહી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં નાગરિકોનું જીવનધોરણ ઘણું કથળેલું જણાય છે.
ભગવાન ગણપતિને આવતા વર્ષે ઝડપથી પધારો તેમ કહીને આપણે તેની મૂર્તિનું વિસર્જન કરી દઈએ અને તે પછી જેવા હતા તેવા બની જઈએ છીએ. પર્યુષણ પછી મિચ્છામી દુક્કડમ અને પ્રતિક્રમણ પછી તરત જ ઈન્દ્રિયોનું આક્રમણ શરુ થઇ જાય છે. નવ નોરતા બાદ માતાજીનો ગરબો વળાવી આપણે જૈસે થે. નવા વર્ષના સંકલ્પો લાભ પંચમ સુધીમાં તો બાળ મરણ
પામે છે.
ઉપવાસના વિજ્ઞાન અને આહાર વિહાર નિયમનનાં મહત્વને મોટાભાગના ધર્મોએ સ્થાન આપ્યું છે. તપ થાય એટલે પ્રાયશ્ચિત અને અનુકંપાના ગુણો ખીલી જ ઉઠે. આરાધના અને અનુષ્ઠાનથી સ્થૂળ અને સુક્ષ્મ દેહ વિકાર અને મલિનતાના અતિરેકથી સ્વચ્છ બને. આધુનિક તબીબી વિજ્ઞાન તેને ''ડીટોક્ષ'' કહે છે. નવરાત્રી દરમ્યાન ઉપવાસ, પર્યુષણની ઉપાસના કે રોજામાં ઘણી સામ્યતા છે. અહી પણ એવું જોવા મળે છે કે ઉપવાસના બ્રેક બાદ વર્ષના બાકીના દિવસો પેટ જંક બોક્ષ બની જાય છે. આપણું મનોવર્તન પુન: વિકૃતિ ધારણ કરી લે છે. નવરાત્રીના નવ દિવસ મદ્યપાન નહીં કરવાનું અને પછી 'ચીયર્સ.'
ભલે ઉપવાસ જેવો અતિરેક ન કરીએ પણ ઉપવાસ એટલા માટે છે કે તે તમને તમારી ક્ષમતા બતાવે છે કે તમે આહાર નિયમન કરી શકો છો તે આત્મવિશ્વાસ વર્ષ દરમ્યાન વ્યક્ત કરવાનો છે. આપણે બીમારી વખતે ડોક્ટર અને વિજ્ઞાન કહેશે તે માનીશું પણ ધર્મ, પરંપરાએ કહેલું છે તે તો તહેવાર પુરતું જ સીમિત રાખીએ છીએ.
થોડી નવરાત્રીના તત્ત્વજ્ઞાનની ઝલક પણ લઈએ. આ તહેવાર નવ રાત્રીનો જ કેમ ? તેનું એક કારણ એ છે કે આપણા દેહમાં નવ ચક્રો આવેલા છે. કોસ્મિક અને અર્થ (ધરતી) એ બે ચક્રો આપણા દેહ પર અસર કરે છે પણ તે ચક્રો દેહમાં નથી. દેહમાં મસ્તિષ્કમાં, ત્રીજી આંખ, કંઠ, હૃદય, હૃદયની નીચે સૌર અને તે પછી નાભી તેમજ મૂળ એમ સાત ચક્રો આવેલા છે. સાત દેહના અને બે બાહ્ય એમ નવ ચક્રો તે નવ દિવ્યશક્તિના પુંજ છે, નવરાત્રીની વિધિવત પૂજા, ઉપવાસ અને હવન કરવાથી નવ ચક્રોની સુક્ષ્મ શક્તિ આપણામાં સંચારિત કરી શકાય છે. માતાજીની ભક્તિ શક્તિની જ પૂજા અને પ્રાપ્તિ છે. પ્રત્યેક દિવસ માતાજીના નવ સ્વરૂપને સમર્પિત છે. નવ ચક્રોની જેમ ગ્રહો પણ નવ છે તેથી ગ્રહો પર વિજય શક્તિ પૂજાથી આપોઆપ મળી જાય છે.
માતાએ દુર્ગા સ્વરૂપ લઇ નવ દિવસ સુધી યુદ્ધ કરી મહિસાસુર રાક્ષસને પૂરો કર્યો, જોગાનુજોગ ભગવાન રામે માતાજીની શક્તિના આશીર્વાદ લઇ રાવણ જોડે નવ દિવસ ભીષણ યુદ્ધ કરવું પડયું હતું અને વિજયા દશમીએ વિજય ટંકાર થતા આપણે દશેરાની ઉજવણી કરીએ છીએ.
આ દિવસો દરમ્યાન જેટલો દિવસ સુર્યવાન તેટલી જ રાત્રી પ્રાણવાન હોય છે. આભ મંડળ અને તારલાઓને નવ નવ દિવસો સુધી માણવાના જ નહી પણ તેની ચુંબકીય ઉર્જા અને આંદોલનો વર્તુળાકારે ઘૂમી જાણે એક પ્રકારનું ડાયનેમિક મેડીટેશન થઇ જાય તેમ ઝુમવાનું. તહેવાર નવ ચક્રો ઉજાગર કરતો ઉપક્રમ બની રહે છે. દેહમાં જોમ અને જોશ ભરતા રાસાયણિક સ્ત્રાવો પણ વહેતા થાય છે. ''ટ્રાન્સ''ની સ્થિતિ પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો નવરાત્રી જ નહીં પ્રત્યેક તહેવારને રોજેરોજ જીવનમાં, આપણા સ્થૂળ અને સુક્ષ્મ દેહમાં, લોહીમાં ભેળવી ઉજવીએ. તહેવારના હાર્દને વધુ મહત્ત્વ આપીએ.
જ્ઞાન પોસ્ટ
આપણને નવરાત્રી અને દશેરાનો તહેવાર બોધ આપે છે કે આપણામાં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ભય, ઇર્ષા, જડતા, નફરત જેવા નવ અસુરોનો આવાસ છે. પૂજા, સંયમ અને સાધનાથી નવ દિવસમાં આ અસુરોને હવનમાં હોમી દઈ દસમાં દિવસે વિજયની ઉજવણી કરવાની છે.


