Get The App

કાગદૂત દ્વારા પૂર્વજપ્રીતિ .

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
કાગદૂત દ્વારા પૂર્વજપ્રીતિ                            . 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- એવા ઘણા પુત્રો હશે જે પોતાના પિતાના મૃત્યુની તિથિ જાણતા નહિ હોય. એમના પૂર્વજો તેમની ઉપર ક્રોધ કરી, શાપ આપતા હશે?

આ પણને પૃથ્વી ઉપર મોકલનાર પરમાત્મા છે જેના દ્વારા આપણે પૃથ્વી ઉપર મનુષ્યરૂપે જન્મ ધારણ કર્યો તે માતા-પિતા છે અને જેમણે શિક્ષણ-સંસ્કાર ઘડતર કર્યું તે ગુરુ છે. આ ત્રણેયનો માનવજીવનમાં મોટો મહિમા છે. સદ્ગત માતા-પિતાને યાદ કરવા માટેના મુકરર થયેલા દિવસો એટલે શ્રાદ્ધપર્વ. પરમાત્મા, ગુરુની જેમ માતા-પિતા પણ આપણા અસ્તિત્વનો પાયો છે. આપણી ઓળખ જે છે, તે એ ત્રણેયને આભારી છે. ત્રણેયનો ઋણ સ્વીકાર કરવાની આપણે ત્યાં ઊભી થયેલી પરંપરાઓ અને આચારસંહિતાઓ છે.

મા-બાપને યાદ કરવાનું, તેમને અંજલિ આપવાનું, તેમને પ્રસન્ન કરી પરિતોષ પહોંચાડવાનું એક આખું પર્વ બનાવીને ઋષિમુનિઓએ હિંદુ ધર્મની કલ્યાણકેડી કંડારી છે. મહાભારતમાં ભીષ્મપિતામહે શ્રાદ્ધની વાત કરતાં કહ્યું છે કે શ્રાદ્ધનું અસ્તિત્વ દેવલોકમાં પણ છે. સૌ પ્રથમ દેવલોકમાં બ્રહ્માજીએ પિંડદાન દ્વારા શ્રાદ્ધ કરેલું. મનુષ્યલોકમાં પણ સૌ પ્રથમ શ્રાદ્ધનો યશ નેમી રાજાને જાય છે. શ્રાદ્ધ પુત્રો-પૌત્રો દ્વારા પૂર્વજોને પહોંચાડાતો પરિતોષ છે. બીજા શબ્દોમાં કહીએ તો સંતાનો પ્રણામ કરી, પોતાની ભૂલોનો એકરાર કરે છે. એમ પણ કહી શકાય મૂળની પૂજા કરવાનું આ પર્વ છે. ભાદરવા સુદ પૂનમથી અમાસ સુધીનાં સોળ શ્રાદ્ધ હોય છે. જે તિથિએ પૂર્વજ મૃત્યુ પામ્યા હોય એ તિથિએ શ્રાદ્ધ કરાય છે. ખીર બનાવીને કાગડા દ્વારા પિતૃઓને પહોંચાડાય છે. પુણ્યકર્મ થાય છે. શ્વાન, ગાય અને બ્રાહ્મણોને પણ જમાડાય પણ છે. સામાન્ય રીતે પૂર્વજો પોતાનાં સંતાનોનું ભલું જ ઈચ્છે. તેમનું શ્રાદ્ધ ન થાય તો કંઈ તેઓ શ્રાપ આપતા નથી પરંતુ સંતાનો શ્રાદ્ધ ક્રિયા કરીને, પૂર્વજોને ઠારવાનો પરિતોષ લેતા હોય છે. આ ક્રિયાને મનુસ્મૃતિમાં પિતૃયજ્ઞા પણ કહ્યો છે.

શ્રાદ્ધ એ મરણોત્તર સંસ્કાર છે. મરણોત્તર પૂજા છે. પુત્રો દ્વારા-પૌત્રો દ્વારા થઈ ગયેલી ભૂલોનો એકરાર છે. હિંદુ ધર્મમાં પુત્ર દ્વારા આ રીતે આખા વંશને પ્રસન્ન રાખવાની વિશિષ્ટ પ્રથા છે. પુત્રો-પૌત્રોની પોતાના પ્રત્યેની ભલી-લાગણી અને પ્રસન્નતા નિહાળી પૂર્વજો પરિતોષ પામે છે. આમ પૂર્વજોને પ્રસન્ન કરવાનું પર્વ એટલે પિતૃયજ્ઞા. શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પોતાના પૂર્વજોના ઋણમાંથી મુક્ત થયાની લાગણી અનુભવે છે. મૂળે તો પેઢી દર પેઢી શુભભાવનાનું વહેણ વહેતું રાખવાનો આ હિંદુ ધર્મનો રૂડો ઉપક્રમ છે. બહાર દેખાતાં ડાળી-પર્ણો પોતાનો આધાર એવા મૂળનો મહિમા કરે છે. એવા ઘણા પુત્રો હશે કે પોતાના પિતાના મૃત્યુની તિથિ જાણતા નહિ હોય, પોતાના કુળ-ગોત્રની પણ ખબર નહિ હોય, શ્રાદ્ધના વિધિવિધાનમાં પણ માનતા કે જાણતા નહિ હોય. એમના પૂર્વજો તેમની ઉપર ક્રોધ કરી, શાપ આપતા હશે ? ના. પૂર્વજો એવું ક્યારેય ના કરે પણ પુત્ર-પુત્રો-પૌત્રો પૂર્વજોને પ્રસન્ન કરી પોતે પોતાના મનને, આત્માને આ રીતે પવિત્ર કરે છે. એક પ્રકારનું પ્રાયશ્ચિત કરીને નિર્મળ બને છે. આત્મકલ્યાણનો માર્ગ સરળ બનાવવાની એની ધારણા છે. શ્રાદ્ધ કરવાનું પૂર્વજો કહેતા નથી. વંશ વારસો પોતાની ફરજ સમજે છે. કાગને પિતૃઓનો દૂત માને છે અને બ્રાહ્મણ, ગાય, શ્વાન અને બહેન દીકરીને તૃપ્ત કરવાથી પિતૃઓ પણ તૃપ્ત થાય એવી દ્રઢ માન્યતા ધરાવે છે. આ દિવસોમાં આરોગ્યની રીતે પણ દૂધ-ચોખાનું મહત્વ છે - એ પણ સચવાય છે. ધર્મ અને વિજ્ઞાન આ રીતે સંવાદિતા સાધે છે. સમન્વય રચે છે. વ્યવહાર કુશળતા, સૂઝ, સમજ અને સમસ્યા ઉકેલની શક્તિઓની આપણી પાસે આજે મિલકત છે એના મૂળ માલિક કોણ ? બંગલો તમે ભલે જાતે બનાવ્યો. ગાડી પણ તમે જાતે વસાવી, નામના પણ તમે જાતે મેળવી, પણ એના પાયામાં કોણ છે ? કોના કારણે તમે એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા ? ધ્યાનથી વિચારો જેના દ્વારા તમારા ડી.એન.એ.નું ઘડતર થયું, તમને શરીર મળ્યું, લાલનપાલન મળ્યાં, તમારો ઉછેર થયો. તમારી પ્રગતિ માટે વલખાં માર્યા એ બધાનો યશ કોને આપશો ? - માતા-પિતા-દાદા-દાદીને... તમારામાં જે સંસ્કાર વારસો આવ્યો તે ક્યાંથી આવ્યો ? તો પણ ઉત્તર રૂપે મા-બાપ-દાદા-દાદી જ મળશે. તેમને યાદ કરવા માટે ઋષિ-મુનિઓએ ઊભી કરેલી કેડી એટલે શ્રાદ્ધ પર્વ.

આપણી તુલનામાં આપણા વડવાઓએ ઝાઝી ભૌતિક સગવડો ન્હોતી ભોગવી, તેમણે અપાર મુશ્કેલીઓ સહન કરીને, પુત્રોને વિકસવાની મોકળાશ ઊભી કરેલી. પોતે વેઠીને દીકરા-દીકરીને રાજી રાખેલા. તેમનાથી થાય ત્યાં સુધી તેમણે આવક લાવીને વેલાને લીલો રાખ્યો, એમના વાર્ધકયટાણે પુત્ર-પુત્રવધૂ-પૌત્રો સેવા કરે એ વ્યવહાર છે પણ લાગણીભર્યો વ્યવહાર છે. વડવાઓએ નવી પેઢીને શિખામણો જ આપી છે. તેમના અનુભવમાંથી જ્ઞાન પિરસ્યું છે. એમના જીવનનાં દ્રષ્ટાંતો આપીને જીવન જીવવાની તાલીમ પણ આપી છે. જીવનમાં ખરેખરી મુશ્કેલી આવે, તૂટી જવાય ત્યારે પરમ તત્ત્વને યાદ કરવાનું તેમણે શીખવ્યું છે - એ તાલીમ આપણને ટટ્ટાર ઊભા રાખે છે. એ તાલીમને આપણા અસ્તિત્વનો યશ આપવાનો હોય. આપણને માટીમાંથી માધવ બનાવનાર, રાંકમાંથી રતન કરનાર આપણા પૂર્વજો છે. પૂર્વજોનો સંસ્કાર વારસો છે. પૂર્વજોની પુણ્યભાવનાઓ છે - એ ઋણમાંથી આપણે કેવી રીતે મુક્ત થઈ શકીએ ?

શ્રાદ્ધપર્વ એ ઋણને સંભારીને, પોતાની ભૂલોનો એકરાર કરી, માતા-પિતાને તૃપ્ત કરવાનું પર્વ છે. આપણે એ દિવસોમાં તો પિતૃયજ્ઞા કરીએ, અને આપણા જીવનને એમની સ્મૃતિઓથી સજાવીએ આમ પરંપરામાંથી ઊભી થયેલી આચારસંહિતાનો આદર કરીએ.