Get The App

લીલા તોરણે .

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
લીલા તોરણે                                            . 1 - image

- અર્જુનસિંહ કે. રાઉલજી

- અમરસિંહ ઉપર તો જાણે કે પહાડ તૂટી પડયો! તેઓ તો ગળે ફાંસો ખાઈ આપઘાત કરવા તૈયાર થઈ ગયા હતા, લોકોએ તેમને અટકાવ્યા!

અ ડધી રાતે ધડાકાનો અવાજ સાંભળીને બંને બાપ-દીકરી જાગી ગયાં. હાઈવેને અડીને આવેલું હતું તેમનું મકાન. નક્કી હાઈવે ઉપર કોઈક એક્સીડન્ટ થયેલો હોવો જોઈએ. બંને ફટાફટ બહાર નીકળ્યાં તો તેમના ઘર પાસે જ એક બાઈકવાળો યુવાન ઉંધા માથે પડયો હતો. અને બેભાન થઈ ગયો હતો. માથામાંથી લોહી નીકળતું હતું, રેશમાએ તેની નાડી જોઈ તો પલ્સ બરાબર નોર્મલ ચાલતી હતી. એટલે કોઈ ચિંતા નહોતી - જરૂર હતી માત્ર તેને યોગ્ય સમયસર સારવાર આપવાની. રેશમા ડૉક્ટર હતી એટલે તે સારવાર આપી શકે તેમ હતી પણ જરૂર હતી તે યુવાનને ઘરમાં લઈ જવાની. રેશમાની તાકાત નહોતી કે તે બેભાન યુવાનને ઉંચકીને ઘરમાં લઈ જઈ શકે, તો સામા પક્ષે તેના પિતા અમરસિંહની પણ ઉંમર થઈ હતી, આથી તેમના બાવડામાં પણ એ યુવાનને ઘરમાં લઈ જઈ શકાય તેટલી તાકાત નહોતી...! બંને બાપ દીકરીએ આજુબાજુ નજર દોડાવી. દૂર એક દુકાનના ઓટલા ઉપર બે ત્રણ જણ સૂતેલા દેખાતા હતા. અમરસિંહ ત્યાં ગયા, એ લોકોને ઉઠાડયા - મજૂરીયાત પુરુષો જ હતા એટલે સારું ફાવ્યું. તેમની મદદથી બંને બાપ દીકરી એ યુવાનને ઉંચકીને ઘરમાં લઈ ગયાં.  એ લોકોએ ઘરમાં જ દવાખાનું બનાવ્યું હતું. દિવસે તો ઘરના એ ભાગમાં દરદીઓની ભીડ જામેલી રહેતી હતી ! રેશમાનો હાથ સારો હતો, તેનું નિદાન વખણાતું હતું. તેની માત્ર બે દિવસની દવાનો ડોઝ જ દરદીને બેઠો કરી દેવા માટે પૂરતો હતો. આસપાસના ગામનાં લોકો બીમાર પડે એટલે શહેરમાં જવાને બદલે અહીં જ આવતા હતા. રેશમા પોતાનાથી ના બને તો જ દરદીને શહેરમાં મોકલતી હતી. પણ રેશમાની દવાથી ફેર ના પડે એવું તો ભાગ્યે જ બનતું. બાકી રેશમા માત્ર સંકટ સમયે જ ડૉક્ટરી શીખી હતી અને તે પણ શોખ ખાતર જ !

અમરસિંહને યાદ હતી એ આખીયે ઘટના ! રેશમાએ બાર સાયન્સની પરીક્ષા ઘણા સારા માર્ક્સ મેળવીને પસાર કરી હતી, રેશમાની પોતાની ઇચ્છા હતી ડૉક્ટર બનવાની, તો સામે તેના શિક્ષકો પણ ઇચ્છતા હતા કે રેશમા ડૉક્ટર બને. અમરસિંહ ગરીબ હતા - તેમની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ રેશમાને મેડીકલ, આયુર્વેદ કે હોમિયોપેથીમાં ભણાવવાનો ખર્ચ ઉપાડી શકે ! તેમ છતાં ગામના એક બે આગેવાનો અને તેની શાળાના શિક્ષકો તેમને મદદ કરવા તૈયાર હતા. પણ અમરસિંહ જેનું નામ ! તે કોઈનો ઉપકાર સ્વીકારવા તૈયાર નહોતા ! સાથે સાથે બીજી પણ એક સમસ્યા હતી કે તેમની નાતમાં છોકરો હોય કે છોકરી નાની ઉંમરે જ પરણાવી દેવામાં આવતાં હતાં. એટલે જો રેશમાને ભણાવા મૂકે તો તેની ઉંમર થઈ જાય, પછી મોટી ઉંમરના છોકરા મળવા મુશ્કેલ બની જાય. અધૂરામાં પુરું રેશમા રંગે શ્યામ હતી. તે સ્કૂલમાં ભણતી હતી ત્યારે પણ સ્કૂલના છોકરાઓ અને છોકરીઓ તેને 'રંગ જાય તો પૈસા પાછા' કહી ખીજવતા હતા ! જો કે રેશમા ખીજાતી નહોતી - આવું કહેનાર સામે જોઈને હસતી હતી, જેના કારણે સામી વ્યક્તિ પોતે જ શરમાઈ જતી હતી ! મા વગરની આ દીકરી માટે અમરસિંહને ઘણી ચિંતા હતી - તેના હાથ પીળા થઈ જાય તો સોમ નાહ્યા ! એવું એ માનતા હતા, આથી તેને ભણાવવાના બદલે વહેલામાં વહેલી તકે પરણાવી દેવા માગતા હતા ! અને તેઓ તેની ફિરાકમાં જ હતા. અમરસિંહને રેશમાને પરણાવવાની ઉતાવળ હતી, એનો અર્થ એવો પણ નહોતો કે તે તેને જેમજેમ ફેંકી દેવા માગતા હતા, કે માથાનો બોજ હલકો કરવા માગતા હતા. તેઓ તેને જોઈ વિચારીને ચકાસીને... સારા ઘેર જ પરણાવવા માગતા હતા, માત્ર એટલું જ નહીં પણ પોતાની દીકરી રંગે શ્યામ છે એ વાત પણ તેઓ સૌથી પહેલા જ જણાવી દેતા હતા જેથી પાછળથી કોઈ પણ પ્રકારની ભાંજગડ ના થાય. માનસિંહનો દીકરો અજય સારું ભણતો હતો, કોલેજના છેલ્લા વરસમાં હતો. તેની સાથે જો રેશમાનું ગોઠવાઈ જાય તો સારું. અમરસિંહે વાત ચલાવી. ઘર અને ખાનદાન બંને સારાં હતાં. પૈસે ટકે સુખી કુટંબ હતું. અજયે રેશમાને જોઈ, તેને ગમી, તે વખતે પણ રેશમા શ્યામ જ હતી. અમરસિંહે પોતાની શક્તિ પ્રમાણ ેદહેજ આપવાનું પણ કબૂલ્યું. અને સંબંધ નક્કી થઈ ગયો. મુહૂર્ત જોવડાવી લગ્ન લેવાયાં ! લગ્નના દિવસે જાન પણ આવી ગઈ હતી. લગ્નની તૈયારીઓ ચાલતી હતી. જાનને જમવા તેડાવાની જ વાત હતી, ત્યાં જ જાણે કે આંધી આવી. માનસિંહના ભાઈ અમરસિંહને મળવા આવ્યા. દહેજમાં શું શું આપવાના છે તેનો અંદાજ કાઢ્યો અને પછી જાનીવાસે અમરસિંહને તેડાવ્યા. ત્યાં માનસિંહે કહ્યું કે તેમના દીકરાને કન્યા કાળી પડે છે અને તે ના પાડે છે એટલે આ લગ્ન શક્ય નથી ! આમ તો તેણે રેશમાને જ્યારથી જોઈ હતી ત્યારથી જ તે ના પાડતો હતો, પણ માબાપના દબાણને કારણે તે લગ્ન કરવા તૈયાર થયો હતો, પણ હવે તે છેલ્લા પાટલે જ બેસી ગયો હતો કે જો આ લગ્ન થશે તો હું ઘર છોડીને જ જતો રહીશ ! જાન લીલા તોરણે પાછી ફરી. અમરસિંહ ઉપર તો જાણે કે પહાડ તૂટી પડયો ! તેઓ તો ગળે ફાંસો ખાઈ આપઘાત કરવા તૈયાર થઈ ગયા હતા, લોકોએ તેમને અટકાવ્યાં ! રેશમા રડતી રડતી તેમને બાઝી પડી. 'તમે આપઘાત કરો તો પછી મારું કોણ ? માં તો છે નહીં અને તમે આપઘાત કરી લ્યો તો હું તો દુનિયામાં એકલી જ પડી જાઉં ને !' જેમ તેમ કરી બધાયે ભેગા થઈ અમરસિંહને અટકાવ્યા. રેશમાએ હવે ન પરણવાનું નક્કી કર્યું. આગળ ભણીને ડૉક્ટર થવાનું નક્કી કર્યું. માંડ માંડ અટકાવ્યા અમરસિંહને...!

બસ.. પછી તો રેશમા મેડીકલમાં ભણવા  ગઈ, લોકોએ મદદ કરી ! સરકાર તરફથી સ્કોલરશીપ મળી. જ્ઞાતીના આગેવાનોએ તેને આર્થિક મદદ કરી ! અને તે ડૉક્ટર થઈ ગઈ ! વાસ્તવમાં તો અજયને રેશમા કાળી તો પહેલેથી જ પડતી હતી, પણ અમરસિંહ સારું દહેજ આપશે એ આશાએ તે પરણવા તૈયાર થયો હતો અને માનસિંહ તેને પરણાવવા તૈયાર થયા હતા, પણ લગ્નના દિવસે તેમણે જોયું કે અમરસિંહ તો પાણીમાં બેસી ગયા છે...! અધૂરામાં પુરું બીજી એક પાર્ટી અમરસિંહ જે આપવાના હતા તેના કરતાં ચાર ગણું દહેજ આપવા તૈયાર થઈ ગઈ. એટલે જાન લીલા તોરણે પાછી ફરી...! જાનીવાસમાં જ અજયનાં લગ્ન બીજી જગ્યાએ સેટ થઈ ગયાં. જે છોકરી સાથે લગ્ન કરવાનાં હતાં તે છોકરી પણ જાનમાં આવી હતી. અજયને એ છોકરી જોઈ, છોકરીએ અજયને જોયો, બંનેને ગમ્યું, વડીલોએ દહેજની લાલચ જાગી, અને રેશમા સાથેનાં લગ્ન ફોક થયાં, જાન લીલા તોરણે પાછી ફરી...!

પેલા યુવકને બીજાની મદદથી અમરસિંહ અને રેશમા ઘરમાં લઈ ગયાં. યુવક બેભાન હતો. માથામાં વાગ્યું હતું. આમ તો સારું હતું પણ હેમરેજ થવાની શક્યતા હતી આથી તાત્કાલિક રેશમાએ ત્રણેક ઇન્જેક્શનો મૂકી દીધાં અને પોતાના પપ્પાની મદદથી તેના ઘા ઉપર પાટાપિંડી કરી દીધું. ત્યાર પછી રેશમા નવરી પડી. ટયુબલાઈટના અજવાળામાં તેણે યુવકનો ચહેરો જોયો તો તે ભડકી ઉઠી. યુવક બીજો કોઈ નહીં પણ તેના લીલા તોરણેથી પાછો વળેલો અજય જ હતો. તે કાંપી ઉઠી. છતાં પણ તેણે મનોમન ભગવાનનો આભાર માન્યો કે તેના હાથે એક સારું કામ થઈ ગયું. કદાચ અજયની સારવાર કરતાં પહેલા જો તેણે તેનો ચહેરો જોઈ લીધો હોત તો સારવાર કરવા તેનું મન આનાકાની કરત. પણ જે થયું તે સારું થયું ! જો કે અમરસિંહ તો પહેલી નજરે જ અજયને ઓળખી ગયા હતા. પણ તેમના મનમાં કોઈ કડવાશ નહોતી. તેમણે ડાયરીમાંથી અજયના પપ્પા માનસિંહનો નંબર કાઢ્યો અને માનસિંહને ફોન કરી સમગ્ર હકીકતની જાણ કરી. માનસિંહ અજયને એક્સીડન્ટ થયો છે એ સમાચાર સાંભળી ગભરાઈ ગયા, પણ અમરસિંહ અને રેશમાએ તેમણે સાંત્વના આપી કહ્યું કે તેની પ્રાથમિક સારવાર રેશમાએ કરી છે, ત્રણ ઇન્જેક્શનો આપ્યાં છે, ઘા ઉપર પાટો બાંધ્યો છે, એટલે ચિંતા ના કરશો ! ત્યારે માનસિંહને શાંતિ થઈ.

માનસિંહને આવતાં વાર લાગી ત્યાં સુધી તો અજય ભાનમાં આવી ગયો. અમરસિંહે તેને બધી હકીકતથી વાકેફ કર્યો. રેશમાએ તેની સારવાર કરી તે જાણીને તે ગદ્ગદ્ થઈ ગયો અને રેશમાના પગે પડયો. રેશમાએ તેને પગે પડતા અટકાવ્યો. તે થોડીવાર વિચાર કરતો રહ્યો. કોઈક વાત તેના ગળામાં અટકી હોય એમ લાગતું હતું પણ તે બોલી શકતો નહોતો. તો પણ તેણે રેશમાને તેના શ્યામ રંગ માટે ઠુકરાવી નહોતી પણ, દહેજ માટે જ ઠુકરાવી હતી ! પણ હવે એ વાત ઉખેડવાનો કોઈ અર્થ નહોતો.

માનસિંહ આવ્યા પછી આગળની વાત જાણવા મળી કે અજયનાં લગ્ન જે યુવતી સાથે થયાં હતાં તે તો ચારિત્ર્યહીન હતી. તેનું બીજા બે યુવાનો સાથે લફરું ચાલતુ ંહતું ! અને તે બંને યુવાનો પૈસેટકે ઘસાતા હતા ! એ યુવતી એ બેમાંથી એક યુવાનને લઈને ભાગી ગઈ, એ તો ઠીક છે. પણ ઘરમાંથી હાથ સાફ કરીને ભાગી ગઈ !

અજય તો પછી હિમ્મત કરીને બોલ્યો, 'તમને જો વાંધો ના હોય તો હું રેશમા સાથે લગ્ન કરવા તૈયાર છું.' અમરસિંહ કાંઈક બોલે તે પહેલાં તો રેશમા જાતે જ બોલી, 'તમારી બધી જ વાત સાચી છે પણ હવે હું પોતે જ લગ્ન કરવા તૈયાર નથી. મારે તો માત્ર મારા પપ્પાનો જ વિચાર કરવાનો છે. તમે તમારી જાન લીલા તોરણે પાછી લઈ ગયા પછી મારા પપ્પાની હાલતનો ક્યારેય વિચાર કર્યો છે ? મારા બાપુનું જે અપમાન થયું, મારા બાપાને જે ટેન્શન ભોગવવું પડયું તે ક્યારેય માફ કરી શકાય તેમ નથી ! મારા બાપા બબ્બે મહિના સુધી ઉંઘ્યા નથી, ખાધું નથી, મારા બાપાએ જે માનસિક યાતના સહન કરી છે તે હું કેમ ભૂલી શકું ? અને એ માનસિક યાતના માટે જવાબદારને હું ક્યારેય માફ કરી શકું નહીં. મને માફ કરજો પણ હવે લગ્ન કરવાનો મારો કોઈ જ ઇરાજો નથી.' દીકરીની વાત સાંભળી અમરસિંહની આંખમાં આંસુ છલકાઈ ઊઠયા !