ચેપી રોગો વિશેે થોડું જાણીએ
- ફિટનેસ- મુકુંદ મહેતા
- પેરેસાઇટ્સ પ્લાસ્મોડિયમ નામના એકદમ ઝીણા પેરેસાઇટ્સ મચ્છર મારફતે માનવીના શરીરમાં દાખલ થાય ત્યારે મેલેરીયા (ટાઢીઓ તાવ) થાય છે
મા નવ શરીરને તંદુરસ્ત સ્થિતમાંથી અસ્વસ્થ કરનારા અથવા બિમાર પાડનારા તત્ત્વો બેક્ટેરિયા, વાઇરસ અને ફન્ગસ અને પેરેસાઇટ્સ કહેવાય. માનવ શરીરના સાત દરવાજા આંખો, નાક, કાન, મો, મળદ્વાર, મૂત્રદ્વાર અને ચામડીના અનેક છીદ્રોમાંથી આ તત્ત્વો દાખલ થાય છે. અને રોગ ઉત્પન્ન કરે તેને ચેપથી થયેલો રોગ અથવા ચેપી રોગ કહેવાય. કેટલાક સંજોગોમાં આગળ જણાવેલા બધાં જ રોગ ઉત્પન્ન કરનારા તત્ત્વો એકથી બીજા માનવીમાં દાખલ થાય અને કોઈ વાર જીવ જંતુ અને પ્રાણીઓ મારફતે પણ દાખલ થઈ રોગ ઉત્પન્ન કરે.
ચેપીરોગો મુખ્યત્વે નીચે જણાવેલા ચાર પ્રકારના જંતુથી થાય છે. જેનું લિસ્ટ આપવું શક્ય નથી કારણ તેઓ લાખોની સંખ્યામાં આખા જગતમાં ફરે છે અને માનવીને રોગગ્રસ્ત કરે છે.
૧. બેક્ટેરિયા : ચેપી રોગો કરનારા સિંગલસેલ જંતુઓ બેક્ટેરિયા ગળાનો ચેપ (સ્ટ્રેપ થ્રોટ). કિડની, મૂત્રાશય અને મૂત્રમાર્ગના ચેપ લગાડે છે.
૨. વાઇરસ : વાઇરસ બેક્ટેરિયાથી પણ નાની સાઇઝના હોય છે. સામાન્ય શરદીથી શરૂ કરીને ''એઈડ્સ'' જેવા દરદ વાઇરસથી થાય છે.
૩. ફન્ગસ : ખરજવા જેવો ચામડીનો રોગ કરનારા ફન્ગસ ફેફસાના અને જ્ઞાાનતંતુના રોગ કરી શકે છે.
૪. પેરેસાઇટ્સ : પ્લાસ્મોડિયમ નામના એકદમ ઝીણા પેરેસાઇટ્સ મચ્છર મારફતે માનવીના શરીરમાં દાખલ થાય ત્યારે મેલેરીયા (ટાઢીઓ તાવ) થાય છે. આ ચાર મુખ્ય પ્રકારમાં હજારો જાતના ચેપી રોગોના જંતુઓ છે જે માનવીના શરીરમાં જુદી જુદી રીતે દાખલ થાય છે.
૧. સીધા સીધા (ડાયરેક્ટ) સંપર્કમાં આવવાથી થાય
એ. જેમકે શરદી થયેલા દર્દી છીંક કે ઉધરસ આવે ત્યારે નજીક રહેલી વ્યક્તિના શ્વાસમાં શરદીના વાઇરસ જવાથી શરદી થાય ટી.બી. (ક્ષય) થાય કેટલાક જંતુ સ્પર્શ એટલે કે એકબીજાને અડકવાથી થાય સેક્સને કારણે એઈડ્સ જેવા રોગો થાય બી. પ્રાણીઓને લીધે ચેપી રોગો થાય પાળેલા કુતરાના કરડવાથી કે તેમના નહોર વાગવાથી હડકવા જેવા અને બિલાડીને કારણે ''ટોક્સો પ્લાંસ્મોસિસ'' જેવા રોગો થાય સી. ગર્ભવતી માના પેટમાં રહેલા બાળકને પણ માંને થયેલા રોગ થાય.
૨. આડકતરા સંપર્કમાં આવવાથી થાય : તમે આખા દિવસમાં ૨૦ કે ૨૫ વાર ઘણી બધી વસ્તુઓને ઘરમાં અને ઘર બહાર અડો છો. જેને તમારા પહેલા ઘરના અને બહારના અનેક લોકો અડેલા હોય જેમાના કોઈ બેક્ટેરિયા કે વાઇરસથી ચેપ લાગેલા હોય અને તે વખતે તમે એન્ટિસેપ્ટિક સાબુથી હાથ ધોયા વગર તમારી આંખોને, મોં ને કે નાકને અડો ત્યારે તે પ્રકારના રોગ તમને થઈ શકે. બીમાર દર્દીને લોહી આપવાનું હોય (બ્લડ ટ્રાન્સફ્યૂઝન) ત્યારે પણ જાણે-અજાણે દૂષિત લોહીમાં રહેલા રોગ કરનારા જંતુ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં જાય છે.
૩. જીવજંતુ કરડવાથી થાય :
આગળ જણાવ્યા પ્રમાણે મચ્છરથી મેલેરિયા થાય છે તેજ રીતે માખીને કારણે ખોરાકને લીધે, માંકડ, જુ, ભમરી, વીંછી સાપ જેવા જીવ જંતુ કરડવાને કારણે અનેક પ્રકારના રોગ થાય છે.
૪. પાણી, બીજા દૂષિત પ્રવાહી અને ખોરાકને કારણે થાય :
જાણે અજાણે ચોક્ખું પાણી કે બીજા પ્રવાહી પીધા હોય, ખુલ્લો વાસી ખોરાક ખાધો હોય, ત્યારે ઈ.કોલાઈ નામના બેક્ટેરિયાને કારણે ચેપ લાગે અને ફૂડપોઈઝનિંગ અને કોલેરા જેવા રોગો થાય અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય.
ચેપી રોગોના લક્ષણો : મોટે ભાગે જે જંતુથી ચેપ લાગ્યો હોય તેવા લક્ષણો થાય પણ સામાન્ય લક્ષણોમાં તાવ આવે અને થાક લાગે એ કોમન હોય. સામાન્ય લક્ષણો મોટેભાગે આરામ લેવાથી અને ઘરગથ્થુ ઉપચારથી મટી જાય. જ્યારે ચેપનું પ્રમાણ વધારે હોય ત્યારે ૧. તાવ આવે ૨. ઝાડા થઈ જાય ૩. ખૂબ થાક લાગે ૪. આખા શરીરના સ્નાયુ ખૂબ દુખે ૫. ઉધરસ આવે એવા બીજા લક્ષણો થાય.
ડૉક્ટરને તબિયત ક્યારે બતાવવી જોઈએ ?
૧. દર્દીને કોઈ પ્રાણી કરડયું હોય ૨. દરદીથી શ્વાસ બરોબર લેવાતો ના હોય ૩. અઠવાડીયાથી ઉધરસ આવતી હોય ૪. સખત માથું દુખતું હોય ૫. શરીર પર કોઈ ઠેકાણે ચાઠા પડયા હોય કે સોજો આવ્યો હોય ૬. લાંબા વખત સુધી તાવ આવ્યો હોય. ૭. ઓચિંતું આખોથી ઓછું દેખાવા માડે ત્યારે ડૉક્ટરને બતાવી જરૂર લાગે તો હોસ્પીટલમાં દાખલ થવું જોઈએ. વધારે પ્રમાણમાં હોય અને દરદીને જલદી આરામ થતો ના હોય તેવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લઈને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરવી જોઈએ.
ચેપી રોગોનું નિદાન કેવી રીતે થાય : ૧. ફેમિલી ડૉક્ટર લક્ષણો જોઈને અને પેથોલોજી લેબોરેટરીમાં લોહી, પેશાબ અને ઝાડાની તપાસથી નક્કી કરે અને નિદાન માટે જરૂર લાગે તો એક્ષરે, સોનોગ્રાફી વગેરે તપાસ પણ કરાવે.
ચેપી રોગોની સારવાર : ૧. વારે વારે એંટીસેપ્ટિક સાબુથી હાથ ધોવા જોઈએ. ખાસ કરીને તમે બહાર ગયા હો અને ઘેર પાછા આવો ત્યારે હાથ ધોવાનું ભૂલશો નહીં.
૨. બળીયા (સ્મોલપોક્સ) અને ચિકનપોક્સના કેસો માટે અગાઉથી વેક્સિન આપવું જોઈએ. માનવીને વાઇરસના ચેપથી મુખ્યત્વે આટલા રોગ થાય છે. ફ્લૂ, ન્યુમોનિયા, ટી.બી., મીઝલ્સ રૂબેલા ચીકન પોક્સ પ્લેગ, સ્મોલપોક્સ ચિકનગુનીયા એઈડ્સ, બર્ડ ફ્લૂ કોરોના ચેપી રોગોના સ્પેશ્યાલિસ્ટને બતાવી સારવાર કરવી જોઈએ.
ચેપીરોગો ના થાય માટે શું કરવું જોઈએ :
૧. તમારી ઈમ્યુનિટી (રોગ પ્રતિકારક શક્તિ વધારો)
એ. કસરત કરવી પડશે.
કોરોનાને કારણે તમે બહાર ચાલવા કે કસરત કરવા નહીં જઈ શકો માટે ઘરમા દાદર હોય દાદર હોય તો કઠેડો પકડી દાદરનું પહેલું એક જ પગથિયું ચડ ઉતર કરવાની કસરતથી શરૂ કરો, આ ક્રિયા ધીરે ધીરે રોજ વધારતા જઈને ૪૦ મિનિટ નિયમિત રીતે કરો.
બી. તમારા હિમોગ્લોબિનના પ્રમાણનું ધ્યાન રાખો.
પુરૂષોએ હિમોગ્લોબિનનું પ્રમાણ ૧૪ થી ૧૬ ગ્રામ/ડેસી.લી. અને સ્ત્રીઓએ ૧૩ થી ૧૫ ગ્રામ/ડેસી.લી જેટલું રાખવું જોઈએ તે માટે રોજનું હિમ (આયર્ન)નું પ્રમાણ ૨૦ મિલિગ્રામ્સ અને પ્રોટીન (ગ્લોબિન)નું પ્રમાણ ૪૫ થી ૫૫ ગ્રામ રાખવું જોઈએ. આયર્ન માટે લીલા શાકભાજી, ટામેટાં અને તાજા ફળો લેવા જોઈએ. પ્રોટીન માટે દૂધ, દહીં, પનીર, અનાજ, કઠોળ, સુકો મેવો અને શીંગ લેવા જોઈએ.
સી. તમારું શરીર ચોખ્ખુ રાખો : રોજ સ્નાન કરો. દરેક ઋતુમાં પરસેવા અને ધૂળ સાથે અનેક પ્રકારના સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા, વાઇરસ, ફન્ગસ, પેરેસાઈટ્સ જેવા રોગ કરનારા પદાર્થો તમારા શરીરને લાગેલા હોય તેને દૂર કરવા જરૂર લાગે તો બે વખત સ્નાન કરો. બહારથી ઘેર આવો ત્યારે, નાસ્તો કર્યા પછી કે જમ્યા પછી સાબુથી હાથ ધોવાનું ભૂલશો નહીં.
૪. દારૂ, સિગારેટ અને કેફી પદાર્થો લેશો નહીં : તમારી ઈમ્યુનિટી વધારવા માટે દારૂ અને સિગારેટ પીવાની ટેવ છોડી દેવી પડશે. આ પદાર્થોને કારણે તમારી રોગપ્રતિકારક ઘટી જશે અને તેને કારણે શરીરને અનેક જાતના રોગ થશે.