સાઈનસાઈટિસ : કારણ, લક્ષણ અને ઉપચાર
- ઉપચાર-મંજૂષા-વિસ્મય ઠાકર
ચ હેરામાં આંખોની ઉપર - ફ્રન્ટલ સાઈનસ, આંખોની નીચે એન્ટ્રમ સાઇનસ, આંખોની વચ્ચે અને નાકની બરાબર ઉપરની જગ્યાએ ઇથમૉઈડ સાઈનસ તથા નાકની પાછળ ખોપરીના ઊંડાણમાં સ્ફેનૉઈડ નામના ચાર જોડ સાઈનસ પૉકેટ આવેલા છે. વાસ્તવમાં આ એક પ્રકારના હવા માટેના ખાના છે જે નાકના પોલાણ સાથે આંતરત્વચાથી જોડાયેલા રહી શ્વાસોશ્વાસ જેવી ક્રિયા માટે મહત્ત્વનો આધાર બને છે. જો આવા હવા માટેના ખાના શરીરમાં બન્યા જ ન હોત તો ? તો કદાચ આપણા માથાનું વજન આપણે જેટલું અનુભવીએ છીએ તેનાથી ઘણું વધારે લાગે. કારણ આ ખાનાઓ થકી જ શરીરમાં પ્રવેશતી હવાનું નિયમન થઈ શરીરના અંગોનું સંતુલન જળવાય છે.
આ રચનાનું કામ આટલેથી ન અટકતાં તેમાં રહેલી શ્લેષ્મ ગ્રંથીઓથી હવાને ભીની રાખવાનું છે. તદુપરાંત તેની આંતરત્વચા પર ઊગતાં સૂક્ષ્મ વાળ (CILIA)ની મદદથી ધૂળ-રજકણ કે જીવાણું ને શરીરમાં દાખલ થતાં અટકાવવાનું છે. આમ, સાઈનસ પોકેટ શરીરનું રક્ષણાત્મક તંત્ર (IMMUNE SYSTEM) તરીકે ફરજ બજાવવાનું કાર્ય કરે છે. પહેલી નજરે હાડકાના પોલાણ જેવી દેખાતી આ સામાન્ય રચના ખરેખર તો શરીર નામના પરફેક્ટ યંત્રમાંનો એક વિશિષ્ટ અને મહત્ત્વનો ભાગ છે. હવે, જ્યારે આ સાઈનસના ભાગમાં કોઈપણ કારણોસર સોજો આવે તો એ સ્થિતિને સાઈનસાઈટિસ કહેવાય.
સાદી ભાષામાં કહીએ તો સાઈનસનો સોજો. સોજો આવવાનું મુખ્ય કારણ કોરીઝા વાયરસ, સ્ટ્રેપ્ટોકોકાઈ, સ્ટેફીલોકોકાઈ અને ન્યુમોકોકાઈ જેવાં બેક્ટેરિઆ છે. આ બધાં શરીરમાં થતાં ચેપ (INFECTION)નું કારણ બનતા હોય છે જેથી કરીને કાકડાનો સોજો, દાંતનો સડો કે જૂની શરદી જેવાં રોગો થાય છે. આમ, સાઈનસ સાથે ક્યારેક આવા ચેપજન્ય રોગો પણ જોડાયેલા હોઈ શકે. નાકનાં મસા, નાકનો વળી ગયેલો પડદો તો ક્યારેક એલર્જીથી પણ સાઈનસાઈટિસ થઈ શકે. તાપમાન તથા હવામાં રહેલાં ભેજના પ્રમાણની વધ-ઘટ અને માનસિક વ્યગ્રતા જેવાં કારણો પણ સાઈનસ પર અસર કરી શકે છે.
આ બધાં કારણો પછી હવે જ્યારે માણસ સાઈનસાઈટિસ નામના રોગથી પીડાતો હોય ત્યારના લક્ષણો પર નજર નાખીએ.
સૌથી કષ્ટદાયક લક્ષણ દુઃખાવો છે. આંખની નીચે, ઉપર, નાકની મધ્યમાં તો ક્યારેક આખા માથામાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. એની સાથે શ્વાસ લેવામાં તકલીફ, લાલ રહેતી આંખો, કાનમાં સણકા અને નાકમાંથી સતત પ્રવાહીનું ટપકવું જેવાં લક્ષણો દેખાતા હોય છે. આ સિવાય ઝીણો તાવ કે ભૂખ ઘટી જવી જેવાં લક્ષણો રોગ ઘણો જૂનો છે એમ સૂચવે છે. કેટલીક વખત પુષ્કળ છીંકો આવ્યા પછી શરૂ થતો દુઃખાવો અને નાક બંધ થઈ જવું એ એલર્જીજન્ય રોગનું સૂચન કરે છે. હવે ઉપચાર સંબંધી વિગતો જોઈએ. (૧) સૌ પ્રથમ વાસી ખોરાક ત્યાગવો. ખાસ કરીને ગરમીમાં લાંબો સમય પડયો રહેલો ખોરાક ફૂડ પોઈઝનીંગ કે ચેપનું કારણ બને છે. આ સિવાય તેલ, ઘી, માખણ, મલાઈ જેવા ચીકણાં પદાર્થો તથા ગળપણ, મીઠાઈ, આઈસક્રીમ, ઠંડા પીણા જેવા કફ કરે એવા પદાર્થો ત્યાગવા. ભોજનમાં બાફેલો ખોરાક લેવો અને નાસ્તામાં મમરા તથા શેકેલા કઠોળ જેવો હલકો ખોરાક લેવો. દહીં તથા દહીંની બનાવટો, આંબલી, કાચી કેરી, અથાણા જેવાં ખાટાં પદાર્થોને આહારમાં સ્થાન ન આપવું. (૨) સૂંઠ નાખી ઉકાળેલું પાણી સાઈનસાઈટિસ માટેનો અકસીર ઈલાજ છે. ગરમી પડતી હોય અને પ્રકૃતિ ગરમ હોય એવી વ્યક્તિઓએ સૂંઠનો ઓછી માત્રામાં ઉપયોગ કરવો. સામાન્ય વ્યક્તિઓએ આ માપથી ઉકાળેલું પાણી તૈયાર કરવું. પાંચ ગ્લાસ (આશરે એક લીટર) પાણી હોય તો પાંચ ગ્રામ (આશરે એક નાની ચમચી) સૂંઠ ઉમેરવી. દિવસમાં દર બે કલાકના અંતરે આવું હુંફાળું પાણી પીધા કરવું. (૩) માથું નીચેની તરફ ઢળતું રાખી નાકના બંને છીદ્રોમાં હુંફાળા કરેલા દેશી દિવેલના બે-બે ટીપાં પાડવા-દિવસમાં ત્રણ વખત. (૪) હળદર અને આમળાનું ચૂર્ણ સરખા ભાગે લઈ આશરે પાંચ ગ્રામ મિશ્રણ સવારે નરણાં કોઠે ફાકવું. (૫) કબજિયાત ન થાય એની કાળજી રાખી દિવેલમાં શેકેલી હરડે અને એનાથી ચોથા ભાગે સંચળ મેળવી તૈયાર થયેલું મિશ્રણ એક નાની ચમચી રાત્રે સૂતી વખતે ફાકવું. (૬) જ્યારે ધૂળ કે રજકણયુક્ત પ્રદુષિત વાતાવરણમાં જવાનું થાય ત્યારે નેઝલ માસ્ક પહેરવું અથવા નાકને કોટનના રૂમાલથી ઢાંકી રાખવું. (૭) માનસિક વ્યગ્રતા-તનાવના સમયે રોગ વધવાની શક્યતા રહેલી હોવાથી આત્મનિયંત્રણ કેળવી, ધ્યાન-યોગ-વ્યાયામને અપનાવી, મનનું સંતુલન જાળવવા પ્રયત્નશીલ રહેવું. એક મહિના સુધી પાલન કરેલા આ પ્રાથમિક ઉપચારથી અવશ્ય ફાયદો થશે.