Get The App

ગોલ્ડફિંગર જસપાલ રાણાની ચિરવિદાય સાથે ભારતીય શૂટિંગમાં એક યુગનો અસ્ત

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
ગોલ્ડફિંગર જસપાલ રાણાની ચિરવિદાય સાથે ભારતીય શૂટિંગમાં એક યુગનો અસ્ત 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં 14 સુવર્ણ સહિત 25 ચંદ્રકો જીતનારા જસપાલ રાણાના માર્ગદર્શનમાં મનુ ભાકરે એક જ ઓલિમ્પિકમાં બબ્બે ચંદ્રકો જીતવાનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે

ર મત વિશ્વમાં કેટલીક વિરલ પ્રતિભાઓ તેમની સફળતા અને વ્યક્તિત્વથી ચિરકાલીન પ્રભાવ છોડી જાય છે અને તેમની ખોટ પુરવી એ આગામી પેઢી અને પ્રતિભાઓ માટે મોટા પડકાર સમાન બની રહે છે. ખાસ કરીને ખેલાડી તરીકે સફળતાનો સિલસિલો સર્જનારા ખેલાડીઓ નિવૃત્તિ બાદ કોચ તરીકે જૂજ કિસ્સામાં જ પોતાની પ્રતિભાને ન્યાય આપી શકતાં હોય છે. જોકે, ખેલાડી અને કોચ તરીકે સીમાચિહ્નરૂપ સફળતા મેળવનારી વિશિષ્ટ પ્રતિભાઓ રમતના ઈતિહાસમાં અને ખેલાડીઓ તેમજ ચાહકોના હૃદયમાં અમીટ છાપ છોડી જતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓલિમ્પિકથી માંડીને એશિયન-કોમનવેલ્થ ગેમ્સ જેવા બહુરાષ્ટ્રીય રમતોત્સવોમાં ભારત માટે ચંદ્રકોનો ઢગલો ખડકતી શૂટિંગની રમતના દિગ્ગજ સુપરસ્ટાર જસપાલ રાણાની ચિર વિદાયની સાથે એક આખા યુગનો અસ્ત થઈ ગયો હોવાનો અહેસાસ રમત જગતને થઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ભારતને એશિયન ગેમ્સ તેમજ કોમનવેલ્થ ગેમ્સમાં સફળતા અપાવનારા ઓલિમ્પિયન શૂટર જસપાલ રાણાએ કોચ તરીકે પણ ભારતીય રમત જગતમાં અનન્ય સ્થાન હાંસલ કરવામાં સફળતા મેળવી હતી. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં બબ્બેે ચંદ્રક જીતીને ઈતિહાસ રચનારી મનુ ભાકરના કોચ તરીકે પણ તેમણે સેવા આપી હતી. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બબ્બે ચંદ્રક જીતનારી ઈતિહાસની ભારતની સૌપ્રથમ ખેેલાડી છે. જસપાલ અર્જુન એવોર્ડ અને ત્યાર બાદ દ્રોણાચાર્ય એવોર્ડ મેળવવાની સિદ્ધિ પણ ધરાવતા હતા. જોકે, માત્ર ૪૯ વર્ષની વયે હૃદયરોગના હૂમલામાં અચાનક જ તેમનું અવસાન થતાં ભારતીય રમત જગતે આંચકો અનુભવ્યો હતો. 

ભારતીય શૂટિંગ ટીમની સાથે જર્મનીના મ્યુનિખ શહેરથી પરત ફરતી વખતે ફ્લાઈટમાં જ તેમને ગભરામણ થવા લાગી હતી અને આ પછી તેમને તત્કાળ દિલ્હીની સાકેત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થતાં ભારતીય રમત જગતે એક મહારથીને ગુુમાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં તેમણે એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ૧૪ જેેટલા સુવર્ણચંદ્રકો જીત્યા હતા. તેમની સટિક નિશાનેબાજી અને આત્મવિશ્વાસ તેમજ સફળતાને જોતા ભારતીય શૂટિંગ જગતમાં તેઓને ગોલ્ડનફિંગર તરીકેની ઓળખ મળી હતી. પિસ્તોલ શૂૂટિંગમાં એકાગ્રતાની સાથે આંગળીઓ પરનું નિયંત્રણ વિશેષ મહત્વ ધરાવતું હોય છે અને આ જ કારણે પણ તેમને ગોલ્ડનફિંગર તરીકે ઓળખવામાં આવતા હતા. 

ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારમાં આવેલા તહેરી ગઢવાલમાં ૧૯૭૬ની ૨૮મી જૂને એક સંપન્ન પરિવારમાં જન્મેલા જસપાલ રાણાના પિતા નારાયણ સિંહ રાણા ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસમાં ફરજ બજાવતા હતા. તેઓએ ત્યાર બાદ ૧૯૭૧માં થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. જ્યારે જસપાલ રાણાના માતા શ્યામા દેવી ગૃહિણી હતા. પિતા સરહદ પર તૈનાત સશસ્ત્ર પોલીસ દળમાં હોવાથી જસપાલ માટે રાઈફલ અને પિસ્તોલ સાથેેનો સંબંધ નવો નહતો. પિતા નારાયણ સિંહે જ નાનકડા પુત્રને નિશાનેબાજીની તાલીમ આપવાની શરુ કરી. માત્ર ૧૦ વર્ષની ઉંમર જસપાલે પિસ્તોલની સાથે રાઈફલ શૂટિંગની તાલીમ શરુ કરી અને ધીરે ધીરે તેમાં પ્રભુત્વ મેળવવા માંડયું. જસપાલ બંનેમાં કૂશળ હતો, પણ એસોસિએશને નિયમ બનાવ્યો હતો કે, ખેલાડીએ રાઈફલ કે પિસ્તોલમાંથી એક જ ઈવેન્ટમાં ભાગ લેવાનો રહેશે. આ કારણે જસપાલે પિસ્તોલ પર પસંદગી ઉતારી. 

પિતાના સીધા માર્ગદર્શનમાં તૈયાર થયેલા જસપાલને માત્ર ૧૨ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્તરની સૌપ્રથમ સફળતા અમદાવાદમાં મેળવી. તેણે ૩૧મી નેશનલ શૂટિંગ ચેમ્પિયશિપમાં રજત ચંદ્રક જીતી લીધો. તે સમયના સિનિયર નિશાનેબાજોની હાજરીમાં આ ઉત્તરાખંડના કિશોરની સફળતાએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ સફળતાની સાથે જ તેની આંતરરાષ્ટ્રીય શૂટર તરીકેની સફરનો પ્રારંભ થયો. નવું શીખવા માટે તત્પર રહેેતા જસપાલ રાણાને ભારતીય શૂટિંગના પાયાના પથ્થર સમાન ભૂતપૂૂર્વ કોચ સ્વ. સની થોમસે પણ જસપાલની પ્રતિભાને નિખાર આપવામાં વધુ રસ લીધો. દરમિયાનમાં ભારતીય શૂટિંગમાં હંગેરીમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન લેજન્ડ ટિબોર ગોન્કઝોલનું આગમન થયું. તેઓની પાસે શૂટિંગનું અત્યંત આધુનિક જ્ઞાન અને ટેક્નોલોજી હતા. તેમણે ભારતીય શૂટિંગમાં વૈજ્ઞાનિક ઢબની તાલીમ અને પશ્ચિમી જગતના રમત સંગઠનોમાં જોવા મળતી પારદર્શિતાની સ્થાપના કરી. 

ગોન્કઝોલે યુવા શૂટર જસપાલની પ્રતિભાને પારખી અને તેમના પ્રયાસો થકી જસપાલ રાણાની રમતમાં ઉત્તરોત્તર સુધારો થવા લાગ્યો. તે સમયે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ ખુબ જ ઓછી યોજાતી. જસપાલની પસંદગી ઈટાલીના મિલાન શહેરમાં ૧૯૯૪માં યોજાનારી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી હતી. જોકે, ભારતીય ટીમ ત્યાં પહોંચી તેની સાથે જસપાલને એક પરેશાની શરુ થઈ. તેના પગના ઘુંટણ પર ગૂમડું થયું હતુ અને તેનું સખત દર્દના કારણે જસપાલને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. તેઓ મિલાનની હોસ્પિટલમાં બતાવવા ગયા, તો તેમને તત્કાળ દાખલ થઈ જવા અને સર્જરી કરીને ગૂમડું દૂર કરવાની સલાહ આપવામાં આવી. ચેમ્પિયનશિપના એક  દિવસ પહેેલા જ જસપાલને હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા અને રજા આપવાનો ઈનકાર કરવામાં આવ્યો. 

જસપાલ વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે મક્કમ હતા એટલે તેઓ અને કોચ સની થોમસ હોસ્પિટલમાંથી ભાગી છૂટયા અને બીજા દિવસે કોઈ પણ પ્રકારની પેઈનકિલર લીધા વિના જસપાલે ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઈવેન્ટમાં ભાગ લીધો. આ દરમિયાન ગૂમડું ફૂટી ગયું અને તેના દર્દનો પાર ન રહ્યો. જોકે જસપાલે સ્પર્ધા પુરી કરીને પરિણામની રાહ જોયા વિના સીધી હોસ્પિટલની વાટ પકડી. તેમને તત્કાળ દાખલ કરી દેવામાં આવ્યા. તેઓ હોસ્પિટલના બીછાને હતા,ત્યારે કોચે આવીને તેમને કહ્યું કે, તે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ પછી થોડીવાર પછી તેઓ વધુ ખુશી સાથે પાછા ફર્યા અને કહ્યું કે, તે તો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી નાંખ્યો. જસપાલની કારકિર્દીનો સૌથી યાદગાર મેડલ મિલાન ખાતેનો જ હતો.

જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપના સુવર્ણ બાદ તેમણે ૧૯૯૪માં હિરોશીમા એશિયન ગેમ્સમાં પણ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી હતી અને ૧૮ વર્ષની ઉંમરે અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો.  નવી દિલ્હીમાં ૧૯૯૫માં કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ ત્યારે ફૂડપોઈઝનિંગનો શિકાર બનવા છતાં જસપાલે ભારતને છ ચંદ્રકો અપાવીને ઈતિહાસ રચી દીધો હતો. તેના જેવી વિરલ પ્રતિભા ઓલિમ્પિકમાં ખાસ પ્રભાવ પાડી શકી નહતી અને ૧૯૯૬ની એટલાન્ટા ગેમ્સમાં તેમનો દેખાવ સાધારણ રહ્યો હતો. 

કોચ ગોન્કઝોલની દેખરેખ અને કોચ સની થોમસના પ્રોત્સાહન વચ્ચે જસપાલ રાણાએ ૧૯૯૪ થી ૨૦૦૬ દરમિયાન કોમનવેલ્થ ગેમ્સમાં નવ સુવર્ણની સાથે ૧૫ ચંદ્રકો જીત્યા હતા. માંચસ્ટરમાં ૨૦૦૨માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે શ્રેષ્ઠ દેખાવ કરતાં છ ચંદ્રકો જીતવામાં સફળતા મેળવી હતી. જોકે આ જ વર્ષે ગોન્કઝોલે ભારતીય શૂટિંગમાંથી વિદાય લીધી હતી. જોકે તેઓ સમયાંતરે જસપાલને માર્ગદર્શન આપતાં રહેતા. વર્ષ ૨૦૦૬ની દોહા એશિયન ગેમ્સમાં જસપાલે ત્રણ સુવર્ણની સાથે ચાર ચંદ્રકો જીત્યા હતા. 

તેમણે ૩૦ વર્ષની ઉંમરે આ સિદ્ધિ મેળવી, ત્યારે પણ તેઓ બીમાર હતા. દોહામાં સખત તાવ અને ડિહાઈડ્રેશનની સ્થિતિ વચ્ચે તેમણે આ ચંદ્રકો જીતી બતાવ્યા હતા. 

આંતરરાષ્ટ્રીય શૂટર તરીકેની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ તેમણે રાજકારણમાં પણ ઝંપલાવ્યું હતુ. જોકે તેમાં તેમના ધાર્યા  નિશાન પાર પડયા નહતા. આખરે તેમણે ૨૦૧૨ થી શૂટિંગ કોચ તરીકેની કારકિર્ર્દી શરુ કરી હતી. તેમના માર્ગદર્શનમાં મનુ ભાકર સહિતના નિશાનેબાજોએ તાલીમ મેળવી હતી. જસપાલ રાણાના અથાક પ્રયાસો અને મનુ ભાકરની મહેનતના ફળસ્વરુપ જ ભારતને ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં બે ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રકો મળ્યા હતા. સ્પષ્ટ વક્તા તરીકેની ઓળખ ધરાવતા જસપાલે ઘણી વેળાએ નેશનલ રાઈફલ એસોસિએશન ઓફ ઈન્ડિયાની પસંદગી પ્રક્રિયા તેમજ શૂટરોના વ્યવસાયિક કરારો અંગેની નીતિઓની આકરી ટીકા પણ કરી હતી. 

જસપાલ રાણાની ચિરવિદાયની સાથે માત્ર શૂટિંગ જ નહીં ભારતીય રમત જગતમાં એક સ્વર્ણિમ પ્રકરણનો અંત આવી ગયો છે. તેમની સિદ્ધિઓ અને રેકોર્ડસ આવનારી પેઢીઓ માટે પ્રેરણા અને પડકાર બંનેનું કામ કરશે.