Get The App

અમેરિકામાં હિન્દુઓ સામે વધી રહેલા હેટ ક્રાઇમના સિલસિલાબંધ બનાવો

Updated: Jun 21st, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકામાં હિન્દુઓ સામે વધી રહેલા હેટ ક્રાઇમના સિલસિલાબંધ બનાવો 1 - image

- ડોનાલ્ડ ટ્રમ્પનાં શાસનકાળમાં ગોરાઓને 'સુપિરિયર રેસ'નું માન મળ્યું

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- ટ્રમ્પ સરકાર, તેમનો પક્ષ અને નેતાઓ ભારતીય સહિતના એશિયનો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે જેની અસર હવે હત્યામાં પરીણમી રહી છે

અ મેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળી ત્યારથી વિદેશીઓ સામે કાર્યવાહીના નામે અત્યાચાર વધી રહ્યા છે. ટ્રમ્પ સરકાર, તેમનો પક્ષ અને નેતાઓ ભારતીય સહિતના એશિયનો વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે જેની અસર હવે હત્યામાં પરીણમી રહી છે.

છેલ્લાં પાંચ મહિનામાં જ બનેલી ઘટનાઓ

હજુ બે સપ્તાહ પૂર્વે અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ભારતીય મૂળના યુવક અંશુલ કુંચાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અંશુલ અડધી રાત્રે પીઝા ડિલીવર કરવા પહોંચ્યો હતો ત્યારે જ તેને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. જે ઘરે પીઝા ડિલીવરીનો ઓર્ડર હતો તે મકાન ખાલી પડયું હતું. મૃતકના પરિવારનો આરોપ છે કે અંશુલની સાજિશ હેઠળ હત્યા કરવામાં આવી હતી.  પાંચ વર્ષ પહેલા નોકરી માટે અમેરિકા ગયો હતો. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો પણ વધુ આવક માટે પીઝા ડિલીવરીનું કામ કરી લેતો હતો.

 કેલિફોર્નિયામાં ૨૨ વર્ષીય સાકેત શ્રીનિવાસ ગયા ફેબુ્રઆરીમાં યુનિવર્સિટી કેમ્પસ પાસે જોવા મળ્યો હતો. નજીકમાં જ એક બિલ્ડીંગ પાસે તેની બેગ, લેપટોપ, પાસપોર્ટ મળી આવ્યા હતા. પોલીસ તપાસમાં સાકેતનો મૃતદેહ કેમ્પસ નજીકના તળાવમાંથી મળી આવ્યો હતો.

 માર્ચ મહિનામાં ટેકસાસમાં ભણતી ભારતીય વિદ્યાર્થિની. સવિતા શાનની હત્યા થઈ હતી. ઓસ્ટીન વિસ્તારમાં એક લોકપ્રિય બાર નજીક થયેલા અંધાધૂંધ ગોળીબારમાં સવિતાની સાથે બીજા બે યુવકોની હત્યા થઈ હતી. ગોળીબાર કરનારો હત્યારો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.

 અગાઉ નોર્થ કેરોલિનામાં વસતા યુવા મૈનેક પટેલની તેનો સ્ટોર લૂંટવા આવેલા સગીરે હત્યા કરી હતી. તેની પત્ની અમી સાત મહિનાથી પ્રેગ્નન્ટ હતી. ઉપરાંત એક પાંચ વર્ષની દીકરી પણ છે.

તાજેતરમાં જ અમેરિકામાં હિન્દુ સમુદાયના લોકો સામે વધતા નફરતના ગુનાઓ વિરુધ્ધ એક મહત્ત્વપૂર્ણ ઠરાવને  ૩૨ કોંગ્રેસમેનોનું સમર્થન મળ્યું છે. જાણીતા ભારતીય અમેરિકન કોંગ્રેસ સભ્ય રોખન્નાએ પણ ઠરાવને ટેકો આપ્યો છે.

આ ઠરાવમાં અમેરિકાના અર્થતંત્ર, સમાજ, વિજ્ઞાાન, શિક્ષણ, સ્વાસ્થ્ય તથા અન્ય ક્ષેત્રોમાં હિન્દુ-અમેરિકન સમુદાયના યોગદાનની નોંધ લેવાઈ છે. તેની તારિફ થઈ છે. એટલું જ નહીં, હિન્દુ ફોબિયા, હિન્દુ વિરોધી કટ્ટરતા અને હિન્દુ પૂજા સ્થાનો પરના હુમલાની પણ નિંદા કરાઈ છે.

તાજેતરમાં જ એક ભારતીય યુગલને એક અમેરિકી શખ્સે સોશ્યલ મીડીયા પર અપશબ્દો કહેતાં તેમને અમેરિકા છોડી ચાલ્યા જવાનું કહેતા એક વિડીયો વાયરલ થઈ ગયો છે. તેમાં એક અમેરિકન ભારતીય યુગલને અપશબ્દો કહેતો જોવા મળે છે.

અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય નાગરિકો પર હુમલા વધી રહ્યા છે. ભારતીયોની અત્યંત ઘાતકી રીતે હત્યા કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ ૫૦ વર્ષના ચંદ્રમૌલી નાગમલ્લૈયાનું એક શખ્સે ગળુ કાપીને હત્યા કરી નાખી હતી. એટલુ જ નહીં પરિવારની સામે જ તેના માથાને પગ મારીને ફૂટબોલની જેમ ફંગોળ્યું હતું.

'સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ હેટ એન્ડ એક્સ્ટ્રીમીસમ' (સીએસએચઇ)એ સાન બેરનાર્ડીનો સ્થિત યુનિવર્સિટી ઑફ કેલિફર્નિયા ખાતે એકઠા કરેલા ડાટામાં જણાઇ આવ્યું હતું ક ે એક વર્ષ અગાઉની તુલનામાં ગયા વર્ષે એશિયનો સામે થતાં નફરતભર્યાં અપરાધોમાં ૩૩૯ ટકા જેટલો ધરખમ વધારો થયો છે. ખાસ કરીને સાન ફ્રાન્સિસ્કો, ન્યુયોર્ક અને લૉસ એન્જલસ જેવા શહેરોમાં એશિયન અમેરિકનો સામેની નફરત ઝપાટાભેર વધી રહી છે. એશિયન અમેરિકનો સામેની નફરતને પગલે આચરાતાં ગુનાઓની ઘટનાઓને શાળાના અભ્યાસક્રમમાં સ્થાન આપવા લડત ચલાવી રહેલા જૂથ 'મેક અસ વિઝિબલ'ના સ્થાપક  કેની ઇલાન્ગોવાન એક અંગ્રેજી સામયિકને કહે છે કે એશિયન અમેરિકનો સામેના અપરાધોમાં ખરેખર ધરખમ વધારો થયો છે. મહામારી દરમિયાન ન્યુ જર્સીમાં હેટ ક્રાઇમમાં ૮૦ ટકા જેટલી વૃધ્ધિ થઇ હતીે. 'સ્ટોપ એએપીઆઇ હેટ'(એશિયન અમેરિકનો અને પેસિફિક આઇલેન્ડના લોકો સામે આચરાતા હેટ ક્રાઇમ્સનો રેકોર્ડ રાખતી સ્વયંસેવી સંસ્થા'એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઇલેન્ડસ'ર્)અનુસાર એએપીઆઇના દર ત્રણમાંથી એક માતાપિતા કહે છે કે તેમના સંતાનોને ગયા વર્ષે નફરતના બનાવોનો સામનો કરવો પડયો હતો. આમાંથી સૌથી મોટો બનાવ ગયા વર્ષની ૧૬મી માર્ચે બન્યો હતો જેમાં એક બંદૂકધારીએ એટલાન્ટામાં આઠ  જણને ગોળીએ દીધાં હતાં. આ આઠ મૃતકોમાં છ એશિયન મહિલાઓ હતી.

એક જાણકારી મુજબ વિદેશની ૪૧ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૬૩૩ ભારતીય સ્ટુડન્ટ્સ છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ કારણોસર મૃત્યુ પામ્યા હતા. જોકે આમાં કુદરતી રીતે, અકસ્માતથી કે તબીબી કારણોસર પણ સ્ટુડન્ટ્સના મૃત્યુ થયા હતા. ૧૭૨ સ્ટુડન્ટ્સનાં મૃત્યુ સાથે કેનેડા પહેલા નંબરે છે. ત્યાર બાદ અમેરિકામાં ૧૦૮, યુનાઇટેડ કિંગડમ (યુકે)માં ૫૮, ઓસ્ટ્રેલિયામાં ૫૭, રશિયામાં ૩૭ અને જર્મનીમાં ૨૪ સ્ટુડન્ટ્સનો સમાવેશ છે. યુક્રેનમાં ૧૮, જ્યોર્જિયા, કિર્ગીઝસ્તાન અને સાયપ્રસમાં ૧૨-૧૨ અને ચીનમાં ૮ સ્ટુડન્ટ્સે જીવ ગુમાવ્યો હતો.

 અલબત્ત, અન્ય શહેરોમાં પણ સ્થિતિ ખાસ સારી ન ગણી શકાય. વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં કોલોરાડો સ્થિત લેકવૂડ ખાતે પોતાના સ્ટોરમાં જ લખવંત સિંહ પર તેના એક ગ્રાહકે  દ્વેષપૂર્ણ  હુમલો કર્યો હતો. એરિક બ્રીમેન નામના આ ગ્રાહકે લખવંત સિંહના સ્ટોરમાં આવીને તોડફોટ કરી હતી. તેણે લખવંત સિંહ અને તેની પત્નીને કહ્યું હતું કે તમે તમારા દેશમાં પાછા ચાલ્યા જાઓ. જ્યારે લખવંત સિંહ પોતાની લાઇસન્સ પ્લેટના ફોટા લેવા સ્ટોરની  બહાર નીકળ્યો ત્યારે બ્રીમેને તેને પોતાની મોટર વડે ધક્કો મારીને પાર્કિંગ લૉટથી બહાર ફેંકી દીધો હતો.

વર્ષ ૨૦૨૦ના માર્ચ માસમાં  એએપીઆઇ સંલગ્ન સંસ્થા 'ચાઇનિસ ફૉર અફર્મેટિવ એક્શન'અને  સાન   ફ્રાન્સિસ્કો  સ્ટેટ યુનિવર્સિટીના એશિયન અમેરિકન સ્ટડીઝ વિભાગે સંયુક્ત રીતે 'સ્ટોપ એએપીઆઇ હેટ રિપોર્ટિંગ સેન્ટર' લોંચ કર્યું ત્યાર બાદ માત્ર એક સપ્તાહમાં જ તેમને હેટ ક્રાઇમની ૬૦૦ ઘટનાઓના રિપોર્ટ મળ્યાં. એક માસમાં આ આંકડો ૧,૫૦૦ સુધી પહોંચી ગયો હતો. બે વર્ષ પછી આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં ૧૧,૫૦૦ ઘટનાઓની નોંધ જોવા મળી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ તો પાશેરામાં પહેલી પુણી સમાન છે. રાષ્ટ્રીય સ્તરે મળેલા તાજા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૪-૨૫માં દર પાંચમાંથી બે એશિયન અમેરિકનઅને પેસિફિક આઇલેન્ડરને તીવ્ર દ્વેષભાવનો અનુભવ થયો છે. તેમાંય મહિલાઓ અને બાળકો આસાન નિશાન બન્યાં છે.તેમાં લગભગ બે-તૃતિયાંશ લોકા ે સામે ગાળાગાળી કરવામાં આવી હતી. ગઇ ૨૪મી ઑગસ્ટે ડલ્લાસ ખાતે એસ્મેરાલ્ડા અપટોન નામની એક મેક્સીકન-અમેરિકન મહિલાએ ચાર ભારતીય મહિલાઓ પર વંશીય હુમલો કરતાં તેમને બીભત્સ ગાળો આપી હતી.તેણે તેમને એમ પણ કહ્યું હતું કે હું તમને નફરત કરું છું. તમે તમારા દેશમાં ચાલ્યા જાઓ.

રિતુ ચંદ્રાને અગાઉ પણ વંશીય ભેદભાવનો અનુભવ થયો હતો. પણ તેમાં તેને બહુ સિફતપૂર્વક ગોરાઓથી અળગી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.રિતુ કહે છે કે હું એક અપાર્ટમેન્ટ જોવા ગઇ હતી. પરંતુ મને બહુ શાંતિથી કહેવામાં આવ્યું કે તે વેંચાઇ ગયો છે. ત્યાર પછી મેં મારી એક ગોરી મિત્રને એ અપાર્ટમેન્ટ બદલ પૂછવાનું કહ્યું ત્યારે મને જાણ થઇ કે  હું ગોરી નથી તેથી મને એ અપાર્ટમેન્ટ વેંચવામાં નહોતું આવ્યું. તેણે વધુમાં કહ્યું હતું કે ડોનાલ્ડ  ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા ત્યાર પછી લોકોને એમ લાગવા લાગ્યું હતું કે તેમને વંશીય હુમાલઓ કરવાનો અબાધિત અધિકાર મળી ગયો છે.

હજું ગયા વર્ષે જ યુ. એસ.માં એફબીઆઈની સેકોમેન્ટો ફિલ્ડ ઓફિસે ભારત સાથેના કુટુંબ અથવા વ્યવસાયિક સંબંધો ધરાવતી વ્યક્તિઓને નિશાન બનાવતી ગેરવસૂલી યોજના અંગે લોકોને ચેતવણી જારી કરી છે. ભારતમાંથી ભાગી છૂટયા બાદ ગોલ્ડી બ્રાર, લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ અને રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા બિશ્નોઈની હરીફ ગેંગે અમેરિકાના જુદા જુદા શહેરોમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ, હોટલ માલિકો અને અમેરિકામાં રહેતા પ્રખ્યાત લોકો પાસેથી રિક્વરી કરવામાં આવી રહી છે. અમેરિકાના સેક્રામેન્ટો શહેરના એફબીઆઈ યુનિટે પોતાની અપીલમાં કોઈપણ ગેંગ કે ગેંગ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો નથી. એફબીઆઈએ કહ્યું કે અમને માહિતી મળી છે કે શહેરમાં એક મોટું ખંડણી રેકેટ ચાલી રહ્યું છે, જે ભારતીય મૂળના લોકોને ધમકી 

આપીને મોટી રકમની ઉચાપત કરી રહ્યું છે. પૈસા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા છે અને ઘણી જગ્યાએ ગોળીઓ પણ ચલાવવામાં આવી છે. એફબીઆઈ હેલ્પલાઈન નંબર જારી કરીને, એફબીઆઈએ ત્યાં રહેતા ભારતીય મૂળના તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલા આવા કેસ વિશે પોલીસને આ બાબતની જાણ કરે.

જોકે અહીં પ્રશ્ન એ છે કે શું માત્ર ડાટા એકઠો કરવાથી એશિયન અમેરિકનોને માનસિક રીતે તોડી નાખતી  આ સમસ્યાનો અંત આવી જશે?આના જવાબમાં એક હિન્દુ સંગઠનના નેતા કહે છે કે ના, અમે તેની સામે લડત ચલાવીશું.મહત્વની વાત એ છે કે ે લડત ચલાવવાના હિમાયતીઓ માત્ર આ બે જણ નથી. તેમના જેવા સેંકડો  લોકો પોતાના હકો માટે લડી લેવાના મૂડમાં છે. તેઓ તીવ્ર દ્વેષભાવનાના વધતા જતાં કિસ્સાઓ સામે કડક કાનૂન અને તેના અપરાધીઓને સામે સખત પગલાં લેવાની માગકરી રહ્યાં છે. તેમણે ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં જ 'મેક અસ વિઝિબલ એનજે' સંસ્થાની રચના કરી છે. બે પેરન્ટ્સ અને એક ટીચરે શરૂ કરેલી  આ સંસ્થામાં હવે ઘણાં લોકો જોડાયા છે. તેઓ કહે છે કે અમે ભેદભાવ કરવાને બદલે સમાવિષ્ટ થઇને, એટલે કે હળીમળીને રહેવાની હિમાયત કરીએ છીએ.આ સંસ્થા સાથે સંકળાઇ ગયેલા ઇલોન્ગોવાન કહે છે કે મારો જન્મ જ અહીં થયો છે. આ જ મારું વતન છે. એ વાત કેટલી દુ:ખદાયક છે કે ઘણાં લોકો અહીં પાંચ પાંચ પેઢીઓથી રહે છે. આમ છતાં તેમની સાથે પરદેશીઓ જેવું વર્તન કરવામાં આવે છે. અને તે પણ માત્ર તેમના દેખાવને કારણે.હું ઇચ્છું છું કે મારા સંતાનો અહીં સલામતી અનુભવે. આ જ તેમનું ઘર છે. 

છેલ્લા  ત્રણેક વર્ષમાં ન્યુ જર્સીમાં એશિયન અમેરિકનો પ્રત્યે વધી રહેલી નફરતની ઘટનાઓનું કારણ છે અહીંની વસતિમાં આવેલો બદલાવ.તાજેતરની વસતિ ગણતરીમાં જણાયું હતું કે આ રાજ્યમાં હવે એશિયન અમેરિકનોની વસતિ ૧૧ ટકા જેટલી છે. જર્સી શહેરમાં તો આ વસતિ ૨૮ ટકા જેટલી થવા જાય છેે. અને હવે આ લોકોને તેમના પાઠયક્રમમાં સ્થાન મળે તો જ આગામી પેઢી હેટ ક્રાઇમ સામે લડત ચલાવી શક્શે.'મેક અસ વિઝિબલ એનજે' સાથે સંકળાયેલા શિક્ષિકા સીમા કુમાર કહે છે કે મારી શાળા  જે જિલ્લામાં આવેલી  છે  ત્યાં લઘુમતીમાં રહેલા વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં છે. આમ વિદ્યાર્થીઓની ડેમોગ્રાફી જે રીતે બદલાઇ રહી છે તે જોતાં પાઠયક્રમમાં બદલાવ લાવવો જરૂરી છે જેથી  અહીં કયા છાત્ર-છાત્રાઓની સંખ્યા વધુ છે તેની જાણ  અને અસર પણ થાય.