- વિજ્ઞાન જગતમાં નારી શક્તિનો પ્રેરણા સ્રોત
- જગદીશચંદ્ર ભટ્ટ
- લેટેસ્ટ રિસર્ચમાં જણાયું કે મેરી ક્યુરીના અવસાનના 91 વર્ષ પછી
- પણ તેમની લાઇબ્રેરીમાં નોટબુક્સ, વસ્ત્રો, ફર્નિચર અને કબ્રસ્તાનમાં આશ્ચર્યજનક રીતે રેડિયોએક્ટિવની તીવ્ર અસર જોવા મળે છે
- રેડિયમની શોધથી તબીબી વિશ્વમાં બહુ મોટું પરિવર્તન થયું: રેડિયમ થેરપીથી કેન્સરની સારવાર શક્ય બની: ન્યુક્લિયર મેડિસીનની શરૂઆત થઇ
- મેરી ક્યુરી
જન્મ: ૦૭-૧૧-૧૮૬૭
મૃત્યુ: ૦૪-૦૭-૧૯૩૪
થો ડા સમય પહેલાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને વિજ્ઞાન વિશ્વમાં આશ્ચર્ય સર્જાય તેવા સમાચાર વહેતા થયા છે. રેડિયમની વિશિષ્ટ શોધ કરનારાં મહાન વિજ્ઞાની મેરી ક્યુરીનું અવસાન ૧૯૩૪માં ફ્રાંસની રાજધાની પેરીસમાં થયું હતું. મેરી ક્યુરીના અવસાનને ૨૦૨૫માં ૯૧ વર્ષ થઇ ગયાં છે. આમ છતાં આજે નવ નવા દાયકા બાદ પણ મેરી ક્યુરીની લાઇબ્રેરીમાંની નોટબુક્સ, વસ્ત્રો, ફર્નિચર સહિત અન્ય ચીજ- વસ્તુઓમાં હજી રેડિયોએક્ટિવ(કિરણોત્સર્ગ) ની તીવ્ર અસર છે.
આટલું જ નહીં, મેરી ક્યુરીની જ્યાં અંતિમક્રિયા થઇ તે સ્થળે પણ હજી રેડિયોએક્ટિવની તીવ્ર અસર છે. આ બંને સમાચારથી આજની સાયન્સ અને ટેકનોલોજીના યુગની પેઢીને બહુ બહુ આશ્ચર્ય થયું છે. ખાસ કરીને શાળા -કોલેજનાં વિદ્યાર્થીઓ --વિદ્યાર્થિનીઓને આ સમાચારથી ઝાઝા બધા સવાલો થયા છે. મેરી ક્યુરી કોણ હતાં? તેમણે એવી કઇ મહત્વની શોધ કરી છે જેની અસર આજે ૯૧ વર્ષે પણ તેમની લાઇબ્રેરીમાં અને અંતિમક્રિયના સ્થળે થઇ રહી છે ?
આજથી લગભગ ૪૦ -૫૦ વર્ષ પહેલાં ઘણી વ્યક્તિઓનાં ઘરમાં એલાર્મ વગાડતી નાના કદની ગોળાકાર ઘડિયાળ જોવા મળતી. રાતના સમયે તે ઘડિયાળમાં લીલા રંગનો ચમકાટ થતો. રાતના અંધારામાં ઘડિયાળ ચમકતી. ઘડિયાળમાં લીલા રંગીન ઝગારાથી ઘરનાં બાળકોને બહુ આશ્ચર્ય થતું. બાળકો પૂછતાં, દાદા, આપણી ઘડિયાળમાં રાતે લીલા રંગનો ચમકારો કેમ થાય છે? દિવસે કેમ નહીં ? દાદા કહેતા, બેટા, આપણી ઘડિયાળ રેડિયમવાળી છે એટલે રાતે ચમકે છે. દાદા, તેમના સમયમાં શિક્ષક હતા એટલે બહોળું વાંચન હોવાથી તેમને રેડિયમ વિશે માહિતી હતી. પછી તો એક દિવસ દાદાજીએ પૌત્રને રેડિયમ એટલે શું? રેડિયમની શોધ કોણે કરી છે? અને તેનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં થાય છે તેની રસપ્રદ માહિતી સમજાવી.
રેડિયમની શોધ પોલેન્ડનાં મહાન મહિલા વિજ્ઞાની મેરી સોલોમી સ્ક્લોડોવ્સકાએ કરી છે. મેરી ક્યુરીએ ૧૯૦૩માં તેમના પતિ પિયરક્યુરી સાથે ભૌતિકશાસ્ત્ર(ફિઝિક્સ) વિષયમાં અને ૧૯૧૧માં રેડિયમની શોધ માટે એમ બે વખત વિશ્વ પ્રતિષ્ઠિત નોબેલ પ્રાઇઝ મેળવવાનું સન્માન મેળવ્યું હતું.
સમગ્ર વિશ્વમાં અને નોબેલ પ્રાઇઝના ઇતિહાસમાં નોબેલ પ્રાઇઝ મેળવનારાં મેરી ક્યુરી પ્રથમ મહિલા વિજ્ઞાની છે. સાથોસાથ બે વખત અને તે પણ વિજ્ઞાનના જુદા જુદા વિષયમાં પણ બે વખત નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનારાં પહેલાં વિજ્ઞાની છે. ગૌરવની બાબત તો એ છે કે પેરીસ યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા પ્રોફેસર બનવાનું બહુમાન પણ મેરી ક્યુરીને મળ્યું છે.
મેરી ક્યુરીની રેડિયમની શોધથી સમગ્ર માનવજાતનું કલ્યાણ થયું છે. મેરી ક્યુરીની રેડિયમની શોધથી તબીબી ક્ષેત્રમાં બહુ મોટી ક્રાંતિ થઇ છે. સાથોસાથ વિજ્ઞાન વિશ્વમાં પણ નવાં સમીકરણો રચાયાં. મેરી ક્યુરીની ઝળહળતી સફળતાએ વિશ્વની નારી શક્તિને જાગૃત કરી. અસંખ્ય તેજસ્વી વિદ્યાર્થિનીઓને વિજ્ઞાનનું શિક્ષણ લેવા માટે પ્રેરણા આપી. વિજ્ઞાનના માધ્યમથી સમગ્ર માનવજાતની સેવા થઇ શકે છે એ વાત સાબિત થઇ. આ તબક્કે આપણે વિજ્ઞાન વિશ્વનાં તેજસ્વી તારલામાં અને અનેક યુવતીઓ - સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ બની ગયેલાં મેરી ક્યુરીની ઝળહળતી જીવનગાથા અને ઉજળી સંશોધન સિદ્ધિઓ વિશે રસપ્રદ માહિતી મેળવીએ. સાથોસાથ, આ મહાન નારી રત્નના જીવનમાં કેવા કેવા સામાજિક, આર્થિક, રાજકીય પડકારોના ઝંઝાવાત આવ્યા, તે તમામ મુશ્કેલીઓનો પોતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાથી અને લોખંડી મનોબળથી કેવી રીતે સામનો કરીને પોતાના જીવનને સફળ અને સુગંધી બનાવ્યું તેની પ્રેરણાદાયક વાતો જાણવા -સમજવા જેવી છે. સાથોસાથ મેરી ક્યુરીની શોધથી તબીબી ક્ષેત્રમાં કેવાં પરિવર્તન આવ્યાં તેની રસપ્રદ બાબતો જાણવા-સમજવા જેવી છે.
મેરી ક્યુરી: બાળપણથી તેજસ્વી બુદ્ધિપ્રતિભા
મેરી ક્યુરીનો જન્મ ૧૮૬૭ની ૭, નવેમ્બરે પોલેન્ડના વોરસો શહેરમાં થયો હતો. મેરી ક્યુરીનું સાચું અનેબાળપણનું નામ મારિયા સ્લોડોવસ્કી હતું. મેરી ક્યુરી નામ તો ફ્રાંસના વિજ્ઞાની પિયરક્યુરી સાથે લગ્ન કર્યાં બાદ થયું. મારિયાના પિતા વ્લાડાયસ્લાવ સ્લોડોવસ્કી વોરસોની એક શાળામાં ગણિતના અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક હતા, જ્યારે તેની માતા બ્રોનીસ્લાવા પણ વોરસોની એક શાળામાં શિક્ષિકા હતાં. આમ નાનકડી મારિયાનો ઉછેર આવા સુશિક્ષિત અને સંસ્કારી પરિવારમાં થયો હતો. ગણિત અને ભૌતિકશાસ્ત્રના શિક્ષક પિતા પોતાની દીકરી મારિયાને દરરોજ ગણિત અને ભૌતિકશાસ્ત્રના પાઠ બહુ સરળ રીતે અને જુદાં જુદાં રસપ્રદ ઉદાહરણો દ્વારા શીખવતા. પરિણામે બાળ મારિયામાં પણ વિજ્ઞાન પ્રત્યે રસ -રૂચી થયાં. મારિયાએ તેનું પ્રાથમિક શિક્ષણ વોરસોની જે. સિકોરસ્કા બોર્ડિંગ સ્કૂલમાં લીધું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ ફ્રાંસની રાજધાની પેરીસની યુનિવર્સિટીમાં કર્યો.
૧૯૦૨નું સંશોધનપત્રઃ રેડિયમથી શરીરમાં ગાંઠ સર્જતા કોષનો નાશ થાય છે
મેરી ક્યુરીએ ૧૯૦૨માં બહુ જ મહત્વનું સંશોધનપત્ર રજૂ કરીને કહ્યું કે રેડિયમની અસરથી શરીરમાં ગાંઠ સર્જતા કોષનો બહુ ઝડપથી નાશ થાય છે. મેરીના આ સંશોધનપત્રથી સમગ્ર વિજ્ઞાન વિશ્વમાં અને તબીબી વિશ્વમાં જબરું આશ્ચર્ય ફેલાયું. સમય જતાં ખ્યાલ આવ્યો કે મેરીએ જે ગાંઠનો ઉલ્લેખ કર્યો છે તે કેન્સર છે.
૧૯૦૩ થ મેરી ક્યુરી નોબેલ પ્રાઇઝ મેળવનારી વિશ્વની પ્રથમ વિજ્ઞાની બની
મેરી ક્યુરીને અને તેના વિજ્ઞાની પતિ પિયરક્યુરીને ૧૯૦૩ના ડિસેમ્બરમાં તેમની રેડિયમની વિશિષ્ટ શોધ માટે રોયલ સ્વિડીશ એકેડમી ઓફ સાયન્સ દ્વારા નોબેલ પ્રાઇઝ અનાયત થયું. જોકે હેન્રી બેક્વેરેલનેપણ નોબેલ પ્રાઇઝ એનાયત થયું હતું.
મેરી અને પિયર: વિશ્વને રેડિયોએક્ટિવિટી નામનો નવો શબ્દ આપ્યો
મેરી ક્યુરી - પિયર ક્યુરીને નોબેલ પ્રાઈઝ મળ્યું
મેરી અને પિયર લેબોરેટરીમાં
૧૮૯૫ના આ જ તબક્કે અમુક વિજ્ઞાનીઓ યુરેનિયમ પર સંશોધન કરતા હતા. ખાસ કરીનેહેન્રી બેક્વરેલ નામના વિજ્ઞાનીએ એવું નિરીક્ષણ કર્યું કે યુરેનિયમમાંથી જે કિરણો બહાર ફેંકાય છે તે એક્સ -- રે જેવાં છે. વળી, આ કિરણો બહારની કોઇ જ અસરથી નહીં પણ યુરેનિયમમાંથી જ નીકળે છે. મેરી ક્યુરીને આ નિરીક્ષણ વિશિષ્ટ લાગ્યું એટલે તેણે આ જ કિરણો વિશે સંશોધન શરૂ કર્યું. મેરીએ આ સંશોધન માટે ઇલેક્ટ્રોમીટર નામના વૈજ્ઞાનિક ઉપકરણનો ઉપયોગ કર્યો હતો. ઇલેક્ટ્રોમીટર દ્વારા ઇલેક્ટ્રીક ચાર્જ માપી શકાય છે.મેરીએ આ સંશોધન દરમિયાન એવું નિરીક્ષણ કર્યું કે યુરેનિયમમાંથી જે રેડિયેશન(કિરણોત્સર્ગ) બહાર ફેંકાય છે તે કોઇ ચોક્કસ ગતિવિધિને કારણે નહીં પણ યુરેનિયમમાંથી જ ફેકાતાં હોવાં જોઇએ.
મેરી અને પિયરીને આ જ સંશોધન દરમિયાન પીચબ્લેન્ડે અને ટોર્બર્નાઇટ(જેને ચેલ્કોલાઇટ પણ કહેવાય છે) નામનાં બે વિશિષ્ટ તત્વોની પણ જાણ થઇ. ઉપરાંત, આ બંને તત્વોમાં પણ કોઇ એક તત્વ ખુદ યુરેનિયમ કરતાં પણ વધુ સક્રિય હોવું જોઇએ એવું નિરીક્ષણ પણ મળ્યું. મેરી ક્યુરી અને પિયરક્યુરીએ આ જ સંશોધનકાર્ય દરમિયાન યુરેનિયમમાંથી ફેંકાતાં કિરણોને રેડિયો એક્ટિવિટી એવો નવો શબ્દ પણ આપ્યો. છેવટે ક્યુરી દંપતિએ ૧૮૯૮ના જુલાઇમાં પોલોનિયમ (મારિયાના દેશ પોલેન્ડ પરથી)નામના વિશિષ્ટ તત્વની અને ૧૮૯૮ની ૨૬, ડિસેમ્બરે રેડિયમ (લેટિન શબ્દ: રે: પરથી)નામનાં બે વિશિષ્ટ તત્વની શોેધની જાહેરાત કરી. મહત્વનું સંશોધન તો એ હતું કે ક્યુરી દંપતિએ પોલોનિયમ અને રેડિયમ એમ બંને તત્વો અલગ કર્યાં અને તે પણ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે. મેરી ક્યુરીની રેડિયમ શોધ સમસ્ત માનવજાત માટે આશીર્વાદરૂપ
બની રહી.
મા-દીકરી બંનેને નોબેલ મળ્યાનો એકમાત્ર કિસ્સો
મેરી ક્યુરીની દીકરી આઈરીનને તેના પતિ સાથે સંયુક્ત રીતે નોબેલ મળ્યો હતો
ક્યૂરી પરિવારને કુલ પાંચ નોબેલ મળ્યા છે ને એ પણ એક વિક્રમ છે. મેરી ક્યૂરી અને તેમના પતિને નોબેલ મળ્યા એ પછી તેમની દીકરી આઈરીન જુલિયેટ ક્યૂરીને રસાયણશામાં તેના પતિ ફ્રેડરિકવ જુલિયેટ સાથે સંયુક્ત રીતે નોબેલ એનાયત થયો હતો. પતિ સાથે નોબેલ શેર કરનારી ઈરીન તેમની માતા મેરી પછી દુનિયાની બીજી મહિલા વિજ્ઞાની હતી. મા-દીકરી બંનેને નોબેલ મળ્યો હોય એવો આ એકમાત્ર કિસ્સો છે. મેરીની બીજી પુત્રી ઈવાએ વિજ્ઞાનના ફિલ્ડમાં કારકિર્દી બનાવી ન હતી. તેમ છતાં એનું ઘર નોબેલ પારિતોષિક વગરનું રહ્યું ન હતું. ઈવાના પતિ રિચાર્ડસન લેબોઈસી ૧૯૬૫માં યુનિસેફના ડિરેક્ટર હતા ત્યારે યુનિસેફને શાંતિનું નોબેલ મળ્યું હતું, જે સ્વીકારવા માટે રિચાર્ડસન સદભાગી થયા હતા. ટૂંકમાં આખા ક્યૂરી પરિવાર પાસે નોબેલ પારિતોષિક છે અને એવો એ દુનિયાનો એકમાત્ર પરિવાર છે.
પેરીસમાં ઉચ્ચ શિક્ષણ અને લગ્ન
મારિયાએ ૧૮૯૩માં ભૌતિકશાસ્ત્રમાં ડિગ્રી મેળવી. ત્યારબાદ મારિયાએ પેરીસનીઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરીમાં પોતાનું સંશોધનકાર્ય શરૂ કર્યું. સાથોસાથ પેરીસ યુનિવર્સિટીમાં વધુ ઉચ્ચ અભ્યાસ પણ ચાલુ રાખ્યો. આ જ ઇન્ડસ્ટ્રીયલ લેબોરેટરીમાં પિયરક્યુરી પણ સંશોધન કરતા હતા. અહીં જ મારિયાનો પરિચય પિયરક્યુરી સાથે થયો. બંને એક જ વિષયમાં સંશોધન કરતાં હોવાથી પરિચય ગાઢ બન્યો. ૧૮૯૫માં મારિયા સ્લોડોવસ્કી એ અને પિયરક્યુરી સાથે લગ્ન કર્યાં. હવે મારિયા સ્લોડોવસ્કી મેરી ક્યુરી બની ગયાં.
મેરી ક્યુરીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કરી
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અસંખ્ય સૈનિકો ઘાયલ થયા.મેરી ક્યુરીએ ઘાયલ સૈનિકોના શરીરમાં ક્યાં ગોળી છે તે જાણવા માટે એક્સ -રે મોબાઇલ વાનનો વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. મેરીએ ૨૦ રેડિયોલોજી વાન અને ૨૦૦ રેડિયોલોજી યુનિટ્સ દ્વારા ઉમદા માનવ સેવા કરીને વિજ્ઞાનના માધ્યમથી તબીબી સેવા થઇ શકે છે તે સાબિત કર્યું.
મેરી ક્યુરીની રેડિયમ શોધનો ઉપયોગ
તબીબી સારવારમાં
રેડિયમ અને પોલોનિયમની શોધથી તબીબી વિશ્વમાં બહુ મોટું પરિવર્તન થયું. રેડિયમ દ્વારા શરીરમાં ફેલાયેલા કેન્સરના કોષનો ઝડપથી નાશ થાય છે એવું સાબિત થયું. કેન્સરનાં દરદીઓની સારવાર માટે રેડિયમ આશીર્વાદરૂપ બન્યું. આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં કેન્સરની સારવારમાં રેડિયમ થેરપીનો ઉપયોગ થાય છે. રેડિયોલોજી અને મોબાઇલ એક્સ -રે નો ઉપયોગ શરૂ થયો. આ વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ડોક્ટર કોઇપણ ઘાયલ વ્યક્તિના શરીરના કયા ચોક્કસ હિસ્સામાં ગોળી છે તે જાણી શકે છે.ઓપરેશન દ્વારા તે દરદીનો જીવ બચી શકે છે. ન્યુક્લિયર મેડિસીનનો પ્રારંભ થયો. રેડિયોએક્ટિવ પદ્ધતિ દ્વારા દરદીના શરીરના ચોક્કસ કયા હિસ્સામાં રોગની કેટલી અસર છેે તેની સચોટ માહિતી મળે છે.
મેરી કયુરીએ ખાસ પ્રક્રિયાથી રેડિયમની ઓળખ કરી હતી
ભાભા અણુ સંશોધન કેન્દ્ર (બી.એ.આર.સી.- મુંબઈ)ના સિનિયર અણુવિજ્ઞાની (નિવૃત્ત) ડો. જગદીશચંદ્ર વ્યાસ તેમના બહોળા સંશોધન અને અભ્યાસના આધારે 'ગુજરાત સમાચાર'ને કહે છે, મેરી કયુરીએ રેડિયમની શોધ 'પીચ બ્લેન્ડી' નામના ખનીજ (મિનરલ) પર સંશોધન કરીને કરી હતી. આ જ પીચ બ્લેન્ડીમાં યુરેનિયમનાં તત્ત્વ પણ હોય. પીચ બ્લેન્ડીને ધરતીમાંથી બહાર કાઢવામાં આવતું ત્યારે તે અત્યંત ગરમ રહેતું. તેમાંથી અત્યંત ઉર્જાવાન કિરણો બહાર ફેંકાતાં. જોકે પીચ બ્લેન્ડી શા માટે આટલું બધું ગરમ રહે છે તેની કોઈને જાણકારી નહોતી. સરળ રીતે સમજીએ તો પીચ બ્લેન્ડીમાંથી આલ્ફા, બીટા, ગામા કિરણો બહાર ફેંકાતાં હતાં. આ સમગ્ર કુદરતી પ્રક્રિયા હાઈ એનર્જીની હતી. ૧૮૯૫- ૧૮૯૮ના સમય ગાળામાં વિલિયમ રોન્ટજન નામના વિજ્ઞાનીએ 'એક્સ- રે'ની શોધ કરી. સાથોસાથ હેન્રી બેકવેરેલ નામના વિજ્ઞાની પણ યુરેનિયમ પર સંશોધન કરતા હતા. મેરી કયુરીએ નિરીક્ષણ કર્યું હતું કે પીચ બ્લેન્ડીમાંથી જે કિરણો બહાર ફેંકાય છે તે કિરણો કોઈપણ વસ્તુમાંથી આરપાર નીકળી જાય છે. કિરણો પોતાની લેબોરેટરીમાંના કપબોર્ડ આરપાર નીકળી જાય છે. આ અસર 'રેડિયો એક્ટિવ'ની હતી. તીવ્ર બુધ્ધિ પ્રતિભાશાળી મેરી કયુરીએ આ રેડિયો એક્ટિવ પ્રક્રિયાનું મેજરમેન્ટ પણ કર્યું અને તેની તીવ્રતા નિશ્ચિત કરી. મેજરમેન્ટ દરમિયાન ખબર પડી કે પીચ બ્લેન્ડી તો યુરેનિયમની સરખામણીએ ચાર ગણું વધુ ગરમ હતું. છેવટે આજ સંશોધન કાર્ય દરમિયાન મેરી કયુરીએ રેડિયમ અને પોલોનિયમ એમ બે તત્ત્વો સંપૂર્ણપણે અલગ તારવ્યાં. પીચ બ્લેન્ડી ખનિજ તત્ત્વ શા માટે અતિ ઉર્જાવાન હોય છે. તેનાં સચોટ કારણ જાણી શકાય. વિશ્વને 'રેડિયમ'ની વિશિષ્ટ અને પહેલી જ વખત શોધ પ્રાપ્ત થઈ.
નોબેલ પ્રાઈઝ વિનર દંપતી
ગેર્ટી અને કાર્લ કોરી
એલ્વા અને ગુન્નાર મેયડાલ
મે બ્રિટ અને એડવર્ડ મોસર
અભિજિત બેનર્જી અને એસ્થર ડુફલો
પતિ-પત્ની બંનેને નોબેલ પ્રાઈઝ મળ્યું હોય એવો પહેલો કિસ્સો મેરી અને પિયર ક્યુરીનો છે. બીજો કિસ્સો આ દંપતીની દીકરી આઈરીન અને ફ્રેડરિકનો છે. ત્રીજી વખત આવો સંયોગ ૧૯૪૭માં થયો હતો. ગેર્ટી અને કાર્લ કોરીને મેડિસિનનો નોબેલ મળ્યો હતો. ચોથો કિસ્સો થોડો યુનિક એટલા માટે છે કે પતિ-પત્નીને જુદી જુદી શાખાનો જુદા જુદા સમયે નોબેલ મળ્યો હતો. સ્વીડનના ગુન્નાર મેયડાલને ૧૯૭૪માં અર્થશાસ્ત્રનો નોબેલ મળ્યો હતો. તેમનાં પત્ની એલ્વા મેયડાલને ૧૯૮૨માં શાંતિનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. પતિ-પત્ની બંનેને નોબેલ મળ્યો હોય એવો પાંચમો અને સંયુક્ત રીતે નોબેલ એનાયત થયો હોય એવો ચોથો કિસ્સો મે બ્રિટ મોસર અને એડવર્ડ મોસરનો છે. મોસર દંપતીને ૨૦૧૪માં સંયુક્ત રીતે મેડિસીનનું નોબેલ એનાયત થયું હતું. બંને ન્યૂરોસાયન્ટિસ્ટ છે અને તેમણે મેમરી અંગે સંશોધનો કર્યા છે. નોબેલ મેળવનારા પતિ-પત્નીના છેલ્લા અને લેટેસ્ટ કિસ્સામાં તો એક ભારતીયનું નામ પણ વાંચવા મળે છે. એ નામ છે - અભિજિત બેનર્જી અને એસ્થર ડુફલોનું. અર્થશાસ્ત્રમાં પતિ-પત્નીએ સંયુક્ત રીતે નોબેલ પ્રાઈઝ મેળવ્યું હોય એવી આ એકમાત્ર ઘટના છે. ૨૦૧૯માં વૈશ્વિક ગરીબી દૂર કરવા માટેના તેમની અર્થશાસ્ત્રની થિયરીને આ સન્માન મળ્યું હતું.


