- સરદાર @150-હસિત મહેતા
- સાક્ષીએ વકીલ કે મૅજિસ્ટ્રેટ સામે નહીં, પરંતુ પોતાની સામે મુકાયેલા અરીસામાં મોઢું જોવાનું અને બોલવાનું. જુબાની આપવાની આવી મૅજિસ્ટ્રેટનીવિચિત્ર રીતથી ઘણાં મૂંઝાતા અને ગભરાતા
ઈ. સ.૧૮૨૮માં બારડોલી સત્યાગ્રહનો સફળ અંત અને વલ્લભભાઈ 'સરદાર' કહેવાયાં એ અરસામાં, ગાંધીજીના અંતેવાસી મહાદેવભાઈ દેસાઈએ વલ્લભભાઈ સાથેના નજીકના અનુભવોથી પ્રેરાઈને, તેમનાથી પ્રભાવિત થઈને, તેમના જીવન-કવન વિશે એક નાનકડી પુસ્તિકા, નામે 'વીર વલ્લભભાઈ' લખી છે.
જેમાં તેઓને રૂબરૂ થયેલી ઘણી ચર્ચાઓ, વાતો અને વિગતો આલેખી છે. જેમાં મહાદેવભાઈ જેવા વિચક્ષણ અને સત્યનિષ્ઠ વ્યક્તિ એમ લખે કે 'એક હસ્બન્ડ કરીને મૅજિસ્ટ્રેટને તેમણે (એટલે કે વલ્લભભાઈએ) કેવી રીતે હંફાવ્યા હતા એની અનેકવાર વાત કરીને તેઓ હસાવે છે.', ત્યારે આપણને મહાદેવભાઈ અને વલ્લભભાઈ વચ્ચે થયેલી આ સીધી વાતચીત ઘણી આકર્ષે છે, અને તેમાંથી વલ્લભભાઈની વકીલાતકાળના રસપ્રદ અને ચોંકાવનારા કિસ્સાઓ મળે છે.
બોરસદમાં વલ્લભભાઈએ જ્યારે નવીસવી વકીલાત શરૂ કરી, ત્યારે ત્યાંના મૅજિસ્ટ્રેટ મિ.હસ્બન્ડ ખૂબ કડક હોવાની અને ભલભલા વકીલોને ધમકાવતાં હોવાની વાતો ચાલતી હતી. એટલે સુધી કે આ તુમાખીખોર મૅજિસ્ટટ્રેટ અમદાવાદના મોટા વકીલોનું અપમાન કરતાં ખચકાતાં નહીં. તેમની પાસે જતાં સૌ ડરતાં. એના ઘમંડથી વકીલો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.
એવામાં એક ખૂન કેસમાં આરોપીના, તોહમતદારના વકીલ તરીકે વલ્લભભાઈને એ કોર્ટમાં જવાનું થયું. આ વાત જાણીને બોરસદના વકીલ આલમમાં ઉચાટ અને જીજ્ઞાસા વ્યાપી ગઈ. કારણ કે વલ્લભભાઈ એમના સ્વભાવ મુજબ આવા ઘમંડી જજને ગાંઠશે નહીં તેની સહુને ખાતરી હતી. આ કોર્ટમાં વલ્લભભાઈ કાંઈક તો નવાજૂની કરશે, અને મૅજિસ્ટ્રેટ સાથે ચકમક થશે, એવી ધારણાં વકીલમંડળે બાંધી લીધી હતી.
આખરે એ ઉચાટભર્યો દિવસ આવ્યો અને વલ્લભભાઈ પોતાના અસીલ પટેલ ભાઈનો કેસ લઈને મી. હસ્બન્ડની કોર્ટમાં એપિયર (હાજર) થયાં. આમ તો એમનો અસીલ ખૂન કેસનો આરોપી મહાદેવભાઈ દેસાઈ લખે છે કે 'વલ્લભભાઈ પાસે ખૂન, ખોટા દસ્તાવેજ, ધાડ પાડવા સિવાય બીજા કેસો આવે જ શેના?' કારણ કે તે સમયે એક સફળ ક્રિમિનલ વકીલ તરીકે વલ્લભભાઈનું નામ ખૂબ ગાજતું થઈ ગયું હતું.
મિ. હસ્બન્ડની કોર્ટમાં વલ્લભભાઈ પોતાનો કેસ ચલાવવા ઉભા થયા, અને તેમણે કોર્ટ સમક્ષ પહેલો સાક્ષી રજૂ કર્યો. પેલાં મૅજિસ્ટ્રેટે સાક્ષીઓને ડરાવવાં ધમકાવવાં એવો કારસો રચ્યો હતો કે કોઈપણ સાક્ષીએ કોર્ટના કઠેડામાં આવીને સામે મુકાયેલા મોટા અરીસામાં જોઈને જ જુબાની આપવાની. એટલે કે સાક્ષીએ વકીલ કે મૅજિસ્ટ્રેટ સામે નહીં, પરંતુ પોતાની સામે મુકાયેલા અરીસામાં મોઢું જોવાનું અને બોલવાનું. જુબાની આપવાની આવી મૅજિસ્ટ્રેટનીવિચિત્ર રીતથી ઘણાં મૂંઝાતા અને ગભરાતા.
વલ્લભભાઈએ તરત જ મૅજિસ્ટ્રેટના આ હુકમ માટે વાંધો ઉઠાવ્યો, તેમની મિ. હસ્બન્ડ સાથે ચકમક ઝરી. મૅજિસ્ટ્રેટ વલ્લભભાઈના ઉગ્ર વિરોધથી ચમક્યો તો ખરો, પણ એકનો બે ના થયો. વલ્લભભાઈને પહેલેથી આવી ધારણા હતી, એટલે તેમણે તરત જ નવો પાસો ફેંક્યો, અને બોલ્યાં કે તો પછી કોર્ટની કાર્યવાહીમાં નોંધ કરો કે અમારા સાક્ષીને અરીસામાં જોઈને જુબાની આપવાની ફરજ પાડવામાં આવી રહી છે. ૅમૅજિસ્ટ્રેટે આ વાત ડિનાઈલ કરી, એટલે વલ્લભભાઈ તાડૂક્યાં કે 'તો પછી આ અરીસો પુરાવામાં રજૂ થયેલો ગણાશે. તે કેસના કાગળો સાથે પુરાવો બનશે અને છેક સેશન્સ કોર્ટ સુધી પહોંચશે.' વલ્લભભાઈની આવી કાયદેસરની માંગણીથી ફરીથી પેલો મૅજિસ્ટ્રેટ ચમક્યો, પણ ગાંઠયો નહીં.
આવું જ થશે, એવી ગણતરી ધારીને વલ્લભભાઈએ હવે બીજો પાસો ફેંક્યો, અને અગાઉથી તૈયાર કરીને લાવેલી અરજી કોર્ટમાં આપી. જેમાં લખ્યું હતું કે આ કેસ બીજી કોર્ટમાં ચલાવવાની મંજૂરી આપો, કારણ કે આ કોર્ટમાં પોતાના એસીલને ન્યાયિક હૂકમ મળે તેવી શક્યતા નથી. આ વાંચીને મૅજિસ્ટ્રેટ સ્હેજ મોળો પડયો, અને તેણે વલ્લભભાઈને કેસ આગળ ચલાવવા સમજાવ્યાં. પરંતુ પોતાની વાત ઉપરથી એકના બે થાય, તો વલ્લભભાઈ શાના? હવે એમણે ખીસ્સામાં તૈયાર કરીને રાખેલું એક બંધ કવર જજ સાહેબને આપ્યું, અને તેમાં પોતાના સાક્ષીઓના નામ છે, જે માત્ર સેશન્સ કોર્ટમાં જ રજૂ કરવાની માંગણી કરી. વળી એ બંધ કવર ઉપર તેમણે 'આ કવર માત્ર સેશન્સ કોર્ટમાં જ ફોડવામાં આવે.' તેવી રજૂઆત પણ લખી હતી. આ જોઈ મૅજિસ્ટ્રેેટ વધારે ગભરાયા, તેમણે માંગણી નામંજૂર કરી, અને પોતાની જાતે જ એ બંધ કવર ફોડીને જોયું, તો તેમની આંખો પહોળી થઈ ગઈ.
એ કવરમાં વલ્લભભાઈએ પોતાના સાક્ષીઓમાં પહેલું નામ મૅજિસ્ટ્રેટ, મિ. હસ્બન્ડનું જ લખ્યું હતું, અને પેલા ખૂનના આરોપી અસીલ મી. પટેલનું નામ બચાવપક્ષના સાક્ષી તરીકે લખ્યું હતું. આ વાંચી મૅજિસ્ટ્રેટ તો પાણીપાતળાં થઈ ગયા. પરસેવે રેબઝેબ મિ. હસ્બન્ડે પોલીસ તરફેના ઘણાં સાક્ષીઓ તપાસવાની સાફ ના પાડી દીધી, અને તેમની ટીકા પણ ઘણી કરી. વળી તેમણે આખરે એવો હૂકમ કર્યો કે પ્રથમદર્શી પુરાવે આ કેસને સેશન્સ કમિટ કરવામાં આવે છે. વલ્લભભાઈને તો આટલું જ જોઈતું હતું. સેશન્સમાં એ કેસ પહેલે જ દિવસે ઊડી ગયો, અને વલ્લભભાઈનો અસીલ જીતી ગયો.
નીડરતા, બુદ્ધિકૌશલ્ય અને સમયસૂચક્તાની આવી વિચક્ષણતા વલ્લભભાઈમાં વકીલાતકાળે વિક્સેલી હતી.


