- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- એમણે ગર્જના કરી, 'મૂર્ખ લોકો! તમે પણ તમારા રાજાની માફક સત્તાના નશામાં છકી ગયાં છો. જાઓ, એમને જઈને કહી દો કે મેં એમના અશ્વને કેદ કરી લીધો છે.'
અ મુક કરોડો વર્ષો પૂર્વેની આ વાત છે. પૃથ્વી હજુ સાત વિભિન્ન ખંડોમાં વિભાજીત નહોતી થઈ. સમગ્ર પૃથ્વી એક મહાદ્વીપ તરીકે અસ્તિત્વ ધરાવતી હતી, એ સમયની આ ઘટના! સુસેન નામનો અત્યંત બળશાળી રાજા થઈ ગયો. ચક્રવર્તી બનવા માટે તથા પોતાના સામ્રાજ્યને દૂર દૂર સુધી ફેલાવવા માટે રાજકીય સલાહકારો દ્વારા એમને અશ્વમેધ યજ્ઞાનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી.
અશ્વમેધ યજ્ઞા કરવાનું સામર્થ્ય માત્ર અત્યંત શક્તિશાળી અને મહાન રાજાઓ પાસે જ હતું, જેની મદદ વડે તેઓ અન્ય રાજ્યો તેમજ શાસકો પર પ્રભુત્વ સ્થાપી શકતાં હતાં. સાથોસાથ, સૌને પોતાના તાબા હેઠળ લાવવા પણ સંભવ હતાં. રાજા પોતાના શાહી અશ્વને મુક્તપણે વિચરણ કરવા માટે છોડી મૂકતાં અને ત્યારબાદ સેનાપતિ સાથે સૈનિકોની ટુકડી ઘોડાની પાછળ પાછળ ચાલતી. જે ક્ષેત્રમાં અશ્વ પગ મૂકે, એ સમગ્ર વિસ્તાર અશ્વમેધ યજ્ઞા કરનારા રાજાનો થઈ જતો. જો કોઈ શાસક અશ્વ મોકલનારા રાજાને પડકાર ફેંકે અને અશ્વને કેદ કરી લે, તો તેણે રક્તરંજિત યુદ્ધ ખેલવું પડતું.
સુસેનનો અશ્વ દૂર દૂરનાં રાજ્યો સુધી પહોંચી ગયો. એકપણ રાજામાં એટલી હિંમત નહોતી કે એને રોકે અથવા યુદ્ધનો પડકાર ફેંકે! કેટલાંય અઠવાડિયાં વીતી ગયાં અને ઘણાં રાજ્યો સુસેનના આધિપત્ય હેઠળ આવી ગયાં. એક દિવસ સરોવર પાસે પાણી પીવા માટે ઘોડો રોકાયો. એ સ્થાન જંગલના એક શાંત આશ્રમની સાવ નજીકમાં હતું, જેની સામે ગંડ નામનો પર્વત શોભાયમાન હતો. સરોવરથી થોડે દૂર વડનું અત્યંત જૂનું વૃક્ષ હતું, જેની શાખા દૂર દૂર સુધી ફેલાયેલી હતી. ઝાડની નીચે એક તેજસ્વી સાધુ સ્થિતપ્રજ્ઞા અવસ્થામાં સમાધિસ્થ હતા. એમનું નામ ગણ હતું. કાફલાથી અજાણ મહર્ષિ ગણ તો પાષાણશિલાની માફક સ્થિર હતા. એમની કુંડલિની ઊર્જા સહસ્રાર ચક્રમાં પહોંચી ચૂકી હતી. જેવી રીતે એક શિશુ પોતાની માતાનું સ્તનપાન કરતું હોય, એવી રીતે તેઓ સહસ્રાર ચક્રમાંથી ઝરી રહેલાં અમૃતનો રસાસ્વાદ લઈ રહ્યા હતા. રાજાનાં અનેક મંત્રીઓ સેના સાથે ત્યાં હાજર હતાં. મહર્ષિ ગણને પ્રણામ પાઠવ્યા વિના જ સૌએ ત્યાં સરોવર નજીક પોતાનો અડ્ડો જમાવ્યો. મદિરાની મહેફિલ ચાલુ કરીને તેઓ પરસ્પર જોરજોરથી વાતચીત કરવા માંડયાં. સૈનિકોએ થોડે દૂર તંબુ તાણી દીધાં.
મહર્ષિ ગણના પુત્રને એમનું આ વર્તન ખૂબ ઉદ્ધતાઈભર્યું લાગ્યું. તેઓ સ્વયં એક મહાન તપસ્વી અને ઋષિ હતા. આ પ્રકારે પિતાની સાધનામાં ખલેલ પહોંચાડવાનું કૃત્ય વાસ્તવમાં એમના માટે અતિક્રમણ જેવું હતું. મહર્ષિ ગણનું આવું અપમાન તેઓ સહન ન કરી શક્યા.
એમણે ગર્જના કરી, 'મૂર્ખ લોકો! તમે પણ તમારા રાજાની માફક સત્તાના નશામાં છકી ગયાં છો. જાઓ, એમને જઈને કહી દો કે મેં એમના અશ્વને કેદ કરી લીધો છે.'
મંત્રીઓએ એમની આ ચેતવણીને જરા પણ ગંભીરતાપૂર્વક ન લીધી. એમના દ્વારા સૈનિકોને આદેશ આપવામાં આવ્યો કે તાત્કાલિક સાધુને કેદ કરી લેવામાં આવે!
યુવાન તપસ્વીએ દેવી જયાનાં એક રહસ્યમય મંત્રનું ઉચ્ચારણ કર્યું અને પોતાની તરફ આગળ વધી રહેલાં સૈનિકોને પળવારમાં ભસ્મીભૂત કરી નાખ્યા. આ બધું એટલી ઝડપથી થઈ ગયું કે અમુક સૈનિકો તથા મંત્રીઓ તો પોતપોતાના ઘોડા પર હજુ તો સવાર સુદ્ધાં નહોતાં થયાં. ભયને કારણે થરથર ધુ્રજી રહેલાં સૌ કોઈ તાત્કાલિક તપસ્વીના ચરણોમાં લાંબા થઈ ગયાં અને ક્ષમા માગવા લાગ્યાં. તપસ્વીએ એકેય શબ્દ ન ઉચાર્યો. તેઓ શાહી અશ્વને પોતાની સાથે રાખી પર્વત તરફ ગયા અને જોતજોતામાં એવી રીતે અદ્રશ્ય થઈ ગયા જાણે મૃત્યુ સમયે આત્મા ગાયબ થઈ જાય!
સૌએ મહર્ષિ ગણને વંદન પાઠવ્યાં. મહષ તો હજુ પણ સમાધિમાં જ લીન હતા. આખેઆખી સેના પોતાના રાજા પાસે પરત ફરી.
મહારાજ સુસેને સમગ્ર વૃત્તાંત સાંભળ્યો અને એ પછી બળ-બુદ્ધિ માટે પ્રખ્યાત પોતાના નાના ભાઈ મહાસેનને મહષ ગણ પાસે જવાની સૂચના આપી. ત્યાં પહોંચીને એકદમ વિનમ્રભાવ સાથે એમની ક્ષમા માગવાનું કહેવામાં આવ્યું.
રાજાએ જણાવ્યું, 'સેનાને પોતાની સાથે લઈ જવાની જરૂર નથી. એક સાધકની જેમ એમની પાસે જાઓ.'
મહાસેન તરત જ આશ્રમ જવા માટે રવાના થયા અને અમુક અઠવાડિયાંની યાત્રા ખેડયા પશ્ચાત્ ત્યાં પહોંચી ગયા. (આગળની કથા આવતાં અઠવાડિયે!)


