- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'લે આ સાડીઓ રસોડાના સ્ટોરરૂમમાં મુકી રાખજે. મને પરમદિવસે યાદ અપાવજે કે આ સાડીઓનું શું કરવાનું છે.' - સીમાબેને ત્રણ સાડી રૂપાને આપતા કહ્યું.
'રૂ પલી તારા શેઠના ઘરે તો તડામાર તૈયારીઓ છે. કંઈ ખાસ પ્રસંગ છે પછી બીજા કોઈએ ઘર ખરીદી લીધું.' - દેવકૃપા સોસાયટીના બાંકડે બેઠેલી કામવાળાઓની મિટિંગમાં રેખાએ સવાલ કર્યો.
'અરે, અમારા સોનુ બાબાના લગ્ન લીધા છે. સોનુબાબા અમેરિકાની કોઈ મોટી કંપનીમાં અધિકારી થઈ ગયા છે. બે વર્ષ સુધી અમેરિકા રહેશે અને પછી પાછા ભારત આવી જશે. તેમની હારે નોકરી કરતી છોકરી જોડે જ ગોઠવી કાઢયું છે. ઘડીયા લગનની જ તડામાર તૈયારીઓ ચાલે છે.' - રૂપાએ જવાબ આપ્યો.
'સોનુ બાબા તારા શેઠનો દીકરો છે. તારો નહીં. તારા વિમલના લગન હોય એવો હરખ કરે છે તું. થોડું ભાન તો રાખ.' - રેખાએ ટોણો મારતા કહ્યું.
'લે, હરખ તો હોય જ ને. સોનુબાબા પાંચ વર્ષના હતા ત્યારથી મારી હારે જ મોટા થયા છે. આજે પણ સીમાભાભી કરતા વધારે મને રાખે છે. બે-ચાર દિવસે એકવાર મારા હાથની સુકીભાજી ન ખાય ત્યાં સુધી એને ચેન નથી પડતું. મારા વિમલાને પણ અમેરિકા લઈ જવાની એણે વાત કરી લીધી છે.' - રૂપાએ પોરસાતા કહ્યું.
'બેન, થોડી સભાનતા રાખ. આખરે આપણે કામવાળા અને એ લોકો શેઠ કહેવાય. ગમે તેટલું રાખે તોય અંતર તો રહેવાનું જ છે. એ હર્ષિત ભાઈના લગ્નમાં કંઈ તારે હરખના તેડાં ન હોય. તારા વિમલાને હજી ભણવાનું પૂરું તો થવા દે. બધા અહીંયા જ છે. જોઈશું કેવી રીતે વિમલ અમેરિકા જાય છે. તને લગનમાં એકાદ નવી સાડી અને તારા ઘરનાને એકાદ જોડ કપડાં આપે ને તોપણ ઘણું.' - શોભાએ પણ ટાપસી પુરતા કહ્યું.
'અરે, સીમાભાભી એવું કશું જ ન કરે. તું જોજે મારા માટે એ અવ્વલ સાડી લાવશે. કદાચ સીમાભાભી ભુલી જશે તો પણ કેશવભાઈ અને સોનુ તો મને ભુલે જ નહીં. આખું ઘર મને પરિવારની જેમ જ રાખે છે.' - રૂપાએ થોડા અણગમા સાથે કહ્યું.
'બેન, એ તો સમય આવ્યે સમજાશે. અમેય અહીંયા જ છીએ અને તુંય અહીંયા જ છે.' - રેખાએ ફરી ટોણો માર્યો અને ઊભી થઈને જતી રહી. રેખા ઊભી થતાની સાથે જ આખું ટોળું વિખરાવા લાગ્યું.
રૂપા પણ કંઈક આવા જ અજુગતા વિચારો સાથે સીમાભાભીના ઘર તરફ જવા લાગી. તેના મનમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી. ખબર નહીં કેમ પણ રેખાએ કદાચ તેના મનમાં કંઈક નવી જ અસમંજસને જન્મ આપી દીધો હતો.
રૂપા આવા વિચારો સાથે ઘરમાં ઘુસી ત્યાં સામે જ સીમાભાભી અને તેમની જેઠાણી અને નણંદ સામે આવ્યા.
'રૂપા તું ઘરનું કામ જોઈ લેજે. અમે થોડું બજારમાં જઈને આવીએ છીએ. સોનું હમણાં આવતો હશે અને કદાચ કોઈ મહેમાન આવે તો સંભાળી લેજે. ક્યાંય ઓછું ન આવવું જોઈએ.' - સીમાભાભીએ ચંપલ પહેરતા કહ્યું.
'અરે કામવાળાના ભરોસે ઘર મુકીને જાય છે. એવું હોય તો હું રોકાઈ જાઉં છું. તમે બંને જઈ આવો.' - સીમાની નણંદે કહ્યું અને રૂપાને રેખાના શબ્દો આંખ સામે તરી આવ્યા.
'અરે, મોટીબેન, રૂપા કંઈ બહારની નથી. એ અમારા પરિવારનો ભાગ છે. સોનુ આઠ વર્ષનો હતો ત્યારથી રૂપા આપણા ઘરે જ છે. આજે સોનુના લગ્ન છે તો ઘરની જવાબદારી રૂપાની પણ બને જ છે.' - સીમાભાભીએ હસતા હસતા કહ્યું અને રૂપા મલકાઈ ગઈ.
રૂપા ઘરમાં પ્રવેશી અને પેલા ત્રણેય ગાડીમાં ગોઠવાઈ જતા રહ્યા. રૂપાએ ઘરમાં બધું અવેરવાનું શરૂ કરી દીધું. વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવી અને રસોડામાં પહોંચી ત્યાં જ બહાર તેના નામની બુમ પડી.
'રૂપા માસી, આજે તો બટાકાની સુકીભાજી બનાવવી આપવી પડશે, નહીંતર આ લગ્ન અહીંયા જ અટકી જશે. હું આ બહારનું અને લગ્નની તૈયારીઓમાં બધું જાતભાતનું ખાઈને કંટાળ્યો છું. તેમાંય શોપિંગમાંથી આવ્યા પછી મગજ ચાલતું નથી. ઝડપથી સુકીભાજી અને બિસ્કિટ ભાખરી બનાવી આપો.' - સોનું જોર જોરથી બરાડા પાડતો પાડતો રસોડા સુધી પહોંચી ગયો.
'અલા સોનુ, તારા લગ્ન છે અઠવાડિયા પછી, હવે શું રૂપામાસીની રટ લગાવે છે. આવનારી છોકરીને કેવું લાગશે, આ સોનુડો તો કામવાળાના ભરોસે જીવે છે.' - રૂપા અનાયાસ જ બોલી ગઈ.
'એક મિનિટ... કોણ કામવાળા... આ ઘરમાં અમે કોઈ કામવાળા રાખ્યા જ નથી. રૂપા મારી માસી છે અને આજીવન રહેવાની છે. સીમા કરતા રૂપાનો હક આ સોનુ ઉપર વધારે છે. તમને બીજી વાત ખબર છે. આવનારી છોકરીને મેં તમારી ભાખરી અને સુકીભાજી ખવડાવી દીધી છે. એની સાત પેઢીમાં આવું કોઈએ ખાધું નથી. જેવી આ ઘરમાં આવશે એટલે એ પણ બુમ મારીને આવું જ કહેશે, બોલો શરત મારવી છે.' - સોનુએ રૂપાના ખભે હાથ મુકતા કહ્યું.
'જા અહીંયાથી. મોટો થા હવે, સોનુડા. બધું બનાવી આપું છું થોડીવારમાં.' - રૂપાએ હરખાઈને કહ્યું અને સોનું મલકાતો મલકાતો રસોડાની બહાર જતો રહ્યો.
રૂપાએ ઘરે રહેલા મહેમાનો માટે ચા-નાસ્તો બનાવ્યો અને સોનુ માટે ભાખરી અને સુકીભાજી બનાવીને આપ્યા. બધું કામ આટોપીને તે બહાર જ નીકળતી હતી ત્યાં સામે સીમાભાભી પાછા આવતા દેખાયા. રૂપા દોડીને બહાર ગઈ અને તેમના હાથમાંથી થેલીઓ ઉચકી લાવી.
ઘરના ડ્રોઈંગરૂમમાં આવીને થેલીઓ સોફા પાસે મુકી. સીમાભાભી અને તેમની જેઠાણી તથા નણંદ આવીને સોફા ઉપર ગોઠવાયા. રૂપા દસ જ મિનિટમાં ચા-નાસ્તો લેતી આવી. પેલા ત્રણેય સાડીઓ અને ડ્રેસ છુટા પાડવા બેઠા હતા.
'લે આ સાડીઓ રસોડાના સ્ટોરરૂમમાં મુકી રાખજે. મને પરમદિવસે યાદ અપાવજે કે આ સાડીઓનું શું કરવાનું છે.' - સીમાબેને ત્રણ સાડી રૂપાને આપતા કહ્યું.
'અરે, કામવાળાની સાડીઓ છે તો પહેલાં રૂપાને પસંદ કરી લેવા દે. બાકીની જેમને આપવાની હોય તે આપી દેજે. એમાં રાહ જોવાની ક્યાં જરૂર છે.' - સીમાબેનના નણંદે કહ્યું.
'મોટીબેન હું કરી લઈશ. રૂપા તું આ લઈને જા. ઘરે ચક્કર મારતી આવ. તારો વર અને દીકરો આવે એટલે એમને પણ અહીંયા લેતી આવજે. સોનુના પપ્પાને કંઈક કામ હતું.' - સીમાબેન બોલ્યા અને રૂપા જતી રહી.
'આ લોકો સાચું જ કહેતા હતા. આખરે તો કામવાળા એ કામવાળા જ હોય. સીમાભાભી ગમે તે કહે પણ તેમના ઘરવાળા આગળ તેમનું ખાસ ચાલવાનું જ નથી. મેં આખી જિંદગી આ ઘર પાછળ ઘસી નાખી પણ કંઈ વળવાનું નથી. આખરે કામવાળાની હેસિયત હોય કેટલી. હું પણ ક્યાં અભરખાં રાખીને બેઠી છું.' - રૂપા જતા જતા બબડતી હતી. ખબર નહીં કેમ પણ આજે પહેલી વખત તેનું મન ખોટી દિશામાં દોડી રહ્યું હોય તેમ તેને લાગતું હતું.
લગભગ બે કલાક પછી રૂપા તેના વર અને દીકરા વિમલને લઈને આવી. ઘર આખું મહેમાનોથી ભરેલું હતું. આમ મહેમાનો અને આમ બધા પરિવારના જ લોકો હતા. કેશવભાઈના મોટાભાઈ અને તેમનો પરિવાર, તેમની મોટીબેન અને તેનો પરિવાર તથા સીમાભાભીની નાની બેન અને તેના પરિવારના લોકો હતા. બે-ચાર સોનુભાઈના મિત્રો હતા.
ખાવાપીવાનો કાર્યક્રમ પૂરો થયો પછી લગભગ મોટાભાગની વસતી જતી રહી. રૂપાએ અને સીમાએ ફટાફાટ કામ આટોપ્યું. બધા પાછા હોલમાં આવીને ગોઠવાયા.
'નંદુભાઈ, આ બે લાખ રૂપિયા રાખો. હું ઘરમાં આવતો જતો હોઉં છું પણ આકસ્મિક કંઈ ખર્ચની જરૂર પડે તો તમે કરી શકો. જેને પણ આપો તેની પાસેથી લખાવી લેજો અથવા તો
પેમેન્ટ કરો તો બિલ લઈ લેજો. બીજી વાત કાલે સાંજે વિમલને લઈને મારી ઓફિસ આવી જજો આપણા તમારા બંનેની શેરવાની અને શૂટ લેવાના છે.' - કેશવભાઈએ કહ્યું અને રસોડામાં ઊભેલી રૂપાના ચહેરા ઉપર ચમક આવી ગઈ.
'રૂપા બહાર આવ તો.' - સીમાબેને બૂમ મારી.
'આ લે તારી સાડીઓ. ચાર દિવસના પ્રસંગની ચાર સાડીઓ છે. આ ખાસ તારા માટે તારા કેશવભાઈએ આપ્યું છે.' - સીમાબેને ચાર સાડીઓ અને એક લાલ ડબ્બી રૂપાના હાથમાં મુક્યા.
રૂપાએ જોયું તો તેમાં સોનાનો હાર અને બુટ્ટી હતા. રૂપાની આંખમાં આંસુ આવી ગયા.
'એય રૂપા ક્યાં જાય છે... આ તારા માટે રૂપાના સાંકળા તો લેતી જા.... તારો સોનુ જાતે કમાઈને લાવ્યો છે...' - સોનુએ ખિસ્સામાંથી સાંકળા કાઢીને રૂપા સામે ધરતા કહ્યું. રૂપા સોનુંને ત્યાં જ ભેટી પડી.
'આવતીકાલથી કેટરિંગ અને ઈવેન્ટ સ્ટાફ આવી જશે. તારે માત્ર તેમને કામ બતાવવાનું છે. જો મેં તને કામ કરતા જોઈ તો ફરી ઘરમાં ઘુસવા નહીં દઉં. તું કામવાળી નથી, આ ઘરની મહત્ત્વની વ્યક્તિ છે. આ પ્રસંગ જેટલો અમારો છે એટલો જ તારો છે. અમારી જેમ તે પણ આ ઘરને તારું જીવન આપ્યું છે, સમજી?' - કેશવભાઈ બોલ્યા અને રૂપા રડતાં રડતાં પણ હસી પડી.


