- કાર્તિક શર્મા, પ્રશાંત વીરની સાથે આકીબ નાબીને લોટરી લાગી
- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ભારતીય ક્રિકેટ જગતમાં વિશેષ ઓળખ ન ધરાવતા યુવા ખેલાડીઓએ તેમની બેઝપ્રાઈઝની 47 ગણીથી વધુ રકમ મેળવતા દેશભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે
ર મતની દુનિયામાં સફળતાના શિખરને હાંસલ કરનારની સિદ્ધિઓને પગલે જ સન્માન અને પ્રસિદ્ધિની વણઝાર સ્વાભાવિક રીતે જ વહેતી આવે છે. જોકે ક્યારેય એવી વિશિષ્ઠ પરિસ્થિતિનું પણ નિર્માણ થાય છે કે, જેના કારણે અનોખી પ્રતિભાનો ચમકારો દેખાડનારને પણ આગવી ઓળખ પ્રાપ્ત થઈ જાય છે અને તે ગુમનામીના અંધારામાંથી રાતોરાત જ લાઈમલાઈટમાં આવી જાય છે અને ચારેે બાજુ તેની જ ચર્ચા ચાલતી જોવા મળે છે. આઈપીએલની ૨૦૨૬ની સિઝન માટેની હરાજીમાં પણ કેટલાક એવા ખેલાડીઓએ અધધધ કહી શકાય તેવી જંગી રકમ મેળવીને આગવું કૌતુક જગાવ્યું છે. સાવ સાધારણ પરિવારના યુવા ખેેલાડીઓની રમતમાં જે પ્રકારનો ચમકારો જોવા મળ્યો છે, તેના થકી જ તેમની પસંદગી વિશ્વની સૌથી હાઈપ્રોફાઈલ ટી-૨૦ લીગમાં જંગી રકમના કરાર સાથે કરવામાં આવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી ૧૮ વર્ષનો મુકામ પાર કરી ચૂકી છે, ત્યારે આ વખતે એક નવા જ પ્રકારનું વલણ જોવા મળ્યું છે. એક તરફ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગવી પ્રસિદ્ધિ ધરાવનારા સુપરસ્ટાર્સ હવે અસ્તાચળની નજીક છે, ત્યારે નવા સિતારાઓની તલાશ વધુ તીવ્ર બની છે. પરિવર્તનના આ સમયમાં ફ્રેન્ચાઈઝીઓ પણ નવા-નવા ખેલાડીઓેને અજમાવવા તરફ મીટ માંડી રહી છે, જેથી આવનારા વરસો માટેના એક પાયાનું ઘડતર થઈ શકે. આ જ કારણે અબુધાબીમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં દિગ્ગજ ખેલાડીઓેને તો જંગી રકમ મળી જ હતી, પણ રાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં સાવ અજાણ્યા કહી શકાય તેવા કાતક શર્મા, પ્રશાંત વીર તેમજ આકીબ નાબી ડાર જેવા સાધારણ પરિવારના ઉજળી આશા સમાન ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે અને તેમની તુલના હાલના ધુરંધરો સાથે થવા માંડી છે.
રાજસ્થાનના ૧૯ વર્ષના વિકેટકિપર અને જમણેરી બેટ્સમેન કાર્તિક શર્મા તેમજ ઉત્તર પ્રદેશના ૨૦ વર્ષના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને કરારબદ્ધ કરવા માટે ફ્રેન્ચાઈઝીઓમાં ગળાકાપ સ્પર્ધા જોવા મળી હતી. માત્ર ૩૦ લાખ રુપિયાની બેેઝપ્રાઈઝ સાથે હરાજીમાં ઉતરેલા આ બંને ખેલાડીઓેને કલ્પના પણ નહીં હોય કે તેઓ આ હરાજીમાં કરોડપતિ થઈ જશે. છેલ્લા કેટલાક સમયથી સિનિયર ખેલાડીઓની ભરમારના કારણે 'ડેડ્સ આર્મી' તરીકે ઓળખાતી ચેન્નાઈ સુપર કિંગ્સે હવે કાયાપલટ કરવાનો નિર્ધાર કર્યો છે અને તેમણે જ આ બંને ખેલાડીઓેને તેમની બેઝપ્રાઈઝની ૪૭ ગણી રકમ એટલે કે રુપિયા ૧૪.૨૦ કરોડની કિંમતે કરારબદ્ધ કરતાં ઈતિહાસ રચાયો હતો.
આઈપીએલની અત્યાર સુધી રમાયેલી ૧૮માંથી એક પણ સિઝનમાં કોઈ અનકેપ્ડ એટલે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ મેચ ન રમ્યા હોય તેવા ખેલાડીઓને આટલી જંગ રકમ મળી નહતી. રાજસ્થાનના ૧૯ વર્ષના વિકેટકિપર બેટ્સમેન કાર્તિક શર્માના પિતા મનોજ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેમને પુત્રની ક્ષમતા પર ભરોસો હતો અને તેની કારકિર્દીના ઘડતર માટે તેમણે ૧૦ વર્ષ પહેલા નોકરી છોડી દીધી હતી. ત્રણ સંતાનોના પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી તેની માતા રાધા શર્મા સંભાળી રહ્યા છે, જેઓ આંગણવાડીમાં નોકરી કરે છે.
મનોજે બાળપણથી જ કાર્તિકને આક્રમક સ્ટ્રોક ફટકારવા તરફ વાળ્યો છે. વળી તે કેપ્ટન કૂલ ધોનીનો જબરજસ્ત ફેન પણ છે. આઈપીએલની હરાજી અગાઉ કોલકાતા નાઈટરાઈડર્સની ટ્રાયલ્સમાં કાર્તિકે ૩૨ બોલમાં ૧૧૯ રન ફટકાર્યા હતા, જેમાં ૧૭ છગ્ગા સામેલ હતા. જ્યારે ચેન્નાઈની ટ્રાયલ્સમાં તેણે ૪૨ બોલમાં ૯૭ રન નોંધાવ્યા હતા. આ કારણે કાર્તિકને આ આઈપીએલમાં કોન્ટ્રાક્ટ મળશે તેવી પરિવારને આશા હતી, પણ આટલી જંગી રકમ મળશે તેવી કલ્પના પણ તેમણે કરી નહતી. કાર્તિકે ઘરઆંગણાના ક્રિકેટમાં પણ અનોખો કીર્તિમાન સર્જ્યો છે. તે પ્રથમ કક્ષાના ક્રિકેટ અને લિસ્ટ-એ ક્રિકેટની સૌપ્રથમ મેચમાં સદી ફટકારનારો માત્ર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો હતો. હવે તે ધોનીની ટીમમાં જોડાઈ ગયો છે, ત્યારે ક્રિકેટર તરીકેની કારકિર્દીને હવે નવી ઊંચાઈ મળી છે.
કાર્તિકની જેમ ૨૦ વર્ષના પ્રશાંત વીરના પિતા પણ ઉત્તરપ્રદેશમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચેન્નાઈની ટીમમાં ખાલી પડેલા રવિન્દ્ર જાડેજાના ઓલરાઉન્ડર તરીકેના સ્થાન પર પ્રશાંતને તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જાડેજાની જેમ પ્રશાંત પણ ડાબોડી બેટ્સમેન અને ડાબોડી સ્પિન બોલર છે. ઉત્તર પ્રદેેશમાં 'શિક્ષા મિત્ર' તરીકે પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રશાંતના પિતાનો પગાર મહિને માત્ર ૧૨ હજાર રુપિયા જ હતો. જો કે, પુત્રની ક્રિેકેટર તરીકેની પ્રતિભાના કારણે હવે તેમની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.
બાળપણથી ક્રિકેટર બનવાનું સ્વપ્ન સેવી રહેલા પ્રશાંત વીરની કારકિર્દીને શરુઆતમાં તેના દાદાએ આર્થિક ટેકો આપ્યો. દાદાના પેન્શનને કારણે પ્રશાંતે ક્રિકેટનું વધુ સારુ કોચિંગ મેળવવા માટે સહારનપુરની વાટ પકડી. તેના ક્રિકેટર તરીકેના પદ્ધતિસરના પ્રશિક્ષણની શરુઆત જ થઈ હતી, ત્યારે તેના દાદાનું અવસાન થયું. આ સમયે તેને કોચ રાજીવ ગોયલ તેમજ સ્થાનિક ક્રિકેટ એસોસિએશનનો સહયોગ મળ્યો. સખત મહેનત છતાં ઉત્તરપ્રદેશની ટીમમાં સ્થાન ન મેળવવાથી હતાશ પ્રશાંતે કોલેજનો શરુઆતનો અભ્યાસ જાલંધરમાં કર્યો અને ત્યાંના ક્રિકેટમાં થયેલા ઘડતર બાદ તેણે ઉત્તર પ્રદેશની અંડર-૧૯ ટીમમાં તેમજ યુપીની ટી-૨૦ લીગમાં પણ કમાલ કરી દેખાડી. રાજ્યસ્તરની સ્પર્ધામાં નોંધપાત્ર દેેખાવ બાદ તેની આર્થિક હાલતમાં પણ સુધારો થયો અને ઘરઆંગણાના પ્રભાવશાળી દેખાવને પગલે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે તેને રુપિયા ૧૪.૨૦ કરોડમાં કરારબદ્ધ કરી લીધો છે. તે ભવિષ્યમાં ભારતીય ટીમમાં પણ સ્થાન મેળવવાનું સ્વપ્ન સેવી રહ્યો છે.
પ્રશાંત અને કાર્તિકની જેમ એક શિક્ષકના પુત્ર આકિબ નાબી ડારને પણ આઈપીએલની હરાજીમા ૮.૪૦ કરોડ રુપિયાનો જેકપોટ લાગ્યો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમે જમ્મુ-કાશ્મીરના આ ફાસ્ટ બોલરને કરારબદ્ધ કરવા માટે જંગી રકમની બોલી લગાવી હતી. દુલીપ ટ્રોફીમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપવાની સિદ્ધિ ધરાવતા આકિબના પિતા ગુલામ નાબી દાર બારામુ્લાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓએ શરુઆતમાં આકિબને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતુ. જોકે પુત્રનું મન ક્રિકેટમાં હોવાથી તેમણે તેને તે દિશામાં આગળ વધવાની અનકૂળતા કરી આપી.
બારામુલામાં તો ક્રિકેટના કોચિંગની કોઈ વ્યવસ્થા નહતી. જોકે એક મિત્રની સલાહ પર તેણે જુનિયર ક્રિકેટની ટ્રાયલ્સ આપી. જોકે ત્યારે તો તેની પાસેે સ્પાઈક્સ
પણ નહતા અને તેને માત્ર ટેનિસ બોલથી જ ક્રિકેટ રમવાનો અનુભવ હતો. આકિબને આખરે અંડર-૧૯ની જમ્મુ-કાશ્મીરની ટીમમાં તક મળી અને ત્યારે તેને પહેલીવાર રેડ બોલથી રમવાનો અનુભવ મળ્યો. આ પછી તેની ક્રિકેટર તરીકેની સફર શરુ થઈ. અલબત્ત, આઇપીએલમાં તેનો પ્રવેશ આસાન નહતો. પાંચ વખત જુદી-જુદી ફ્રેન્ચાઈઝીઓએ તેને ટ્રાયલ્સ માટે બોલાવ્યો, પણ તેેને રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આખરે ઘરઆંગણાના ફોર્મની સાથે સાથે તેણે તેના બોલિંગ આક્રમણમાં પણ વૈવિધ્યને અપનાવ્યું અને તેના જ પરિણામે આખરે તેણે આઈપીએલમાં વિક્રમી રકમ સાથે ડગ માંડયા છે.
આઇપીએલમાં જંગી રકમ મેળવનારા યુવા ખેલાડીઓએ આકર્ષણ તો જમાવ્યું જ છેે, પણ તેમના માથે હવે પ્રતિભાનું પ્રમાણ આપવાની જવાબદારી રહેશે.


