Get The App

ડિગ્રી મારી, પણ લાભ સહુને .

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ડિગ્રી મારી, પણ લાભ સહુને                                . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- ખેતી અને ટૅક્નૉલૉજી સાથે મળીને ઘણું મોટું પરિવર્તન લાવી શકે. વૈજ્ઞાનિકો ભારતમાં કૃષિનું સમગ્ર પરિદ્રશ્ય બદલી શકે તેમ છે

રા જુલ પાટકરે આઈ.આઈ.ટી., મુંબઈમાંથી ૧૯૯૬માં એન્જિનીયરીંગમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. પિસ્તાળીસ વર્ષની ઉંમરે એમણે આઈ.આઈ.ટી., મુંબઈમાં પીએચ.ડી.નો અભ્યાસ શરૂ કર્યો. તેમના મનમાં એવો સ્પષ્ટ ખ્યાલ હતો કે કોઈ સિદ્ધાંતના પ્રતિપાદન માટે નથી કરવો, પણ એવું સંશોધન કરવું કે જેનાથી સમાજમાં કોઈને લાભ થાય. લાંબા સમયથી ખેડૂતોની સમસ્યા વિશે અખબારોમાં વાંચતા હોવાથી તેમણે વિચાર્યું કે માનવશરીર અંગે ઘણાં સંશોધનો થાય છે. જેમકે ડાયાબિટીસના દર્દીઓ ગ્લુકોમીટરથી થોડી સેકન્ડોમાં તેની તપાસ કરી શકે છે. તો ખેડૂતો પાસે પણ એવું કોઈ સાધન હોય કે જેનાથી તેના ખેતરની માટીનું સ્વાસ્થ્ય જાણી શકે. તેઓ કહે છે કે એમણે કૃષિક્ષેત્રે 'ઝીરો નાલેજ' સાથે ૨૦૧૧થી સંશોધનનો પ્રારંભ કર્યો.

ભારતમાં આશરે પંદર કરોડ ખેડૂતો છે અને તેની સામે માત્ર ત્રણ હજાર લેબોરેટરી છે. ખેડૂતો પાસે એવી ટૅક્નૉલૉજી હોવી જોઈએ કે તેને વાપરવા માટે ટૅક્નૉલૉજીની સ્કીલ ધરાવતી કે કોઈ કૃષિવિજ્ઞાની પર આધાર ન રાખવો પડે. તેમણે વિચાર્યું કે ખેતીનું હૃદય માટી છે. તેનું સ્વાસ્થ્ય સુધરશે તો બધું સુધરશે. માનવીની લોહીની તપાસ કર્યા પછી ખબર પડે છે કે તેને શેની જરૂર છે, તેવું જ માટીનું છે. જમીનનું ધોવાણ, ઓછી ઉત્પાદકતા, વધારે સિંચાઈ, ભૂગર્ભ જળનો ઉપયોગ, ફર્ટીલાઇઝર, પેેસ્ટીસાઇડ્સનો ઉપયોગ - જેવાં અનેક કારણોસર માટીનું સ્વાસ્થ્ય બગડે છે. ગામોમાં લેબોરેટરી નથી અને વીજળીની પણ સમસ્યા છે.

રાજુલ પાટકરે વિચાર્યું કે ભારતની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે તેનો ઉકેલ લાવવો જોઈએ. તેઓ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં ઘણા નિષ્ણાતોને મળ્યા, ખેડૂતોને મળ્યા, માટીનો ડેટા મેળવવાનો પ્રયત્ન કર્યો. બધા સંશોધનને અંતે તેમણે ૨૦૧૭માં પૂણેમાં પ્રોક્સીમલ સોઈલસેન્સ ટૅક્નૉલૉજીસ નામની કંપની શરૂ કરી, જેના તેઓ સી.ઈ.ઓ. છે. અત્યંત ધગશ અને ધીરજથી તેમણે પાકેટ સાઇઝ સોઇલ ટેસ્ટીંગ ન્યૂટ્રીસેન્સ નામનું ઉપકરણ શોધ્યું, જે ખેડૂતોને થોડી મિનિટોમાં જ તેમના ખેતરની માટીનો હેવાલ આપે છે. માટીના સ્વાસ્થ્ય માટે પીએચ, વિદ્યુત વાહકતા, નાઇટ્રેટ, ફોસ્ફેટ, પોટેશિયમ અને ન્યુટ્રીઅન્ટ જેવા છ માપદંડો મહત્ત્વના છે. આ બધા માટે લેબોરેટરીમાં જુદાં જુદાં ઉપકરણો હોય છે, જ્યારે ન્યૂટ્રીસેન્સમાં બધા પરીક્ષણો થાય છે. તેની સૌૈથી મહત્ત્વની વાત એ છે કે તે સ્થળ પર જ થાય છે એમાં ન તો વીજળીની જરૂર છે, ન બેટરી ચાર્જિંગની! સો ગ્રામથી ઓછા વજનનું આ ઉપકરણ છે. માટીનું સેમ્પલ એક નળાકાર જેવા પ્લાસ્ટિકના સાધનમાં નાખવામાં આવે, પછી તેને હલાવવામાં આવે, તેને એન્ડ્રોઇડ મોબાઈલ સાથે જોડવામાં આવે છે, તે સોલ્યુશન એના સેન્સર પર નાખવામાં આવે છે અને મોબાઈલની એપ સાથે જોડવામાં આવે છે. તેને તેમાં 'સેવ' કરીને માટીનું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ ત્રીસેક મિનિટમાં આ ઉપકરણ ચલાવતા શીખી જાય છે.

ખેડૂતોને લેબોરેટરીમાંથી રીપોર્ટ મેળવતા પંદર દિવસ થાય છે. માટી તો જીવંત વસ્તુ છે. આટલા દિવસમાં તેમાં ઘણા ફેરફાર થઈ જાય અને બીજું ઘણા ખેડૂતો તો રીપોર્ટ લેવા માટે આવતા નથી. આ પરિસ્થિતિમાં ન્યૂટ્રીસેન્સ ખૂબ ઉપયોગી છે. 

તેર વર્ષને અંતે શોધેલું આ ન્યૂટ્રીસેન્સની કિંમત પાત્રીસ હજાર છે જે વિશ્વની કોઈ પણ આવી પદ્ધતિ કે ઉપકરણ કરતા સસ્તું છે. ધીમે ધીમે તેનો સ્વીકાર થતો જાય છે. આજે દસ હજાર ખેડૂતો અને એક હજાર મહિલા ખેડૂતો તેનો ઉપયોગ કરે છે. તેનાથી ત્રીસથી ચાળીસ ટકા ફર્ટીલાઇઝરનો ઉપયોગ ઘટયો છે અને વીસથી ત્રીસ ટકા ઉત્પાદન વધ્યું છે. પાણીની બચત થાય છે. માટીમાં પાણીનો સંગ્રહ કરવાની શક્તિ કેટલી છે, તેમાં ઓર્ગેનિક કન્ટેન્ટ કેટલું છે તે જાણી શકાય છે. માટીમાં પીએચ, વિદ્યુતવાહકતા, મેટલ, માઈક્રો અને મેક્રો ન્યુટ્રીઅન્ટ નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવી કેમિકલ પ્રોપર્ટી, જમીનની ઘનતા અને ટેક્સ્ચર જેવી ફિઝીકલ પ્રોપર્ટી અને બાયોડાવર્સિટી માટેની બાયોલોજિકલ પ્રોપર્ટી હોય છે. જેમ માનવશરીરમાં કોઈ પોષકતત્ત્વો ખૂટતા હોય કે વધારે હોય તો રીપોર્ટથી ખબર પડે તેવી રીતે માટીના રીપોર્ટથી ખબર પડે કે તેને વધુ પડતું ફર્ટીલાઇઝર કે વધુ પડતું પાણી અપાતું નથી ને? જેમકે વધુ નાઇટ્રોજનને કારણે ભૂગર્ભ જળમાં નાઇટ્રેટનું પ્રમાણ વધી જાય તે પાણી વ્યક્તિ પીએ તો કેટલું નુકસાન થાય? પર્યાવરણને અને ખોરાકને પણ નુકસાન થાય તે નાઇટ્રોઓક્સાઇડમાં પરિવર્તિત થતા ત્રણસો ગણા કાર્બન ડાયોક્સાઇડ જેટલું નુકસાન થાય છે. રાજુલ પાટકરને સંતોષ એ વાતનો છે કે ભારતમાં પંચ્યાશી ટકા નાના ખેડૂતો છે. તેમને માટે આ ઉપકરણ બહુ મહત્ત્વનું બની રહેશે. બાકીના પંદર ટકા ખેડૂતો તો ગમે ત્યાંથી ટૅક્નૉલૉજી મેળવી લેશે. ખેતી અને ટૅક્નૉલૉજી સાથે મળીને ઘણું મોટું પરિવર્તન લાવી શકે. વૈજ્ઞાનિકો ભારતમાં કૃષિનું સમગ્ર પરિદ્રશ્ય બદલી શકે તેમ છે.

મેવાતીની એકસો એપ

નાનપણમાં ફાનસના અજવાળે અભ્યાસ કરનાર ઈમરાનખાન અનેક બાળકોના જીવનમાં રોશનીની મિસાલ બની ચૂક્યા છે

એ ક શિક્ષક હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. આવા જ એક શિક્ષક છે જેમણે હજારો નહીં, પરંતુ લાખો લોકોને શિક્ષિત કર્યા છે. તેમનું નામ છે મોહમ્મદ ઈમરાનખાન મેવાતી. રાજસ્થાનના  અલવર જિલ્લાના ખરેડા ગામમાં ખેડૂત પરિવારમાં ૧૯૭૮માં ઈમરાનનો જન્મ થયો હતો. પિતા સુલેમાન ખાન અને માતા થોડી જમીન પર ખેતી કરતા હતા, જેથી તેમનું ગુજરાન ચાલી શકે. પોતાના અભ્યાસ પ્રત્યે અત્યંત લગાવ હોવાથી તેને સતત ચિંતા રહેતી કે કૌટુંબિક પરિસ્થિતિને કારણે તેનું ભણવાનું બંધ તો નહીં થઈ જાય ને? પરંતુ તેની તેજસ્વિતા, વિજ્ઞાન અને ગણિત પ્રત્યેની અભિરુચિ જોઈને શિક્ષકો સતત તેને પ્રોત્સાહન પૂરું પાડતા. શિક્ષકોના આવા વલણથી તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો. નવમા ધોરણમાં પહોંચતા સુધીમાં તો તેઓ નીચલા ધોરણના વિદ્યાર્થીઓનું ટયૂશન કરવા લાગ્યા, જેથી પરિવારને આર્થિક મદદ મળી અને આર્થિક મુશ્કેલીને કારણે તેમનો અભ્યાસ બંધ ન થઈ જાય.

બારમા ધોરણની પરીક્ષા આપ્યા પછી સરકારી નોકરી મેળવવા પ્રયત્ન કર્યો, જેથી તેમને કુટુંબની કે પોતાના અભ્યાસની ચિંતા ન રહે. ૧૯૯૯માં બે વર્ષનો ટીચિંગ કોર્સ કર્યો અને પ્રાથમિક સ્કૂલમાં નોકરી મળી ગઈ. કોટામાં ચાર વર્ષ નોકરી કરી. તેઓ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ભણાવતા હતા, પરંતુ તેને સારી રીતે સમજાય અને વિદ્યાર્થીઓને રસ પડે તે માટે સતત નવું નવું વિચારતા અને કરતા. તેમણે જોયું કે બાળકો સતત સ્માર્ટ ફોન સાથે જોડાયેલા રહે છે. આમ સ્માર્ટ ફોન એવી વસ્તુ છે કે તેનો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો અદ્ભુત પરિણામ મેળવી શકાય તેવો વિચાર આવ્યો. તેમની પાસે વિજ્ઞાન કે એન્જિનીયરીંગની ડિગ્રી નહોતી, પરંતુ તેના બી.ટેક થયેલા ભાઈના જૂનાં પુસ્તકો પડયાં હતાં તે જોવા લાગ્યા. કમ્પ્યૂટર સાયન્સના પુસ્તકમાં રસ પડયો અને વેબ પેજ તૈયાર કરવાની ઇચ્છા થઈ. તેમણે જીકેટોક.કોમ નામની પોતાની પ્રથમ વેબસાઇટ બનાવી. તે દિવસોમાં અલવરના જિલ્લા કલેક્ટર એ.ટી. પેડણેકર હતા. તેમણે જ્યારે આ વેબસાઇટ જોઈ ત્યારે ઈમરાનને હિંમત આપી અને એપ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું. ઈમરાન એપ વિશે કંઈ જાણતા નહોતા, પરંતુ તેના વિશે માહિતી મેળવી અને એપ બનાવતા શીખ્યા. ૨૦૧૨માં તેમણે નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે 'એનસીઈઆરટી લર્ન સાયન્સ' નામની પ્રથમ એપ બનાવી. રાજસ્થાનમાં પંદર લાખ લોકોએ એને ઇન્સ્ટોલ કરી. ઈમરાને વિચાર્યું કે અંગ્રેજી ભાષામાં તો ઘણી એપ છે, તેથી તેમણે હિન્દી ભાષામાં એપ બનાવવાનું નક્કી કર્યું.

આજે ગુગલ પ્લે સ્ટોર પર ઈમરાનખાન મેવાતીએ બનાવેલી એકસો એપ છે. તેમની બનાવેલી આ એપ પચાસ દેશોમાં લાખો લોકોએ ડાઉનલોડ કરી છે અને તેનો નિઃશુલ્ક ઉપયોગ કરે છે. તેમની સૌથી ચર્ચિત એપ છે, પ્રોજેક્ટ દિશારી, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે છે. જેનાથી સાડા છ લાખ વિદ્યાર્થીઓ ઘરે બેઠા કોચિંગ મેળવે છે. ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય માટે મેટરનલ કેર એપ, સામાજિક કલ્યાણ માટે યુવાશક્તિ એપ અને ડિજિટલ મેવાત એપ છે. દેવવાણી એપ દ્વારા સાઠ હજાર વિદ્યાર્થીઓ સંસ્કૃત શીખ્યા છે. પ્રશસ્ત એપ એ ડિસએબિલિટી સ્ક્રીનીંગ ફોર સ્કૂલ માટે છે. તેમણે રાષ્ટ્રીય ઇ-પુસ્તકાલયની એપ બનાવી છે. જેમાં ભારતના પુસ્તકો વિશે વાંચી શકો છો. 'લેટ અસ ટોક' દ્વારા હજારો બાળકો શિક્ષણ મેળવે છે. તેઓ ક્લાયમેન્ટ ચેન્જ, સાયન્સ મૉડલ, બસો છોડ સાથે સ્કૂલ કેમ્પસમાં મિયાવાકી ગાર્ડન, સ્કૂલ લાયબ્રેરી પાણી સંરક્ષણ જેવાં પ્રોજેક્ટો પણ વિદ્યાર્થીઓને શીખવે છે. તેઓ 'મસ્તી કી પાઠશાળા' દ્વારા કારકિર્દીનું માર્ગદર્શન આપે છે. ઈમરાન ખાન મેવાતી રાજસ્થાનના સંસ્કૃત શિક્ષણ વિભાગમાં શિક્ષક છે. તેઓ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજીમાં સલાહકાર સભ્ય છે તે ઉપરાંત સરકારના હ્યુમન રીસોર્સ ડેવલપમેન્ટ સાથે પણ કામ કરે છે. ઈમરાન ખાન મેવાતીને ઘણા ઍવૉર્ડ મળ્યા છે. ૨૦૨૨-૨૩માં તેઓ ફુલબ્રાઇટ ઇન્ટરનેશનલ ટીચર ઍવૉર્ડ માટે પસંદ થયા હતા. જેમાં સોળ દેશોમાંથી એકાવન શિક્ષકોને અમેરિકા બોલાવવામાં આવે છે અને ત્રણથી છ મહિના રહેવાનું હોય છે. અહીં અન્ય શિક્ષકો પાસેથી જે શીખવા મળ્યું તેનો લાભ ભારતના વિદ્યાર્થીઓ માટે કર્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, લૈગિંક અસમાનતા, સ્કૂલમાં ગેરહાજર રહેવું કે અભ્યાસ અધૂરો છોડી દેવો - આ બધી સમસ્યાઓ ડિજિટલ શિક્ષણથી હલ કરી શકાય છે. ટૅક્નિકલ બેકગ્રાઉન્ડ વિના જાતે શીખીને એકસો એપ બનાવી. એક શિક્ષક કેવું આંદોલન કરી શકે છે તે ઈમરાન મેવાતીના જીવનથી જોવા મળે છે. કરોડો રૂપિયાની કમાણી જતી કરીને કોઈ પણ દેશનો બાળક જ્યાં ઇચ્છે ત્યાં, જ્યારે ઇચ્છે ત્યારે અને જેટલું ઇચ્છે તેટલો અભ્યાસ કરી શકે છે. નાનપણમાં ફાનસના અજવાળે અભ્યાસ કરનાર ઈમરાનખાન અનેક બાળકોના જીવનમાં રોશનીની મિસાલ બની ચૂક્યા છે.