- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- બધા પર્વોમાં આશ્વમેધિક પર્વમાં મળતી ચાર ગીતા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહી સંભળાવી છે. આ ચાર ગીતાના નામ છે અનુગીતા, કામગીતા, ગુરુ-શિષ્ય સંવાદ ગીતા અને બ્રાહ્મણ ગીતા.
શ્રી મદ્ ભગવદ્ગીતાથી આપણે સહુ પરિચિત છીએ. આ ભગવદ્ગીતામાં કર્મમાર્ગ, ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગનો ઉપદેશ આલેખાયેલો છે. વ્યક્તિ પોતાના વલણ અનુસાર સાધના જીવનમાં એક માર્ગને પ્રાધાન્ય આપે છે અને બીજા બે માર્ગનો સહયોગ મેળવે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પાસેથી જીવન જીવવાનો અને જીવન સાર્થક કરવાનો વ્યવહારિક ઉપદેશ સાંપડે છે તો એ જ રીતે એને પોતાના જગત વ્યવહારોનું કર્તવ્યપરાયણતાથી પાલન કરીને ઈશ્વરનો અનુભવ કરવાનું કહે છે. પ્રત્યેક પ્રાણીના હૃદયમાં કે કેન્દ્રમાં બિરાજમાન એવા અખંડ ચૈતન્ય તત્વને ઈશ્વર કહેવામાં આવે છે અને એ જ જીવનનો સત્, ચિત અને આનંદ છે.
આજે મહાભારતની ભગવદ્ગીતા સર્વત્ર પ્રસિદ્ધ છે, પરંતુ એ જ મહાભારતમાં એના શાંતિ પર્વ, આશ્વમેધિક પર્વ, ઉદ્યોગપર્વમાં જુદી જુદી ભગવદ્ગીતા મળે છે. આ બધા પર્વોમાં આશ્વમેધિક પર્વમાં મળતી ચાર ગીતા ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કહી સંભળાવી છે. આ ચાર ગીતાના નામ છે અનુગીતા, કામગીતા, ગુરુ-શિષ્ય સંવાદ ગીતા અને બ્રાહ્મણ ગીતા.
વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે મહાભારતના શાંતિપર્વ અને ઉદ્યોગપર્વમાં જે ગીતા મળે છે તે શ્રીકૃષ્ણે અર્જુનને સંભળાવેલી ગીતા નથી. શાંતિપર્વમાં એક-બે નહીં, પરંતુ બીજી પાંત્રીસ ગીતા આલેખાઈ છે. આમાં અજગરગીતા, અંગીરસગીતા, નારાયણગીતા, બ્રહ્મગીતા, ભૃગગીતા, વ્યાસગીતા, હંસગીતા જેવી ગીતાઓનો સમાવેશ થાય છે. આ શાંતિપર્વની મોટાભાગની ગીતાઓ ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહી સંભળાવી છે. જ્યારે ઉદ્યોગપર્વમાં વિદુરગીતા અને સનત્સુજાતીય ગીતા મળે છે.
આમાં વિદુરગીતા વિદુરે સંભળાવી છે, પરંતુ સનત્સુજાતીય ગીતા તે સનત્સુજાતે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવી છે. આ ગીતાઓ મુખ્યત્વે ઇતિહાસરૂપે હોવાથી અનેક વક્તાઓ અને અનેક શ્રોતાઓ વચ્ચેના સંવાદરૂપે મળે છે.
વળી સંશોધન કરનારને પુરાણોમાં પણ ગીતા મળે છે. પુરાણોમાં આવી કુલ અઢાર ગીતા મળે છે. એમાંથી શ્રીમદ્ ભગવદ્ પુરાણમાં હંસગીતા, ભિક્ષુગીતા, કપિલગીતા(સ્વતંત્ર ગ્રંથ રૂપે મળે છે), પિંગલાગીતા અને ઉદ્ધવગીતા કે અવધૂતગીતા મળે છે. જ્યારે 'કર્મપુરાણ'માં ઈશ્વરગીતા અને વ્યાસગીતા મળે છે. 'વરાહ પુરાણ'માં અગસ્ત્યગીતા અને રુદ્રગીતા મળે છે. યોગ વશિષ્ઠમાં બ્રહ્મગીતા, વસિષ્ઠગીતા અને સિદ્ધગીતા મળે છે. આ ઉપરાંત વિષ્ણુપુરાણ, નૃસિંહ પુરાણ અને અગ્નિપુરાણમાં યમગીતા પ્રાપ્ત થાય છે. તો સ્કંદ પુરાણમાં બ્રહ્મગીતા, સૂતસંહિતામાં સૂત ગીતા, ગણેશ પુરાણમાં ગણેશ ગીતા, દેવી ભાગવતમાં દેવીગીતા, પદ્મપુરાણમાં શિવગીતા મળે છે. આ દ્રષ્ટિએ જોઈએ તો પુરાણોમાં અઢાર જેટલી ગીતા પ્રાપ્ત થાય છે.
પુરાણો સિવાય પ્રાપ્ત થતી ગીતામાં અધ્યાત્મ-રામાયણની રામગીતા તથા ગુરુ-જ્ઞાન-વશિષ્ટ-સારાયણી' ગ્રંથમાં મળતી રામગીતા અને સૂર્યગીતા છે.
જ્યારે આ સિવાય અન્ય પાંચ ગીતાઓ પ્રાપ્ત થાય છે અને તે છે શ્રીધીશગીતા, વિષ્ણુગીતા, અષ્ટાવક્રગીતા, અવધૂતગીતા અને પાંડવગીતા. આ સઘળી ગણતરી કરીએ તો શ્રીમદ્ ભગવદ્ગીતા ઉપરાંત બીજી છાસઠ ગીતાઓ રચાયેલી છે અને આ પ્રત્યેક ગીતામાં જુદી જુદી રીતે ધર્મબોધ અપાયેલો છે. આ અન્ય ગીતાઓમાં અપાયેલા ધર્મબોધની વિશેષતા જોઈએ. ભારત વર્ષના પરમ વિદુષી અને સંસ્કૃત અને તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી ડો. એસ્ફેર સોલોમને જુદી જુદી ગીતાઓ વિશે માર્મિક અને ઊંડાણભર્યો આલેખ આપ્યો છે, તે જોઈએ.
ભગવદ્ગીતાની પ્રતિકૃતિ હોવાથી સર્વપ્રથમ અનુગીતાનો વિચાર કરીએ. આશ્વમેધિકપર્વના ૧૬થી ૧૯ અધ્યાયને અનુગીતા નામ આપવામાં આવ્યું છે. અધ્યાયની એ પછી ગાથાઓમાં બ્રાહ્મણગીતા અને ત્યારબાદ ગુરુ-શિષ્ય સંવાદ મળે છે. આ ત્રણેયનું સાતત્ય હોવાથી એને વિશે સમગ્રતયા વિચારવું જોઈએ.
ઉપનિષદ એ ગાય છે અને અમૃતમયી ગીતા એ એનું ઉત્તમ દૂધ છે. ભારતીય જનજીવન અને વિચારધારા પર પરિવર્તનશીલ પ્રભાવ પાડનારી શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રત્યેક સાધક અને વિચારકને નવીન દર્શન આપનારી છે. વિશેષ તો સામાન્ય માનવીના જીવનને સંઘર્ષની પળે અજવાળનારી છે. અઢાર અધ્યાય અને સાતસો શ્લોકમાં મહાભારતના 'ભીષ્મપર્વ'માં પ્રાપ્ત થતી ભગવદ્ગીતાની મહત્તા અનુપમ છે. આ ભગવદ્ગીતામાં સાધકને માટે જ્ઞાન, ભક્તિ અને કર્મની વિવેચના કરવામાં આવી છે અને આ વિરોધાભાસી ગણાતી બાબતો સાધનામાં કઈ રીતે પૂરક બને છે તે દર્શાવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ગીતાના સંશોધને આપણને અન્ય ૬૭ ગીતાઓ સુધી લાવી દીધા.
શ્રીમદ્ ભગવદ્ગીતા અતિ પ્રસિદ્ધ છે, પરંતુ બાકીની ૬૭ ગીતા એક એક અભિગમ કે એક એક દર્શન નિરૂપે છે. આ ૬૭ ગીતાઓમાં મળતી કેટલીક વિશેષતાઓ પર માત્ર દષ્ટિપાત જ કરીએ. શ્રીમદ્ ભગવદ્ગીતાની પ્રતિકૃતિ ગણાતી 'અનુગીતા' ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. આશ્વમેધિક પર્વમાં 'અનુગીતા', 'બ્રાહ્મણગીતા' અને 'ગુરુશિષ્ય સંવાદ' મળે છે. આ ત્રણેમાં વૈચારિક સળંગસૂત્રતા હોવાથી એનો 'અનુગીતા'માં સમાવિષ્ટ કરવામાં આવે છે. મહાભારતના યુદ્ધ સમયે રચાયેલી આ ગીતા નથી, કિંતુ મહાભારતના યુદ્ધ પછીની ઘટનાથી રચાયેલી આ 'અનુગીતા' છે. યુદ્ધ પૂર્ણ થયા બાદ અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે મહાભારતના યુદ્ધકાળમાં યુદ્ધભૂમિ પર રહેલા મને તમે દિવ્ય સ્વરૂપનું દર્શન કરાવ્યું હતું. એ સ્વરૂપદર્શનની સાથે આપની ગહન જ્ઞાનવાણીનું શ્રવણ કર્યું હતું. પરંતુ એ પછી અર્જુન કહે છે કે કુરૂક્ષેત્રમાં મહાભારત યુદ્ધ ખેલતા એ જ્ઞાનવાર્તાની વિસ્મૃતિ થઈ છે, આથી એ સઘળું જ્ઞાન પુનઃ પ્રદાન કરવાની અર્જુને વિનંતી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને પુનઃ ઉપદેશ આપ્યો, તેથી આ ગીતા 'અનુગીતા' તરીકે પ્રસિદ્ધ થઈ.
ગીતાનો ઉપદેશ પુનઃ આપતા પૂર્વે શ્રીકૃષ્ણ અર્જુનને માર્મિક વાત કરે છે. શ્રીકૃષ્ણએ કહ્યું કે મહાભારતના યુદ્ધ સમયે યોગયુક્ત થઈને તેને પરબ્રહ્મ વિશે કહ્યું હતું. આજે ફરી એ જ સ્વરૂપે એમનાથી કહી શકાશે નહીં. તેથી એક પુરાતન ઇતિહાસરૂપે કહી રહ્યા છે તેવી શ્રીકૃષ્ણ સ્પષ્ટતા કરે છે. આશ્વમૈધિક પર્વની આ 'અનુગીતા'ના ૧૬થી ૧૯ અધ્યાયમાં જન્મ-મરણના ફેરામાંથી મુક્તિના ભિન્ન ભિન્ન માર્ગોનું આલેખન કર્યું છે. 'અનુગીતા'માં યોગને વિશેષ મહત્ત્વ આપ્યું છે અને સદાચરણ દ્વારા સ્વસ્થતાની પ્રાપ્તિની વાત કરી છે. 'અનુગીતા'ની વિશેષતા એ વાતની છે કે એમાં અર્જુનને યુદ્ધ માટે પ્રેરવાને બદલે એના મનમાં યુદ્ધથી થયેલો ઉદ્વેગ દૂર કરવાની વાત કરી છે. આવી વ્યગ્રતામાંથી બહાર આવી સ્વસ્થતા પામે અને બ્રહ્મપ્રાપ્તિના માર્ગે સંચરે એવો શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો છે.
આશ્વમેધિક પર્વના ૨૦થી ૩૪ અધ્યાયને 'બ્રાહ્મણગીતા' કહેવામાં આવે છે. આમાં એક બ્રાહ્મણ પોતાની પત્નીને યોગનું મહત્ત્વ દર્શાવે છે. યજ્ઞાની વ્યાખ્યા કરતા એને શરીરની અંદર કરાતો યજ્ઞા કહ્યો છે. એમાં કહ્યું છે કે ઇંદ્રિયો સાધન છે, ગંધ, રસ રૂપ વગેરે કર્મફળ છે અને ઇન્દ્રિયોની ક્રિયાઓ કર્તૃત્વમાં હેતુભૂત છે. બ્રહ્મ શરીરમાં અગ્નિરૂપે પ્રકાશિત છે. નારાયણ દેવતાને એકમાત્ર શાસ્તા અને નિત્યોપદેશક ગણીને તેમના ઉપદેશથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એમ આ ગીતામાં કહ્યું છે. આમાં એક આગ્રહ એ સેવવામાં આવ્યો છે કે બ્રહ્મપ્રાપ્તિની સાધનામાં બ્રહ્મચર્ય અતિ મહત્ત્વનું છે. વળી જીવનમાં પણ જલકમલવત્ રહેવું જરૂરી છે.
મનની એકાગ્રતા કરીને ધ્યાનયોગના આલંબનથી જિતેન્દ્રિય બનીને યોગશક્તિથી પરમાત્માને પામી શકાય. આવા ઉપદેશની પાછળ પરશુરામને હિંસાથી પર રહી તપશ્ચર્યા માટે પ્રેરવાનો આશય છે. વળી અમરિષ રાજાના દ્રષ્ટાંત દ્વારા મન અને બુદ્ધિને વશ કરીને ધ્યાનયોગમાં લીન થાય તો પરમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જનકવિદેહીની કથા દ્વારા આ જગતમાં આપણું કોઈ નથી એમ સમજીને મોહ ત્યજવો.
આશ્ચમેધિક પર્વના ૩૫થી ૫૧ અધ્યાયને 'ગુરુશિષ્યસંવાદ' કહેવામાં આવે છે. આમાં અંગીરસ, બૃહસ્પતિ આદિ મહર્ષિઓને મોક્ષવિષયક ઉપદેશ આપવા સંભળાવેલી ગીતાને અહીં ગુરુ-શિષ્યના સંવાદરૂપે આલેખાઈ છે. ગુરુ છે શ્રીકૃષ્ણ અને શિષ્ય છે અર્જુન. આમાં આલેખાયેલા અનેક વિષયોમાં પ્રકૃતિ અને તેના વિકારો, સત્વ, રજસ્ અને તમસ્ અનુસાર થતું ઘડતર અને કર્મોનું ઘડતર તથા ગુણાતીતની યોગ્યતા વગેરે દર્શાવ્યા છે. આ રીતે અનુગીતા તરીકે ઓળખાતી આ કૃતિમાં 'બ્રાહ્મણગીતા' અને 'ગુરુશિષ્યસંવાદ'નો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી અન્ય ગીતાઓની કેટલીક રસપ્રદ વાત હવે પછી.


