Get The App

મંગળ પર રિસોર્ટ .

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
મંગળ પર રિસોર્ટ                                  . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- મંગળની ઝેરી માટીમાં સીસુ અને આર્સેનિક જેવી ભારે ધાતુઓ હોય છે. જેને પરિણામે મંગળના ગ્રહની માટી ઝેરી હોય છે અને એને કારણે મંગળ પર કશુંય ઉગાડવું મુશ્કેલ બને છે

આ જથી પચાસેક વર્ષ બાદ તમને આવો સંવાદ સાંભળવા મળે,  'આ વેકેશનમાં તમે ક્યાં પ્રવાસે જવાના છો ?'

જવાબ હશે: 'આમ ઇચ્છા તો મંગળના ગ્રહ પર જવાની છે, ઘણા વખતથી એનો પ્રવાસ કરવાની મનમાં ઝંખના હતી. એમ થાય છે કે ભલે મોંઘી ટિકિટ હોય, પણ એક વાર પ્રવાસ તો કરી લઉં.' 

'હું તો મંગળના ગ્રહને બદલે ચંદ્ર પર જવાનો વિચાર રાખું છું. કારણ કે હાલમાં મારું એટલું જ બજેટ છે.'

આજના વર્તમાનયુગને માટે અવકાશમાં મુસાફરી કરવી એ એક એવું સત્ય છે કે જેની દાયકાઓથી એ મનોમન કલ્પના કરી રહ્યો છે. ધનાઢય કોર્પોરેશનો, અઢળક સંપત્તિ ધરાવતા માલેતુજારો અથવા તો કોઈ સમૃદ્ધ ટ્રાવેલ કંપની આને માટે પ્રયાસ કરતી હશે. આ પ્રવાસમાં વચ્ચે અંતરિક્ષ હોટલ પણ આવશે, જ્યાં તમે થોડા રોકાઈ શકશો. 

આજે આપણી પાસે અવકાશમાં જવાની કોઈ માળખાગત સુવિધા નથી. એને પરિણામે આજે આ કલ્પનાને વાસ્તવમાં મુકવી મુશ્કેલ છે, પરંતુ ભવિષ્યમાં અવકાશયાત્રાનો ખર્ચ ઘણો ઓછો થશે જ અને એક માન્યતા પ્રમાણે તો આ સદીના અંત સુધીમાં આપણે સ્પેસએલિવેટર બનાવીશું અને પછી એને આધારે ચંદ્ર પર પહોંચીશું અને કદાચ મંગળ પર કોલોની પણ વસાવીશું. 

અત્યારે ટેકનોલોજી સતત આગળ વધી રહી છે. રોકેટ અને શટલના નવા સંશોધન પછી અવકાશમાં મુસાફરી કરવાનો સમય ઘણો ઓછો થશે. અવકાશમાં પ્રવાસ કરતી વખતે બળતણ જાળવી રાખીને પૃથ્વીના વેગથી બચવું એ સરળ કાર્ય નથી. આવાં કાર્યો માટે આપણને અનુભવી પાયલોટની જરૂ૨ પડશે. આને માટે લાઇસન્સની આવશ્યકતા ઊભી થશે અને જુદી જુદી સરકારોએ એ અંગે કરાર કરીને તેને મંજૂરી આપવી પડશે. 

માનવી અવકાશયાત્રાએ જશે, ત્યારે એને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં અવકાશનો અનુભવ કરવાની અનોખી તક મળશે અને એથીયે વિશેષ તો અવકાશમાં રહીને એ પોતાના નિવાસસ્થાન સમી પૃથ્વીના અદ્ભુત દ્રશ્યોને નિહાળશે. તો વળી બીજી બાજુ લાંબાગાળાની અવકાશયાત્રા અવકાશયાત્રીનાં હાડકાં પર અસર કરશે અને કિરણોત્સર્ગના સંપર્કમાં એના શરીરને નુકસાન પણ પહોંચશે. માનવીને મંગળના ગ્રહ પર મુસાફરી કરવાની તીવ્ર ઇચ્છા છે. 

હકીકતમાં મંગળ પર મુસાફરી કરવામાં નવ મહિના લાગે છે, જે ગુરુત્વાકર્ષણ વિના રહેવા માટે ઘણો લાંબો સમય ગણી શકાય. આમાં અવકાશયાત્રી હાડકાંને નુકસાન ન થાય તે માટે એ ભલે રોજ બે કલાક કસરત કરે, પરંતુ દર મહિને એની હાડકાંની ઘનતા એ ગુમાવતો રહે છે અને પરિણામે એવું પણ બને કે એનાં હાડકાં તૂટી જાય. આથી મંગળ પરનાં મિશન જેવા લાંબાગાળાનું અંતિરક્ષનું ઉડ્ડયન માટે આ બાબત ચિંતાનો વિષય છે, કારણ કે આમાં અવકાશયાત્રીને લાંબા સમય સુધી સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણમાં રહેવું પડે છે. 

વળી આ મંગળ પર પાણી કે ખોરાક નથી, તેથી કાં તો એને પૃથ્વી પરથી સાથે લઈને આવવા પડે અથવા તો એ મંગળના ગ્રહ પર ઉત્પન્ન કરવા પડે. વળી મંગળના ગ્રહ પર જવા અને આવવા માટે વધુ બળતણની જરૂર પડે છે, આથી એણે બળતણ ભરવાનો રસ્તો પણ શોધવો પડે. મંગળ પર કોઈ સંગઠિત ચુંબકીય ક્ષેત્ર કે ઘટ્ટ વાતાવરણ નથી, તેથી સૂર્ય અને બ્રહ્માંડમાંથી કિરણોત્સર્ગ એક મોટો ખતરો છે. આનાથી મંગળવાસીઓને કેન્સર થઈ શકે અને તેથી તેની સામે ઉપાય કરવાની જરૂર પડે. વળી શ્વાસ લેવા માટે કોઈ ઓક્સિજન નથી. આ રીતે જોઈએ તો મંગળનો ગ્રહ અત્યંત કઠોર વાતાવરણ ધરાવે છે. 

વળી અધૂરામાં પૂરું મંગળની ઝેરી માટીમાં સીસુ અને આર્સેનિક જેવી ભારે ધાતુઓ હોય છે. જેને પરિણામે મંગળના ગ્રહની માટી ઝેરી હોય છે અને એને કારણે મંગળ પર કશુંય ઉગાડવું મુશ્કેલ બને છે. આ સઘળી મુશ્કેલીઓ હોવા છતાં આજે એના ઉકેલો શોધવામાં આવે છે. આ સંદર્ભમાં આ ક્ષેત્રનાં ઊંડા અભ્યાસી અને 'પૃથ્વીથી અંતરિક્ષ ભણી' ગ્રંથના લેખક શ્રી ચિંતન ભટ્ટ કહે છે કે, 

હવે એ દિવસો બહુ દૂર નથી જ્યારે કોઈ પણ વ્યક્તિ ટિકિટ ખરીદીને બાહ્ય અવકાશમાં મુસાફરી કરી શકશે. અલબત્ત, આ મુસાફરી વિમાનની મુસાફરી જેટલી સરળ નહીં હોય. તેને માટે મુસાફ૨નું સ્વાસ્થ્ય નિર્ધારિત માપદંડ મુજબ હોવું જોઈએ. ઉપરાંત વ્યક્તિએ મુસાફરી માટે તાલીમ પણ લેવી પડશે. અલબત્ત, આ તાલીમ અંતરિક્ષયાત્રીની (વ્યોમનોટ કે એસ્ટ્રોનોટ) તાલીમ જેટલી કઠિન નહીં હોય. કેટલાક લોકોનું માનવું છે કે અવકાશપર્યટનના ઝડપી વિકાસની સાથે બાહ્ય અવકાશની મુસાફરી દિલ્હી કે મુંબઈની ફ્લાઇટ બુક કરાવવા જેટલી સરળ બની જશે. રોબો કે મોબાઇલ ફોનની જેમ થોડાં જ વર્ષોમાં વિશ્વને બદલી નાખવાની ક્ષમતા આ ઉદ્યોગ ધરાવે છે. 

'લગભગ ૯૦ વર્ષ પહેલાં જ્યારે વિમાનઉદ્યોગ શરૂ થયો ત્યારે તેનો ઉપયોગ સરકારી અમલદારો અને તવંગત લોકો પૂરતો જ સીમિત હતો. ત્યારે લોકોને કલ્પના પણ ન હતી કે ભવિષ્યમાં કરોડો લોકો તેનો ઉપયોગ ક૨શે અને તે પણ પરવડે તેવા દરે. અવકાશપર્યટન ઉદ્યોગના માંધાતાઓનું માનવું છે કે અવકાશ પ્રવાસનું પણ કંઈક આવું જ ભાવિ હશે.'

માનવજાત એની સાહસિકતાથી આ ગ્રહો સુધી પહોંચવાનો પ્રયાસ જરૂ૨ ક૨શે, કારણ કે સાહસનો પડકાર ઝીલી લેવાનું એના સ્વભાવમાં છે અને એ માને છે કે એ પોતે આ જગતના તમામ રહસ્યો એ જાણવા માગે છે. શરૂઆતમાં તો આવું અંતરિક્ષપર્યટન એ માત્ર કરોડપતિની લક્ઝરીથી વધુ નહીં હોય, પરંતુ તેમ છતાંય એ શોધાયેલી ટેકનોલોજીથી બ્રહ્માંડની સમજ આપણને વધુ સ્પષ્ટ થશે. પૃથ્વીને છોડીને શા માટે આપણે બીજા ગ્રહનો પ્રવાસ કરવાનું વિચારીએ છીએ ? એનું એક કારણ એ છે કે માનવી પૃથ્વી પરનાં કુદરતી સંસાધનોને બેફામ રીતે વેડફી રહ્યો છે અને સમય જતાં એ સઘળું નષ્ટ થઈ જાય, ત્યારે એ દૂરનાં ગ્રહો પર એ ખાણકામ માટે જશે અને ત્યાંથી જરૂરી સંસાધનો પ્રાપ્ત કરવા પ્રયાસ કરશે. 

એમ માનવામાં આવે છે કે એક સમયે મનુષ્યજાતિ મંગળ પર રહેતી હતી. એ પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે, પરંતુ એનો પરિભ્રમણનો સમય લગભગ સમાન છે. વળી અન્ય ગ્રહોની તુલનામાં થોડી વધુ અનુકૂળ સપાટી અહીં પ્રાપ્ત થાય છે. પરિણામે સુરક્ષિત એવા મંગળના ગ્રહ પર પહોંચવામાં ઓછો સમય લાગે તેમ છે અને તેથી અવકાશ કંપનીઓ ત્યાં પહોંચવાનો પહેલાં પ્રયાસ કરે તે શક્ય છે. 

આ અંતરિક્ષપર્યટન મોંઘું તો હશે જ, કારણ કે ન્યૂયોર્કથી દિલ્હી સુધીની વિમાની મુસાફરી કરતા આનો ખર્ચ ઘણો જંગી હશે. પૃથ્વીની સપાટીથી ભ્રમણકક્ષા સુધી ચોવીસ હજાર કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જવું પડશે અને તમે જ વિચારો કે આને માટે કેટલા બધાં બળતણની જરૂ૨ પડશે. 

આ મંગળ પર રિસોર્ટ બાંધવાની કલ્પના પણ કરવામાં આવે છે. આ રીતે એક અર્થમાં એમ કહી શકાય કે આપણા સૌરમંડળમાં પૃથ્વી પછી મંગળ સૌથી વધુ ૨હેવા યોગ્ય ગ્રહ છે, કારણ કે ત્યાંનું પાણી ખૂબ ઠંડું કે ખૂબ ગરમ નથી. માનવશરીર એને આસાનીથી અનુકૂળ થઈ શકે છે. માત્ર એટલું કે અવકાશયાત્રી મંગળની હવામાં શ્વાસ લઈ શકશે નહીં, કારણ કે પૃથ્વીના વાતાવરણ કરતા એ એકસો ગણું પાતળું હોય છે અને એમાં ખૂબ ઓછો ઓક્સિજન હોય છે. આથી અહીં રહેનારને ઓક્સિજનવાળા સ્પેસશૂટની જરૂર પડશે, પણ માનવી જરૂ૨ એક દિવસ આ સિદ્ધિ મેળવશે. 

અંતરિક્ષ એ માનવીને સદૈવ પડકાર ફેંકતું રહ્યું છે અને માનવી આ પડકારને ઝીલવા માટે આતુર છે.

ક્ષણનો સાક્ષાત્કાર 

આજના યુગમાં માનવીની સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે અને એની અધીરાઈ સતત વધતી જાય છે. એની સમક્ષ કોઈ પ્રશ્ન આવે કે એ ક્ષણના ય વિલંબ વિના તત્કાળ એનો પ્રતિભાવ આપતો હોય છે. સહેજે અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, તો એની સામે એના ગુસ્સાના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. આવી અધીરાઈને કારણે વ્યક્તિ પોતાની જિંદગીના સવાલો વિશે સ્વસ્થપણે વિચારી શકતી નથી. પોતાના જીવનમાં જાણે કોઈ ઝડપી દોડની સ્પર્ધામાં ઉતર્યો હોય એ રીતે તત્કાળ ઉત્તર આપતો રહે છે.

એ સાચું છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે એ અથાગ પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આવો પ્રયત્ન કરનારે સતત રાત-દિવસ ધૈર્ય ધારણ કરીને પ્રયોગશાળામાં પ્રયોગ કરનાર થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનો વિચાર કરવો જોઈએ. જેમણે નિષ્ફળ પ્રયોગોની હારમાળા વચ્ચે ય ક્યાંય અકળાયા નથી કે અટક્યા નથી.

વ્યક્તિનું સ્વાસ્થ્ય સુદૃઢ હોય તો એ સતત કામ કરી શકે છે, પરંતુ કોઈક દિવસ અણધારી બીમારી આવી જાય, સંસારની પરિસ્થિતિમાં એકાએક પલટો આવે અથવા તો સ્વપ્નસિદ્ધિ માટેની મહેનતમાં થોડી વાર અટકી જવું પડે તેમ હોય, તો એવા સમયે શાંતિથી થોભી જવાની સહિષ્ણુતા વ્યક્તિમાં હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ ઉત્સાહથી કેટલાંય કામો કરી શકતો હોય છે અને ક્યારેક એ કશુંક ન કરી શકતા હતોત્સાહ બની જતો હોય છે. વ્યક્તિ પાસે ધૈર્ય હોય તો આવી હતોત્સાહની વિપરીત પરિસ્થિતિને પાર કરી શકે છે. જો એનામાં સહિષ્ણુતાનો અભાવ હશે, તો એ ક્યાં તો પરિસ્થિતિ સામે ગુસ્સો ઠાલવીને બેચેન કે ઉદાસ બની જાય છે અથવા તો એની અસહિષ્ણુતા જ એના કાર્યમાં અવરોધ રૂપ બને છે. 

કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એને પાર પાડવા માટે ધૈર્યની જરૂ૨ છે. ધીરજથી વિચારનાર પોતાની ભૂલ સમજી શકે છે. ચોપાસની પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવી શકે છે અને એથી જ એ અણગમતા સંજોગો કે નિષ્ફળતાને અળગી કરીને આત્મવિશ્વાસથી આગળ ડગ ભરે છે અને વિચારે છે કે એનું આ એક પગલું ભવિષ્યમાં એને સફળતાની મંજિલે પહોંચાડશે.